દિલ દહેલાવતી હોલીવુડ અને બોલીવુડની ટોપ વેમ્પ્સ

    0
    420

    હોલીવુડ અને બોલીવુડમાં પુરુષ વિલનોનો દબદબો રહ્યો હોવા છતાં વેમ્પ્સ કાયમ એક અનોખું અને ધ્યાનાકર્ષક સ્થાન ધરાવે છે. આ હકીકતને કોઇપણ વ્યક્તિ નકારી શકે તેમ નથી. સાચી જીંદગીમાં પણ આપણે કહીએ છીએ કે ઘાયલ થયેલી અથવાતો ખોટા રસ્તે ચડી ગયેલી એક સ્ત્રી એક હજાર ખરાબ પુરુષો કરતા પણ ખતરનાક હોય છે. બસ આવી જ ભયાનકતા આપણી વિવિધ સ્ત્રી વેમ્પ્સ દ્વારા વર્ષોથી હોલીવુડ તેમજ બોલીવુડની ફિલ્મોમાં દર્શાવવામાં આવી છે.

    આવતે મહીને માર્વેલની ફિલ્મ ‘થોર રેગ્નારોક’ માં તેની પ્રથમ વેમ્પ હેલા આપણને જોવા મળશે. આ હેલાની ભૂમિકા ફિલ્મમાં ઓસ્કર વિજેતા એક્ટ્રેસ કેટ બ્લેન્ચેટ દ્વારા ભજવવામાં આવી છે. એવું કહેવાઈ રહ્યું છે કે કેટનું હેલા તરીકેનું પરફોર્મન્સ જોયા બાદ તેનું નામ હોલીવુડ ફિલ્મોના ઇતિહાસમાં સૌથી ખતરનાક વેમ્પ્સ તરીકે સામેલ થઇ જશે. થોરની ભૂમિકા ભજવી રહેલો એક્ટર ક્રિસ હેમ્સવર્થ કહે છે કે કેટ બ્લેન્ચેટ હેલા તરીકે અદ્ભુત લાગે છે અને તેણે આ પરફોર્મન્સ દ્વારા ફરીથી સાબિત કરી દીધું છે કે તે કેટલી મહાન અદાકારા છે. ક્રિસ આગળ જણાવતા કહે છે કે હેલા તરીકે કેટે પોતાની કેટલીક અનોખી અદાઓ દર્શાવી છે જેનાથી એક સ્ત્રીની નકારાત્મક સાઈડ ખુબ સુંદર રીતે ઉભરી આવે છે.

    હોલીવુડ અને બોલીવુડની કેટલીક યાદગાર વેમ્પ્સ

    Feature on Female Villains who will fear your heart

    થોર: રેન્ગનારોક તો આવતા શુક્રવારે રીલીઝ થવાની છે અને કેટ બ્લેન્ચેટને હેલા તરીકે જોવા માટે આપણી પાસે લગભગ એક આખું અઠવાડિયું છે. તો આ જ મોકો છે કે આપણે હોલીવુડ અને બોલીવુડની કેટલીક અદ્ભુત વેમ્પ્સ વિષે ટૂંકમાં માહિતી મેળવીએ અને જાણીએ કે તેમણે દર્શકોના દિલોને અત્યારસુધી કેટલા ભયભીત કર્યા છે!

    કેટ બ્લેન્ચેટ (હેલા – થોર: રેગ્નારોક): માર્વેલ પોતાની પ્રથમ વેમ્પ તરીકે હેલાને મેદાનમાં ઉતારી રહ્યું છે. ફિલ્મમાં હલ્કની ભૂમિકા ભજવી રહેલા એક્ટર માર્ક રફેલો કહે છે કે હેલા તરીકે કેટે એ દર્શાવ્યું છે કે અતિશય ખરાબ પણ કેટલી હદ સુધી ખરાબ હોઈ શકે. ફિલ્મમાં કેટ થોરનો પેલો જાણીતો હથોડો તોડી નાખતા પણ જોવા મળશે.

    રોસામંડ પાઈક (એમી – ગોન ગર્લ): સાઈકોથ્રીલર તરીકે જાણીતી ફિલ્મ ગોન ગર્લમાં રોસામંડ પાઈકે એમી ની ભૂમિકા ભજવી હતી. એમી પોતાના પતિને ખૂબ પ્રેમ કરતી હોય છે પરંતુ જ્યારે તેને ખબર પડે છે કે એનો પતિ એને ચીટ કરી રહ્યો છે ત્યારે તે એના પતિને પોતાના જ ખૂનના ખોટા કેસમાં ફસાવી દઈને તેનો બદલો લે છે.

    ટીલ્ડા સ્વીન્ટ્ન (વ્હાઈટ વીચ – ધ ક્રોનિકલ્સ ઓફ નાર્નિયા): બાળકોમાં અત્યંત લોકપ્રિય બનેલી ધ ક્રોનિકલ્સ ઓફ નાર્નિયામાં સો વર્ષ સુધી નાર્નિયાને બરફમાં થીજાવી દેનાર કોલ્ડ વ્હાઈટ વીચ તરીકે ટીલ્ડા સ્વીન્ટ્ન છવાઈ ગઈ હતી.

    ગ્લેન ક્લોઝ (ક્રુએલા દે વીલ – 101 ડાલ્મેશન્સ)

    બ્રિટીશ લેખક ડોડી સ્મિથ દ્વારા લખેલી નોવેલ 101 ડાલ્મેશન્સ પરથી હોલીવુડમાં એક એનિમેશન ફિલ્મ પણ બની છે અને એક ફિચર ફિલ્મ પણ બની છે. એનિમેશન ફિલ્મમાં વેમ્પ ક્રુસેલા દે વીલનો અવાજ એક્ટ્રેસ બેટ્ટી લુ ગેર્સને આપ્યો હતો જ્યારે ફિચર ફિલ્મમાં આ ભૂમિકા ગ્લેન ક્લોઝે ભજવી હતી અને તે દર્શકોના દિલોદિમાગ પર છવાઈ ગઈ હતી.

    શેરોન સ્ટોન (કેથેરીન ટ્રામેલ – બેઝીક ઇન્સ્ટીન્કટ): આ ફિલ્મ અગાઉ એક્ટ્રેસ શેરોન સ્ટોન અસંખ્ય ફ્લોપ ફિલ્મો આપી ચૂકી હતી. બેઝીક ઇન્સ્ટીન્કટમાં કેથરીન ટ્રામેલનો વેમ્પનો રોલ કર્યો અને શેરોન સ્ટોનની કરિયર તેજ ગતિએ દોડવા લાગી હતી. પોલીસ ઇન્વેસ્ટીગેશનના સીન દરમ્યાન પોતાના પગ શેરોન સ્ટોને જે રીતે ક્રોસ કર્યા હતા તે સીન પર દર્શકો પાગલ થઇ ગયા હતા.

     

    હેલેના બોનહમ કાર્ટર (બેલાટ્રીક્સ – હેરી પોટર): હેરી પોટર સિરીઝમાં વોલ્ડેમોર્ટની સાથે સાથે તેમાં બેલાટ્રીક્સ લેસ્ટ્રેન્જ અને ડોલોર્સ અમબ્રીજ જેવી બે ખતરનાક વેમ્પ્સ પણ હતી. આ બંનેમાંથી બેલાટ્રીક્સ લેસ્ટ્રેન્જનું પાત્ર ખૂબ લોકપ્રિય થયું હતું જેને હેલેના બોનહમ કાર્ટરે ભજવ્યું હતું અને તેણે હોગવોર્ટઝના વિદ્યાર્થીઓને પોતાની રાક્ષસી તાકાતથી ખૂબ ડરાવ્યા હતા.

    તમને ગમશે: લોકપ્રિય હોવા છતાં ઐશ્વર્યા રાય બચ્ચન હોલીવુડને કેમ ઇગ્નોર કરી રહી છે?

    હોલીવુડની વેમ્પ્સ બાદ હવે વારો આવે છે બોલીવુડની કેટલીક પ્રખ્યાત વેમ્પ્સ ને મળવાનો.

    કોંકણા સેન શર્મા (ડાયન – એક થી ડાયન): આમતો આ એક સસ્પેન્સ ફિલ્મ હતી પરંતુ જ્યારે ખ્યાલ આવે છે કે અસલી ડાયન કોંકણા સેન શર્મા છે ત્યારે તેના એક્શન્સ દ્વારા દર્શકોમાં ધ્રુજારી છૂટી ગઈ હતી. ખાદીના કપડા અને આંખોના ઇશારે કોંકણાએ અદ્ભુત અદાકારી દેખાડી હતી.

    પ્રિયંકા ચોપરા (સોનિયા રોય – ઐતરાઝ): પોતાના શરીરની ભૂખ સંતોષવાની ના પાડનાર પોતાના પૂર્વ પ્રેમી અને હવે પોતાના પતિની કંપનીમાં કામ કરતા કર્મચારીને બળાત્કારના કેસમાં ફસાવી દેનાર ઐતરાઝની સોનિયા રોયનું પાત્ર પ્રિયંકા ચોપરાએ જબરદસ્ત અસર દ્વારા નિભાવ્યું હતું. પ્રિયંકાએ સાત ખૂન માફ માં પણ વેમ્પનો કિરદાર નિભાવ્યો હતો પરંતુ સોનિયા રોય આજે પણ લોકોને એટલીજ યાદ છે.

    બિપાશા બસુ (સોનિયા ખન્ના – જીસ્મ): પોતાના પ્રેમમાં પડેલા એક યુવાનને પહેલાતો પોતાના પતિથી દૂર રહેવાની સલાહ આપે છે અને પછી એ જ સોનિયા ખન્ના તેને પોતાના પતિનું ખૂન કરી નાખવાનું કહે છે. બાદમાં તેના પ્રેમીને ખ્યાલ આવે છે કે સોનિયાને માત્ર પૈસા પ્રત્યે જ પ્રેમ છે. બિપાશા બસુએ આ એક ફિલ્મ દ્વારા પોતાના ચાહકોમાં કરોડોનો ઉમેરો કરી દીધો હતો તેના પરથી ખ્યાલ આવે છે કે બિપાશાએ તે રોલમાં કેવી રીતે પોતાનો જીવ રેડી દીધો હતો.

    કાજોલ (ઈશા દિવાન – ગુપ્ત): કદાચ બોલીવુડમાં વેમ્પ્સ પણ એટલીજ મહત્ત્વની છે જેટલા કે વિલન્સ, તેવું આ ફિલ્મ ફિલ્મથી સ્પષ્ટ થયું હતું અથવાતો તેવી માન્યતાનો આગાઝ થયો હતો. પોતાના પ્રેમીને પામવા માટે કશુંજ કરી છૂટવા તૈયાર, જેમાં કોઈનું કત્લ કરવું પણ સામેલ છે, ઈશા દિવાન એક સાયકો કિલર બની જાય છે. કાજોલના આ રોલે ફિલ્મફેરને નેગેટીવ રોલ માટે કોઈ અદાકારાને પહેલીવાર અવોર્ડ આપવાની ફરજ પાડી હતી.

    ઉર્મિલા માતોંડકર (રિયા – પ્યાર તુને ક્યા કિયા): આ સમયે સાયકો લવર્સની થીમ ખૂબ જોરમાં હતી અને તેનો ફાયદો ઉઠાવવા રામ ગોપાલ વર્માએ પ્યાર તુને ક્યા કિયા બનાવી જેમાં ઉર્મિલાને સાયકો લવર રિયા બતાવવામાં આવી હતી જેણે એક ફેશન ફોટોગ્રાફરના પ્રેમમાં પડીને તેનું લગ્નજીવન ખેદાનમેદાન કરી દીધું હતું. ફિલ્મ તો ખાસ ચાલી ન હતી પરંતુ ઉર્મિલા માતોંડકરનું પરફોર્મન્સ ઘણું વખણાયું હતું.

    તમે અમારું આ ફિચર ગમ્યું હોય તો તમારા મંતવ્યો નીચે કમેન્ટ્સ સેક્શનમાં અથવાતો અમારા ફેસબુક અને ટ્વીટર પેજ પર જરૂર આપશો.

    eછાપું

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here