ગ્રેટ પીરામીડ ઓફ ગીઝામાં પુરાતત્વવિદોને મળી મોટી સફળતા

  0
  564

  છેલ્લા ઘણા સમયથી ઈજીપ્તના ગ્રેટ પીરામીડ ઓફ ગીઝામાં પુરાતત્વ વૈજ્ઞાનિકો દ્વારા આધુનિક સાધનો દ્વારા સંશોધનો થઇ રહ્યા હતા અને હવે તેમણે દાવો કર્યો છે કે આ પ્રાચીન ઈમારતમાં તેમણે અતિશય વિશાળ અને ખાનગી જગ્યા શોધી કાઢી છે. આ જગ્યા જેને પીરામીડની અંદર આવેલી ગ્રાન્ડ ગેલેરી તરીકે ઓળખવામાં આવે છે તેની ઉપર આવેલી છે અને તે કોઈ ચર્ચનો રૂમ હોય તેવી દેખાઈ રહી છે. જો વિસ્તારની વાત કરીએ તો આ જગ્યા લગભગ 100 ફૂટ લાંબી છે અને તે પીરામીડની દીવાલોની અંદર છુપાયેલી મળી હતી.

  આશ્ચર્યની વાત એ છે કે  ઈસ્વીસન પૂર્વે લગભગ 2500 વર્ષ પહેલા આ વિશાળ રોયલ પીરામીડ બનાવવામાં આવ્યો હતો અને તેને વિશ્વની 7 પ્રાચીન અજાયબીઓમાં સ્થાન મળ્યું છે અને અત્યારસુધી કોઈને પણ આ જગ્યા વિષે કોઈજ જ્ઞાન ન હતું. આ સંશોધન સાથે સંકળાયેલા ન હોય તેવા પુરાત્ત્વવિદોનું કહેવું છે કે હજી સુધી આપણને માત્ર ખાલી જગ્યા જ મળી હોવાની માહિતી મળી છે આથી આ જગ્યાની અંદર શું છે, કોઈ રાજાનું સાચવી રાખેલું શબ છે કે કેમ તે અંગે કોઇપણ પ્રકારની અટકળ કરવી જોઈએ નહીં. જે ટીમે આ શોધ કરી છે તેમના કહેવા અનુસાર અઢારમી સદી બાદ પીરામીડ અંગે આ સૌથી મોટી શોધ છે.

  પેરિસના HIP ઇન્સ્ટીટયુટ સાથે સંકળાયેલા મેહદી તૈયબી અને તેમની ટીમે આ શોધ કરી હોવાનું જાણવા મળ્યું છે. તૈયબીના કહેવા અનુસાર તેમણે સંપૂર્ણ વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવીને આ શોધ કરી છે. તૈયબીએ ખુલાસો કરતા જણાવ્યું છે કે તેમનો હેતુ તેમના સાધનો કિંગ્સ ચેમ્બર અને ગ્રાન્ડ વેલીની જેમજ નીચે આવેલા ક્વીન્સ ચેમ્બરમાં પણ સંશોધન માટે કામ આવી શકે છે કે નહીં તે નક્કી કરવાનો હતો, પરંતુ તેમના આશ્ચર્ય સાથે તેમને એક નવી ખુલ્લી જગ્યા મળી હતી. તૈયબીના જણાવ્યા અનુસાર તેમની સમગ્ર ટીમ આ શોધ થયા બાદ અત્યંત ઉત્સાહી છે પરંતુ હજી કોઇપણ પ્રકારના પરિણામ પર પહોંચવામાં વાર લાગશે.

  શોધ અંગે વધુ માહિતી મેળવવા માટે હજી પણ રાહ જોવા પાછળનું એક જ કારણ છે કે માત્ર એક જ પદ્ધતિએ થયેલા સંશોધન પર આધાર રાખી શકાય તેમ નથી અને આથી જ ફરી એકવાર કોઈ અન્ય રીતે તેનું સંશોધન કરવું જરૂરી છે.

  તૈયબીએ જો કે એ હકીકતની પુષ્ટિ કરી છે કે ગ્રેટ પીરામીડ ઓફ ગીઝામાં તેમને ખાલી જગ્યા મળી છે અને તે કેટલી વિશાળ છે તેની પણ માહિતી તેમની પાસે છે, પરંતુ હવે તેની અંદર શું છે તેની તેમને ખબર નથી અને તે માટે હવે ઈજીપ્ટોલોજીસ્ટ્સ અને પ્રાચીન ઈજીપ્તના નિષ્ણાતોની સાથે તેમણે હાથ મેળવવા પડશે.

  હવે મેહદી તૈયબી અને તેમની ટીમ આશા રાખી રહ્યા છે કે નાની તિરાડોમાંથી પીરામીડ ની આ ખાલી જગ્યામાં જો રોબોટ્સ મોકલી શકવામાં આવે અને જો તેના દ્વારા કોઈ માહિતી મળી શકે તો આ મહત્ત્વની શોધ પર ચાર ચાંદ લાગી જશે. અને જો આ કાર્યમાં સફળતા મળશે તો ઈજીપ્તના પ્રાચીન અને પ્રસિદ્ધ પીરામીડ અંગેના તેમના જ્ઞાનમાં વધારો થશે.

  eછાપું

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here