કોચ હરેન્દ્રના એક મંત્રથી મહિલા એશિયા કપ હોકી જીતાયો

  0
  337

  ભારતીય હોકી તેના શ્રેષ્ઠ કાળની ક્યારનીયે રાહ જોઈ રહી હતી અને કદાચ અઠવાડિયાના અંતરે જ જીતેલી બે બે એશિયા કપ ટ્રોફીઝ એ કાળની શરૂઆત હોય તેવી આશા આપણે રાખી શકીએ. ભારતીય મહિલા હોકી ટીમે ગઈકાલે જાપાનમાં રમાયેલી એશિયા કપ ટુર્નામેન્ટની ફાઈનલમાં ચીનને હરાવી દીધું હતું અને 13 વર્ષ બાદ આ ટ્રોફી પર કબ્જો જમાવ્યો હતો. છેલ્લે 2014માં આ ટુર્નામેન્ટ જીતીને ટીમે લંડન ઓલિમ્પિક્સ માટે ક્વોલીફાય કર્યું હતું.

  જો કે આ ટુર્નામેન્ટ શરુ થઇ તે પહેલાની મેચોમાં કેપ્ટન રાની રામપાલ અને તેની ટીમનો દેખાવ બિલકુલ સારો રહ્યો ન હતો અને આથી આ એશિયા કપ તેઓ જીતશે કે કેમ તે અંગે જ શંકા સેવાઈ રહી હતી. પરંતુ 2016માં આપણા દેશની જુનિયર હોકી ટીમને વર્લ્ડ કપ જીતાડનાર કોચ હરેન્દ્ર એ મહિલા ટીમ પાસે પણ આ ચમત્કાર કરાવડાવીને દેખાડી દીધો. જો કે હરેન્દ્ર ખુદ માટે આ ટુર્નામેન્ટ કોઈ ચેલેન્જથી ઓછી ન હતી કારણકે અગાઉ કોઇપણ મેજર ટીમ માટે કોચિંગ કરવાનો બિલકુલ અનુભવ ન હોવાથી તેમના પર પણ આંગળીઓ ચિંધાઈ હતી. પરંતુ તેમ છતાં હરેન્દ્ર એ પોતાની આવડતથી ભારતીય મહિલા હોકી ટીમનો 13 વર્ષનો દુષ્કાળ દૂર કરીને તેને એશિયા કપ જીતાડવામાં મદદ કરી.

  ભારતે આ ટુર્નામેન્ટમાં તેની તમામ મેચો જીતી હતી જે ટીમની યશકલગીમાં એક અનોખું અને એક્સ્ટ્રા છોગું હતું તેમ પણ કહી શકાય. ભારતની સૌથી મોટી ચેલેન્જ ટોચની ટીમ અને ટુર્નામેન્ટના યજમાન જાપાન સામે આવી હતી અને તે પણ સેમીફાઈનલ મેચમાં. પરંતુ વિશ્વમાં 13મું સ્થાન ધરાવતા ભારતે જાપાનને હરાવીને વિશ્વની 8માં નંબરની ટીમ ચીન સામે ફાઈનલમાં બાથ ભીડી હતી. ભારતે 25મી મિનિટમાં નવજોત કૌરના ગોલથી લીડ લીધી જેને 47મી મિનિટમાં ચીનની ટીયાનટીયાન લુઓએ ઉતારી દીધી હતી.

  ખેલના સંપૂર્ણ સમય સુધી એક પણ ગોલ ન થતા પરિણામ મેળવવા માટે પેનલ્ટી શૂટ આઉટની મદદ લેવામાં આવી હતી. અહીં પણ એક સમયે સ્કોર 4-4 ની બરોબરી પર રહ્યો હતો અને તમામના દિલની ધડકનો તેજ થઇ ગઈ હતી. ગોલકીપર સવિતાની એક ભૂલ અને ભારતનું ઓલિમ્પિક સ્વપ્ન રોળાઈ જાત.

  Sudden Death જેવી પરિસ્થિતિમાં કપ્તાન રાની રામપાલે ગોલ કરીને ભારતને 5-4ની લીડ અપાવી અને ત્યારબાદ સવિતાએ કમાલ કરી અને ચીનનો ગોલ થતા રોકી દીધો. બસ સવિતાનો ગોલ રોકવાની સાથે જ ભારતીય કેમ્પમાં ખુશાલીનું વાતાવરણ દોડી ગયું અને ચારેતરફ ઉજવણી થવા લાગી.

  આ ભવ્ય જીત અંગે કોચ હરેન્દ્રનું કહેવું હતું કે, “છેવટે આમ થઈને જ રહ્યું, જ્યારે મેં કોચ પદ હાથમાં લીધું હતું ત્યારે મેં તેમને જૂની સ્ટાઈલ પર પરત જવાનું કહ્યું હતું અને છેલ્લા અમુક વર્ષમાં તેમને કોઈ ખાસ પ્રકારની સ્ટાઈલ અપનાવી હોય તેને છોડી દઈને સરળ હોકી રમવાની સલાહ આપી હતી. આ ઉપરાંત મેં ટીમના સભ્યોના માનસિક સ્તરને ઉંચું લાવવાના અને મજબૂત બનાવવાના પ્રયાસ પણ કર્યા હતા. જ્યારે અમે જાપાન આવ્યા ત્યારે મેં તેમને એકજ સંદેશ આપ્યો હતો કે આપણે અહીં ટુર્નામેન્ટમાં ભાગ લેવા નથી આવ્યા પરંતુ તેને જીતવા આવ્યા છીએ. તમે ત્યારે જ એશિયા કપ જીતી શકશો જો તમે એ મનમાં નક્કી કરીને ચાલશો કે તમે ખરેખર આ ટુર્નામેન્ટ જીતી શકો છો, અને તેમણે મારી વાત સાચી કરી બતાવી.”

  ભારતીય મહિલાઓની આ યાદગાર જીત બદલ તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

  eછાપું

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here