કાસ્ટિંગ કાઉચ બોલીવુડ માં હોલીવુડ જેટલું જ પ્રચલિત

    0
    253

    બોલીવુડ માં જો આવા કિસ્સાઓ બહાર આવે તો કદાચ નવાઈ ન લાગે પરંતુ જ્યારથી ન્યૂ યોર્ક ટાઈમ્સ અને ન્યૂ યોર્કર દ્વારા એક્સ્પોઝે કરવામાં આવ્યું છે ત્યારથી હોલીવુડ ના મોટા ડિરેક્ટર્સમાંથી એક એવા હાર્વે વેઇનસ્ટેઇનના તેમની સાથે કામ કરનારી અભિનેત્રીઓ પર તેમણે કરેલા સેકસ્યુઅલ હેરેસમેન્ટ, હુમલા અને બળાત્કારની નવી નવી હકીકતો બહાર આવતી જ જાય છે. વેઇનસ્ટેઇનને ખુલ્લા પાડવામાં જાણીતી હોલીવુડ અભિનેત્રીઓ એન્જેલીના જોલી અને ગ્વેનેથ પોલ્ટ્રો પણ સામેલ છે.

    સંઘર્ષ કરતી અથવાતો અમુક રોલ પોતાને જ મળે તેવી અપેક્ષા રાખતી હિરોઈનોની જાતીય સતામણી કરવી અથવાતો તેમનો શારીરિક લાભ લેવો તે માત્ર હોલીવુડ પુરતું જ મર્યાદિત નથી. બોલીવુડમાં પણ કાસ્ટિંગ કાઉચના નામે આ પ્રથા પ્રચલિત છે. પરંતુ બદનામીના ડરથી બોલીવુડના વિવિધ ડિરેક્ટરો તેમના રૂમના બારણા પાછળ કેવા કેવા ખેલ કરે છે તેની બહુ ઓછી વિગતો આપણે ત્યાં બહાર આવી છે. જો કે સમય હવે બદલાઈ રહ્યો છે અને બોલીવુડની હિરોઈન ઉપરાંત હીરો પણ પોતાની સાથે થયેલા કાસ્ટિંગ કાઉચના અનુભવોને સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે.

    બોલીવુડમાં પણ પ્રચલિત છે કાસ્ટિંગ કાઉચ

    બે વર્ષ અગાઉ કલ્કી કોચલીને સ્વિકાર્યું હતું કે તેની જાતીય સતામણી એકવાર નહીં પરંતુ ઘણીવાર થઇ ચૂકી છે પરંતુ તેણે કાયમ ‘ના’ કહેવાની હિંમત દર્શાવી છે. કલ્કીનું કહેવું છે કે એવા ઘણા નિર્દેશકો છે જેણે મારી કોઈને કોઈ નબળાઈ જાણીને તેનો લાભ લેવાની કોશિશ કરી છે પરંતુ તેણે કાયમ મક્કમતાથી તેનો વિરોધ કર્યો છે અને જ્યારે પણ તેને ક્યાંય અસહજ મહેસૂસ થાય ત્યારે ત્યાંથી તેણે ચાલતી પકડવાનું જ બહેતર માન્યું છે.

    તો ગયા વર્ષે તારે ઝમીં પરથી લોકપ્રિય બનેલી ટિસ્કા ચોપરાએ પણ ખુલ્લેઆમ YouTube પર પોતાની સાથે થયેલા કાસ્ટિંગ કાઉચનો અનુભવ વર્ણવ્યો હતો. આ અનુભવમાં ટિસ્કાએ કોઈ સર્પ જેવા ડિરેક્ટરની વાત કરી હતી જેણે તેને જોઇને લાળ પાડી હતી.

    દક્ષિણની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ આવા કિસ્સાઓ અવારનવાર બહાર આવતા રહે છે. ગત ફેબ્રુઆરીમાં અભિનેત્રી વરાલક્ષ્મી શરતકુમારે એક જાણીતી ટીવી ચેનલના હેડ દ્વારા એક રોલના બદલામાં સેક્સની માંગણી કરી હોવાનું કહ્યું હતું. વરાલક્ષ્મીનું કહેવું હતું કે જ્યારે બહારના લોકોને આ અનુભવો અંગે કહીએ છીએ ત્યારે તેઓ એમ જ કહે છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે જ એવી. પરંતુ તે માંસનો લોચો બનવા માટે આ ઇન્ડસ્ટ્રીમાં આવી નથી.

    ટેલેન્ટેડ અભિનેત્રી રાધિકા આપ્ટે એ પણ પોતાનો અનુભવ જણાવતા કહ્યું હતું કે એકવાર કોઈનો કોલ આવ્યો અને કહ્યું કે તેને લાયક એક ફિલ્મમાં એક રોલ છે અને આ માટે તેણે તેમને મળવું પડશે. પરંતુ શું તે એ વ્યક્તિ સાથે સુઈ શકે છે? રાધિકા આપ્ટે એ જણાવ્યું હતું કે તેને પહેલા તો આ સાંભળીને હસવું આવ્યું પરંતુ બાદમાં તેણે સ્પષ્ટ ના પાડી દીધી.

    લગભગ છ વર્ષ પહેલા મીડિયામાં પાયલ રોહતગી અને ડિરેક્ટર દિબાકર બેનર્જીનો વિવાદ સામે આવ્યો હતો. પાયલનો આરોપ હતો કે શાંઘાઈ ફિલ્મના કાસ્ટિંગ સમયે દિબાકરે તેની પાસે અણછાજતી માંગણી કરી  હતી. જો કે દિબાકર બેનર્જીએ આ આરોપ ફગાવી દીધો હતો. થોડો સમય ન્યૂઝ ચેનલોમાં આ વિવાદ ખાસોએવો ચગ્યો હતો પરંતુ બાદમાં તે શાંત થઇ ગયો હતો.

    એવું નથી કે અભિનેત્રીઓને જ કાસ્ટિંગ કાઉચનો ભોગ બનવો પડે છે. અદાકારોને પણ હવે આ સમસ્યાનો સામનો કરવો પડે છે. રણવીર સિંઘ અને આયુષ્યમાન ખુરાના જાહેરમાં આ અંગે ખુલાસો કરી ચુક્યા છે. રણબીરે પોતાના સંઘર્ષના સમયમાં કાસ્ટિંગ કાઉચની ઓફર આવી હોવાનું એક ટીવી ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું પરંતુ તેના કહેવા અનુસાર તેણે એ ઓફર નમ્રતાપૂર્વક અસ્વીકારી હતી.

    એવું નથી કે બોલીવુડમાં થતા કાસ્ટિંગ કાઉચના આરોપો સાચા જ હોય છે. મધુર ભંડારકરના કિસ્સામાં ઉલટી ગંગા વહી હતી. પ્રીતિ જૈન નામક એક અભિનેત્રીએ મધુર પર પાંચ વર્ષમાં તેના પર સોળ વખત બળાત્કાર કરવાનો આરોપ મુક્યો હતો. આના બદલામાં પ્રીતિને તે પોતાની ફિલ્મમાં રોલ અપાવશે તેમ પણ પ્રીતિ જૈને જણાવ્યું હતું. આ આરોપ સામે મધુર કોર્ટમાં ગયા હતા જ્યાં તેમને કોર્ટે નિર્દોષ છોડી મૂક્યા હતા. મધુરનું કહેવું છે કે આ પ્રકારની બદી માત્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નહીં પરંતુ અન્ય ઇન્ડસ્ટ્રીઝમાં પણ જોવા મળે છે, પરંતુ બોલીવુડની ઘટનાઓ તરત છાપે ચડી જાય છે કારણકે અહીં દરેકને લાઇમલાઇટમાં રહેવું ગમતું હોય છે.

    બોલીવુડમાં જાતીય સતામણીના કિસ્સા બહાર આવવાનું પ્રમાણ અત્યારસુધી તો ઘણું ઓછું છે પરંતુ જેમ જેમ તેમાં વધારો થતો જશે અને એન્જલીના જોલીની જેમ અભિનેત્રીઓ હિંમત દેખાડીને પ્રોડ્યુસર અને ડિરેક્ટરનું નામ લેતી થશે ત્યારેજ આ બદીનો અંત આવવાની શરૂઆત થશે.

    eછાપું

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here