રામરહીમ અને હનીપ્રિતનું નામ ધરાવતા ગર્દભોની જોડી રૂ. 11,000 વેંચાઈ

  0
  379

  એવું કહેવાય છે કે ભારતમાં કુછ ભી હો સકતા હૈ અને ખરેખર બાબા રામરહીમ અને હનીપ્રિત જે આજે જેલના સળીયા ગણી રહ્યા છે તેમના નામ આજે પણ દેશમાં લોકપ્રિય હોવાની સાબિતી મધ્ય પ્રદેશમાં મળી આવી છે. મધ્ય પ્રદેશના ઉજ્જૈનનો વાર્ષિક પશુ મેળો અત્યંત લોકપ્રિય છે અને અહીં રામરહીમ અને હનીપ્રિત પાછળ નામકરણ કરવામાં આવેલા બે ગર્દભોની (ગધેડાઓ) જોડી રૂ. 11,000 માં વેંચાઈ છે.

  આ પશુ મેળાના આયોજકોનું કહેવું છે કે જેમણે પોતાના પશુઓ આ મેળામાં વેંચવાના હોય છે તે તેના દેખાવ અને નસલને ધ્યાનમાં રાખીને તેમના નામ રાખતા હોય છે. આ વર્ષે માત્ર રામરહીમ કે હનીપ્રિત જ નહીં પરંતુ ગર્દભોને GST, સુલતાન, બાહુબલી અને જીઓ જેવા નામ પણ આપવામાં આવ્યા છે.

  જો કે બળાત્કારમાં સજા પ્રાપ્ત થયેલા ગુરમીત રામરહીમ અને તેમની કહેવાતી દત્તક પુત્રી હનીપ્રિત જે અત્યારે હિંસા ભડકાવવાના આરોપ હેઠળ કસ્ટડીમાં છે તેમના નામથી વેંચવા મુકાયેલા ગર્દભોની જોડીએ મેળામાં સ્વાભાવિક કારણોસર કુતુહલ ઉભું કર્યું હતું. પાંચ દિવસ ચાલનારા આ મેળામાં ગઈકાલે અનોખા નામ ધરાવતી ગર્દભોની આ જોડીને રાજસ્થાનના એક વ્યાપારીએ ખરીદી હતી.

  અહીં સહુથી રસપ્રદ હકીકત એ છે કે ગધેડાઓની આ જોડીને ગુજરાતના હરીઓમ પ્રજાપતિએ વેંચાણ હેતુ આ મેળામાં પ્રદર્શિત કરી હતી અને તેણે તેની મૂળ કિંમત રૂ. 20,000 રાખી હતી પરંતુ છેવટે તેણે તેનાથી ઓછી કિંમતે તેને વેંચવી પડી હતી.

  આ અંગે હરીઓમ પ્રજાપતિએ જણાવ્યું હતું કે ગર્દભોની આ જોડીને 20,000 રૂપિયામાં ખરીદનાર તેને કોઇપણ વ્યક્તિ ન મળતા તેણે ઘણી રાહ જોયા બાદ તેને 11,000 રૂપિયામાં વેંચવી પડી હતી.

  જ્યારે હરીઓમ પ્રજાપતિને એમ પૂછવામાં આવ્યું કે તેણે આ જોડીને ડેરા સચ્ચા સૌદાના ચીફ રામરહીમ અને તેની કહેવાતી દત્તક પુત્રી હનીપ્રિતનું નામ જ કેમ આપ્યું? ત્યારે તેણે જવાબ આપ્યો હતો કે તે કહેવાતા પિતા-પુત્રીની જોડીને આ દ્વારા એવો સંદેશ આપવા માંગતો હતો કે તમારે તમારા કર્મોની કિંમત ચૂકવવી જ પડે છે.

  ઉજ્જૈનની પવિત્ર ક્ષિપ્રા નદીના કિનારે દર વર્ષે આ પશુ મેળો આયોજીત થાય છે અને અહીં મધ્ય પ્રદેશ ઉપરાંત પડોશી રાજ્યો ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રથી વિવિધ પશુ વ્યાપારીઓ પશુઓના ખરીદ વેંચાણ માટે આવતા હોય છે. ઉજ્જૈન મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજીત આ પશુ મેળામાં આ વર્ષે લગભગ 2,000 ગધેડાઓની ખરીદી થઇ હોવાનું સામે આવ્યું છે.

  eછાપું

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here