વર્લ્ડ બેન્ક ના તાજા રિપોર્ટથી ‘મોદીનોમિક્સ’ના ટીકાખોરોની બોલતી બંધ

    0
    369

    ગઈકાલે મોડી સાંજે વર્લ્ડ બેન્ક દ્વારા જાહેર કરવામાં આવેલા ‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ રિપોર્ટ 2018’, (અથવાતો Doing Business Report 2018) માં ‘મોદીનોમિક્સ’ ના આંધળા ટીકાખોરોને જબરદસ્ત તમાચો મારવામાં આવ્યો છે. ભારતનું અર્થતંત્ર 2014થી માંડીને અત્યારસુધીમાં અને ખાસ કરીને GDP અંગેના છેલ્લા આંકડાઓ બહાર પડ્યા બાદ તો સાવ ખાડે ગયું છે તેવા કોંગ્રેસ, લેફ્ટ, યશવંત સિન્હા, અરુણ શૌરી અને ઇવન રાજ ઠાકરે જેવાઓના આરોપો પર વર્લ્ડ બેન્ક નાઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ રેન્કિંગમાં ભારતની 30 સ્થાનોની હરણફાળે ઠંડુ પાણી રેડી દીધું છે.

    ઉપરોક્ત રિપોર્ટમાં ભારતે માત્ર 30 સ્થાનોનો લાંબો કુદકો જ નથી માર્યો પરંતુ તેણે સર્વપ્રથમ વખત ટોપ 100 માં પણ સ્થાન મેળવ્યું છે. ભારતની આ રેન્કિંગમાં મોટી છલાંગ સાથે તેનું ટોચના 100 દેશોમાં સામેલ થવું એટલે પણ નોંધપાત્ર છે કારણકે આ વખતના વર્લ્ડ બેન્કના આ રિપોર્ટનું ટાઈટલ ‘રોજગારી ઉભી કરવા માટેના સુધારા’ રાખવામાં આવ્યું છે. આમ વિપક્ષી પાર્ટીઓના, મોદી સરકારે ઓછી અથવાતો નહીવત રોજગારી ઉભી કરી છે તેવા આરોપની પણ અહીં હવા નીકળી જાય છે.

    ભારત ગઈકાલે જાહેર થયેલા વર્લ્ડ બેન્કના રેન્કિંગમાં આગળ આવવાનું જ હતું તેમ નિષ્ણાતો ઘણા દિવસથી કહી રહ્યા હતા. આમ પહેલેથી જ અનુમાન બાંધવાનું કારણ એક જ છે કે નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની NDA સરકારે અગાઉની સરકારોની સરખામણીએ અત્યંત મહત્ત્વના સુધારાઓ કર્યા છે. આ સુધારાઓમાં કર સુધારોણા (GST), વ્યાપાર અને વ્યવસાયમાં ઓછામાં ઓછી સરકારી દખલગીરી તેમજ મધ્યસ્થતા અને ભ્રષ્ટાચાર પર કડક નજર સામેલ છે. વિદેશી અર્થશાસ્ત્રીઓ આ બદલાવને ભારતના અર્થતંત્રના સ્વભાવમાં આવેલું પરિવર્તન ગણાવી રહ્યા છે.

    વર્લ્ડ બેન્ક ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ રેન્કિંગ 2018માં ભારતે ભરેલી હરણફાળ પાછળના કારણો

    હવે એ જોઈએ કે ગત એક વર્ષમાં અચાનક એવું તો શું બન્યું કે ભારતે એક નહીં, બે નહીં પરંતુ 30 સ્થાનોની છલાંગ વર્લ્ડ બેન્કના રેન્કિંગમાં લગાવી? જેમ દરેક સારી અથવાતો ખરાબ ઘટના ઘટવા પાછળ સારા અને ખરાબ પરિબળો વધુ કે ઓછા પ્રમાણમાં હોય છે તેમ ભારતના તાજેતરના દેખાવ પાછળ પણ તે પ્રકારના સારા-નરસા પરિબળો જવાબદાર છે. વર્લ્ડ બેન્કે ભારતના બે મુખ્ય શહેરો દિલ્હી અને મુંબઈમાં વ્યાપાર કરતા વ્યાપારીઓ, ઉદ્યોગપતિઓ તેમજ અર્થશાસ્ત્રીઓ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સનો દેશમાં વ્યાપાર કરવો કેટલો સરળ છે એ જાણવા અંગે એક સરવે કર્યો હતો. આ સરવે બાદ વર્લ્ડ બેન્કે ભારતનું રેન્કિંગ સુધાર્યું છે. ચાલો જોઈએ કે વર્લ્ડ બેન્કના આ સરવે અનુસાર કયા એવા પરિબળો છે જેણે આ રેન્કિંગ સુધારોવામાં મદદ કરી અને કયા એવા પરિબળો છે જેમાં હજી પણ સુધારાને અવકાશ છે.

    ભારતમાં વ્યવસાય કરવા માટેના સારા પરિબળો

    • બાંધકામની મંજૂરી મળવી ઝડપી બની – 3 સ્થાનોનો સુધારો
    • કર ભરવો સરળ બન્યો – 53 સ્થાનોનો સુધારો
    • કોન્ટ્રેકટ્સનું અમલીકરણ સરળ બન્યું – 8 સ્થાનોનો સુધારો
    • નાદારીના પ્રશ્નોનો ઉકેલ ઝડપી બન્યો – 33 સ્થાનોનો સુધારો
    • ઋણ મેળવવાની સરળતા – 15 સ્થાનોનો સુધારો
    • નાના રોકાણકારોની સુરક્ષા – 9 સ્થાનોનો સુધારો

    ઉપરોક્ત આંકડાઓ અંગે નાણામંત્રી અરુણ જેટલીનું કહેવું છે કે આ રિપોર્ટનો ડેટા આ વર્ષના જૂન સુધીનો જ છે અને GSTનો અમલ જુલાઇ મહિનાથી થયો છે આથી આગામી વર્ષે ભારતનું સ્થાન હજી પણ ઉપર જશે. આ ઉપરાંત ગયા અઠવાડિયે જ જાહેર ક્ષેત્રની બેન્કોનું પુનઃમૂડીકરણ કરવામાં આવતા વ્યાપારીઓને ઋણ હવે વધુ સરળતાથી ઉપલબ્ધ થશે અને તે કારણસર પણ ભારતનું રેન્કિંગ આવતે વર્ષે સુધરવાની આશા રાખી શકાય.

    સુધારાની જરૂર ક્યાં ક્યાં છે?

    • વ્યાપાર શરુ કરવો – 1 સ્થાનની પીછેહઠ
    • તમામ સીમાઓની પાર જઈને વ્યાપાર કરવો (આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય) – 3 સ્થાનની પીછેહઠ
    • મિલકતનું રજીસ્ટ્રેશન – 16 સ્થાનોની પીછેહઠ
    • વિજળીનું કનેક્શન મેળવવું – 3 સ્થાનોની પીછેહઠ

    ભારતે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ રેન્કિંગમાં હરણફાળ ભરી હોવા છતાં વર્લ્ડ બેન્ક એમ કહે છે કે અહીં વ્યાપાર કરવાની સરળતા વધી છે પરંતુ વ્યાપાર શરુ કરવો હજી પણ અઘરું છે. ભલે તેમાં ભારત એક જ સ્થાન પાછળ ગયું છે પરંતુ એ અંગે ધ્યાન આપવાની જરૂર તો છે જ. આ ઉપરાંત વ્યાપાર શરુ કરવા માટે પ્રોપર્ટીનું રજીસ્ટ્રેશન તેમજ વીજળીનું કનેક્શન મેળવવામાં આપણા દેશમાં હજી પણ તકલીફ પડે છે. આંતરરાજ્ય સીમાઓ પર લેવાતા વિવિધ કર GSTના અમલ બાદ નાબૂદ થયા છે આથી એ અંગે આવતા વર્ષના રેન્કિંગમાં સુધારો થવાની પૂરેપૂરી આશા રાખી શકાય.

    અરુણ જેટલીના કહેવા અનુસાર 2014માં જ્યારે નરેન્દ્ર મોદીએ દેશની સત્તા સંભાળી હતી ત્યારેજ તેમણે ભારતને વર્લ્ડ બેન્ક ના ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસના Top 50 દેશોમાં લાવવા માટેના પગલા લેવાનું શરુ કરી દેવાનું જણાવ્યું હતું. એ સમયે ભારતનું રેન્કિંગ 141 હતું જે ગયે વર્ષે 130 થયું અને આ વર્ષે 100 પર પહોંચ્યું છે. વર્લ્ડ બેન્ક ના ભારતના કન્ટ્રી ડિરેક્ટર જુનૈદ અહમદનું કહેવું છે કે GSTનો અમલ અને નાદારીનો કાયદો જો બરાબર લાગુ કરવામાં આવશે તો ભારતનું રેન્કિંગ હજી પણ સુધરી શકે તેમ છે.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને વર્લ્ડ બેન્કના ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ રિપોર્ટમાં ભારતે લગાવેલી છલાંગને ટીમ ઇન્ડિયા દ્વારા કરવામાં આવેલા બહુક્ષેત્રીય સુધારાઓને જવાબદાર ગણાવ્યા હતા.

    તમને અમારું આ ફિચર ગમ્યું હોય તો અમને નીચે કમેન્ટ્સ સેક્શનમાં, અમારા ફેસબુક અથવાતો ટ્વીટર પેજ પર તમારા વિચારો જરૂર જણાવશો.

    eછાપું

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here