અમિત કુમાત: દેવાળું ફૂંકવાની પરિસ્થિતિમાંથી બનાવી 2700 કરોડની સ્નેક્સ કંપની

    0
    345

    જરા વિચારો કે આજે કરોડો રૂપિયાના સ્નેક્સ વેંચતો કોઈ વ્યક્તિ એક જમાનામાં કપડાનો બિઝનેસ કરીને દેવાના ડુંગર નીચે દબાયેલો હતો એમ તમને કહેવામાં આવે તો શું તમને તેના પર વિશ્વાસ થશે? કદાચ નહીં થાય. તો મળો અમિત કુમાતને જેમની રૂ.900 કરોડની પ્રતાપ સ્નેક્સ લિમિટેડ સપ્ટેમ્બરમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) માં લીસ્ટ થઇ છે અને તેઓ અમુક વર્ષ અગાઉ રૂ. 18 કરોડ રૂપિયાના દેવા હેઠળ હતા.

    દેવાના ડુંગર તળેથી કરોડોની પ્રતાપ સ્નેક્સ લિ. ઉભી કરનાર અમિત કુમાતની કહાણી

    ઉપરોક્ત હકીકત વાંચ્યા પછી કોઈને પણ ઈચ્છા થાય કે દેવાદાર માંથી કરોડોની માર્કેટ વેલ્યુ ધરાવતી કંપની ઉભી કરનાર અમિત કુમાતની સફર કેવી રહી હશે? તો ચાલો આપણે આ સફર વિષે થોડું વધુ જાણીએ?

    શરૂઆતના દિવસો અને દેવા નો મહાસાગર

    અમિત કુમાત સાયન્સમાં માસ્ટર્સ ડીગ્રી ધારક છે જે તેમણે અમેરિકાના લુઈઝીએના સ્ટેટ યુનિવર્સીટીમાંથી મેળવી હતી અને 1992માં પોતાના દેશ ભારત માટે કશું કરી છૂટવાની તમન્ના સાથે તેઓ પરત આવ્યા હતા. આ એવો સમય હતો જ્યારે હજી સુધી ભારતનું અર્થતંત્ર મુક્ત થયું ન હતું અને અર્થતંત્રની ખુદની હાલત અત્યંત ડામાડોળ હતી. આથી અમિતને અત્યંત કઠીન પરિશ્રમ કર્યા પછી પણ ક્યાંય નોકરી મળી નહીં.

    નોકરી ન મળતા અમિત કુમાતે પિતાના કપડાના હોલસેલ વ્યાપારમાં ઝંપલાવ્યું અને તેમને મદદ કરી. અહીં અમિત કુમાત એટલું તો સમજી ગયા કે ભારતીય ગ્રાહક માલ સામાનની કિંમત બાબતે અત્યંત સભાન છે. ગારમેન્ટ બિઝનેસ ચાલી નીકળ્યો એટલે અમિત કુમાતે ધંધામાં વિવિધતા લાવવાનું નક્કી કર્યું અને ઇન્દોરમાં જ SAP ટ્રેનીંગ સેન્ટર પણ ખોલ્યું. પણ અમુક વર્ષ પછી ડોટ કોમનો ફુગ્ગો ફૂટી ગયો અને અમિત પર 18 કરોડનું દેવું આવી ગયું.

    દેવા વિરુદ્ધ સંઘર્ષ અને મુક્તિ

    અમિત કુમાત એ દિવસોને યાદ કરતા કહે છે કે કામકાજ તો બંધ થઇ જ ગયું પરંતુ નવો ધંધો શું કરવો તેની પણ તેમને ખબર નહોતી પડી રહી. ઇન્દોરમાં જ ક્યાંય જવું હોય તો બસમાં જવું કે પછી ચાલીને જવું જેથી બસની ટીકીટના પૈસા બચે એવો વિચાર પણ તેમણે કરવો પડતો હતો. ત્યારબાદ અમિતે પોતાના ભાઈ અપૂર્વ અને તેમના મિત્ર અરવિંદ મહેતા સાથે ઈન્દોરની બહાર જઈને સ્નેક્સ બિઝનેસ શરુ કરવાનો પ્લાન બનાવ્યો. અરવિંદ મહેતા જે તે સમયે કન્સ્ટ્રક્શન બિઝનેસ સાથે સંકળાયેલા હતા તેમણે શરૂઆતના રૂ. 15 લાખનું રોકાણ કરવાની તૈયારી બતાવી.

    અમિત, અપૂર્વ અને અરવિંદે ઉત્તર પ્રદેશમાં લખનૌમાં ચીઝ બોલ્સ બનાવડાવીને તેને ઇન્દોરમાં વેંચવાના શરુ કર્યા. થોડો સમય જતા આ બિઝનેસ ચાલી નીકળ્યો. પછી તો ઇન્દોરમાં જ પોટેટો ચિપ્સ બનાવવાનો પ્લાન્ટ નાખ્યો અને એક સમય એવો આવ્યો કે રાજ્યના કેટલાક ભાગોમાં તેમની ચિપ્સની સીધી સ્પર્ધા Layz સાથે થવા લાગી. 2006-2007માં કુરકુરે ની સામે ચુલબુલે શરુ કર્યા અને જેમ જેમ આ ઉત્પાદનોનું વેંચાણ વધ્યું તેમ તેમ અમિતને દેવામાંથી મુક્તિ મળતી ગઈ.

    અમેરિકન ઓફર અને નસીબ પલટાયું

    યલો ડાયમંડ તરીકે સ્નેક્સ વેંચતા અમિત, અપૂર્વ અને અરવિંદની પ્રોડક્ટની સફળતા જોઇને Sequoia Capital જે વિશ્વની જાણીતી વેન્ચર ફંડ કંપની છે તેણે 2009માં ઇન્વેસ્ટમેન્ટની ઓફર સામેથી આપી. પરંતુ યલો ડાયમંડની ત્રિપુટીએ આ ઓફરનો સ્વિકાર કરવામાં કમસેકમ દોઢ વર્ષનો સમયગાળો લીધો.

    પછી તો પ્રતાપ સ્નેક્સ યલો ડાયમંડ બ્રાન્ડ બન્યું અને નસીબ પલટાયું અને માત્ર પોટેટો ચિપ્સ જ નહીં પરંતુ પોટેટો રિંગ્સ બનાવવાનો પ્લાન્ટ પણ સ્થપાયો અને આજે યલો ડાયમંડના કુલ ઉત્પાદનમાં 42 ટકા હિસ્સો પોટેટો રિંગ્સનો છે અને 26 ટકા હિસ્સો પોટેટો ચિપ્સનો! દરરોજ 40 લાખ પેકેટ્સનું ઉત્પાદન કરતા યલો ડાયમંડની પોટેટો રિંગ્સનું એક પેકેટ 5 રૂપિયામાં જ્યારે કોઈ એક બાળક ખરીદે છે ત્યારે તેની સાથે તેને પચાસ પૈસાનું એક રમકડું મફત આપવામાં આવે છે. જી હા! બાળકો એ યલો ડાયમંડ પ્રોડક્ટ્સના સૌથી માનવંતા ગ્રાહકો છે.

    યલો ડાયમંડમાં ટીમવર્ક નહીં પરંતુ કૌટુંબિક ભાવના વ્યાપ્ત છે

    આજે કોઇપણ કોર્પોરેટ કંપનીની મુલાકાત લેશો તો તમને જોવા મળશે કે તમામ ડિરેક્ટર્સ પોતપોતાનું કામ કરતા રહેતા હોય છે પરંતુ તેમની વચ્ચે ભાવનાત્મક સંબંધ હોવાની શક્યતાઓ અત્યંત ઓછી હોય છે. પરંતુ યલો ડાયમંડના તમામ ત્રણ ડિરેક્ટર્સ એટલેકે અમિત અને અપૂર્વ કુમાત તેમજ અરવિંદ મહેતા વચ્ચે કુટુંબ ભાવના અત્યંત મજબૂત છે. દરરોજના નક્કી કરેલા વારા અનુસાર એક ડિરેક્ટરના ઘેરેથી રોજ બપોરે ગરમાગરમ ટીફીન ઓફીસ બોય લઇ આવે છે અને પછી બોર્ડ રૂમમાં પ્લેટમાં પીરસીને આ ત્રણેય ડિરેક્ટર્સ સાથે મળીને લંચ કરે છે.

    હવે ઉજ્જવળ ભવિષ્ય તરફ નજર

    અમિત કુમાતે તો શરૂઆતમાં જ પોતાના વ્યવસાયમાં વિવિધતા લાવી હતી. ભલે તેમાં તેઓ નિષ્ફળ ગયા હતા, પરંતુ હજી તેમણે તેમનો સ્વભાવ બદલ્યો નથી. માત્ર પોટેટો રિંગ્સ અને ચિપ્સથી જ બિઝનેસમાં જોઈતી ગતી નહીં આવે તે યલો ડાયમંડના ત્રણેય ડિરેક્ટર્સ જાણે છે અને આથી જ હવે તેમણે હોટ ચોકલેટ બિસ્કીટનો પ્લાન્ટ પણ શરુ કર્યો છે. હાલમાં આ પ્લાન્ટ તેના પ્રાથમિક ચરણમાં જ છે અને અહીં દરરોજ બનતા તમામ 40 કિલો બિસ્કીટ ઇન્દોર શહેરના વિવિધ અનાથ આશ્રમોના બાળકોને મફતમાં વહેંચી દેવામાં આવે છે.

    માત્ર ત્રણ વ્યક્તિઓ સાથે શરુ થયેલી યલો ડાયમંડ આજે 750 લોકોને સીધી અને લગભગ 3000 વ્યક્તિઓને કોન્ટ્રાક્ટ દ્વારા આડકતરી રીતે રોજગારી પણ આપે છે. આજે ઇન્દોર અને આસપાસના વિસ્તારોમાં યલો ડાયમંડ રોજગારી પૂરી પાડતી સૌથી મોટી સંસ્થા બની ગઈ છે. અહીં રોજગારી માટે ઈન્દોરની આસપાસના ગામડાના લોકોને પ્રાથમિકતા આપવામાં આવે છે.

    યલો ડાયમંડનું આગામી ગંતવ્ય બાંગ્લાદેશ છે જ્યાં તેઓ પોતાની પ્રોડક્ટનો નવો પ્લાન્ટ નાખશે. આ ઉપરાંત અત્યારે પણ દક્ષિણ પૂર્વ એશિયા અને કેનેડામાં યલો ડાયમંડની પ્રોડક્ટ્સ એક્સપોર્ટ થઇ રહી છે.   સલમાન ખાન યલો ડાયમંડ પ્રોડક્ટ્સનો બ્રાન્ડ એમ્બેસેડર છે અને તેની તમામ પ્રોડક્ટ્સની જાહેરાતમાં તેને આપણે જોઈ શકીએ છીએ.

    હાલમાં જ કંપનીનો જે IPO બહાર પડ્યો તેનું મૂલ્ય રૂ. 482 કરોડ હતું જેમાંથી રૂ. 200 કરોડ કંપનીએ ઉભા કર્યા છે અને બાકીના રૂ. 282 કરોડ સિક્વોરા કેપિટલ અને અન્ય વ્યક્તિઓએ જોડ્યા છે. Pre-IPO ઓફર દ્વારા પણ કંપનીએ રૂ. 50 કરોડ ઉભા કર્યા હતા.

    છેલ્લી માહિતી મુજબ BSE ખાતે કંપનીનું મૂલ્ય રૂ. 2,737 કરોડ આંકવામાં આવ્યું છે જેને અમિત કુમાત આવનારા બે વર્ષમાં રૂ. 6,500 કરોડ સુધી લઇ જવા માંગે છે.

    આશા છે તમને અમારું આ પ્રેરણાદાયક ફીચર ગમ્યું હશે. આપ આપના મંતવ્યો તેમજ સૂચનો નીચે આપવામાં આવેલા Comments સેક્શનમાં અથવાતો અમારા Facebook અને Twitter પેજ પર જરૂર આપી શકો છો.

    eછાપું

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here