ICC એ જાહેર કરેલી નવી ટેસ્ટ ચેમ્પિયનશીપ અને વનડે લીગ શું છે?

    2
    340

    ICCએ હાલમાં જ નવી ટેસ્ટ ચેમ્પિયનશીપ અને વનડે લીગની ઘોષણા કરી છે, શું હાલમાં આ પ્રકારના ફોર્મેટની જરૂર છે? આવો જાણીએ.

    ગયા શુક્રવારે એટલેકે 13મી ઓક્ટોબરે ICCએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને રિફ્રેશ કરવા માટે કેટલીક નવી જાહેરાતો કરી છે. આ જાહેરાતો અનુસાર હવે ટેસ્ટ ક્રિકેટનો પણ વર્લ્ડ કપ અથવાતો ચેમ્પિયનશીપ રમાશે અને વનડે ક્રિકેટમાં લીગ ક્રિકેટનું એક સાવ નવું ફોર્મેટ ઉમેરવામાં આવશે.

    ઘણા ક્રિકેટપ્રેમીઓ આ નવા નિયમોથી વાકેફ નથી અથવાતો સમજી શક્યા નથી. ચિંતા ન કરો eછાપું તમારા માટે ખાસ આ નિયમોની સરળ ભાષામાં સમજણ લઇ આવ્યું છે. તો ચાલો સમજીએ ક્રિકેટના બે નવા ફોર્મેટ વિષે જે ICCના મતે આ મહાન રમતમાં ઉર્જાનો નવો સંચાર કરશે.

    ICC ટેસ્ટ ચેમ્પિયનશીપ અને વનડે લીગના નવા ફોર્મેટની સાદી ભાષામાં સમજણ

    ICC ટેસ્ટ ચેમ્પિયનશીપ એટલે શું?

    ICCના આ નવા ફોર્મેટ અનુસાર તમામ નવ ટેસ્ટ રમતા દેશો છ સિરીઝ એકબીજાની સામે રમશે જેમાંથી ત્રણ પોતાના ઘરમાં અને ત્રણ વિરોધી ટીમના દેશમાં રમાશે. ટીમોના દેખાવ અનુસાર તેમને પોઈન્ટ્સ આપવામાં આવશે અને ત્યારબાદ વર્લ્ડ ટેસ્ટ લીગ ચેમ્પિયનશીપની ફાઈનલમાં વિજેતા નક્કી કરવામાં આવશે.

    ICC ટેસ્ટ ચેમ્પિયનશીપનો વિચાર ક્યાંથી આવ્યો?

    1997માં સાઉથ આફ્રિકન ક્રિકેટના તે સમયના સર્વેસર્વા અલી બાકર, પૂર્વ વેસ્ટ ઇન્ડીઝ કપ્તાન અને મહાન ક્રિકેટર ક્લાઈવ લોઈડ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પૂર્વ CEO આરીફ અલી અબ્બાસીએ ભેગા મળીને ટેસ્ટ વર્લ્ડ કપનો વિચાર સર્વપ્રથમ આગળ કર્યો હતો. પરંતુ આ વિચાર આવ્યા બાદ બાર વર્ષ તેના પર કોઈજ કામ ન થયું અને છેક 2009માં ICC એ આ વિચાર MCCની વિચારણા હેઠળ મુક્યો. આ વિચારને MCC સુધી લઇ જવા માટે ન્યુઝીલેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માર્ટીન ક્રોવની ભૂમિકા અતિશય મહત્ત્વની રહી હતી.

    2010માં દુબઈમાં મળેલી ICCની ચીફ એક્ઝીક્યુટીવ કમિટીની મિટીંગમાં ટેસ્ટ ચેમ્પિયનશીપની દરખાસ્ત પર વિચાર કરવામાં આવ્યો અને ગવર્નીંગ બોડીએ આ દરખાસ્તને સ્વિકાર પણ કરી દીધી. આટલું જ નહીં પરંતુ સર્વપ્રથમ ટુર્નામેન્ટ ઇંગ્લેન્ડમાં રમાશે એવી જાહેરાત પણ થઇ ગઈ. પરંતુ બીજા જ વર્ષે નાણાકીય તકલીફો અને બ્રોડકાસ્ટરો દ્વારા ઉઠાવવામાં આવેલા કેટલાક વાંધાઓને ધ્યાનમાં લઈને આ ટુર્નામેન્ટ પડતી મુકાઈ.

    એપ્રિલ 2012માં પણ આ પ્રકારની દરખાસ્ત પર ફરીથી વિચાર કરવામાં આવ્યો હતો અને 2017માં પ્લેઓફ્સ રમાડવાનું પણ નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ તે વિચાર પણ પડતો મુકવામાં આવ્યો.

    તો હવે આ વિચાર કેમ સ્વિકાર્ય બન્યો?

    ટેસ્ટ મેચો જોવા આવતા દર્શકોની સંખ્યામાં સતત ઘટાડો થઇ રહ્યો હોવાનું ખુદ ICCએ સ્વિકાર્યું છે આથી તેને પણ દર્શકોને ફરીથી સ્ટેડીયમમાં પરત લાવવા છે. આ ઉપરાંત બ્રોડકાસ્ટરો હવે લીગ ક્રિકેટ તરફ વધુ વળ્યા છે એટલે આ સૌથી જૂના ફોર્મેટમાં ખાસ બદલાવ ન કરતા તેમાં સ્પર્ધાનું પ્રમાણ ઉમેરવાના હેતુથી હવે આ વિચારને સ્વિકારવામાં આવ્યો છે.

    નવી ICC ટેસ્ટ ચેમ્પિયનશીપ ક્યારથી શરુ થશે?

    2019ના વનડે વર્લ્ડ કપ પૂરો થાય કે તરત જ આ ટેસ્ટ ચેમ્પિયનશીપ શરુ થઇ જશે. ટુર્નામેન્ટ 2021 સુધી ચાલુ રહેશે. હાલમાં ICCએ ચાર દિવસની ટેસ્ટ્સની મંજૂરી આપી છે પરંતુ ટેસ્ટ ચેમ્પિયનશીપ અંગે તેણે સ્પષ્ટ કહ્યું છે કે આ ટુર્નામેન્ટમાં પાંચ દિવસની જ ટેસ્ટ્સ રમાશે.

    એક સિરીઝમાં કેટલી ટેસ્ટ્સ હશે?

    તમામ ટીમોને ઓછામાં ઓછી બે અને વધુમાં વધુ પાંચ ટેસ્ટ્સ એક સિરીઝમાં આયોજીત કરવાનો આગ્રહ કરવામાં આવ્યો છે. હાલના સંજોગોમાં એશિઝ સિવાય અન્ય કોઇપણ દ્વિપક્ષીય સિરીઝમાં પાંચ ટેસ્ટ આયોજીત થશે તેની કોઈજ શક્યતાઓ નથી.

    ભારત અને પાકિસ્તાન એકબીજા સાથે હાલમાં કોઈજ દ્વિપક્ષીય સિરીઝ રમી નથી રહ્યા. આ અંગે કોઈ રસ્તો કાઢવા ICC વિચારણા કરી રહી છે.

    વનડે લીગ શું છે?

    વનડે લીગ દ્વિપક્ષીય વનડે સિરીઝને વધારે પ્રોત્સાહન આપવા માટે વિચારવામાં આવી છે. તમામ ટીમો એકબીજા સાથે આઠ સિરીઝ રમશે જેમાંથી ચાર સિરીઝ પોતાના ઘરમાં અને ચાર સિરીઝ વિપક્ષી ટીમના મેદાનો પર રમાશે. આ ટુર્નામેન્ટના દેખાવને આધારે ટીમોને 2023ના વર્લ્ડ કપમાં સીધી એન્ટ્રી મળશે.

    આ વનડે લીગમાં કોણ કોણ રમી શકશે?

    કુલ 13ટીમો આ વનડે લીગમાં રમશે જેમાં ICCના 12 પૂર્ણ સભ્યો એટલેકે ભારત, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, વેસ્ટ ઇન્ડીઝ, સાઉથ આફ્રિકા, બાંગ્લાદેશ, શ્રીલંકા, ઝિમ્બાબ્વે, બાંગ્લાદેશ, આયર્લેન્ડ અને અફઘાનિસ્તાન તેમજ એક એસોસિએટ મેમ્બર જેણે ICC વર્લ્ડ ક્રિકેટ લીગ ચેમ્પિયનશીપ જીતી હશે.

    શું આ નવો કોન્સેપ્ટ છે?

    ના, વિમેન્સ ક્રિકેટમાં આ ઓલરેડી ઉપયોગમાં લેવામાં આવી ચૂકેલો કોન્સેપ્ટ છે. વિમેન્સ ક્રિકેટમાં આઠ ટીમો ત્રણ-ત્રણ મેચોની Home અને Away સિરીઝમાં એકબીજા સામે રમે છે અને તે પ્રમાણે તેમને પોઈન્ટ્સ મળતા હોય છે. છેલ્લે 2014 થી 2016 સુધીમાં આવી વનડે લીગ રમાઈ હતી અને તેના પરિણામો અનુસાર 2017ના વિમેન્સ વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝને સીધી જગ્યા મળી હતી. ભારત, સાઉથ આફ્રિકા, પાકિસ્તાન અને શ્રીલંકાએ આયર્લેન્ડ, થાયલેન્ડ, બાંગ્લાદેશ અને સ્કોટલૅન્ડ સામે ક્વોલીફાયીંગ ટુર્નામેન્ટ રમવી પડી હતી.

    આ પ્રકારની લીગનો ફાયદો શું છે?

    એક સૌથી મહત્ત્વનો ફાયદો એ રહેશે કે અહીં કોઇપણ મેચ બિનજરૂરી નહીં હોય એટલેકે સિરીઝ ઓલરેડી જીતી ચુકાઈ હોય તે બાદની મેચોમાં જે બોરિયત આવી જાય છે તે હવે જોવા નહીં મળે કારણકે દરેક મેચનો એક-એક પોઈન્ટ મહત્ત્વનો બની રહેશે. આ ઉપરાંત નબળા વિપક્ષ સામે પણ ટીમો પોતાની બીજી હરોળની ટીમ મોકલતા અગાઉ વિચારશે અને લગભગ તો તેઓ એ પ્રકારની ટીમ મોકલશે પણ નહીં કારણકે એક મેચનું પરિણામ પણ તેમની વિરુદ્ધ ગયું તો વર્લ્ડ કપનો મોકો હાથથી જઈ શકે છે.

    eછાપું

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here