જાતિ અને ધર્મનું ઝેર તમારા બાળકો માં પ્રવેશતા કેવી રીતે અટકાવશો?

    0
    364

    શીલાબેનને બે બાળકો છે અને બંને ભણવાગણવામાં હોંશિયાર છે. એક દિવસ પાંચમાં ધોરણમાં ભણતો એમનો દીકરો વિશાલ સ્કુલેથી અચાનક જ આવીને બોલ્યો કે આજે રીસેસમાં એના ક્લાસમાં ભણતા આદીલનો નાસ્તો તેણે શેર કરવાની એને ના પાડી દીધી. શીલાબેને સ્વાભાવિકપણે વિશાલનું આમ કરવા પાછળનું કારણ પૂછ્યું. વિશાલે તરત જ જવાબ આપ્યો કે આદીલ તો મુસ્લિમ છે અને એ નોનવેજ ખાય છે, એના નાસ્તામાં પણ એ નોનવેજ લઇ આવે તો મને કેવી રીતે ખબર પડે? વિશાલનો જવાબ સાંભળીને શીલાબેન અવાક થઇ ગયા કારણકે વિશાલની એટલી ઉંમર ન હતી કે તે હિન્દુ-મુસ્લિમના ભેદ વિચારી શકે. તો આ પ્રકારનું ઝેર તેના મનમાં લાવ્યું કોણ?

    શીલાબેને તે સમયે કોઈ વળતો જવાબ ન આપ્યો કારણકે તેમને ખ્યાલ હતો કે અત્યારે જો તે વિશાલને ટકોર કરશે તો તે તેમના પર આદીલ અને તેના ધર્મ અંગે સવાલોનો મારો ચલાવી દેશે અને કદાચ તેમની પાસે એ સવાલોનો કોઈજ જવાબ નહીં હોય.

    શીલાબેન જેવી મુશ્કેલ પરિસ્થિતિનો સામનો આપણે બધાએ ક્યારે ને ક્યારેક તો કર્યો હશે જ જ્યારે આપણા બાળકો મોટા થઇ જાય છે અને આ પ્રકારના સવાલો કરતા હોય છે. બાળકો સામાન્ય રીતે આ પ્રકારનું ઓબ્ઝર્વેશન એટલેકે કોઈનો ધર્મ, જાતિ, રંગ, કદ વગેરે નિર્દોષતાથી કરતા હોય છે, પરંતુ એ નિર્દોષતામાં ક્યારે ધર્મભેદ અથવાતો જાતિભેદનું ઝેર ભળી જાય છે તેની આપણને ખબર પડતી નથી અને ઘણીવાર જ્યારે આપણને તેની ખબર પડે છે ત્યારે કદાચ ઘણું મોડું થઇ ચૂક્યું હોય છે.

    આવું ધાર્મિક અને જાતિગત ઝેર આપણા બાળકો અને તેમની માનસિકતા સાથે કોઈ છેડછાડ ન કરે તેનું ધ્યાન આપણે જો પહેલેથી જ રાખીશું તો તેનાથી જરૂર બચી શકાશે. તો આવો જોઈએ કેટલીક એવી સલાહ જે બાળકોમાં કોઇપણ પ્રકારની ધાર્મિક કે જાતિગત નફરત ઉભી કરવામાં આપણને કામમાં આવશે.

    બાળકો ધર્મ અને જાતિનું ઝેર પોતાના મનમાં ન ઉતારે તેની સોનેરી સલાહો

    Kids from India with different religions and casts

    ખુદનું વર્તન સુધરશે તો બાળકો પણ સુધરશે

    એ સ્પષ્ટ હકીકત છે કે અમુક વર્ષની ઉંમરનું બાળક તેના માતાપિતાના વ્યવહાર પરથી પોતાનો વ્યવહાર નક્કી કરતું હોય છે. આથી પહેલા તો આપણે આપણો વ્યવહાર સુધારવો પડશે. કોઈ હિન્દુ છે, કોઈ મુસ્લિમ છે કે કોઈ એક જાતિનો છે એ પ્રકારના શબ્દો આપણે આપણા રોજીંદી બોલચાલના વ્યવહારમાં ઉપયોગમાં લેતા હોઈએ છીએ. અહીં આપણે થોડા સાવચેત થઇ જવાની જરૂર છે. આ ઉપરાંત બાળકો સાથે કે તેમની હાજરીમાં તેમની અમુક ઉંમર સુધી ધર્મ અને જાતિ અંગેની કોઈ પણ વાત ટાળો. બાળકો સાથે વાતો જરૂર કરો પરંતુ બને તો તેમની સાથે રમતો રમવામાં સમય વધારે પસાર કરશો તો તેમનો માનસિક વિકાસ અન્ય રીતે પણ સારો થશે.

    આ ઉપરાંત આદીલ મુસ્લિમ છે કે પછી ગુરુપ્રિત શીખ છે એમ કહેવાને બદલે તમારા બાળકોના મિત્રોને તેમના નામથી જ ઓળખવાનું રાખો, એટલેકે માત્ર આદીલ કે ગુરુપ્રિત કે પછી જસ્ટીન.

    અલગ દેખાતા બાળકોની સંસ્કૃતિનો પરિચય કરાવો

    ઘણીવાર આંતરરાષ્ટ્રીય સ્કુલોમાં શિક્ષણ મેળવતા બાળકો સાથે કોઈ અન્ય દેશના બાળકો પણ ભણતા હોય છે. આવા સમયે તે બાળકોની ચામડીના રંગ કે એમના દેશ વિષે કોઈ સીધી ટીપ્પણી કે વાત કરવાને બદલે જ્યારે તમારા બાળકને એમના પ્રત્યે કોઈ જિજ્ઞાસા ઉભી થાય તો તેમને ઈન્ટરનેટના ઉપયોગથી એ વિદેશી બાળકનો દેશ શું છે?, એની કળા શું છે? એની સંસ્કૃતિ કેવી છે? તે ઉપરાંત તે દેશના વડાપ્રધાન કે રાષ્ટ્રપ્રમુખ કોણ છે તેવી પોઝીટીવ માહિતી તેમને આપો. કોઇપણ દેશના કે ધર્મના અથવાતો જાતિના બાળક અંગે તમારા સંતાનમાં પહેલેથી જ કોઈ ગ્રંથી બંધાઈ ન જાય તેની પૂરતી કાળજી રાખો.

    તમને ગમશે: માતાનું દૂધ હવે કોઇપણ વ્યક્તિને હેલ્ધી બનાવશે

    અન્ય ધર્મ અને જાતિના મિત્રો હોવાના ફાયદાઓ બાળકો ને જણાવો

    બાળકોના મનમાં જો તેમની સાથે ભણી રહેલા અન્ય ધર્મના બાળકો અંગે કોઈ માનસિક ગ્રંથી અત્યારથી જ બંધાઈ ગઈ છે તો તેના પર ગુસ્સો કરવાને બદલે તેની સાથે ચર્ચા કરો. જે-તે ધર્મની સારી બાજુઓ જણાવો. તેમના ખાનપાન, તેમના તહેવારો અથવાતો અન્ય કોઇપણ હકારાત્મક બાબતો વિષે તમારા બાળકને જણાવો અને એમને તે બાળકો સાથે મિત્રતા થવી કેમ જરૂરી છે એ સમજાવો. જો તમારા કાર્યક્ષેત્રમાં કોઈ એ ધર્મ કે જાતિનો વ્યક્તિ કાર્ય કરે છે તો કોઈવાર અચાનક જ તમારા બાળક સાથે તેમને ત્યાં જઈ ચડો. આમ થવાથી તમારા બાળકને અન્ય ધર્મ કે જાતિના વ્યક્તિ પ્રત્યે કોઈ નકારાત્મક ગ્રંથી બંધાઈ ગઈ હશે તો તે તરતજ દૂર થશે અને કદાચ તે પરત થવાનું નામ પણ નહીં લે.

    એવું નથી કે ઉપરોક્ત સલાહોનો અમલ કરવાથી બાળક ક્યારેય ભવિષ્યમાં પણ કોઈ અન્ય ધર્મ કે જાતિ પ્રત્યે ગ્રંથી નહીં બાંધે. જ્યારે તે પુખ્તવયનો થશે ત્યારે તે પોતાની સમજણ વિક્સાવી ચૂક્યો હશે અને તે પોતાની રીતે જ બધું સમજશે અને નિર્ણય પણ લેશે. પરંતુ બાળપણમાં જ કોઈ નકારાત્મક વિચાર તેના મનમાં કોઈ જન્મ કે જાતિ વિરુદ્ધ આવી જશે તો કદાચ તે ક્યારેય તેને દૂર નહીં કરી શકે.

    eછાપું

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here