નહેરા ‘જી’ ની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ સામે આવ્યું એક મોટું વિઘ્ન

  1
  312

  ભારતના ફાસ્ટ બોલર આશિષ નહેરા જેને સોશિયલ મીડિયામાં પ્રેમથી નહેરા’જી’ કહીને બોલાવવામાં આવે છે તે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે નવી દિલ્હીના ફિરોઝશાહ કોટલા ગ્રાઉન્ડ પર રમાનારી પ્રથમ આંતરરાષ્ટ્રીય Twenty20 મેચ રમીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટને કાયમી વિદાય આપી દેવાનો છે. આમ તો ભારત અને ન્યૂઝીલેન્ડ આ સિરીઝમાં ત્રણ મેચો રમવાના છે પરંતુ દિલ્હી એ નહેરાનું હોમ ગ્રાઉન્ડ હોવાથી તે આ મેદાનની સાથે ઈમોશનલી જોડાયો છે અને આથી જ તે પહેલી મેચ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કરી દેવા માંગે છે. પરંતુ આશિષ નહેરાની છેલ્લી અંતરરાષ્ટ્રીય મેચ પર અત્યારે એક મોટું વિઘ્ન ઉભું થયું છે જે તેની નિવૃત્તિની મજા બગાડી શકે તેમ છે.

  કોટલા પર રમાનારી Twenty20 મેચ એ નાઈટ મેચ રહેશે પરંતુ તેમાં ગમે ત્યારે વિજળી ગુલ થઇ શકે તેમ છે. જો આમ થશે અને વિજળી પરત આવતા લાંબો સમય લાગશે અને મેચ તેને કારણે રદ્દ થશે તો આશિષ નહેરાનું ઘરઆંગણે છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમીને નિવૃત્ત થવાનું સ્વપ્ન અધૂરું રહી જશે. આ ડર પાછળનું મુખ્ય કારણ એ છે કે પર્યાવરણ પ્રદુષણ બચાવ અને નિયંત્રણ પ્રાધિકરણ (EPCA) દ્વારા દિલ્હી એન્ડ ડીસ્ટ્રીક્ટ્સ ક્રિકેટ એસોસિએશન (DDCA) ને મેચ દરમ્યાન ડિઝલ જનરેટર સેટનો ઉપયોગ કરવાની મનાઈ ફરમાવી છે. EPCA તરફથી આ પ્રકારની હિદાયત મળ્યા બાદ હવે DDCA પાસે દિલ્હીમાં વિજળી વિતરણ કરતી કંપની પર જ મેચ દરમ્યાન વિજળીનો પૂરવઠો સતત મળતો રહે તેની આશા રાખ્યા સિવાય બીજો કોઈજ વિકલ્પ રહ્યો નથી.

  દિલ્હીમાં પ્રદુષણનું સ્તર અત્યંત ખતરનાક બની ગયું છે તેની આપણને સહુને જાણ છે. દિલ્હીમાં પ્રદુષણના સ્તરમાં થતા વધારાને ધ્યાનમાં લઈને EPCA દ્વારા આ વર્ષે 17 ઓક્ટોબરથી આવતા વર્ષે 14 માર્ચ દરમ્યાન શહેરમાં કોઇપણ પ્રકારના ડિઝલ જનરેટરના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આમ કોટલા પર પણ આ જ કારણસર ફ્લડલાઇટ ડૂલ થઇ શકવાનો ભય સેવવામાં આવી રહ્યો છે. સામાન્યતઃ દેશમાં તમામ જગ્યાએ જ્યાં પણ આંતરરાષ્ટ્રીય મેચો રમાતી હોય ત્યાં ડિઝલ જનરેટરથી જ ફ્લડલાઇટનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ હવે દિલ્હીમાં તેમ થઇ શકશે નહીં,

  અગાઉ સુપ્રીમ કોર્ટે પણ દિવાળી દરમ્યાન દિલ્હી અને NCRમાં ફટાકડા વેંચવા પર પ્રતિબંધ મૂક્યો હતો તેની પાછળ પણ પ્રદુષણને કારણ ગણાવવામાં આવ્યું હતું.

  તમને ગમશે: ICC એ જાહેર કરેલી નવી ટેસ્ટ ચેમ્પિયનશીપ અને વનડે લીગ શું છે?

  DDCAના પ્રશાસક તેમજ પૂર્વ ન્યાયાધીશ વિક્રમજીત સેને EPCAને એક પત્ર લખીને માત્ર મેચના દિવસે જનરેટર ચલાવવાની મંજૂરી માંગી હતી પરંતુ EPCAના ચેરમેન ભૂરેલાલે આ માંગણીને એમ કહીને નકારી દીધી હતી કે દિલ્હીમાં પ્રદુષણની સ્થિતિ ખતરનાક છે આથી મેચ માટે તો શું પરંતુ વિજળી ગુલ થવાના સંજોગોમાં બેકઅપ માટે પણ DDCAને જનરેટર વાપરવાની મંજૂરી નહીં મળે.

  DDCA દ્વારા હવે આ મુદ્દે દિલ્હીમાં વિજળીનો પૂરવઠો આપતી કંપનીનો સંપર્ક સાધવામાં આવ્યો છે અને કંપનીએ અત્યારે તો મેચ દરમ્યાન વિજ પૂરવઠો સતત ચાલુ રહેશે તેવી હૈયાધારણ આપી છે, પરંતુ BCCIના એક અધિકારીએ ઓલરેડી આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. આ અધિકારીએ પોતાનું નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું છે કે ડિઝલ જનરેટરની ગેરહાજરી એ બહુ મોટું રિસ્ક છે.

  આમ, આશિષ નહેરા પોતાની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ પૂરી રમી શકશે કે કેમ તેના પર અત્યારે સવાલો ઉભા થયા છે.

  નહેરા દ્વારા આપવામાં આવેલા તેના છેલ્લા ઇન્ટરવ્યુમાં તેણે જણાવ્યું છે કે તે રીટાયર થયા પછી શું કરશે તે તેણે હજી નક્કી કર્યું નથી. તે કદાચ કોમેન્ટ્રી પણ આપી શકે છે અથવાતો કોચિંગ પણ શરુ કરી શકે છે.

  અત્યારે તો બહુ દૂરનું ન વિચારતા આશિષ નહેરા તેની છેલ્લી મેચ સુખરૂપ પૂરી કરે તેવી પ્રાર્થના જ થઇ શકે તેમ છે.

  eછાપું

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here