ઓરલ સેક્સ બળાત્કાર ગણાય? ગુજરાત હાઈકોર્ટ નક્કી કરશે

  0
  429

  આપણી કોર્ટો સમક્ષ ઘણીવાર અજબ ગજબના કેસ આવતા હોય છે અને હાલમાં ગુજરાત હાઇકોર્ટ પણ અત્યારે એવા જ એક કેસની તપાસ કરી રહ્યું છે. મામલો છે ઓરલ સેક્સનો અને ગુજરાત હાઈકોર્ટ સમક્ષ જે કેસ ચાલી રહ્યો છે તેમાં તેને એ વ્યાખ્યા કરવાની વિનંતી કરવામાં આવી છે કે ઓરલ સેક્સને બળાત્કાર કહી શકાય કે કેમ?

  ગુજરાત હાઇકોર્ટે આ કેસને અત્યંત મહત્ત્વના જાહેરહિતના મામલા તરીકે હાથમાં લીધો છે. મામલો એટલા માટે વધારે પેચીદો છે કારણકે એક પત્નીએ તેના પતિ પર ડોમેસ્ટિક રેપનો આરોપ મૂક્યો છે. આમ કોર્ટે આ મામલામાં એ નિર્ણય પણ આપવાનો આવશે કે ઓરલ સેક્સ જો બળાત્કાર સાબિત થાય તો શું પતિને તે ગુના હેઠળ જેલની સજા આપવામાં આવે કે નહીં?

  ગુજરાત હાઇકોર્ટના જસ્ટીસ જે બી પારડીવાલાએ સોમવારે ગુજરાત સરકાર પાસેથી તેમજ એ મહિલા પાસેથી જેણે પોતાના પતિ વિરુદ્ધ સાબરકાંઠા જીલ્લામાં બળાત્કારની ફરિયાદ નોંધાવી છે તેની પાસેથી આ મામલે જવાબ માંગ્યો છે. આ મહિલાએ પોતાના પતિ પર પોતાની મરજી વિરુદ્ધ સેક્સ કરવાની ફરિયાદ નોંધાવી હતી અને આ ફરિયાદ વિરુદ્ધ તેના પતિએ હાઈકોર્ટમાં દાદ માંગી છે. પતિએ હાઇકોર્ટ ને પોતાના પર લાગેલા આરોપમાંથી મુક્ત કરવાની વિનંતી પણ કરી છે કારણકે બંને પરિણીત છે.

  જસ્ટીસ પારડીવાલાએ લગ્ન સંબંધની અંદર થતા બળાત્કારની ઘટનાઓને ગંભીરતાથી લેતા તેવું નિરીક્ષણ કર્યું હતું કે ભારતમાં લગ્નની અંદર બળાત્કાર થાય છે. આ એક શરમજનક ગુનો છે જે લગ્ન જેવા વિશ્વાસુ અને પવિત્ર સંબંધનું અપમાન કરે છે. મોટી સંખ્યામાં મહિલાઓ આ પ્રકારના ગુનાઓથી આહત છે તેમ પણ જસ્ટીસ પારડીવાલાએ નોંધ્યું હતું.

  ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગુજરાત સરકારને પૂછવામાં આવ્યું છે કે શું પત્ની આ મામલે પતિ પર અકુદરતી રીતે સેક્સ માણવાના ગુના બદલ IPCની કલમ 377 હેઠળ  ફરિયાદ નોંધાવી શકે? જો પતિ પોતાની પત્નીને ઓરલ સેક્સ માટે ફરજ પાડે તો શું તેના વિરુદ્ધ ક્રુરતા અંગેની IPCની ધારા 498A હેઠળ કાર્યવાહી થઇ શકે?

  કોર્ટે એમ પણ જાણવા માંગ્યું છે કે પતિ દ્વારા જો પત્ની પર સેક્સ કરવાની ફરજ પાડવામાં આવે તો તેને IPCની ધારા 376 હેઠળ બળાત્કાર ગણી શકાય કે નહીં.

  ગુજરાત હાઈકોર્ટ હવે આ મામલે શું નિર્ણય લેશે તે તો આવનારો સમય જ બતાવશે પરંતુ કોર્ટનું એ ઓબ્ઝર્વેશન કે ભારતીય સમાજમાં લગ્ન સંસ્થાની અંદર પણ બળાત્કારનું પ્રમાણ ખૂબ મોટું છે તેમાં જરાય અતિશયોક્તિ નથી.

  eછાપું

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here