ICC ના બે નવા ફોર્મેટમાં વચ્ચે આવશે ભારત વિ પાકિસ્તાન સિરીઝની મક્ષિકા

  0
  399

  ICC એ છેવટે લાંબા સમયની વિચારણા બાદ ટેસ્ટ ચેમ્પિયનશીપ અને વનડે લીગની જાહેરાત કરી જ દીધી. ટેસ્ટ ચેમ્પિયનશીપ 2019ના વર્લ્ડ કપ પછી શરુ થઇ જશે એમ પણ જાહેર કરવામાં આવ્યું છે. આપણને આશા હોય જ કે ICC એ બધી જ બાબતોનો વિચાર કરીને ઉપરના બે નિર્ણયો લીધા હશે કારણકે ક્રિકેટ એડમિનિસ્ટ્રેશનના ખેરખાં અહીં પોતાના મગજ લડાવતા હોય છે. પણ જ્યારે આ બંને ફોર્મેટની પૂર્વ શરતો પર નજર નાખીએ ત્યારે એમ થાય કે શું ICC એ ખરેખર એક ગંભીર સમસ્યા પર વિચાર કર્યો છે કે એમનેમ જ આ જાહેરાત કરી દીધી હશે?

  આ ગંભીર સમસ્યાનું નામ છે ભારત વિરુદ્ધ પાકિસ્તાનની દ્વિપક્ષીય ક્રિકેટ સિરીઝ. 2008ના મુંબઈ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન ભાગ્યે જ દ્વિપક્ષીય સિરીઝ રમ્યા છે. છેલ્લે ભારત અને પાકિસ્તાન 2012-13માં કોઈ દ્વિપક્ષીય સિરીઝ રમવા આમને સામને થયા હતા. ICC ના બંને નવા ફોર્મેટમાં દરેક ટીમોએ એકબીજાના ઘરમાં જઈને ટેસ્ટ અને વનડે સિરીઝ રમવાનું સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે, પરંતુ ભારત અને પાકિસ્તાન વચ્ચેના રાજકીય સંબંધો જ્યાં સુધી સુધરશે નહીં ત્યાં સુધી એટલીસ્ટ ભારત સરકાર ટીમને પાકિસ્તાન સામે કોઈ દ્વિપક્ષીય સિરીઝ રમવાની પરવાનગી આપે તેવું લાગતું નથી.

  ભારતના જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં પાકિસ્તાન સરકાર સીધી રીતે આતંકવાદને મદદ કરે છે તે જગજાહેર છે અને આ જ કારણસર ભારતે હાલમાં પાકિસ્તાન સાથેના તેના તમામ પ્રકારના સંબંધો સ્થગિત કરી દીધા છે. પાકિસ્તાનની કાશ્મીર અંગેની નીતિમાં કોઈ મોટો ફેરફાર આવનારા વર્ષોમાં થાય તેવી કોઈજ શક્યતાઓ દેખાતી નથી. આવા સંજોગોમાં 2019 પછી પણ પાકિસ્તાન સામે ભારત કોઈ દ્વિપક્ષીય સિરીઝમાં ભાગ લેશે કે કેમ એ એક મોટો સવાલ છે.

  પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધ્યક્ષ નજમ સેઠીએ હાલમાં જ જણાવ્યું હતું કે પાકિસ્તાન ICC ટેસ્ટ ચેમ્પિયનશીપ અને વનડે લીગમાં ત્યારે જ હિસ્સો લેશે જ્યારે ભારત અને પાકિસ્તાનની દ્વિપક્ષીય સિરીઝ શક્ય બને. નજમ સેઠીએ BCCIના પૂર્વ પ્રમુખ જગમોહન દાલમિયાના સમયમાં થયેલા MOUના ભંગને પણ યાદ અપાવ્યો છે અને કહ્યું છે કે જો ભારત ICC ટેસ્ટ ચેમ્પિયનશીપ અને વનડે લીગમાં પણ પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય સિરીઝ રમવા માટે તૈયાર થાય તો તેને આ MOU ભૂલી જવામાં કોઈજ વાંધો નથી.

  જગમોહન દાલમિયા જ્યારે માંદગીમાંથી પસાર થઇ રહ્યા હતા ત્યારે તેમણે PCBના પૂર્વ અધ્યક્ષ શાહરીયાર ખાન સાથે સાત વર્ષ માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય સિરીઝ રમાય તેવા કરાર કર્યા હતા. પરંતુ દાલમિયાના અવસાન બાદ BCCI એ ભારત સરકારની પાકિસ્તાન નીતિ ને ફોલો કરતા આ MOU પ્રત્યે સતત દુર્લક્ષ સેવ્યું છે. PCB એ ICC ને પણ આ અંગે ફરિયાદ કરી હતી પરંતુ ભારત ICC નું મજબૂત મેમ્બર હોવાથી ICC ના BCCI વિરુદ્ધ કાર્યવાહી કરવાથી હાથ બંધાયેલા છે. PCB એ BCCI વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાનું પણ નક્કી કરી લીધું છે.

  આ બધું જ્યારે ચાલી રહ્યું હતું ત્યારે જ ICC ના આ બંને નવા ફોર્મેટ જાહેર થયા છે. આ જાહેરાત સમયે પણ કેટલાક પત્રકારોએ બંને ફોર્મેટ અનુસાર બે દેશો વચ્ચે દ્વિપક્ષીય ટેસ્ટ અને વનડે સિરીઝ રમાવી ફરજીયાત હોવાથી શું ભારત અને પાકિસ્તાન એકબીજા સામે દ્વિપક્ષીય સિરીઝ ન રમે તો? એવા સવાલના જવાબમાં ICC એ પોતે કોઈ રસ્તો શોધી કાઢશે એવો જવાબ આપ્યો હતો. નિયમોમાં સ્પષ્ટ કહ્યું છે કે બંને દેશોએ પોતપોતાના દેશમાં અને વિરોધી ટીમના દેશમાં જઈને સિરીઝ રમવાની છે. પાકિસ્તાનતો છેલ્લા ઘણા વર્ષોથી યુએઈમાં ગૃહ સિરીઝ રમી રહ્યું છે પરંતુ શું ભારત સરકાર પાકિસ્તાની ટીમને ભારતમાં રમવાની અને સૌથી મોટો સવાલ ભારતને પાકિસ્તાન સામે દ્વિપક્ષીય સિરીઝ રમવાની છૂટ આપશે કે કેમ? એ છે.

  એક ટેક્નીકલ રસ્તો આ મુદ્દે જરૂરથી નીકળી શકે છે. ભારત સરકારે BCCI ને કોઇપણ ICC અથવાતો બહુપક્ષીય ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સામે રમવાની છૂટ આપી છે. ટેસ્ટ ચેમ્પિયનશીપ અને વનડે લીગ પણ ટેક્નીકલી તો ICC ઈવેન્ટ્સ જ છે, ફરક માત્ર એટલો છે કે અહીં મેચોની સિરીઝ રમવાની છે નહીં કે એક ટુર્નામેન્ટમાં એક કે બે મેચો રમવાની. હવે આ ટેક્નીકલ બોલ BCCIના કોર્ટમાં છે કે તે ભારત સરકારના વિદેશ મંત્રાલયને કેવી રીતે સમજાવી શકશે કે તે ભારતની ટીમને પાકિસ્તાન સામે એક ICC ટુર્નામેન્ટમાં રમવા મોકલવા માંગે છે નહીં કે કોઈ દ્વિપક્ષીય ટુર્નામેન્ટમાં.

  જો BCCI ભારત સરકારના ગળે આ ટેક્નીકલ ફેરફાર ઉતારી શકવામાં સફળ જશે તો ICC ની નવી ટુર્નામેન્ટ પર આવનારી તમામ મુશ્કેલીઓ આસાનીથી દૂર પણ થઇ જશે અને PCB BCCI સામે MOUના ભંગ બદલ જે કાયદેસરના પગલા લેવાનું વિચારી રહ્યું છે તે વિચાર પણ તે પડતો મુકશે.

  eછાપું

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here