પદ્માવતી ગુજરાતમાં ‘કોના વતી’ વિવાદમાં ઘસડાઈ ગઈ?

  2
  314

  સંજય લીલા ભણસાલીની પૂર્વ ફિલ્મોની જેમ જ આવનારી ફિલ્મ પદ્માવતી પણ વિવાદમાં ઘસડાઈ ગઈ છે. ફિલ્મનું શુટિંગ શરુ થયું ત્યારે જ રાજસ્થાનમાં કરણી સેનાએ ફિલ્મની વાર્તામાં પદ્માવતી અને અલાઉદ્દીન ખિલજી વચ્ચેના સંબંધો વિષે આ ફિલ્મમાં હકીકતને ખોટી રીતે રજૂ કરવાનો એકપક્ષીય આરોપ મુકવામાં આવ્યો હતો. બસ ત્યારથી જ ખ્યાલ આવી ગયો હતો કે એક દિવસ આ વિવાદ મોટું સ્વરૂપ લેશે, પરંતુ રાજસ્થાનમાં શરુ થયેલો આ વિવાદ ગુજરાત સુધી પહોંચશે એવી તો કોઈને પણ કલ્પના ન હતી.

  પરંતુ, ગુજરાતમાં તો ચૂંટણીઓ આવી રહી છે અને એકેએક મતની કિંમત હોય છે અને આથી જ રાજકીય પક્ષો એક ફિલ્મ દ્વારા પોતાના કેટલાક હજાર કે લાખ મતો અંકે કરવા મેદાનમાં આવી ગયા છે.

  જો આપણે in a perfect world ની વાત કરીએ તો  સેન્સર બોર્ડ એકવાર કોઈ ફિલ્મને Ok કરે પછી તેને થિયેટરમાં રિલીઝ થતા દુનિયાની કોઇપણ તાકાત રોકી શકે નહીં. પરંતુ આપણા દેશમાં કેટલાક સુપર સેન્સર બોર્ડ્સ પણ અસ્તિત્વ ધરાવે છે અને તેમના મતે સેન્સર બોર્ડ પહેલા અથવાતો પછી જે તે ફિલ્મ તેમને દેખાડવી જરૂરી છે અને તે લોકો હા પાડે પછી જ એ ફિલ્મ રિલીઝ કરી શકાય.

  જેમ આગળ વાત થઇ એમ ગુજરાતમાં ચૂંટણીઓ જાહેર થઇ ગઈ છે એટલે તમામ પક્ષો કોઈને કોઈ રીતે પોતાના મતો પાકા કરવા માટે ગમે તે હદ સુધી જઈ શકે છે, પરંતુ આશ્ચર્ય એ બાબતનું છે કે ગુજરાત ભાજપે પદ્માવતી ફિલ્મનો વિરોધ કરવાની નેતાગીરી લીધી છે. ગુજરાત ભાજપના પ્રવક્તા આઈ કે જાડેજાનું કહેવું છે કે ફિલ્મમાં કેટલાક તથ્યો સાથે ચેડાં કરવામાં આવ્યા છે અને આથી જ તેમનો પક્ષ ચૂંટણી પક્ષ, સેન્સર બોર્ડ અને કેન્દ્ર સરકાર સમક્ષ ગયો છે અને તેમને વિનંતી કરી છે કે “જ્યાં સુધી આ મુદ્દે કોઈ સોલ્યુશન ન આવે ત્યાં સુધી ફિલ્મની રિલીઝ રોકવામાં આવે.” હવે આ “જ્યાં સુધી આ મુદ્દે કોઈ સોલ્યુશન ન આવે” વાળી લાઈન બહુ ખતરનાક છે કારણકે આ પ્રકારે કારણવગર ઉભા કરવામાં આવેલા વિવાદો ક્યારે સોલ્વ થાય તેની કોઈજ ટાઈમલાઈન બાંધી શકાતી નથી તેની આપણને બધાને ખબર છે.

  તો જન વિકલ્પ નામનો ગુજરાતમાં બળપૂર્વક ‘ત્રીજો વિકલ્પ’ ઉભો કરવાની કોશિશ કરી રહેલા શંકરસિંહ વાઘેલાએ એવી માંગણી કરી છે કે પદ્માવતીને પહેલા રાજપૂત સમાજને દેખાડવામાં આવે અને પછી જ તેને રિલીઝ કરવાની મંજૂરી આપવામાં આવે. બાપુએ ભાજપ પર આરોપ મૂક્યો છે કે મુદ્દાને ચૂંટણી પંચમાં લઇ જઈને તે રાજપૂત સમાજને ગેરમાર્ગે દોરી રહ્યો છે. હવે ધારી લ્યો કે કોઈ કારણસર રજપૂત સમાજ ફિલ્મને રીલીઝ કરવાની મંજૂરી ન આપે તો?

  અગાઉ સંજય લીલા ભણસાલીની જ ‘રામ-લીલા’ પણ જાતિગત કારણોસર વિવાદમાં આવી હતી અને તેમણે છેલ્લી ઘડીએ ફિલ્મમાં કેટલાક ફેરફાર કર્યા હતા અને તો જ એ ફિલ્મ રિલીઝ થઇ શકી હતી. અત્યારે જો ઇતિહાસની વાત કરીએ તો તેમાં એવું જણાવવામાં આવ્યું છે કે પદ્માવતી અને અલાઉદ્દીન ખિલજીનો ક્યારેય આમનોસામનો થયો નહતો. હવે સંજય લીલા ભણસાલીએ આ ફિલ્મમાં બંનેને સાથે દેખાડ્યા છે કે કેમ તે તો ફિલ્મ જોયા પછી જ ખબર પડે અને તેને ધ્યાનમાં લઈને જ ભણસાલીએ કહ્યું છે કે ફિલ્મનું હજી તો ડબિંગ ચાલી રહ્યું છે ત્યારે બહાર લોકો એમ કેવી રીતે વિચારી શકે કે ફિલ્મમાં પદ્માવતી અને ખિલજી સાથે છે એવું પણ એક દ્રશ્ય છે?

  એક રીતે જોવા જઈએ તો સંજય લીલા ભણસાલીની વાત સાચી છે અને આ વાત તેમણે ફિલ્મ જ્યારે પહેલીવાર વિવાદમાં સપડાઈ ત્યારે પણ કહી હતી. તે સમયે તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી કોઈએ સ્ક્રિપ્ટ જોઈ જ નથી તો તેમાં શું લખાયું છે તેના વિષે તેમને કેવી રીતે ખબર પડે? પરંતુ, આપણે ત્યાં જેમ રાજકીય નેતાઓના શબ્દોને આંધળી આંખે ફોલો કરવાની સલાહ અપાતી નથી તેવું ફિલ્મકારોનું પણ છે. અત્યારે વિવાદ ટાળવા (કે પછી તેને વધારે ઉકાળવા માટે અને નેગેટીવ પબ્લીસીટીનો ફાયદો લેવા) ભણસાલી વધુ સમય લેવા માંગતા હોય અને ખરેખર જ્યારે ફિલ્મ રિલીઝ થાય ત્યારે તેમાં રજપૂત સમાજને જેનો ડર હોય તેવું કોઈ દ્રશ્ય ક્રિએટીવ ફ્રિડમના નામે ઘુસાડી દેવામાં આવ્યું હોય તો?

  શ્રેષ્ઠ રસ્તો એ રહેશે કે મુદ્દો જ્યારે કોઈની ભાવના સાથે જોડાયેલો છે ત્યારે રજપૂત સમાજ ખાસ કરીને કરણી સેનાના એક અથવાતો વધારે પ્રતિનિધિ સેન્સર બોર્ડમાં જ્યારે ફિલ્મ પાસ થવા માટે જાય ત્યારે ત્યાં હાજર રહે અને કોઈ એક દ્રશ્ય વિષે તેમને કોઈ વાંધો હોય તો તે સેન્સર બોર્ડ સમક્ષ ઉઠાવે. પરંતુ છેવટે સેન્સર બોર્ડનો નિર્ણય આખરી માનવામાં આવે કારણકે સેન્સર બોર્ડમાં પણ ક્રિએટીવીટી ધરાવતા લોકોની સંખ્યા ખૂબ મોટી છે અને તેઓ કોઈ લોજીક સાથે રજપૂત સમાજને જે-તે દ્રશ્યની સાચી સમજ આપી શકે એવું પણ થઇ શકે છે.

  ફરીથી ગુજરાત પર પરત થઈએ તો ગુજરાત ભાજપનું પદ્માવતી અંગેનું સ્ટેન્ડ સમજણમાં નથી આવતું જ્યારે કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ મંત્રી સ્મૃતિ ઈરાની ખુદ સંજય લીલા ભણસાલીને પદ્માવતી સમગ્ર દેશમાં સરળતાથી રિલીઝ થશે તેવું વચન આપી ચૂક્યા હોય. અત્યારે તો ગુજરાત ભાજપે આ પ્રકારનો કોઇપણ નિર્ણય લીધા પહેલા કેન્દ્રની નેતાગીરી સમક્ષ ચર્ચા કરી હશે કે કેમ તે સવાલ જરૂર ઉભો થાય છે.

  eછાપું

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here