આ વર્ષે પ્રવાસીઓ સાથે ‘ગીર નરેશ’ કેમ સંતાકૂકડી રમી રહ્યા છે?

  0
  289

  દર વર્ષે દિવાળી આવવાની હોય કે તેના થોડા જ દિવસો અગાઉ જંગલ ખાતું ગીર વિસ્તારને પ્રવાસીઓ માટે ખુલ્લો મૂકે છે. છેલ્લા લગભગ ઘણા વર્ષોથી ગુજરાત સરકારના પ્રવાસન વિભાગના ભરપૂર પ્રયાસ અને અમિતાભ બચ્ચન દ્વારા કરવામાં આવેલા ‘ખુશ્બુ ગુજરાત કી’ પ્રચારને લીધે દેશ તેમજ વિદેશથી ગીર અને ત્યાં વસતા એશિયાટિક સિંહોના દર્શન માટે દર વર્ષે વધુને વધુ સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે. ગુજરાતના પ્રવાસન વિભાગ માટે તેમજ ગુજરાતના અર્થતંત્ર માટે વધારે પ્રવાસીઓ ગીર મુલાકાતે આવે તે આનંદની વાત છે પરંતુ કદાચ ગીર નરેશને વધુ પડતા પ્રવાસીઓની હાજરી પસંદ પડી રહી નથી.

  તાજા આંકડા અનુસાર આ વર્ષે જ્યારથી જંગલખાતાએ પ્રવાસીઓ માટે ગીરના દરવાજા ખોલ્યા છે ત્યારથી અંદાજે 31,500 થી પણ વધારે પ્રવાસીઓ તેની મુલાકાત લઇ ચૂક્યા છે પરંતુ લગભગ 60% જેટલા પ્રવાસીઓ ખાલી હાથે પોતાના ઘરે પાછા વળ્યા છે. સરળ શબ્દોમાં કહીએ તો આ વર્ષે ગીરની મૂલાકાતે આવેલા અડધાથી પણ વધુ પ્રવાસીઓને સિંહ દર્શન થયા નથી. પ્રાણી નિષ્ણાતો આમ થવા પાછળ ઘણા કારણો ગણાવી રહ્યા છે પરંતુ તેનું મુખ્ય કારણ એ છે કે ગીરના રાજાને પણ પ્રાઈવસીની જરૂર છે.

  જંગલ ખાતાના જ આંકડા અનુસાર આ વર્ષે 20 અને 27 ઓક્ટોબર એમ સાત દિવસના ગાળામાં જ સાસણની મુલાકાતે 31,584 જેટલા પ્રવાસીઓ આવ્યા હતા. જ્યારે દેવળિયાની મૂલાકાતે 43,829 અને હાલમાં જ શરુ કરવામાં આવેલા અંબારડી રિઝર્વની મૂલાકાતે 9,693 મુલાકાતીઓ આવ્યા હોવાનું આધિકારિક આંકડાઓ જણાવે છે.

  કેટલાક પ્રવાસીઓએ ઉપર જણાવેલા સ્થળોમાંથી એક કરતા વધુ સ્થળોએ જવાનું બુકિંગ કર્યું હોવા છતાં તેમને એક પણ સિંહ જોવા મળ્યો નથી. એક પ્રવાસીના જણાવ્યા અનુસાર તેણે બે-બે જગ્યા માટે રિઝર્વેશન કર્યું હતું અને તેને હરણ અને અન્ય જંગલી પ્રાણીઓ તો જોવા મળ્યા હતા પરંતુ એકપણ સિંહનું દર્શન થયું ન હતું. આ પ્રવાસીના કહેવા અનુસાર તેની સાથે આવેલા અન્ય અસંખ્ય પ્રવાસીઓને પણ આ જ પ્રકારનો અનુભવ થયો હતો.

  જંગલખાતાના અધિકારીઓ આ અંગે એમ કહી રહ્યા છે કે તે સ્વાભાવિક ઘટના છે કે મનુષ્યો તેમજ વાહનોની આટલી મોટી સંખ્યામાં હાજરી હોવી તે સિંહોને પસંદ ન પડે અને આથી તેઓ જાતે જ જ્યાં તેઓ સામાન્યતઃ કાયમ જોવા મળતા હોય છે ત્યાંથી ક્યાંક શાંતિપૂર્ણ સ્થળે ખસી ગયા હોવા જોઈએ. આ ઉપરાંત આ વર્ષે ખૂબ વરસાદ પડ્યો હોવાથી ગીર ફોરેસ્ટ અત્યંત હરિયાળું બન્યું છે અને સિંહો અને તેમના પરિવારને છુપાઈને બેસવાની ઘણી જગ્યાઓ છે.

  આ ઉપરાંત અગાઉ એવી છૂટ હતી કે નિશ્ચિત રૂટની બહાર પણ ક્યાંય સિંહ જોવા મળે તો પ્રવાસીઓ સાથે ગયેલા જંગલખાતાના કર્મચારીઓને માહિતી આપવામાં આવતી અને વાહનોને તે જગ્યાએ લઇ જવામાં આવતા જેથી તેમને સિંહ દર્શન થઇ શકે. પરંતુ હવે નવા નિયમો અનુસાર નક્કી કરેલા રૂટની બહાર જવાની કોઇપણ વાહનને અનુમતિ નથી, ભલે પછી સિંહ દર્શન થયું હોય કે ન હોય. જંગલ વિભાગના ઉચ્ચ અધિકારીઓ મોટી સંખ્યામાં આવેલા પ્રવાસીઓને સિંહ દર્શન ન થવા પાછળ આ નિયમને પણ કારણ માને છે પરંતુ તેમાં કોઇપણ પ્રકારનો બદલાવ કરવા અંગે તેઓ સાફ ઇનકાર કરે છે કારણકે આ નિયમ સિંહોની જરૂરિયાતને ધ્યાનમાં લઈને લેવામાં આવ્યો છે.

  તહેવારો દરમ્યાન જંગલખાતું દરરોજ 150 સામાન્ય પરમીટ અને 20 VIP પરમીટ આપે છે. આમ આ દિવસોમાં પ્રવાસીઓ અને વાહનોની સંખ્યા અચાનક જ વધી જતા સિંહ પરિવાર ડીસ્ટર્બ થાય છે અને જ્યાં સુધી બધું સરખું ન થાય ત્યાં સુધી ટુરીઝમ ઝોનની બહાર જ રહેવાનું પસંદ કરે છે.

  eછાપું 

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here