હાર્દિક પટેલનું કોંગ્રેસને અલ્ટીમેટમ અને જીતુ વાઘાણીએ માંગી સ્પષ્ટતા

  0
  276

  રાહુલ ગાંધીની અમદાવાદની છેલ્લી મુલાકાત દરમિયાન પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલ તેમને પાછલા બારણેથી મળ્યા હોવાની વાત ફેલાતા જનતામાં એક એવી છબી ઉભી થઇ હતી કે શું હાર્દિક પટેલ અને કોંગ્રેસ વચ્ચે કોઈ ફિક્સિંગ થયું છે કે કેમ? ત્યારબાદ હાર્દિક પટેલનો એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં તે એવું કહેતો જોવા મળ્યો હતો કે, “કોંગ્રેસ અનામત આપે કે ન આપે, ભાજપને પાડી દેવાની છે.”

  હવે પ્રજામાં પોતાની છબી ખરડાતી જોતા કે પછી પાસ કન્વીનર નરેન્દ્ર પટેલ, જેમણે ભાજપ પર પોતાને પક્ષમાં આવવા માટે નાણાની ઓફર થઇ હોવાનું કહીને ત્રણ કલાકમાં પક્ષ છોડી દીધો હતો, તેમનો એક ઓડિયો આજે વાયરલ થતા જેમાં તેમણે પાસ આંદોલનને કોંગ્રેસનું ફંડિંગ થતું હોવાનું કહેવાયું છે તેનાથી ઉતાવળમાં હાર્દિકે એક ટ્વીટ કરી છે તેમાં તેણે કોંગ્રેસને ત્રીજી નવેમ્બર સુધીમાં બંધારણની હદમાં તે પાટીદારોને અનામત કેવી રીતે આપશે તે સ્પષ્ટ કરવાનું અલ્ટીમેટમ આપી દીધું છે.

   

  હાર્દિકની ઉપરોક્ત ટ્વીટ કર્યાના માત્ર દોઢ કલાકમાં જ ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીએ મોરચો સંભાળ્યો હતો અને તેમણે હાર્દિક પાસે સ્પષ્ટતા માંગી હતી કે શું હાર્દિકે રાહુલ ગાંધી પાસે પાટીદારોને OBC અંતર્ગત અનામત આપવાની વાત કરી છે કે કેમ? પોતાની બીજી ટ્વીટમાં વાઘાણીએ આ પ્રશ્ન હાર્દિક અને રાહુલ ગાંધી બંનેને ઉદ્દેશીને કર્યો છે.

  અત્રે નોંધવાની વાત એ છે કે પાટીદાર સંસ્થાઓએ જ્યારે અનામતનું આંદોલન શરુ કર્યું હતું ત્યારે તેમને OBCમાં સમાવવાની માંગ મુખ્ય હતી. હવે OBC નેતા અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં જોડાઈ ગયા છે અને પાટીદારોને OBCમાં સમાવવા અંગે અલ્પેશનો સખ્ત વિરોધ પહેલેથી જ સ્પષ્ટ છે. આમ જીતુ વાઘાણીએ એક કાંકરે બે પક્ષીઓ માર્યા છે. કારણકે જો રાહુલ ગાંધી હાર્દિકને પાટીદારોને OBCમાં સમાવવાનું વચન આપે તો અલ્પેશ ઠાકોર નારાજ થઇ જશે અને જો ના પાડશે તો હાર્દિકનું સ્ટેન્ડ આવનારા દિવસોમાં શું રહેશે તે જોવું રસપ્રદ બની રહેશે.

  આ ઉપરાંત જીતુ વાઘાણીની ટ્વીટ એટલે પણ રસપ્રદ કહી શકાય કારણકે હાર્દિકે પોતાનું અલ્ટીમેટમ જો માત્ર પોતે કોંગ્રેસ સાથે નથી ભળી ગયો એવી છબી દૂર કરવા માટે જ આપ્યું હોય તો પણ તેણે રાહુલ ગાંધીના નકાર અથવાતો તેઓ જો આ અલ્ટીમેટમનો કોઈ જવાબ ન આપે તેવા સંજોગોમાં પોતાનું સ્ટેન્ડ ક્લીયર કરવાનું રહેશે.

  eછાપું

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here