ચેલેન્જ! વિશ્વના આ સૌથી નાના 10 દેશ વિષે તમે અજાણ છો

  0
  724

  શું તમને ખ્યાલ છે કે આપણી આ પૃથ્વી પર લગભગ કેટલા દેશ આવ્યા છે? ચોક્કસ આંકડો જો ખબર ન હોય તો એટલું જરૂરથી કહી શકાય કે આપણી પૃથ્વી પર લગભગ 200 થી પણ વધારે દેશો આવેલા છે. જો આપણને કોઈ ભારત સિવાયના 5 કે 10 દેશોના નામ આપવાનું કહે તો આપણે ફટાફટ જાણીતા અને મોટા મોટા દેશોના નામ આપી દઈએ. પણ શું તમને ખબર છે કે વિશ્વમાં અમુક એટલા નાના દેશ આવેલા છે જે નકશામાં ટપકાંથી પણ નાના દેખાતા હોય છે? આ એવા દેશો છે જેની સરખામણીએ આપણા ભારતના અસંખ્ય ગામડાઓ પણ શહેર જેટલા મોટા લાગે!

  આવા દેશ આવ્યા છે કે કેમ તેની કેર પણ કદાચ આપણે લઈએ નહીં એવું બને, પરંતુ આજે તમે જ્યારે વિશ્વના સૌથી નાના 10 દેશ અને તેમનું ક્ષેત્રફળ અને તેમની વસ્તી વિષે તેમજ અન્ય હકીકતો વિષે જાણશો તો તમારી આંખો પહોળી જરૂર થઇ જશે તેવી અમારી ચેલેન્જ છે!

  ચાલો જાણીએ વિશ્વના 10 સૌથી નાના દેશ વિષે

  પલાઉ (Palau)

  વિસ્તાર: 459 sq, km.

  વસ્તી: 21,347

  ફિલિપાઇન્સની પૂર્વે અને પપુઆ ન્યૂ ગીનીની ઉત્તરે તેમજ અત્યારે ઉત્તર કોરિયા જેના પર ખરાબ નજર નાખી રાખીને બેઠું છે તે અમેરિકન કોલોની ગુઆમની પશ્ચિમે પલાઉ નામનો દેશ આવ્યો છે. પલાઉ 500 જેટલા નાના ટાપુઓનો સમુહથી બનેલો છે. અહીં શાર્ક અને જેલીફિશ જેવા સામુદ્રિક જીવો સાથે અદ્ભુત કુદરતી સૌંદર્ય માણી શકાય છે.

  નુએઇ (Niue)

  વિસ્તાર: 261.46 sq. km.

  વસ્તી: 1,190

  નુએઇ એ પેસિફિક મહાસાગરમાં આવેલા અસંખ્ય નાના ટાપુઓની વચ્ચે આવેલો નાનકડો દેશ છે. અહીંથી ફિજી સૌથી નજીકના અંતરે આવેલું છે. કુદરતી સૌંદર્ય ભરપૂર માત્રામાં આવેલું હોવા છતાં નુએઇમાં પ્રવાસનનો બિલકુલ વિકાસ નથી થયો. અત્યંત ગરીબ એવા આ દેશને તેની રોજીંદી જરૂરિયાતો પૂરી કરવા માટે ન્યૂઝીલેન્ડ પાસે આધાર રાખવો પડે છે. જો કે આ ટપુકડા દેશને પોતાનું એરપોર્ટ અને એક સુપર માર્કેટ પણ છે.

  સેન્ટ કિટ્સ એન્ડ નેવિસ (St. Kitts & Nevis)

  વિસ્તાર: 261 sq. km.

  વસ્તી: 52,329

  આમ તો આ બે ટાપુઓ સેન્ટ કિટ્સ અને નેવિસનો બનેલો દેશ છે જે વેસ્ટ ઇન્ડીઝનો ભાગ છે અને કાળા નાણાના પાર્કિંગ માટે તે ખાસોએવો બદનામ પણ છે. અહીં માત્ર $2,50,000 ડોલર્સનું રોકાણ કરવાથી અથવાતો બંનેમાંથી એક ટાપુ પર ઓછામાં ઓછું $400,000 ડોલર્સની કિંમતની પ્રોપર્ટી ખરીદવાથી તમે આ દેશનું નાગરિકત્વ પ્રાપ્ત કરી શકો છો.

  ધ પ્રિન્સીપાલીટી ઓફ હટ્ટ રિવર (The Principality of Hutt River)

  વિસ્તાર: 75 sq. km.

  વસ્તી: 30

  પશ્ચિમ ઓસ્ટ્રેલિયા રાજ્યનો એક ભાગ એવો ધ પ્રિન્સીપાલીટી ઓફ હટ્ટ રિવર નામનો એક પ્રાંત આવ્યો છે અને એ જ નામે તેને લિઓનાર્ડ કેસ્લેએ પોતાના ફાર્મને એક આઝાદ દેશ જાહેર કરી દીધો હતો. આમ તો આ દેશને અન્ય કોઇપણ દેશે માન્યતા આપી નથી પરંતુ આજે પણ અહીં પોતાનું ચલણી નાણું, ટપાલ ટીકીટ અને  પાસપોર્ટ છે. અહીંની મુલાકાતે આવનારા પ્રવાસીઓને મહામહિમ પ્રિન્સ લિઓનાર્ડ ‘પ્રથમ’ નું પુતળું જરૂરથી જોવા મળે છે.

  તુવાલુ (Tuvalu)

  વિસ્તાર: 26 sq. km.

  વસ્તી: 10,959

  પેસિફિકમાં આવેલા અસંખ્ય નાના નાના ટાપુ દેશોમાંથી એક તુવાલુ પણ છે. ગૂગલ મેપમાં પણ તમે તુવાલુને સર્ચ કરીને જો માત્ર બે વખત ઝૂમ આઉટ કરશો તો એ દેખાશે પણ નહીં. તુવાલુનું સમગ્ર અર્થતંત્ર પ્રવાસન પર આધારિત છે જે તેને સમગ્ર વર્ષમાં અબજો ડોલર્સની કમાણી કરી આપે છે. .tv એ તુવાલુનું ઈન્ટરનેટ ડોમેઈન છે એ યાદ રહે.

  નાઉરુ (Nauru)

  વિસ્તાર: 21 sq. km.

  વસ્તી: 9,591

  ઓસ્ટ્રેલિયાના ઉત્તરપૂર્વે નાઉરુ નામનો ટચૂકડો દેશ આવ્યો છે. નાઉરુને કોઈ રાજધાની નથી કે નથી તેની પાસે કોઈ પબ્લિક ટ્રાન્સપોર્ટ. અહીના લોકો માત્ર પોતાના વાહનોમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય છે. નાઉરુમાં એક છેડેથી બીજે છેડે જવામાં માત્ર 25 માઈલનું અંતર જ કાપવું પડે છે. અહીં વાતાવરણમાં સતત બદલાવ આવતો રહેતો હોય છે આથી પ્રવાસીઓમાં તે એટલું લોકપ્રિય નથી. વિશ્વમાં ઓબેસિટીનો સૌથી ઉંચો એટલેકે 70% દર નાઉરુ ધરાવે છે.

  ધ પ્રિન્સીપાલીટી ઓફ સેબોર્ગા (The Principality of Seborga)

  વિસ્તાર: 4.91 sq. km.

  વસ્તી: 312

  આ નાનકડો દેશ ઇટાલી અને ફ્રાન્સની સરહદ પર આવેલો છે. અહીં હીઝ ટ્રેમેન્ડસનેસ માર્સોલો ‘પ્રથમ’નું શાસન છે. ધ પ્રિન્સીપાલીટી ઓફ સેબોર્ગાએ આમ તો એક ગામડું જ છે પરંતુ તેની ત્રણ લોકોની સેના પણ છે. આ સેનામાં રક્ષામંત્રી અને બે ગાર્ડ્સ સામેલ છે.

  ધ રિપબ્લિક ઓફ મોલોસીયા (The Republic of Molossia)

  વિસ્તાર: 0.055 sq. km.

  વસ્તી: 7

  ધ રિપબ્લિક ઓફ મોલોસીયા એક સ્વઘોષિત રાષ્ટ્ર છે જેને અમેરિકાના નેવાડા રાજ્યમાં કેવિન બાઘ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું હતું. આ દેશમાં કુલ સાત લોકો વસે છે જેમાં એક તો મિસ્ટર કેવિન બાઘ પોતે છે તે ઉપરાંત તેમનું પરિવાર, તેમના 3 કુતરા, 1 બિલાડી અને 1 સસલું પણ સામેલ છે. આ દેશને પોતાનું રાષ્ટ્રગીત, રાષ્ટ્રીય ચિન્હ અને રાષ્ટ્રધ્વજ પણ છે. અહીં ગંભીર ગુનો કરનાર માટે ફાંસીની સજા પણ થઇ શકે તેવું પ્રાવધાન છે અને દેશને ખુદનો પાસપોર્ટ અને સ્પેસ પ્રોગ્રામ પણ છે. આ વર્ષે ધ રિપબ્લિક ઓફ મોલોસીયા 40 વર્ષનું થયું.

  સોવરેન મિલીટરી ઓર્ડર ઓફ માલ્ટા (Sovereign Military Order of Malta)

  વિસ્તાર: 0.012 sq. km.

  વસ્તી: 1,13,500

  આ દેશ ઇટાલીના રોમ શહેરમાં આવેલા બે બિલ્ડીંગો અને માલ્ટાના ટાપુમાં આવેલા એક બિલ્ડીંગ પૂરતો જ સીમિત છે. પરંતુ સોવરેન મિલીટરી ઓર્ડર ઓફ માલ્ટા આ બંને જગ્યાઓના નાગરિકોને પોતાના જ નાગરિક ગણે છે. આ દેશ પાસે પોતાનું ચલણી નાણું, ટપાલ ટીકીટ, કાર રજીસ્ટ્રેશન નંબર, પાસપોર્ટ તેમજ વેબસાઈટ છે.

  ધ પ્રિન્સીપાલીટી ઓફ સિલેન્ડ (The Principality of Sealand)

  વિસ્તાર: 0.004 sq. km.

  વસ્તી: 27

  એક રીતે જોવા જઈએ તો આ દેશ એ સમુદ્રમાં ઉભા કરેલા એક પ્લેટફોર્મથી વિશેષ કશું જ નથી. ગ્રેટ બ્રિટનથી લગભગ 6 માઈલ દૂર સ્વઘોષિત રાજકુમાર રેગન્ટ દ્વારા આ દેશ પર શાસન ચલાવવામાં આવે છે. તમે આ રાજ્યની વેબસાઈટ પર અમુક પાઉન્ડનું દાન આપો તો તમને કાઉન્ટ, બેરન કે પછી ડ્યુકનું પદ પણ આસાનીથી મળી જાય છે.

  તો થઇ ગયાને આશ્ચર્યચકિત? બસ આવા જ નવાઈ પમાડતા અને જ્ઞાનમાં સતત વૃદ્ધિ કરતા ફીચર્સ વાંચવા માટે અમારી વેબસાઈટની મુલાકાત વારંવાર લેતા રહેશો.

  જો તમને આ ફીચર ગમ્યું હોય તો અમને તમારું ફીડબેક નીચે કમેન્ટ્સ સેક્શનમાં અથવાતો અમારા ફેસબુક અને ટ્વીટર પેજ પર જરૂરથી આપશો, અમને ગમશે.

  eછાપું

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here