India Today ની એક સાડી ટ્વીટે ટ્વીટર પર સર્જ્યો ભૂકંપ

0
477

સાડી એ ભારતીય સ્ત્રીઓની એક આગવી ઓળખ બની ગઈ છે. ભારતની મહિલાઓ ફક્ત ઘરમાં જ નહીં પરંતુ પોતે જ્યાં કામ કરવા જાય છે ત્યાં પણ તે સાડી પહેરીને જતી હોય છે. પરંતુ જાણીતા મીડિયા હાઉસ India Today દ્વારા ગઈકાલે આ જ સાડી ભારતીય મહિલાઓને તેમના કાર્યના સ્થળ પર કેમ અસ્વસ્થતાનો અનુભવ કરાવે છે તેવો એકતરફી વિડીયો ટ્વીટ કરવામાં આવ્યો હતો. India Today દ્વારા વિડીયો ટ્વીટ થવાની સાથે જ ટ્વીટર પર ભૂકંપ સર્જાયો હતો અને મહિલાઓએ ખુદ આ વિડીયોના વિરોધની આગેવાની લીધી હતી.

India Todayનો વિડીયો જો આપણે ધ્યાનથી જોઈશું તો ખ્યાલ આવે છે કે તેણે નોકરીના સ્થળો પર જો સ્ત્રીઓ સાડી પહેરીને જાય તો તેમને પડતી તકલીફો અંગે માત્ર એક તરફી નિર્ણય જ નથી આપ્યો પરંતુ સાડી જેવા વિશ્વમાં અનોખા કહી શકાય તેવા પહેરવેશને ઉતારી પાડવાનો પ્રયાસ કર્યો હોવાનું પણ સ્પષ્ટ થાય છે અને ટ્વીટર પર એક્ટીવ એવી મહિલાઓનો વિરોધ આ મુદ્દા ઉપર જ હતો.

જેમ જેમ India Today નો આ સાડી વિરોધી વિડીયો વાયરલ થયો કે એક પછી એક મહિલાઓ એ ટ્વીટર પર કામના સ્થળે પોતે પહેરેલી સાડીઓ સાથેના ફોટોગ્રાફ્સ અપલોડ કરવાની શરૂઆત કરી દીધી હતી. તો કેટલાક ટ્વીટર યુઝર્સે ભારતની જાણીતી હસ્તીઓ દ્વારા પણ પોતાના કાર્યક્ષેત્રમાં કાર્યના કલાકો દરમ્યાન સાડીને જ પસંદ કરાતી હોવાના પુરાવા સાથેની ટ્વીટ્સ પણ કરી દીધી હતી.

આવો જોઈએ India Today સાડી વિરોધના વિરોધમાં @IndiaToday હેન્ડલને ઉદ્દેશીને થયેલી કેટલીક રસપ્રદ ટ્વીટસ

ગુજરાતના સુરતમાં પ્રોફેસર એવા ભૂમિકા દેસાઈ શાહે પોતાની ટ્વીટમાં જણાવ્યું હતું કે તેઓ વારંવાર પોતાના કાર્ય સ્થળે સાડી પહેરીને જાય છે અને તેઓ ત્યાં જવા માટે લાંબી મુસાફરી પણ કરે છે. શિક્ષિકા હોવાને નાતે તેમણે લાંબો સમય સુધી ભણાવવું પણ પડે છે, પરંતુ સાડી તેમના માટે સંસ્કૃતિ ઉપરાંત સ્વેગ (Swag) પણ છે આથી સાડીને ઓછી ન આંકશો.

@FieryBull હેન્ડલ ધરાવતી બેંગ્લોરની મહિલા સંગીતાએ પોતે સાડી પહેરી હોય એવા ત્રણ ફોટોગ્રાફ્સ ટ્વીટ કરીને India Todayને જણાવ્યું હતું કે તેઓ સાડીમાં અત્યંત કમ્ફર્ટેબલ મહેસૂસ કરે છે.

@KeyaSMamma એ તો પોતે સાડી પહેરેલા ફોટોગ્રાફ્સની વણઝાર લગાવી દીધી હતી અને આ ફોટોગ્રાફ સિરીઝમાં તેમણે પોતાની દીકરીનો પણ સાડી પહેરેલો ફોટો ઉમેરીને India Today ની એકતરફી વિચારધારાને સજ્જડ જવાબ આપ્યો હતો.

સેલિબ્રિટી મીડિયા પર્સન્સ પણ India Todayનો કાન પકડવામાં પાછળ રહ્યા ન હતા. જાણીતા મીડિયા સેલિબ્રિટી @richaanirudh દ્વારા પણ પોતે વિવિધ ફન્કશનમાં તેમજ પોતાના જોબ કરવાના સ્થળે પોતે સાડી પહેરીને જાય છે તેવા ફોટા ટ્વીટ કર્યા હતા અને India Today ને જણાવ્યું હતું કે જો ટૂંકા ડ્રેસની જેમજ સાડી પહેરેલી મહિલાઓને પણ પુરુષો ખરાબ નજરે જોતા હોય તો તેમાં પુરુષોનો વાંક છે સાડીનો નહીં. India Today એ આ મુદ્દો પણ પોતાના વિડીયોમાં દર્શાવ્યો હતો જેનો રિચા અનિરુદ્ધે બરોબર જવાબ આપ્યો હતો.

@Punitspeaks દ્વારા ભારતની ત્રણ ટોચની મહિલા રાજકારણીઓ એટલેકે રક્ષામંત્રી નિર્મલા સીતારામન, માહિતી અને પ્રસારણ મંત્રી સ્મૃતિ ઈરાની અને વિદેશમંત્રી સુષ્મા સ્વરાજના સાડી પહેરેલા ફોટા ટ્વીટ કર્યા હતા અને જણાવ્યું હતું કે ભારતની ત્રણ સૌથી તાકતવર મહિલાઓ ગર્વ સહીત સાડી પહેરે છે.

 

આ મુદ્દે સૌથી અનોખી ટ્વીટ રહી હતી @PunyaPrakop_ ની જેણે વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત એવી મહિલાઓના સાડી પહેરેલા ફોટોગ્રાફ્સ ટ્વીટ કર્યા હતા. આ ફોટાઓમાં ISROમાં કાર્યરત મહિલા વૈજ્ઞાનિકો, રક્ષામંત્રી નિર્મલા સીતારામન અને સાડી પહેરીને યોગ કરતી અને માર્શલ આર્ટ્સમાં ભાગ લઇ રહેલી મહિલાઓની તસ્વીર સામેલ કરીને India Today ને સચોટ જવાબ આપી દીધો હતો.

છેલ્લા બે-ત્રણ દિવસોમાં ટ્વીટર પર ભારતીય સંસ્કૃતિ પર અને ભારતીય વિચાર પર આ બીજો આઘાત છે. બે દિવસ અગાઉ Radio Mirchy દ્વારા #MattAaoIndia નામનું એક કેમ્પેન ચાલુ કરવામાં આવ્યું હતું જેમાં ભારતમાં બનતા માત્ર ગુનાઈત કૃત્યોને હાઈલાઈટ કરીને વિદેશ યાત્રીઓને ભારતની મુલાકાત ન લેવાની સલાહ આપવામાં આવી હતી. ટ્વીટર પર તેનો જબરદસ્ત વિરોધ થતા Radio Mirchy એ આ કેમ્પેઈન બંધ કરી દીધું હતું. જો કે કેટલાક વામપંથી વિચારધારા ધરાવતા પત્રકારોએ આ માટે જમણેરી વિચારધારા ધરાવતા ટ્રોલ્સનું દબાણ કામ કરી ગયું હોવાના રોદણાં રોવામાં આવ્યા હતા, પરંતુ ભારતની ઈમેજ ખરડાય તેવો કોઇપણ પ્રયાસ થાય તો તેનો વિરોધ બિલકુલ થવો જ જોઈએ પછી તે વ્યક્તિ કોઇપણ પ્રકારની વિચારધારા ધરાવતો હોય.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here