શું ગુજરાતમાં કોંગ્રેસ પોતાના પત્તાં વહેલા ઉતરી ગઈ છે?

  1
  296

  ગઈકાલે ફેસબુક પર મિત્રોનો અભિપ્રાય જાણવા અને ખાસ કરીને ગુજરાત કોંગ્રેસ માટે આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં મતદારોનો કેવો મૂડ છે તેને ચેક કરવા એક સ્ટેટ્સ પબ્લિશ કર્યું હતું. આ સ્ટેટ્સ એ જાણવા માટે હતું કે સામાન્ય રીતે મતદારો મતદાન કરવાના કેટલા સમય અગાઉ તેમણે કોને મત આપવો તે નક્કી કરતા હોય છે. જવાબમાં જે મંતવ્યો સામે આવ્યા તેમાંથી મોટાભાગના અપેક્ષિત હતા પરંતુ આપણા રાજ્યના ગ્રામીણ વિસ્તારો સાથે સીધો સંપર્ક ધરાવતા ફેસબુક મિત્રો નારણ ગોજીયા અને પ્રતિક મોદીના અભિપ્રાયો જરાક અલગ હતા.

  આ બંને મિત્રોના અભિપ્રાયો વાંચીને ખ્યાલ આવ્યો કે આપણા ગામડાઓમાં હજી પણ કતલની રાત્રે એટલેકે મતદાનની આગલી રાત્રે જ મતદારો પોતે કઈ પાર્ટીને કે ઉમેદવારને પોતાનો મત આપશે તે નક્કી કરતા હોય છે અને તે પણ મોટા પ્રમાણમાં. નારણભાઈના કહેવા અનુસાર તો ગામડાઓમાં જો બે મુખ્ય ઉમેદવારો એક જ જ્ઞાતિના હોય તો તેમની વચ્ચે મત લગભગ અડધા-અડધા વહેંચાઇ જાય છે અને જો કોઈ એક જ્ઞાતિની બહુમતી જે-તે ગામડામાં હોય તેનો એક જ ઉમેદવાર હોય તો પછી આ ટકાવારી છેક 90% સુધી પણ પહોંચી જતી હોય છે.

  તો, રાજકારણના વિષયની ચર્ચા માટે બનાવવામાં આવેલા એક અન્ય ફેસબુક મિત્રોના ગ્રુપમાં મારા એક મિત્રના જણાવ્યા અનુસાર આ વખતે સૌરાષ્ટ્રમાં ભાજપને તકલીફ પડી શકે તેમ છે અને તે પણ ગ્રામીણ વિસ્તારોમાં કારણકે ખેડૂતો આ વખતે તેમની ખેતપેદાશોના સરખા ભાવ ન મળવાથી નારાજ છે અને હાર્દિક પટેલ અહીં એ જ મુદ્દા પર જોર લગાવીને પ્રચાર કરી રહ્યો છે. જો કે સૌરાષ્ટ્રના ખેડૂતોએ હાર્દિક પટેલને એ પૂછવાની જરૂર ખરી કે તે કયા હિસાબે આ મુદ્દો ઉઠાવી રહ્યો છે કારણકે તે કોઈ પક્ષનો કાર્યકર્તા તો નથી કે જો તેનો પક્ષ ચૂંટણીઓ બાદ સત્તા પર આવશે તો તે સૌરાષ્ટ્રના ખેડૂતોને યોગ્ય ભાવ અપાવશે અથવાતો તેમ થાય એ નક્કી કરવામાં મદદ કરશે?

  ઉપરોક્ત બંને ઉદાહરણો ટાંકવા પાછળ એક જ કારણ છે કે બે દિવસ અગાઉ એવો વિચાર આવ્યો હતો કે કોંગ્રેસની આ વખતની રણનીતિ આક્રમક હોવા છતાં થોડીક સમજાય નહીં તેવી છે. આ પાછળનું કારણ એ છે કે, ગુજરાતમાં ચૂંટણીઓ નવેમ્બરમાં 9 અને 14 તારીખે છે અને રાહુલ ગાંધી તેમનો પ્રચાર લગભગ આ મહિનાની 13મી એ પતાવી દેશે. બે દિવસ અગાઉ એક ગુજરાતી ન્યૂઝ ચેનલમાં કોંગ્રેસના પ્રવક્તાએ જો કે કહ્યું હતું કે ચૂંટણી પ્રચાર પૂર્ણ થાય તે અગાઉ પણ રાહુલ ગાંધી એક વાર તો ગુજરાત પ્રવાસે આવશે જ.

  કોંગ્રેસ દ્વારા અપનાવવામાં આવેલી રણનીતિ વિરુદ્ધ ભાજપના સ્ટાર પ્રચારક (કે પછી સુપરસ્ટાર પ્રચારક?) અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનો પ્રચાર ભલે આચારસંહિતા લાગુ થયા પહેલા એકાદ મહિના અગાઉ શરુ કરી દીધો હતો પરંતુ તેમનો રિયલ પ્રચાર તો હજી શરુ થવાનો બાકી છે. હાલમાં તેઓ હિમાચલ પ્રદેશમાં પ્રચાર કરી રહ્યા છે જ્યાં એક-બે દિવસમાં મતદાન થવાનું છે. હિમાચલમાં ચૂંટણીઓ પતે પછી જ મોદી ગુજરાતમાં આવશે અને ભલે આપણને તેમનો પ્રોગ્રામ ખબર નથી પણ બીજા રાઉન્ડનો પ્રચાર પૂરો થવાની તારીખ સુધી તો તેઓ ગુજરાતમાં સતત અવરજવર કરશે જ એ નક્કી છે.

  તો, લાખ ટકાનો સવાલ એ છે કે શું કોંગ્રેસ ભલે આ વખતે તેના છેલ્લા 22 વર્ષમાં સૌથી પહેલી વખત આક્રમક બનીને પ્રચાર તો કરી રહી છે પરંતુ શું તેણે પોતાના પત્તાં વહેલા ઉતરી લીધા છે? આપણે એ સ્વિકારવું જ રહ્યું કે ગુજરાત કોંગ્રેસ પાસે એક પણ એવો નેતા નથી જેની પાસે માસ અપીલ હોય અને આથી જ રાહુલ ગાંધીને તેમણે બોલાવવા પડ્યા છે. સામે પક્ષે ભાજપની હાલત માત્ર અમુક ટકા જ બહેતર છે કારણકે તેમની પાસે મોદી ઉપરાંત તેના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ બીજા એવા નેતા છે જેમને સાંભળવા લોકો ખાસ જાય છે બાકી મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રીની સભાઓમાં લોકો બાય ડિફોલ્ટ જ જતા હોય છે. કોંગ્રેસ પર પરત આવીએ તો રાહુલ ગાંધી મતદાનના બીજા રાઉન્ડ કરતા લગભગ એક મહિનો જો વહેલો પોતાનો પ્રચાર પૂર્ણ કરી દેવાના હોય તો ગુજરાત કોંગ્રેસના નેતાઓ બાકીના દિવસો કોના આધારે સભાઓ ‘ગજવશે’?

  એ હકીકત બિલકુલ સાચી છે કે કોંગ્રેસે આ વખતે કોઈ એક ખાસ રણનીતિ પર વિચાર કરીને તેને અપનાવી છે અને અમલમાં પણ મૂકી છે. રાહુલ ગાંધીની મંદિર યાત્રા પાછળ શું કારણો છે એ આપણે ભલે જાણતા હોઈએ પરંતુ તે એક રણનીતિનો ભાગ જરૂર છે જે સફળ જશે કે નિષ્ફળ તે ચર્ચા પરિણામો આવ્યા બાદ જ થશે. પરંતુ પ્રચાર સમાપ્ત થવાના એક મહિના અગાઉ જ જો તમારો સ્ટાર પ્રચારક ઘેરે બેસી જાય તો અત્યારે તો એવી કોઈજ શક્યતા નથી લાગતી કે દિલ્હીથી આવનારા કોંગ્રેસના મોટા નેતાઓ સાથે ગુજરાત કોંગ્રેસના નેતાઓ મોટી સભાઓ કરી મતદારોને આકર્ષી શકશે.

  જો કે રાહુલ ગાંધીના રોડ શોમાં જેટલી પબ્લિક આવી તેટલી તેમની જાહેરસભાઓમાં આવી હોવાના દાખલા પણ ઓછા નહીં પરંતુ નહીવત છે. આવામાં કોંગ્રેસે અમારા મિત્રો નારણભાઈ ગોજીયા, પ્રતિકભાઈ મોદી અને મારા અન્ય ફેસબુક મિત્રએ કહેલી બાબત પર જ આધાર રાખવો પડશે કે ગ્રામીણ વિસ્તારોમાં જાતિના આધારે મજબૂત ઉમેદવારો મુકવા અને તે પણ જે-તે ગામડામાં કઈ જાતિનું સૌથી વધારે જોર છે તેને ધ્યાનમાં લઈને મુકવા અને મતદાન પોતાના તરફી કરવું. બીજું સૌરાષ્ટ્રમાં ખેડૂતોનો ગુજરાત સરકાર પ્રત્યે જે કોઈપણ આક્રોશ છે તેને વધુને વધુ હવા આપવી. કારણકે સૌરાષ્ટ્ર એ ગાંધીનગર જવાનો સીધો રસ્તો છે એવું એક સામાન્ય ગણિત વર્ષોથી આપણે ત્યાં મંડાય છે અને 50થી પણ ઉપર સીટો ધરાવતા આ વિસ્તાર માટે એ માની પણ શકાય.

  બીજી તરફ નરેન્દ્ર મોદી દર વખતે કોંગ્રેસ તરફ છેલ્લી ઘડીએ કોઈને કોઈ ગૂગલી ફેંકવામાં માહેર છે જેનાથી ગુજરાત કોંગ્રેસના નેતાઓ હતપ્રભ થઇ જાય છે. હજીતો મતદાનને મહિના ઉપરનો સમય બાકી છે અને તેમની સંખ્યાબંધ જાહેરસભાઓ થવી બાકી છે આવામાં મતદાનના એકાદ અઠવાડિયા કે ત્રણ-ચાર દિવસ અગાઉ જો તેઓ કોંગ્રેસ તરફ તેમણે અત્યારથી જ નક્કી કરી રાખેલી ગૂગલી ફેંકશે તો બાકી રહેલા દિવસોમાં તેનો જવાબ શું આપવો તે કોંગ્રેસ માટે કોઈ માસ લીડરના અભાવમાં ભારે પડી જશે અને છેવટે જે છેલ્લા 22 વર્ષથી મળતું આવતું પરિણામ છે તે જ પરિણામ ગુજરાતની જનતાને આ વખતે પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં જોવા મળી શકે છે.

  eછાપું

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here