ભારત માટે આનંદના સમાચાર લઈને આવ્યું ઈરાનનું ચાબહાર પોર્ટ

    0
    506

     

    ગત ઓગસ્ટ મહિનામાં જ આપણે eછાપુંમાં એવા સાત કારણો જાણ્યા હતા જે ઈરાનના ચાબહાર પોર્ટને ભારત માટે અતિશય મહત્ત્વનું બનાવે છે. એ વખતે આપણે એમ પણ જાણ્યું હતું કે ભારતના હાઈવે અને પોર્ટ મંત્રી નીતિન ગડકરી ઈરાનના આ પોર્ટને આ વર્ષના અંત સુધીમાં કાર્યરત કરવાનો ટાર્ગેટ લઈને બેઠા છે. હજી તો આ વર્ષને પૂર્ણ થવામાં હજી પણ પૂરા બે મહિના બાકી છે અને ત્યાં જ ભારતે કંડલાથી આ જ ચાબહાર પોર્ટ થઈને અફઘાનિસ્તાન પહોંચે તે માટેનું ઘઉંનું પહેલું શિપમેન્ટ મોકલી આપ્યું છે.

    ગઈકાલે એક વિડીયો કોન્ફરન્સીંગ દ્વારા ભારતના વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ અને અફઘાનિસ્તાનના વિદેશમંત્રી સલાહુદ્દીન રબ્બાનીએ કંડલાથી અફઘાનિસ્તાન જવા રવાના થયેલા ઘઉંના પ્રથમ શિપમેન્ટને લીલી ઝંડી આપી હતી. ચાબહાર પોર્ટથી જમીન માર્ગે આ શિપમેન્ટ મધ્ય અફઘાનિસ્તાનમાં પહોંચશે અને આતંકવાદનો ભરપૂર સામનો કરી રહેલી અફઘાન પ્રજાને તે અત્યંત જરૂરી એવી ખોરાકી મદદ પૂરી પાડશે.

    ઉપરોક્ત શિપમેન્ટ એ ભારતની પ્રજા તરફથી અફઘાનિસ્તાનના લોકોને મદદ માટે મોકલવામાં આવનાર કુલ 1.1 મિલિયન ટન ઘઉંના પ્રથમ ભાગરૂપે શિપ કરવામાં આવ્યું છે અને આવનારા મહિનામાં આ જ રીતે ભારત અફઘાનિસ્તાનને ચાબહાર પોર્ટ દ્વારા જ ઘઉંના શિપમેન્ટ્સ અફઘાનિસ્તાન મોકલતું રહેશે. વ્યુહાત્મક દ્રષ્ટિકોણથી ચાબહાર પોર્ટનું મહત્ત્વ ભારત, અફઘાનિસ્તાન અને ઈરાન એમ ત્રણેય રાષ્ટ્રો માટે ખૂબ છે અને આથી જ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઈરાનના પ્રમુખ હસન રુહાની અને અફઘાનિસ્તાનના પ્રમુખ અશરફ ઘાનીએ ચાબહારને બને તેટલું જલ્દીથી કાર્યરત કરવાના પ્રયાસો કર્યા હતા.

    ભારત, ઈરાન અને અફઘાનિસ્તાન કોઈને કોઈ રીતે પાકિસ્તાનના આતંકવાદી રાજકારણથી ત્રસ્ત થયેલા છે તેમાંય ભારત અને અફઘાનિસ્તાન તો ખાસ. આમ જુઓ તો ભારત જમીન માર્ગે અફઘાનિસ્તાનને જોઈએ તેટલી મદદ કરી શકે તેમ હતું પરંતુ અફઘાનિસ્તાન જવાનો રસ્તો પાકિસ્તાન થઇને જાય છે અને આથીજ જે માલ સમાન મોકલાય તેની સુરક્ષા પર મોટો પ્રશ્નાર્થ ઉભો થઇ જાય છે. આ ઉપરાંત પાકિસ્તાન ક્યારેય ભારતને અફઘાનિસ્તાનને સીધી મદદ કરવાના કોઇપણ પ્રયાસ સફળ બનાવત નહીં. જો આ અંગે આંતરરાષ્ટ્રીય પ્રેશર પણ બનાવવામાં આવત તો પાકિસ્તાન તેમાં વિઘ્નો પણ અવશ્ય લાવત.

    આવા સ્વાભાવિક કારણોસર ભારતે ભલે લાંબો પરંતુ સુરક્ષિત અને મૈત્રીપૂર્ણ માર્ગ એટલેકે વાયા ચાબહાર પોર્ટ, ઈરાનથી અફઘાનિસ્તાનને મદદ કરવાનું નક્કી કર્યું. અફઘાનિસ્તાનને મદદ કરવાના હેતુ ઉપરાંત ચીનની મદદથી પાકિસ્તાન બલુચિસ્તાનમાં આવેલું ગ્વાદર પોર્ટ ડેવલોપ કરી રહ્યું છે એ અત્યંત સંવેદનશીલ મુદ્દો પણ ભારતના ધ્યાનમાં હતો. આવામાં વ્યુહાત્મક રીતે પણ પાકિસ્તાન અને ચીનની જોડીને માત આપવી જરૂરી હતી એટલે આ કારણસર પણ ચાબહારનું મહત્ત્વ ભારત માટે ઘણું વધી જાય છે.

    ભારત માટે આ સંપૂર્ણપણે ‘Win Win Situation’ રહેવાની છે કારણકે એક તરફ તે અફઘાનિસ્તાનને અનાજ દ્વારા અને ઈરાનને ચાબહાર પોર્ટનું સંપૂર્ણ ડેવલોપમેન્ટ કરવાનો ખર્ચો ઉપાડીને જરૂરી મદદ કરશે તો બીજી તરફ તેનું અરબ સાગરમાં ચીન અને પાકિસ્તાનના મહત્ત્વને નામશેષ કરી શકશે.

    eછાપું

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here