કેવિન સ્પેસી દ્વારા સત્યનો સ્વીકાર કરતાજ હોલીવુડ નો દંભ પ્રકાશ્યો

  1
  306

  ભારતીય સમય અનુસાર ગઈકાલે સવારે લગભગ સાડા નવ વાગે જણીતા હોલીવુડ એક્ટર કેવિન સ્પેસી દ્વારા એક ટ્વીટ દ્વારા ઓફિશિયલી પોતે ગે હોવાનો સ્વીકાર કરતા જ ખળભળાટ મચી ગયો હતો. કેવિન સ્પેસીએ જો કે આ એકરાર તેના આગલા દિવસે એક અન્ય હોલીવુડ અદાકાર એન્થની રેપ્પ દ્વારા લગાવવામાં આવેલા આરોપનો જવાબ આપતી વખતે કર્યો હતો. એન્થની રેપ્પનો આરોપ શું હતો અને તેનો કેવિન સ્પેસી દ્વારા શો જવાબ આપવામાં આવ્યો તે જાણીએ એ પહેલા એટલું જાણી લેવું જરૂરી છે કે કેવિન સ્પેસીના જવાબ આપવાની સાથેજ હોલીવુડનો દંભી ચહેરો તમામ સમક્ષ ખુલ્લો પડી ગયો હતો.

  અમેરિકન સમય અનુસાર રવિવારે વહેલી સવારે પ્રકાશિત થયેલા એક ઇન્ટરવ્યુમાં એક્ટર એન્થની રેપ્પે કેવિન સ્પેસી પર આરોપ મૂક્યો હતો કે 1986માં એક પાર્ટી દરમ્યાન સ્પેસીએ તેના પર શારીરિક સંબંધ બાંધવાના હેતુસર બળજબરી કરી હતી, આ સમયે એન્થની રેપ્પ ટીનેજર હતો. રવિવારનો આખો દિવસ વીતી ગયા બાદ લગભગ મધ્યરાત્રીના સમયે એટલેકે ભારતમાં ત્યારે લગભગ સવારના સાડાનવ વાગ્યા હશે ત્યારે કેવિન સ્પેસીની એક ટ્વીટ પબ્લીશ થઇ હતી જેમાં સ્પેસીએ જણાવ્યું હતું કે, “એન્થની રેપ્પ જે ઘટનાની વાત કરી રહ્યો છે તે લગભગ ત્રીસ વર્ષ જૂની છે આથી આમ થયું હશે કે કેમ તે તેને બરાબર યાદ નથી, પરંતુ જો એમ ખરેખર બન્યું હોય તો તે રેપ્પ તેની માફી માંગવા માટે હક્કદાર છે.” સ્પેસીએ એમ પણ જણાવ્યું હતું કે જો આવી કોઈ ઘટના બની હશે તો તે સમયે તે (સ્પેસી) કદાચ નશાની અસરમાં હશે.

  હોલીવુડ અને અમેરિકામાં આગળ આપણે જે ખળભળાટની વાત કરી હતી તે કેવિન સ્પેસીના આ એકરારથી નહોતો થયો પરંતુ આ એકરાર કર્યા પછીના બીજા ફકરામાં કેવિન સ્પેસીએ જે સ્વીકાર કર્યો કે તે ગે છે તેને લીધે થયો હતો. સ્પેસીએ પોતાની ટ્વીટમાં સ્પષ્ટ કર્યું હતું કે વર્ષો સુધી તેના વિષે ઘણી વાતો થાય છે અને અત્યારસુધી તે પોતાના વિષે ચાલી રહેલી અફવાઓ પર એટલે ધ્યાન નહોતો આપતો કારણકે તે અંગત હતી, પરંતુ રેપ્પ દ્વારા મુકાયેલા આરોપનો જવાબ આપવા માટે મળેલી આ તકનો ઉપયોગ તે એ જણાવવીને કરવા માંગે છે કે તેને સ્ત્રી અને પુરુષ બંને ગમે છે અને તેના ભૂતકાળમાં ઘણા પુરુષો સાથે રોમેન્ટિક સંબંધો રહી ચૂક્યા છે પરંતુ આજથી તે પોતે ગે હોવાનું આધિકારિક રીતે જાહેર કરે છે!

  કેવિન સ્પેસીની આ જાહેરાતના ગણતરીના કલાકોમાં જ નેટફ્લીક્સે તેની છેલ્લી પાંચ સિઝનથી અત્યંત લોકપ્રિય બનેલી ‘હાઉસ ઓફ કાર્ડ્ઝ’ ને આવતા વર્ષે આવનારી તેની છઠ્ઠી સીઝન બાદ બંધ કરવાનો નિર્ણય જાહેર કરી દીધો હતો. હાઉસ ઓફ કાર્ડ્ઝનો આત્મા તેનું મુખ્ય પાત્ર ફ્રેન્ક અન્ડરવુડ રહ્યું છે જેને કેવિન સ્પેસીએ ભજવ્યું છે. સ્પેસીને ફ્રેન્ક અન્ડરવુડનું પાત્ર ભજવવા માટે પ્રતિષ્ઠિત એમી અવોર્ડ પણ મળી ચૂક્યો છે. નેટફ્લીકસે જો કે પોતાના નિવેદનમાં એમ નથી કહ્યું કે તે સ્પેસીના એકરારને લીધે શો બંધ કરવા જઈ રહ્યું છે પરંતુ તે આ એકરારથી દુઃખી જરૂર છે એમ જરૂર જણાવ્યું છે.

  પૂર્વના દેશોમાં ખાસ કરીને ભારતમાં એવી છાપ છે પશ્ચિમના મોટાભાગના દેશો અને હોલીવુડ દંભથી મુક્ત છે પરંતુ કેવિન સ્પેસીના એકરાર બાદ જે રીએક્શન આવ્યા છે તેનાથી પશ્ચિમની આ છબીથી ઉલટું જ દ્રશ્ય દેખાઈ રહ્યું છે. પહેલા તો આપણે નેટફ્લીક્સની જ વાત કરીએ કે આટલી સફળ સિરીઝને બંધ કરવાની જાહેરાત અને કેવિન સ્પેસીના એકરારનો સમય એક જ હોય તે કોઇપણ વ્યક્તિ માની શકે તેમ નથી. જો સ્પેસીના એકરાર બાદ નેટફ્લીકસ શો ને બંધ કરવા નહોતું માંગતું તો શો ના પ્રોડ્યુસર્સ બાલ્ટીમોરમાં ચાલી રહેલા શૂટિંગ દરમ્યાન અચાનક જ કલાકારો અને ક્રૂ ને મળવા માટે કેમ આવ્યા અને તે પણ સ્પેસીની ગેરહાજરીમાં?

  સોશિયલ મીડિયામાં જે રીતે સ્પેસીના એકરારનો વિરોધ થઇ રહ્યો છે તે પણ પશ્ચિમના આ દંભને ચીરવા માટે પૂરતો છે. કેટલાકે તો કેવિન સ્પેસીએ ગે સમાજનું અપમાન કર્યું હોવાનું કહ્યું છે. જો આપણે કેવિન સ્પેસીની ટ્વીટ ધ્યાનથી વાંચીએ તો તેણે એવો સ્પષ્ટ એકરાર બિલકુલ નથી કર્યો કે તેણે એન્થની રેપ્પ પર જાણીજોઈને જાતીય હુમલો કર્યો હોય. તેણે કહ્યું છે કે ત્રીસ વર્ષ વીતી ગયા હોવાથી મને એ ઘટના બરોબર યાદ નથી પરંતુ જો તેમ બન્યું હોય તો તે રેપ્પની માફી માંગે છે. જ્યારે આટલો મોટો સેલીબ્રીટી પોતાની જાતીય પસંદગી વિષે ખુલ્લેઆમ એકરાર કરે છે ત્યારે તેને ટેકો આપવાને બદલે તમે તેની એ મુદ્દે ટીકા કરો છે જે ઘટના અંગે ખુદ સ્પેસીને બરોબર યાદ નથી તેમ છતાં તે તેની માફી માંગવા તૈયાર છે? શું ગે સમાજમાં પણ બળાત્કારો કે પછી બળાત્કારની કોશિશો નહીં થતી હોય? તો પછી હકીકતનો સ્વીકાર કરવાને બદલે સ્પેસી દ્વારા થયેલા એકાદા પ્રયાસથી ગે સમાજની બદનામી થઇ ગઈ?

  આટલું જ નહીં હાઉસ ઓફ કાર્ડ્ઝના કેટલાક આકંઠ ચાહકોએ તો નેટફ્લીક્સને કેવિન સ્પેસી વગર જ તેની સહકલાકાર રોબીન રાઈટ સાથે સિરીઝને આગળ વધારવાની વિનંતી કરી રહ્યા છે શું ફક્ત એટલા માટે જ કે સ્પેસીએ જાહેરમાં એકરાર કરીને કદાચ કોઈ ગંભીર ગુનો કરી દીધો છે?

  આમ અત્યારે તો એવું લાગે છે કે જાતીય પસંદગી બાબતે પોતાને એડવાન્સ ગણાવતા અમેરિકામાં પણ હજી સુધી સમલૈંગિક સંબંધોને બહોળો ટેકો અથવાતો સ્વિકાર નથી મળ્યો અને તેના એ અંગેના દંભે કેવિન સ્પેસીએ પોતાના એકરાર દ્વારા આડકતરી રીતે ખુલ્લો કરી દીધો છે.

  eછાપું

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here