ટ્રેનની વેઇટિંગ લીસ્ટની ટીકીટ ક્યારે કન્ફર્મ થશે તે જાણવું સરળ બનશે

  0
  331

  તમે જ્યારે ટ્રેનની ટીકીટ બૂક કરાવો છો અને જો તે વેઇટ લીસ્ટમાં મળતી હોય તો પણ કોઈને કોઈ મજબૂરી હેઠળ તમે તેને બૂક કરી જ દેતા હોવ છો. એક વાર આ પ્રકારે ટીકીટ બૂક કરી દીધા બાદ વારંવાર IRCTCની સાઈટ પર જઈને આપણે વેઇટિંગ લીસ્ટ કેટલું આગળ વધ્યું તે જોતા રહેતા હોઈએ છીએ અને મોટાભાગે નિરાશ થતા હોઈએ છીએ. પરંતુ રેલ્વેમંત્રી પીયુષ ગોયલે કરેલી નવી જાહેરાત અનુસાર આ વર્ષના અંત સુધીમાં રેલ્વે મંત્રાલય એક એવી સિસ્ટમ શરુ કરી રહ્યું છે જેના દ્વારા તમને એટલીસ્ટ તમારી ટીકીટ કન્ફર્મ ક્યારે થઇ શકશે તેની આગાહી જરૂરથી જાણવા મળશે.

  ભારતીય રેલ્વેની બૂકિંગ સાઈટ IRCTC પર દરરોજ લગભગ 13 લાખ ટીકીટો બૂક થાય છે જેમાંથી રેલ્વે માત્ર 10.5 ટીકીટો જ કન્ફર્મ કરાવી શકે છે. આમ દરરોજ અઢી લાખ લોકો વેઇટિંગ લીસ્ટમાં ઉમેરાય છે. આમ તો તમારી મુસાફરીની તારીખના 120 દિવસ અગાઉ જ તમે ટીકીટ બૂક કરાવી શકો છો પરંતુ આપણો અનુભવ રહ્યો છે કે ટીકીટ બૂકિંગ ઓપન થવાની ગણતરીની મીનીટોમાં જ બર્થ ભરાઈ જાય છે.

  આથી જ્યારે અમુક લંબાઈનું વેઇટિંગ લીસ્ટ હોય તો ટીકીટ બૂક કરાવવી કે નહીં તેની અસમંજસ દૂર કરવા રેલ્વે અને તેની IT વિંગ CRIS (Center for Railway Information Systems) રેલ્વે મંત્રી પિયુષ ગોયલે આપેલા આઈડિયા પર એક અલગોરિધમ બનાવી રહ્યું છે. આ અલગોરિધમ રેલ્વે ટીકીટ બુકિંગમાં છેલ્લા 13 વર્ષની જે પરંપરા રહી છે તેનો સમગ્ર ડેટા ખોદી કાઢીને તેનું આકલન કરશે અને તે પ્રમાણે તમને જે-તે સમયને ધ્યાનમાં રાખીને તમારી વેઇટિંગ લીસ્ટમાં રહેલી ટીકીટ ક્યારે કન્ફર્મ થશે તેની આગાહી કરશે.

  જો કે અહીં એક બાબતનું આપણે પણ ધ્યાન રાખવાનું જે પરિણામ આવે તે માત્ર આગાહી જ હશે નહીં કે સચોટ માહિતી. આ પાછળનું એક મહત્ત્વનું કારણ જણાવતા રેલ્વેના એક ઉચ્ચ અધિકારી જણાવે છે કે ભારતમાં તહેવારો હિન્દુ કેલેન્ડર પ્રમાણે ઉજવવામાં આવે છે આથી મોટા તહેવારો જેવાકે હોળી, દશેરા, દિવાળી અને છઠ પૂજા જ્યારે મુસાફરોની સંખ્યા સામાન્યથી અસંખ્ય ગણી વધારે હોય છે તે અંગ્રેજી કેલેન્ડરમાં દરેક વર્ષે જૂદા જૂદા સમયે આવતા હોય છે. આમ અત્યારે તો અલગોરિધમ તૈયાર કરી રહેલા એન્જીનીયર્સ સામે આ એક મોટો પડકાર છે કે જ્યારે ટીકીટ કન્ફર્મેશનની આગાહી કરવામાં આવે ત્યારે ભારતીય તહેવારોને ધ્યાનમાં રાખીને બને તેટલી સચોટ આગાહી તેઓ કેવી રીતે કરી શકશે.

  એવું નથી કે ભારતમાં આ પ્રકારની આ પ્રથમ સેવા હશે, કારણકે ઘણી પ્રાઈવેટ ટ્રાવેલ એપ્સ અને વેબસાઈટ્સ આ પ્રકારની આગાહી દર્શાવતી સેવા આપે જ છે, પરંતુ રેલ્વેનું કહેવું છે કે આ પ્રકારની વેબસાઈટ્સ પાસે રેલ્વેનો સંપૂર્ણ ડેટા નથી આથી જ્યારે રેલ્વે ઉપરોક્ત સેવા લઈને મુસાફરો સમક્ષ હાજર થશે ત્યારે તે શક્યતાઓની વધારે નજીક હશે અને ધીમે ધીમે ટીકીટ કન્ફર્મેશનની આગાહી કરતી ખાનગી સેવાઓ બંધ થઇ જશે.

  eછાપું

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here