છોકરીઓને ટેક્નોલોજી તરફ આકર્ષવા માટે રોબોટ નો ઉપયોગ

  0
  401

  રોબોટ આવનારા સમયમાં આપણા જીવનનું અભિન્ન અંગ બની જવાનું છે. રોબોટ માત્ર ઘરકામમાં કે ઉદ્યોગોમાં કામ આવે અથવાતો આવનારા વર્ષોમાં પણ તે એમ જ કરતા રહેશે એવું પણ નથી. એક નવું અને રસપ્રદ સંશોધન એવું કહે છે કે રોબોટ અન્ય મહત્ત્વના કાર્યોમાં પણ કામમાં આવી શકે છે, જેમકે છોકરીઓને સાયન્સ અને ટેક્નોલોજી તરફ આકર્ષવામાં .

  એવું નથી કે ફક્ત ભારતમાં જ ઈન્જીનીયરીંગ, સાયન્સ વગેરે ક્ષેત્રોમાં આગળ આવવા માટે માત્ર છોકરાઓને જ પ્રોત્સાહન આપવામાં આવે છે અને છોકરીઓને નહીં. અમેરિકામાં હાલમાં થયેલા એક સર્વેક્ષણ અનુસાર ત્યાં પણ એવી માન્યતા પ્રવર્તે છે કે અમુક પ્રકારનું શિક્ષણ અને નોકરીઓ માત્ર છોકરાઓ માટે જ બની છે. જો કે કુદરતી રીતે આ માન્યતા સાચી નથી તેની આપણને જાણ છે જ.

  ઉપર જે સરવેની વાત કરવામાં આવી તેમાં જણાવાયું છે કે કમ્પ્યુટીંગ સાથે સંકળાયેલી નોકરીઓમાં મહિલાઓની સંખ્યા 1990 માં 35% જેટલી હતી જે આજે ઘટીને 26% થઇ ગઈ છે. સાયન્સ, ટેક્નોલોજી, ઈન્જીનીયરીંગ અને મેથ્સ એટલેકે STEM જોબ્સમાં દિવસેને દિવસે મહિલાઓની સંખ્યા ઘટતી ચાલી છે. અહીં કોઈ લિંગ ભેદને આ સમસ્યા માટે જવાબદાર ગણવામાં નથી આવ્યું પરંતુ એક પ્રકારની પ્રાચીન માન્યતા જેની વાત આપણે આગળ કરી તેને જ આ સમસ્યાનું મૂળ ગણવામાં આવ્યું છે.

  આ સમસ્યાનો રસ્તો કાઢવા માટે અમેરિકામાં રમકડાં બનાવતી વિવિધ કંપનીઓ દ્વારા છોકરીઓ માટે ખાસ રોબોટ કીટ બનાવવામાં આવી રહી છે. આ એ પ્રકારની કિટ્સ છે જેનાથી છોકરીઓ નાની ઉંમરમાં જ રમત રમતમાં કેવી રીતે જુદીજુદી વસ્તુઓનું બાંધકામ કરી શકાય કે પછી કોઈ કોડને બનાવી અથવાતો બ્રેક કરી શકાય તે શીખી જશે. આ પ્રકારના રોબોટ ખાસ છોકરીઓ માટે જ બનાવવામાં આવ્યા છે અને છોકરીઓની માનસિકતાને ધ્યાનમાં લઈને ઈન્જીનીયરીંગ, સાયન્સ અને અન્ય પ્રકારના જ્ઞાનને તેમાં વણી લેવામાં આવ્યા છે. આ પ્રકારનું પહેલું રોબોટ રમકડું છે બૂલન બોક્સ જે છોકરીઓને કોડ બનાવતા શીખવાડે છે. છોકરીઓ આ રમત પ્રત્યે આકર્ષાય તે માટે તેના મુખ્ય રંગો ગુલાબી અને પર્પલ રાખવામાં આવ્યા છે.

  હ્યુમન ડેવલોપમેન્ટ નિષ્ણાત અમાન્ડા સુલીવાનનું માનવું છે કે ગુલાબી અને પર્પલ કલર છોકરીઓને ખૂબ ગમતા હોય છે આથી તે તેમને સતત વ્યસ્ત રાખવામાં મદદ કરશે અને તેમને આશા છે કે ભવિષ્યમાં આ પ્રકારના વધુ રમકડા અને ટૂલ્સ ઉપલબ્ધ થશે જે છોકરીઓને STEM જોબ્સ તરફ વધુને વધુ આકર્ષવામાં મદદરૂપ થશે.

  અમાન્ડાએ કેટલાક છોકરાઓ અને છોકરીઓને ભેગા કરીને કિબો નામના રોબોટ્સ તેમને રમવા આપ્યા હતા. કિબો કોઇપણ રીતે છોકરા કે છોકરી માટેના જ રોબોટ નથી આથી અમાન્ડાને એ જાણવું હતું કે શું આ પ્રકારના રોબોટ્સથી પણ છોકરીઓ આકર્ષાય છે? શરૂઆતમાં છોકરાઓએ તરતજ કિબો સાથે રમવાનું સ્વીકારી લીધું અને જાહેર કરી દીધું કે તેઓ આ રોબોટ્સ સાથે કેવી રીતે રમશે. એક વાર છોકરાઓ કિબો સાથે રમવા લાગ્યા પછી તો છોકરીઓએ પણ તેની સાથે રમવાનું સ્વિકાર કર્યું અને નવી વસ્તુઓ ઉભી કરી.

  અમાન્ડાનું કહેવું છે કે આમ કરવાથી છોકરીઓમાં રોબોટ કશું શીખવા માટેની ઉત્કંઠા જરૂર ઉભી કરે છે તે તો સાબિત થાય છે પરંતુ જો આ કિબો રોબોટ્સનો સેલ્સ ડેટા જોઈએ તો તે નિરાશા ઉપજાવે છે કારણકે કિબો રોબોટ્સ ખરીદનારા મોટાભાગના માતાપિતાઓ પોતાના છોકરા માટે તેને ખરીદી રહ્યા હતા નહીં કે છોકરીઓ માટે. અમાન્ડાની નિરાશા દૂર થઇ શકે તેવા રોબોટ્સ SartGurlz બનાવી રહ્યું છે. આ રોબોટ્સ છોકરીઓ માટે જ બનાવવામાં આવ્યા છે અને આ રોબોટ ની મદદથી છોકરીઓએ સ્કૂટર પર બેસાડેલી ડોલને કેવી રીતે બેલેન્સ કરી શકાય તેનો પ્રોગ્રામ બનાવવાનો હોય છે.

  તમને ગમશે: Wi-Fi વગર રમી શકાય તેવી બેસ્ટ Android અને iOS ગેમ

  Wonder Workshopના વિકાસ ગુપ્તા નવો આઈડિયા લઈને આવ્યા છે. તેમના કહેવા અનુસાર આપણે આપણા છોકરાઓ માટે જે રમકડા લાવીએ છીએ તે મોટા ભાગે ટ્રક, બસ, ટ્રેઈન વગેરે હોય છે. આ પ્રકારના રમકડા છોકરાઓને તો તરત આકર્ષી લે છે પરંતુ છોકરીઓને તેમાં મજા નથી આવતી. આથી Wonder Workshop દ્વારા એવા રોબોટ્સ બનાવવામાં આવ્યા છે જેમાં કોઇપણ પ્રકારના પૈડા જ ન હોય. વિકાસ ગુપ્તાનું કહેવું છે કે એકવાર અમે આ પ્રકારના રોબોટ્સ છોકરીઓના એક ગ્રુપ સમક્ષ મૂક્યા કે તેઓ તરતજ તેની સાથે રમવા તૈયાર થઇ ગઈ. જો કે વિકાસ ગુપ્તા ઉમેરે છે કે ખરેખર તો દરેક બાળક પોતાની રીતે રમવા ઇચ્છતું હોય છે અને તેને કોઇપણ રમકડું ગમે કે ન ગમે એ તેની પસંદગી પર આધારિત છે આથી છેવટે તો કોઈ રમકડું છોકરા માટે બનાવવામાં આવ્યું હોય તે તેને ન ગમે પણ છોકરીને ગમી જાય તેવા કિસ્સાઓ પણ તેમણે જોયા છે.

  હાલમાં તો આ સંશોધન બાદ અમેરિકામાં એક એવી વિચારધારા ઉભી થઇ રહી છે કે બાળકને એ જ રમકડું રમવા આપો જે તેને પસંદ હોય જેથી કરીને તેની રમવાની હોંશ જળવાઈ રહે. આજકાલના રોબોટ પ્રકારના રમકડાં અત્યંત સોફેસ્ટિકેટેડ, અદ્ભુત અને મોંઘા થઇ રહ્યા છે, પરંતુ જો તે છોકરીઓને સાયન્સ અને ટેક્નોલોજી તરફ આકર્ષવામાં મદદ કરતા હોય તો તેની પાછળ થોડો વધારે ખર્ચ કરવામાં કોઈને પણ વાંધો હોવો જોઈએ નહીં.

  આશા કરીએ કે આ પ્રકારની માન્યતા ભારતમાં પણ ધીમેધીમે વિકસે અને આપણે ત્યાં પણ ઢીંગલીઓથી ઉપર ઉઠીને છોકરીઓ માટે ખાસ સોફેસ્ટિકેટેડ રોબોટ બજારમાં આવે અને ભારતની છોકરીઓ પણ વિજ્ઞાન, ગણિત, ટેક્નોલોજી અને એન્જીનીયરીંગમાં ખૂબ આગળ વધે અને દેશનું નામ રોશન કરે.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here