ફિરોઝશાહ કોટલા પર સહેવાગ માટે અનોખું સન્માન

  0
  302

  મંગળવારે વીરેન્દર સહેવાગ અત્યંત ખુશ હતો. સહેવાગના ખુશ થવાનું કારણ પણ હતું કારણકે દિલ્હી એન્ડ ડીસ્ટ્રીક્ટ (DDCA) દ્વારા ફિરોઝશાહ કોટલા મેદાનના ગેટ નંબર 3 ને ‘વીરેન્દર સહેવાગ ગેટ’ નામ આપવામાં આવ્યું છે. આ ગેટને એક દિવસ તે સહેવાગનું નામ આપશે તેવું વચન DDCAના હાલના એડમિનિસ્ટ્રેટર રિટાયર્ડ જજ વિક્રમજીત સેને જ્યારે સહેવાગે મુલતાનમાં પાકિસ્તાન સામે 309 રનની ઇનિંગ રમી હતી ત્યારે આપ્યું હતું. આમ લગભગ 13 વર્ષે સહેવાગનું સ્વપ્ન સાકાર થયું છે.

  જસ્ટિસ સેને DDCAની ક્રિકેટ એડવાઇઝરી કમિટી સમક્ષ કોટલાના ગેટ નંબર 3ને સહેવાગનું નામ આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો જેને મંજૂરી મળતાં જ ન્યૂઝીલેન્ડ સામેની ભારતની પ્રથમ Twenty20 મેચના એક દિવસ અગાઉ આ ગેટનું ઉદ્ઘાટન કરવાનું નક્કી કરાયું હતું. ગઈકાલે વીરેન્દર સહેવાગ ગેટના ઉદ્ઘાટન પ્રસંગે સહેવાગની સાથે ભારતીય ટીમના કોચ રવિ શાસ્ત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા.

  પોતાને મળેલા આ અનોખા સન્માનની પ્રતિક્રિયા આપતા સહેવાગે જણાવ્યું હતું કે દિલ્હીમાં આ એક સારી શરૂઆત થઇ છે અને તેનો મને આનંદ છે. સહેવાગના કહેવા અનુસાર આજે તેના નામ પર સ્ટેડીયમનો ગેટ બનાવવામાં આવ્યો છે તો આવનારા વર્ષોમાં દિલ્હીના વધુને વધુ ક્રિકેટરો આ રીતે સન્માનિત થશે. સહેવાગના માનવા અનુસાર ભવિષ્યમાં સ્ટેડીયમનું પેવેલીયન, સ્ટેન્ડ અને અન્ય મહત્ત્વના સ્થાનોને ક્રિકેટરોના નામ સાથે સાંકળવામાં આવે તો તે DDCA દ્વારા ઉઠાવવામાં આવેલું એક હકારાત્મક પગલું હશે.

  આ પ્રસંગે દિલ્હી તરફથી આંતરરાષ્ટ્રીય તેમજ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમી ચૂકેલા ઘણા બધા ક્રિકેટરો ઉપસ્થિત રહ્યા હતા પરંતુ સહેવાગે ઈચ્છા વ્યક્ત કરી હતી કે આવનારા દિવસોમાં આ પ્રકારના પ્રસંગોએ હજી પણ જો મોટી સંખ્યામાં પૂર્વ ક્રિકેટરો ઉપસ્થિત રહેશે તો વધુ સારું રહેશે કારણકે દિલ્હીના ક્રિકેટરો આમ થવાથી એકબીજા સાથે વધુ ગાઢ રીતે સંકળાયેલા મહેસૂસ કરશે.

  વીરેન્દર સહેવાગ ગેટના ઉદ્ઘાટન સમયે સહેવાગના બંને પુત્રો આર્યવીર અને વેદાંત તેમજ તેમના ખાસ મિત્રો રાજુ શર્મા, મહેશ ભાટી, રજત ભાટિયા, અમિત ભંડારી અને તેના કોચ એ એન શર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા.  પોતાના પૂર્વ સાથીઓની હાજરી જોઇને સહેવાગ ગદગદ થઇ ગયો હતો.

  ભારતમાં વિદેશોની જેમ મેદાનો, સ્ટેન્ડ, ગેટ કે પછી પેવેલીયનોને ભૂતપૂર્વ ક્રિકેટરોના નામ આપવાનો રીવાજ ખૂબ ઓછો છે. જો કે તેમાં મુંબઈનું વાનખેડે સ્ટેડીયમ અપવાદરૂપ ગણી શકાય કારણકે અહીં મુંબઈ માટે રમાયેલા કેટલાક મહાન ખેલાડીઓ જેમ કે સચિન તેન્દુલકર, સુનીલ ગાવસ્કર અને દિલીપ વેંગસરકરના નામે સ્ટેન્ડ બનાવવામાં આવ્યા છે. ઓસ્ટ્રેલિયામાં સ્ટેન્ડ અને ગેટને પૂર્વ ખેલાડીઓના નામ આપવાનો ટ્રેન્ડ સૌથી વધુ જોવા મળે છે.

  ભારતમાં પણ જો આ રીતે પૂર્વ ક્રિકેટરોના નામ મેદાનના કોઈને કોઈ હિસ્સા સાથે સાંકળવામાં આવે તો યુવા ખેલાડીઓનો ઉત્સાહ તો વધે જ છે પરંતુ તેમને વધુને વધુ સારું રમીને આ ખેલાડીઓ સાથે પોતાનું નામ જોડી શકાય તેવી પ્રેરણા પણ મળે છે.

  આશા કરીએ કે આવનારા દિવસોમાં વીરેન્દર સહેવાગ માટે DDCA દ્વારા જે સન્માન આપવામાં આવ્યું છે તેને અન્ય રાજ્યના ક્રિકેટ બોર્ડ્સ પણ ફોલો કરશે.

  eછાપું

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here