આવો જઈએ રોહિન્ગ્યા મુસ્લિમોની સમસ્યાના મૂળમાં

  0
  372

  રોહિન્ગ્યા શબ્દ આજકાલ આપણા કાને ખૂબ પડી રહ્યો છે. આ મુદ્દે આપણે ત્યાં કેટલાક માનવતાવાદી સંગઠનો સુપ્રીમ કોર્ટમાં પણ ગયા હોવાથી ભારતમાં પણ તેને સારું એવું કવરેજ મળી રહ્યું છે. ભારત સરકાર રોહિન્ગ્યા મામલે સ્પષ્ટ છે, તેનું કહેવું છે કે, કોઇપણ રોહિન્ગ્યા શરણાર્થી દેશમાં ઘુસવો જોઈએ નહીં કારણકે તેનાથી દેશની સુરક્ષાને તકલીફ પડી શકે તેમ છે. સરકારના સમર્થકો અને વિરોધીઓ સરકારના આ સ્ટેન્ડને પકડીને સોશિયલ મીડિયામાં આ અંગે હલચલ મચાવી રહ્યા છે. પરંતુ ખરેખર કોઈને આ સમસ્યા અંગે સત્યતાની ખબર છે ખરી? કદાચ નથી અને એટલા માટે જ આપણે આજે આ સમસ્યાના મૂળ સુધી જવાનો પ્રયાસ કરીશું અને જાણીશું કે ખરેખર આ રોહિન્ગ્યા મુસ્લિમોને સ્વિકારવા ભારત કે પછી અન્ય કોઈ એશિયાઈ દેશ કેમ તૈયાર નથી?

  આ રોહિન્ગ્યા કોણ છે?

  આ વર્ષની શરૂઆત સુધીમાં મ્યાનમારમાં રોહિન્ગ્યાની કુલ વસ્તી લગભગ એક મિલિયન જેટલી હતી. મ્યાનમારમાં રોહિન્ગ્યા બૌદ્ધ બહુમતીની સરખામણીએ અન્ય લઘુમતીઓની જેમ ઘણી નાની સંખ્યામાં છે. જો કે જો બર્માના તમામ મુસ્લિમોની વાત કરીએ તો રોહિન્ગ્યા તેમાં સૌથી વધારે વસ્તી ધરાવે છે. બર્માના રખાઈન પ્રાંતમાં રોહિન્ગ્યાની મોટી વસ્તી આવેલી છે. રોહિન્ગ્યા પોતાને આરબોના વંશજ ગણે છે અને તેમની પોતાની ભાષા અને સંસ્કૃતિ છે જે તેઓ પેઢીઓ અગાઉ પોતાની સાથે મ્યાનમાર લાવ્યા હતા. મ્યાનમાર જ્યાં બૌદ્ધ ધર્મ પાળતા લોકોની વસ્તી સૌથી વધારે છે ત્યાં રોહિન્ગ્યાને તેમના નાગરિક સુધ્ધાં ગણવાની સરકારે મનાઈ કરી દીધી છે એટલું જ નહીં પરંતુ 2014માં થયેલી વસ્તી ગણતરીમાં રોહિન્ગ્યાની વસ્તી ગણતરી કરવામાં આવી ન હતી. રોહિન્ગ્યા મુસ્લિમોને મ્યાનમાર સરકાર બાંગ્લાદેશથી આવેલા નિરાશ્રીતો ગણે છે.

  વિશ્વના દેશોમાં રોહિન્ગ્યા મુસ્લિમોનો ફેલાવો

  Photo Courtesy: Human Rights Watch

  Photo Courtesy: Human Rights Watch

  ઉપર આપેલા ગ્રાફિકને ધ્યાનથી જોઈએ તો ખ્યાલ આવે છે કે 1970ના દસકાથી જ રોહિન્ગ્યા મુસ્લિમો એશિયાના વિવિધ દેશોમાં શરણ લઇ રહ્યા છે. અત્યારની પરીસ્થિતિ જોઈએ તો મ્યાનમારના લગભગ પાંચ લાખ કરતા બાંગ્લાદેશમાં રોહિન્ગ્યાઓ વધુ સંખ્યામાં એટલેકે લગભગ સાડાનવ લાખની સંખ્યામાં છે. પાકિસ્તાનમાં પણ સાડાત્રણ લાખ જેટલા રોહિન્ગ્યાઓ વસ્યા છે. ભારતમાં તેમની સંખ્યા ચાળીસ હજાર જેટલી છે અને આશ્ચર્યજનક હકીકત એ છે કે ભારતમાં રોહિન્ગ્યાઓને ગત સરકાર દ્વારા જમ્મુ અને કાશ્મીરમાં વિસ્થાપિત કરવામાં આવ્યા છે જ્યાં કાશ્મીરીઓ સીવાય ભારતના અન્ય કોઇપણ રાજ્યના વ્યક્તિને રહેવાનો અધિકાર નથી.

  રોહિન્ગ્યાઓ કેમ ભાગી રહ્યા છે?

  25 ઓગસ્ટે રોહિન્ગ્યા આર્સા આતંકવાદીઓએ મ્યાનમારની ત્રીસથી પણ વધુ પોલીસ ચોકીઓ પર હુમલો કર્યો હતો. ત્યારબાદ મ્યાનમારની સેનાએ વળતી કાર્યવાહી કરી અને રોહિન્ગ્યાઓનું પલાયન શરુ થયું હતું. બાંગ્લાદેશના કોક્સ બાઝારમાં આવી પહોંચેલા રોહિન્ગ્યાઓનો દાવો છે કે આર્સા આતંકવાદીઓના હુમલાઓના બદલામાં મ્યાનમારની સેના તેમજ સ્થાનિક બૌદ્ધ લોકોના ટોળાઓએ તેમના અસંખ્ય ગામડાઓ બાળી નાખ્યા અને ઘણા બધા નાગરિકોને મોતના ઘાટ પણ ઉતારી દીધા હતા. એમનેસ્ટી ઇન્ટરનેશનલનો દાવો છે કે મ્યાનમારની સેનાએ ફક્ત રોહિન્ગ્યાઓને માર્યા જ નથી પરંતુ તેમની મહિલાઓ પર બળાત્કાર પણ કર્યા છે. જ્યારે સેનાનો દાવો છે કે તેમનું ઓપરેશન 5 સપ્ટેમ્બરે પૂર્ણ થઇ ગયું હતું.

  રોહિન્ગ્યાઓ પર ખરેખર અત્યાચાર થયા છે?

  Photo Courtesy: Human Rights Watch

  Photo Courtesy: Human Rights Watch

  હ્યુમન રાઈટ્સ વોચ દ્વારા ખેંચવામાં આવેલી સેટેલાઈટ તસ્વીરો જણાવે છે કે લગભગ 288 ગામડાઓ જે રખાઈન પ્રાંતમાં આવેલા છે તેમને સંપૂર્ણપણે બાળી નાખવામાં આવ્યા છે. આ તસ્વીરોમાં સ્પષ્ટ દેખાય છે કે અસંખ્ય આવાસો હવે માત્ર રાખ બની ગયા છે. હ્યુમન રાઈટ્સ વોચના કહેવા અનુસાર સૌથી વધુ નુકસાન મુંગડાઉ ટાઉનશીપમાં થયું છે અને તે પણ 25 ઓગસ્ટથી 25 સપ્ટેમ્બરના એક મહિનાના ગાળામાં.

  રોહિન્ગ્યા સમસ્યા કેટલી હદ સુધી વકરી ગઈ છે?

  Video Courtesy: CGTN

  UNના જણાવ્યા અનુસાર રોહિન્ગ્યા સમસ્યા એ વિશ્વની સૌથી તેજ ગતિથી વધી રહેલી વિસ્થાપિતોની સમસ્યા છે. ઓગસ્ટ અગાઉ UNHCRના આંકડાઓ અનુસાર 3,07,500 રોહિન્ગ્યા શરણાર્થીઓ રેફ્યુજી કેમ્પમાં નિવાસ કરી રહ્યા છે. મોટાભાગના રોહિન્ગ્યા વિસ્થાપીતો બાંગ્લાદેશના કોક્સ બાઝારમાં આવ્યા છે અને તેમાંથી મોટાભાગના માત્ર પહેરેલા કપડે જ ત્યાં આવ્યા છે.  અત્યારસુધીમાં અહીં પહોંચેલા 5,37,000 રોહિન્ગ્યા શરણાર્થીઓમાંથી 58% બાળકો અને પુખ્તવયનાઓમાંથી 60% મહિલાઓ છે.

  બાંગ્લાદેશમાં આવી પહોંચેલા રોહિન્ગ્યા મુસ્લિમો અહીં રહે છે: કુટુપાલોંગ, બર્માપાડા, હકીમપાડા, શામલાપુર, નયાપાડા, લેડા, ઉંચીપ્રાંગ,બગ્ગોહા અને જામતોલી.

  બાંગ્લાદેશના આ તમામ વિસ્તારો મ્યાનમારના રખાઈન વિસ્તારને અડીને આવેલા છે. કુટુપાલોંગમાં સૌથી વધુ શરણાર્થીઓ આવ્યા છે અને એમણે જાતેજ કોઇપણ મદદ વગર રેફ્યુજી કેમ્પ ઉભા કરી દીધા છે. જ્યારે નજીકના બાલુખાલીમાંથી રોહિન્ગ્યાઓના આવવાનો પ્રવાહ સતત ચાલુ રહ્યો છે.

  રોહિન્ગ્યા મુસ્લિમોના મામલે અત્યારસુધી મળેલી આંતરરાષ્ટ્રીય મદદ અને સ્થિતિ

  • Unicef અનુસાર 7,20,000 બાળકોને માનવીય મદદની જરૂરીયાત છે.
  • આવનારા છ મહિનાઓ માટે UNને માનવીય મદદ પૂરી પાડવા 434 મિલિયન અમેરિકન ડોલર્સના ફંડની તાત્કાલિક જરૂરિયાત છે.
  • અત્યારસુધીમાં કુલ નવ લાખ કોલેરા પ્રતિરોધક રસીના ડોઝ મોકલવામાં આવ્યા છે.
  • 2,50,000 લોકો માટે બાંગ્લાદેશ સેના દ્વારા 10,000 શૌચાલયો બાંધવામાં આવનાર છે.
  • પાંચ હવાઈ ઉડ્ડયન દ્વારા અત્યારસુધી 500 ટન રાહત સામગ્રી પહોંચાડવામાં આવી છે.
  • UNની સુરક્ષા પરિષદે મ્યાનમાર સરકારને હિંસા રોકવા અને રોહિન્ગ્યા મુસ્લિમો પર કોઇપણ પ્રતિબંધ ન મુકવાની અપીલ કરી છે.
  • અમેરિકન સરકારે મ્યાનમારની સેનાને કાયદાનું પાલન કરવાની, હિંસા રોકવાની અને તમામ પ્રકારના નાગરિકોના વિસ્થાપનને અટકાવવાની અપીલ કરી છે.
  • ચીનના કહેવા અનુસાર આંતરરાષ્ટ્રીય સમાજે મ્યાનમારના તેના રાષ્ટ્રીય વિકાસ માટે જરૂરી તેવા સ્થિરતાના પગલાને ટેકો આપવાની વાત કરી છે.
  • બાંગ્લાદેશ સરકાર કોક્સ બાઝાર વિસ્તારમાં વધુ શેલ્ટર હોમ્સ બાંધવા જઈ રહ્યું છે તેમજ તે રોહિન્ગ્યાઓના દેશના અન્ય વિસ્તારોમાં જવાથી રોકવા માંગે છે.
  • મ્યાનમાર સરકારે રોહિન્ગ્યાઓને રખાઈન પ્રાંતમાં ઉભા કરેલા રેફ્યુજી કેમ્પમાં જ શરણ લેવાની અપીલ કરતા ચેતવણી આપી છે કે સરહદ પાર કરી ગયેલા શરણાર્થીઓ મ્યાનમાર પરત આવી શકશે નહીં.
  • UKએ એક ઈમરજન્સી ફંડ ઉભું કરવાની અપીલ કરી છે તેમજ વડાપ્રધાન થેરેસા મે દ્વારા રખાઈન પ્રાંતમાં થઇ રહેલા ઓપરેશન્સને બંધ કરવાની તાકીદ કરતા મ્યાનમાર સેના માટે UK સરકાર દ્વારા ચલાવવામાં આવતા ટ્રેઈનીંગ કોર્સને બંધ કરવામાં આવ્યા છે.
  • ભારત સરકાર એક પણ રોહિન્ગ્યા મુસ્લિમને દેશમાં સ્વિકારવા તૈયાર નથી, ભારતને રોહિન્ગ્યાઓ દેશની સુરક્ષા માટે ભયજનક લાગે છે. હાલમાં આ મુદ્દો સુપ્રીમ કોર્ટના ધ્યાન હેઠળ છે.

  eછાપું 

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here