પૂર્વ ગૃહમંત્રી ચિદમ્બરમ પાસેથી કાશ્મીર મુદ્દે આવી આશા ન હતી

  0
  401

  બે દિવસ અગાઉ UPA સરકારમાં ગૃહમંત્રી તેમજ નાણામંત્રી રહેલા પી. ચિદમ્બરમ ગુજરાતમાં આવી રહેલી ચૂંટણીઓને અનુલક્ષીને રાજકોટ આવ્યા હતા. રાજકોટમાં આમતો ચિદમ્બરમનો કાર્યક્રમ અહીંના વ્યાપારીઓને મળીને કોંગ્રેસની માન્યતા અનુસાર તેમને GST અને નોટબંધીથી પડી રહેલી તકલીફ અંગે ચર્ચા કરીને તેમની પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરવાનો હતો. કારણકે ચિદમ્બરમ દેશના ગૃહમંત્રી પણ રહી ચૂક્યા હતા, અહીં આર્થિક બાબતો ઉપરાંત દેશની કેટલીક મહત્ત્વની બાબતો એ પણ ચર્ચા થઇ અને અહીં જ ચિદમ્બરમ દ્વારા કાચું કપાઈ ગયું.

  ચિદમ્બરમે કાશ્મીર અંગેના એક સવાલના જવાબમાં એમ જણાવ્યું કે કાશ્મીરના લોકો જ્યારે આઝાદીની વાત કરે છે ત્યારે ખરેખર તો તેઓ Autonomy એટલેકે સ્વાયત્તતાની વાત કરે છે. ચિદમ્બરમના આ મંતવ્યના ઘણા અર્થ નીકળી શકે તેમ છે પણ ભારતીયો જે રીતે કાશ્મીરના મુદ્દા સાથે ભાવનાત્મક રીતે જોડાયા છે તેનાથી આ નિવેદનનો પહેલો અને સીધો અર્થ તો એક જ નીકળે કે ચિદમ્બરમ જમ્મુ અને કાશ્મીર રાજ્યના કેટલાક લોકોની આઝાદીની માંગણીને સ્વિકારે છે. જ્યારે કોંગ્રેસ પક્ષના મોટા નેતા આ પ્રકારનું બયાન આપે ત્યારે પક્ષની સહમતી પણ તેમાં હોય જ એવું આપોઆપ માની લેવામાં આવે છે.

  આજકાલ ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે અને ભાજપ અને કોંગ્રેસ એકબીજાની નાનીઅમથી ભૂલને પણ એનકેશ કરવાની રાહ જોઇને બેઠા હોય છે એમાં ચિદમ્બરમના આ મંતવ્યે જબરો હોબાળો મચાવી દીધો છે. ગુજરાતથી અસંખ્ય કિલોમીટર દૂર બેંગલુરુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક જાહેરસભામાં આ મુદ્દો ઉઠાવ્યો અને આશ્ચર્ય વ્યક્ત કર્યું કે હજી અમુક વર્ષો અગાઉ જે સરકાર દેશ પર રાજ કરતી હતી તે પક્ષનો કાશ્મીર મુદ્દે આવડો મોટો U ટર્ન જોઇને તેમને આશ્ચર્ય થાય છે. ચિદમ્બરમનું નામ લીધા વગર મોદીએ કહ્યું કે કોંગ્રેસ પક્ષને આ પ્રકારના બયાનો આપીને શરમ આવવી જોઈએ. વડાપ્રધાને સાથે સાથે ખાતરી પણ આપી હતી કે દેશની અખંડતા સાથે કોઇપણ પ્રકારનું સમાધાન તેઓ નહીં કરે.

  વડાપ્રધાનની ટીપ્પણીના કલાકોમાં જ ચિદમ્બરમ દ્વારા જવાબ પણ આપવામાં આવ્યો. ચિદમ્બરમે મોદી પર આક્ષેપ મૂક્યો કે વડાપ્રધાને કશું પણ બોલતા અગાઉ તેમનું બયાન વાંચી લેવું જોઈતું હતું. ચિદમ્બરમના કહેવા અનુસાર વડાપ્રધાનનું રીએક્શન એ પ્રકારનું હતું કે જાણેકે તેઓ કોઈ ભૂતની કલ્પના કરીને તેના પર આક્રમણ કરી રહ્યા હોય. ચિદમ્બરમ જો એમ કહેતા હોય કે તેમના નિવેદનને અક્ષરસઃ વાંચવા થી તેઓ ખરેખર શું કહેવા માંગતા હતા તેનો ખ્યાલ આવી જશે તો ચાલો આપણે એ નિવેદનને જેમ હતું તેવીજ રીતે વાંચવાની કોશિશ કરીએ.

  રાજકોટમાં ચિદમ્બરમને એમ પૂછવામાં આવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરની સમસ્યાનો અંત લાવવા શું તે રાજ્યને વધારે સ્વાયત્તતા આપી દેવી જોઈએ એવી તેમની પહેલાની માન્યતાને તેઓ હજી પણ વળગી રહ્યા છે? તેના જવાબમાં ચિદમ્બરમે આ પ્રમાણે જણાવ્યું હતું.

  “હા… કાશ્મીર ખીણની માંગણી કલમ 370ની મૂળ ભાવનાના સન્માન સાથે જોડીને જોવી જોઈએ. અને તેનો મતલબ એમ થાય કે તેમને વધારે સ્વાયત્તતા જોઈએ છીએ. જમ્મુ અને કાશ્મીર સાથેના મારા વાર્તાલાપ મને એ નિર્ણય પર લઇ જાય છે કે જ્યારે તેઓ ‘આઝાદી’ ની માંગણી કરે છે ત્યારે મોટાભાગના લોકો – હું એમ નથી કહી રહ્યો કે બધા જ પરંતુ મોટાભાગની બહુમતી સ્વાયત્તતા માંગી રહી છે.”

  હવે જો ચિદમ્બરમ પોતાના જ બયાનને સાચું માનવાનું કહી રહ્યા છે તો ઉપરોક્ત બયાનને વાંચીને પણ તેમણે કાશ્મીર અંગે કાચું કાપ્યું જ છે એમ કહી શકાય. કારણકે કલમ 370 જેના દ્વારા જમ્મુ અને કાશ્મીર રાજ્યોને ભારતના અન્ય રાજ્યો કરતા વધારે અધિકારો મળ્યા છે તે ખુદ સ્પષ્ટ છે અને હવે તેનાથી વધારે સ્વાયત્તતા તેને મળી શકે તેમ નથી. આથી જો ચિદમ્બરમના કહેવા અનુસાર કાશ્મીરીઓને હજી વધારે સ્વાયત્તતા આપી દેવામાં આવે તો કલમ 370માં સુધારો કરવો પડે અને જો એમ થાય તો તે કેવી રીતે આ કલમની મૂળ ભાવના સાથે સંલગ્ન રહી શકે? વળી જો તમે કાશ્મીરના હુર્રિયત અને અન્ય અલગતાવાદીઓના જુના તેમજ તાજા ભૂતકાળના નિવેદનો વાંચો તો કાશ્મીરની આઝાદીની વાત તો બહુ વર્ષો અગાઉ જ હાંસિયામાં ધકેલાઈ ગઈ છે હવે એ તમામને કાશ્મીરને પાકિસ્તાન સાથે જોડી દેવું છે. આમ ચિદમ્બરમે કોઇપણ લાંબો વિચાર કર્યા વગર જ રાજકોટમાં પોતાનું નિવેદન આપી દીધું હતું તે સ્પષ્ટ થાય છે.

  મજાની વાત તો એ છે કે ખુદ ચિદમ્બરમનો પક્ષ એટલેકે કોંગ્રેસે પોતાની જાતને ચિદમ્બરમના નિવેદનથી અળગો કરી દીધો છે. ગઈકાલે પાર્ટી પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું હતું કે, “જમ્મુ, કાશ્મીર અને લડાખ એ ભારતીય ગણરાજ્યના અભિન્ન અંગ છે અને હંમેશા રહેશે. કોઇપણ વ્યક્તિનો અંગત અભિપ્રાય તે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો અભિપ્રાય હોય તે જરૂરી નથી. આપણી લોકશાહીમાં, વ્યક્તિગત અભિપ્રાયો આપવાની છૂટ છે.”

  કોંગ્રેસના આ સ્પષ્ટીકરણ બાદ એ પાક્કું થઇ જાય છે કે ચિદમ્બરમે કોઈ અજાણ્યા કારણોસર પોતાનું નિવેદન આપવામાં ઉતાવળ કરી હતી અથવાતો તેમણે આ મુદ્દે કોઇપણ પ્રકારનો પૂર્વવિચાર કર્યો ન હતો. ચિદમ્બરમની આ ભૂલ કોંગ્રેસને ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં જ નહીં પરંતુ આગળના ભવિષ્યમાં પણ સતત પરેશાન કરતી રહેશે એમાં શંકાને કોઈ સ્થાન નથી.

  eછાપું

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here