બહુચર્ચિત સ્પેન – કેટાલોનીયા વિવાદની ભીતરમાં એક ડોકિયું

    0
    322

    ગત અઠવાડિયે વિશ્વભરમાં કેટાલોનીયા શબ્દ વારંવાર આપણા કાને અથડાઈ રહ્યો હતો. ઇન્ટરનેશનલ ટીવી ચેનલો જેવીકે BBC અથવાતો CNN પર તો આ શબ્દ પર કલાકોની ચર્ચા પણ ચાલી હતી. ભારતના મીડિયાએ વિશ્વના આ નોંધપાત્ર ઘટનાક્રમને કાં તો ખાસ મહત્ત્વ આપ્યું ન  હતું અથવાતો તેને ઇગ્નોર કરવામાં આવ્યો હતો. કેટાલોનીયાના પ્રોબ્લેમને જો સીધી ભાષામાં સમજવો હોય તો તેને ભારતના જમ્મુ અને કાશ્મીરના પ્રોબ્લેમ સાથે થોડા અંશે સરખાવી શકાય. જો કે ફરક માત્ર એટલો છે કે ભારત સાથે જમ્મુ અને કાશ્મીરનું જોડાણ આધિકારિક રીતે થયું છે જ્યારે આજે બે સદી બાદ પણ કેટાલોનીયાને સ્પેન સાથે થયેલું અડધું પડધું જોડાણ નડી રહ્યું છે.

    આવો જાણીએ કે સ્પેનના માથાનો દુઃખાવો બની ગયેલો આ કેટાલોનીયાનો પ્રોબ્લેમ આખરે છે શું?

    કેટાલોનીયાની આઝાદીની માંગ બની સ્પેનના માથાનો દુઃખાવો

    સૌથી છેલ્લે સ્પેનના પ્રાંત કેટાલોનીયાની આઝાદીની ચળવળની શરૂઆત આ વર્ષે 13 સપ્ટેમ્બરે શરુ થઇ હતી અને ચળવળકારોએ 1 ઓક્ટોબરે જનમત લેવાની જાહેરાત કરી દીધી હતી. આ જાહેરાત થવાની સાથે જ સ્પેનના વડાપ્રધાન મારિયાનો રાજોયે એક ટેલિવિઝન બ્રોડકાસ્ટમાં સ્પષ્ટ જણાવી દીધું હતું કે આઝાદી તરફી કેટાલોનીયન નેતાઓએ આ જાતિવાદી અને ગેરકાનૂની ચળવળ તુરંત જ બંધ કરી દેવી. પરંતુ રાજોયના ઉદબોધન બાદ પણ બાર્સેલોનાની ગલીઓ ચળવળકારોથી ભરેલી જ રહી અને આ જનમત ન લેવાય તે માટે સ્પેનની સરકારે અત્યંત કડક પગલાં લેવાનું શરુ કરી દીધું.

    કેટાલોનીયાને શા માટે સ્પેનથી આઝાદી જોઈએ છીએ?

    કેટાલોનીયાની આઝાદીની માંગ આજકાલની નથી. સ્પેનનો જન્મ વેલેન્સિયાની 1707ની હાર બાદ થયો હતો. ત્યારબાદ 1714માં કેટાલોનીયા સ્પેનમાં જોડી દેવામાં આવ્યું અને 1715માં બીજા ટાપુઓ પણ સ્પેનમાં જોડવામાં આવ્યા. કેટાલોનીયાની સંસ્કૃતિ પહેલેથી જ સ્પેનની સંસ્કૃતિથી સાવ અલગ જ છે. અહીની ભાષા અલગ છે અને રીતિરિવાજ પણ સ્પેનથી સાવ નોખા છે. આમ પહેલેથી જ કેટાલોનીયાને સ્પેનથી અલગ ઓળખ જોઈએ છીએ.

    સમયની સાથે સાથે સ્પેન પર જે કોઈએ પણ રાજ કર્યું તેણે કેટાલોનીયાની સંસ્કૃતિને નજરઅંદાજ કરી અને સ્પેનના રીતિરિવાજ તેના પર ઠોકી બેસાડવાનું ચાલુ રાખ્યું. વીસમી સદીની શરૂઆતમાં કેટાલોનીયાને આધિકારિક રીતે કેટલીક સ્વાયત્તતા આપવામાં આવી જેને ‘જનરલીતેત’ તરીકે ઓળખવામાં આવે છે. અહીં કેટાલોનીયાની ખુદની સરકાર બની અને વર્ષો સુધી કોઇપણ તકલીફ વગર ચાલુ પણ રહી. પરંતુ સ્પેન પર જ્યારે ફ્રાન્સિસ્કો ફ્રેન્કો નામના સરમુખત્યારનું શાસન આવ્યું ત્યારે કેટાલોનીયાની સ્વાયત્તતા પર તરાપ મારવામાં આવી અને 1975માં ફ્રાન્કોના મૃત્યુ બાદ જ તેને તે પરત મળી ગઈ હતી પરંતુ આટલા સમયમાં કેટાલોનીયાના લોકોના દિલ પર પડેલા ઘા ઘણા ઉંડા થઇ ગયા હતા.

    લાગતું વળગતું: સ્પેઇન, પોર્ટુગલ અને FIFA World Cup 2018 ની રસપ્રદ વાતો

    2008માં આટલા વર્ષોની તમામ તકલીફો એકસાથે કેટાલોનીયાવાસીઓએ પોતપોતાના હ્રદયમાંથી બહાર કાઢી. આ પાછળ કારણ હતું સ્પેનમાં આવેલી મહામંદી. સ્પેન સાથે કેટાલોનીયાને પણ આર્થિક મુસીબતોનો સામનો કરવો પડ્યો હતો અને સમગ્ર સ્પેનને મંદીમાંથી ઉગારવા માટે બેઇલ આઉટ પેકેજ બહાર પાડવામાં આવ્યું. બેરોજગારી એટલી બધી વધી ગઈ હતી કે કેટાલોનીયાને સ્પેનથી આઝાદ કરવાની માંગ ફરીથી બળવત્તર બનવા લાગી. 2014માં લેવામાં આવેલા એક અનૌપચારિક જનમતમાં 80% કેટાલોનીયાવાસીઓએ સ્પેનથી અલગ થવાનો મત જાહેર કર્યો.

    સ્પેન સરકાર કેટાલોનીયાની આઝાદીનો વિરોધ કેમ કરે છે?

    કોઇપણ દેશ હોય તેને પોતાનો જ હિસ્સો તેનાથી છૂટો પડી જાય તે બિલકુલ પસંદ ન હોય તે સ્વાભાવિક છે. મેડ્રીડમાં બેસેલા સત્તાધીશોએ 1 ઓક્ટોબરે લેવામાં આવેલા જનમતને દિવસો અગાઉ જ ‘દુષ્ટતાપૂર્ણ’ જાહેર કરી દીધો હતો. ભલે આ એક ભાવનાત્મક રિએક્શન હોઈ શકે પણ તેની પાછળ આર્થિક કારણ ખૂબ મોટું છે. કેટાલોનીયા સ્પેનના અર્થતંત્રનો અત્યંત મહત્ત્વનો હિસ્સો છે. અહીંની કુલ વસ્તી 7.5 મિલિયન છે જે સ્પેનની કુલ વસ્તીના 16% છે. કેટાલોનીયા સ્પેનની GDPમાં 19% જેટલો મોટો ફાળો આપે છે. અહીં ઉત્પાદન, કન્સ્ટ્રકશન, ખેતી, ઉદ્યોગો ખૂબ ફૂલ્યા ફાલ્યા છે અને જો કેટાલોનીયા સ્પેનથી દૂર થઇને અલગ રાષ્ટ્ર બનશે તો સ્પેનના અર્થતંત્રને ઘણું સહન કરવાનું આવશે. સ્પેનના કુલ નિર્યાતનો ચોથો હિસ્સો કેટાલોનીયામાંથી જાય છે આમ અહીં પણ સ્પેનને ભારે ખોટ પડશે. આ ઉપરાંત એક ડર એવો પણ છે કે જો કેટાલોનીયાને સ્પેનથી અલગ થવાની મંજૂરી આપવામાં આવે તો બાસ્ક નામનો એક અન્ય પ્રાંત પણ આ પ્રકારની માંગણી ઉઠાવી શકે છે. જો કે હાલપૂરતું આવું થાય તેમ લાગી રહ્યું નથી.

    સ્પેનથી અલગ થવા બાદ કેટાલોનીયા માટે પણ રાહ આસાન નહીં હોય. તેને પણ આર્થિકરીતે ઘણું સહન કરવાનું આવશે. કેટાલોનીયાના છૂટા પડ્યા બાદ તરત જ એક નવી સરહદ અસ્તિત્વમાં આવશે અને જેનાથી સ્પેનનો આંતરિક વ્યાપાર અસર પામશે અને નવો કાયદો નોકરી કરનારાઓ પર પણ પોતાની સારીનરસી છાપ છોડશે. વળી, કેટાલોનીયાને યુરોપીયન યુનિયન એટલેકે EUમાં તરતજ સ્થાન નહીં મળે કારણકે એ પ્રોસેસ ઘણી લાંબી છે. આથી તેને EUના સભ્ય દેશને મળતા કોઈજ લાભ નજીકના ભવિષ્યમાં તો નહીં જ મળે. યુરોપીયન કમીશનના પ્રમુખ જોં ક્લોદ જ્ન્કરે સ્પષ્ટ કહ્યું છે કે સ્કોટલેંડની આઝાદી માટે જેમ યુકેની સરકારે જનમત લેવાની હા પાડી હતી તેવી રીતે જ જો કેટાલોનીયાના જનમત માટે સ્પેનની સરકાર મંજૂરી આપે અને બાદમાં જો કેટાલોનીયા એક અલગ રાષ્ટ્ર બનશે તો જ EU તેને સભ્ય બનાવવા માટે વિચારી શકે છે. આમ કેટાલોનીયાનું EUનું સભ્ય બનવું અમસ્તું પણ સરળ નથી.

    1 ઓક્ટોબરના જનમતનું શું પરિણામ આવ્યું?

    1 ઓક્ટોબરના જનમતને સ્પેનની સરકારે ગેરબંધારણીય જાહેર કરીને સ્પેનની પોલીસને જ્યાં જ્યાં પણ જનમત લેવાની કોશિશ કરવામાં આવે ત્યાં તેને રોકવાનો અથવાતો જે બિલ્ડીંગોમાં આ જનમત થઇ શકે તેને સીલ કરવાનો અને કોઇપણ એવું સાધન દેખાય કે જેને જનમત માટે ઉપયોગમાં લઇ શકાય છે જેમકે બેલેટ બોક્સ, તેને તત્કાલ પોતાના કબજામાં લઇ લેવાનો આદેશ આપ્યો હતો. પરંતુ તેમ છતાં કેટાલોનીયાના આઝાદીના નેતાઓએ જનમત થયો હોવાનો અને 90% મતદારોએ આઝાદીની તરફેણમાં મત આપ્યો હોવાનું જાહેર કર્યું છે.

    જ્યારે સ્પેનની સરકારે જનમત માટે અત્યંત ઓછી સંખ્યામાં લોકો આગળ આવ્યા હોવાનું જણાવ્યું છે. તો કેટાલોનીયાના નેતા કાર્લ્સ પીગડેમોન્ટે હાલપૂરતો આ મુદ્દો શાંત કરી દેવાની અપીલ કરી છે. એક તાજા ઘટનાક્રમમાં સ્પેનના ઉપપ્રધાનમંત્રી સોરાયા સેન્ઝ ડી સેન્ટામારિયાએ આક્ષેપ કર્યો છે કે પીગડેમોન્ટ કેટાલોનીયાએ ખરેખર સ્પેનથી આઝાદી માંગી છે કે નહીં તે સ્પષ્ટ કરવામાં નિષ્ફળ ગયા છે અને તેમને આ ગુરુવાર એટલેકે 19 ઓક્ટોબર સુધીમાં પરિસ્થિતિ સ્પષ્ટ કરવાનું જણાવ્યું છે.

    eછાપું

    તમને ગમશે: જો ‘સોશિયલ મીડિયા ચૂંટણી’ આવે તો?

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here