હિમાલય ? અરે હમણાં મારા ઘરની લિફ્ટ પણ અનામત માંગવા લાગી અને હડતાળ પર ઉતરી. નવ માળ ચડતાં હાંફી રહેવાયું. આવા સમય મારા ખાસ મિત્ર યાદ આવ્યા. સામાન્ય લોકો ને થોડાં દાદરા ચડવામાં શ્વાસ ચડી જાય છે અને એ મહાશય તો ગમે તેવા પહાડ પર ચડી જાય છે. માઉન્ટ એવરેસ્ટ પર તો જાણે પાવાગઢ ચડતાં હોય તેમ રીતસર દોટ મૂકે છે.
માઉન્ટ એવરેસ્ટ! નામ સાંભળતાંવેંત નજર સામે બરફથી ઢંકાયેલા દુર્ગમ પહાડનું ચિત્ર તરવા માંડે છે. તેને જીવનમાં એક વખત સર કરવો એ પણ ભારે હિમ્મત અને મેહનત માંગી લે એવું કામ છે. આજે આપણે વાત કરીશું એવા ‘સુપરમેન’ ની કે જેમણે આ સિદ્ધિ એક વખત નહીં પરંતુ ત્રણ વખત હાંસલ કરી છે. આ મુઠી ઉંચેરા માનવીનું નામ છે લેફ્ટેનન્ટ કર્નલ રણવીરસિંહ જામવાલ.
તેમનો જન્મ જમ્મુ-કાશ્મીર રાજ્યમાં સાંબા જિલ્લાનાં બઢોરી ગામમાં 26 ડિસેમ્બર 1975 માં થયો હતો. તેમનાં પિતા શ્રી ઓનકારસિંહ ભારતીય સેનામાં હવાલદાર હતા એટલે રણવીરને સેનાને બહુ નજીકથી જોવાનો મોકો મળ્યો.
રત્નુચક ખાતે આવેલી આર્મી સ્કુલમાં ભણતર પૂરું કરીને તેઓ 24 ઓક્ટોબર 1994નાં રોજ ભારતીય સેનાની ડોગરા રેજિમેન્ટમાં સિપાહી તરીકે જોડાયા. પ્રબળ ઈચ્છાશક્તિ અને અથાગ મેહનત થકી થોડાં સમયમાં તેમને દેહરાદુન ખાતે આવેલી ઇન્ડિયન મિલિટ્રી એકેડેમીમાં (લક્ષ્યમાં હ્રીથીક રોશનની ટ્રેનિંગ દેખાડી છે ને તે) પ્રવેશ મળી ગયો. નેતૃત્વ અને યુદ્ધનાં દાવપેચ વિષેનું ભણતર પૂરું કરીને આખરે તેઓ જૂન 2002માં જાટ રેજિમેન્ટ ની 11મી બટાલિયનમાં લેફ્ટેનન્ટનાં હોદ્દા સાથે જોડાયા.
બાળપણથી સાહસિક પ્રવૃત્તિ ધરાવતા રણવીર માટે સાહસિકતાનો નવો અધ્યાય ચાલુ થયો. ફોજમાં રોજિંદી ડ્યૂટીની સાથે બીજા કોર્સ પણ કરવાના હોય છે. હા, ફોજ માં જોડાયા પછી પણ સતત ભણવાનું ચાલ્યે જ રાખે છે અને છેક સુધી ચાલ્યે રાખે છે. આવા કોર્સ માં ઢગલાબંધ થિયરી ની સાથે થોકબંધ પ્રેક્ટિકલ પણ હોય છે. આવો જ એક કોર્સ છે પર્વતારોહણ નો કોર્સ.
HAWS ખાતે પર્વતારોહણના કોર્સમાં પ્રથમ ક્રમે ઉતીર્ણ થયાં એટલે તેમને ઇન્સ્ટ્રક્ટર તરીકે ફરજ બજાવાનો મોકો મળ્યો. આ દરમ્યાન પર્વતારોહણ પ્રત્યેનો તેમનો પ્રેમ વધતો રહ્યો. ભારતીય સેનાએ પણ તેમના પર્વતારોહણ પ્રત્યે ના તેમના પ્રેમ અને તેમની કુશળતાની નોંધ લીધી. દુર્ગમ પહાડી વિસ્તારમાં Search and Rescueની તાલીમ માટે તેમને સ્વિટ્ઝર્લૅન્ડ મોકલવામાં આવ્યાં. અહીંયા પણ રણવીરએ પ્રથમ આવવાની પરંપરા જાળવી રાખી.
ભારત પરત આવીને તેમણે Rescue Specialist તરીકે પોતાની છાપ જમાવી દીધી. એક વખત તેમણે હિમપ્રપાતમાં ફસાયેલા 10 લોકોને માત્ર 24 કલાકમાં બચાવીને રીતસર ચમત્કાર જ કર્યો હતો. જેમને જાણ ન હોય તેમને કેહવા માંગીશ કે હિમપ્રપાતમાં લોકો ની ભાળ મળવામાં કલાકો નહીં દિવસો નો સમય લાગી જતો હોઈ છે. 2016માં સિયાચીનમાં થયેલા હિમપ્રપાતમાં લાન્સ નાયક હનુમંથપ્પા અને તેમના સાથિયોની ભાળ મળતાં 4 દિવસ લાગ્યા હતાં.
આવી તો અનેક સિદ્ધિઓ મળી અને દેશ-વિદેશમાં અનેક પર્વતો જેવાકે બંદરપૂંછ (6320 મી), માઉન્ટ ભાગીરથી-2 (6512 મી), માઉન્ટ કિલિમાન્જારો (5,895 મી) સર કર્યા. આવા એક અભિયાનમાં તેમને હાથમાં હિમડંખ થયો. તબીબી સારવાર માટે અભિયાન છોડીને પાછાં ફરવું પડે. કાઠિયાવાડી માં “માઇ ગયું” કહીને રણવીર એ ચોટી સુધી પહોંચવાનું નક્કી કર્યું. જયારે તેવો પરત આવ્યા ત્યારે હિમડંખના લીધે જમણા હાથની બે આંગળીયો ગુમાવી પડી. બે આંગળીયો ગુમાવી પણ હજુ જુસ્સામાં જરા પણ ઓટ આવી ના હતી. રણવીરનાં મનમાં તો માઉન્ટ એવરેસ્ટને (8,848 મી) સર કરવાનો કીડો વળગ્યો હતો. આખરે એ મોકો પણ આવ્યો. ભારતીય સેનાનાં માઉન્ટ એવરેસ્ટ અભિયાનનાં નાયબ લીડર તરીકે જોડાવાનો મોકો 2012માં આવ્યો. રણવીર અને તેમની ટીમ 25 મે 2012નાં રોજ ચોંટી પર પહોંચ્યા.
જેમ કોઈ ખાસ મિત્રને વારંવાર મળવાની ઈચ્છા થાય તેવી જ રીતે રણવીર પણ ફરી વખત માઉન્ટ એવરેસ્ટને સર કરવાં પહોંચી ગયાં. તારીખ હતી 19 મે 2013. એટલે કે 1 વર્ષથી પણ ઓછાં સમયમાં બીજી વખત એવરેસ્ટ વિજય. માઉન્ટ એવરેસ્ટ સર કરવા લોકો પુરી જિંદગી મેહનત કરતાં હોય છે અને રણવીર એ બે વખત એવરેસ્ટ પાર જીત હાંસલ કરી અને એ પણ એક વર્ષથી ઓછા સમયમાં.
હવે તો રણવીરએ નક્કી કર્યું કે હિમાલય નું માઉન્ટ એવરેસ્ટ તો આવતા રહીશું પણ દરેક ખંડના સહુથી ઊંચા શિખર પર જીત હાંસલ કરવી જ રહી. બાપુ નીકળી પડ્યા એમનું સપનું પૂરું કરવાં. પછી એ યુરોપનો ઉત્તુંગ માઉન્ટ એલ્બ્રુસ (5,642 મી) હોય કે પછી દક્ષિણ અમેરિકાનો એકોનકાગુઆ (6,960 મી), દરેક શિખરને રણવીર એ પોતાની હિમ્મત અને મેહનતથી સર કરી બતાવ્યું. આ દરમ્યાન 2015માં તેમણે ફરી એક વખત એવરેસ્ટ પર ચઢાઈ કરી. આ વખતે તેઓ ટીમ લીડર હતાં. 25 એપ્રિલ 2015ના રોજ તેમની ટીમ એવરેસ્ટ પાર હતી ત્યારે નેપાળમાં ભયાનક ભૂકંપ થયો. આ ભૂકંપના લીધે આવેલા હિમપ્રપાતને કારણે એવરેસ્ટ બેઝ કેમ્પ ને ભારે નુકશાન થયું અને 17 પર્વતારોહીઓ મૃત્યુ પામ્યા. રણવીરની ટીમમાં ડોક્ટરો હતાં અને દરેક સભ્ય ભારતીય સેનાનો સિપાહી હતો. એક ખરા નાયક ની જેમ તેમણે નિર્ણય લીધો કે એવરેસ્ટની ચોટી પર પહોંચવા કરતા બીજા પર્વતારોહકો ને મદદ કરવાનું વધારે જરૂરી હતું. બેઝ કેમ્પ પહોંચીને તરત આખી ટીમ અસરગ્રસ્તોને મદદ કરવામાં લાગી પડી. આ ઉપરાંત ભૂકંપને લીધે આવેલા હિમપ્રપાતને લીધે ફેલાય ગયેલા 3000 કિલો કચરાને પણ સાફ કર્યો. આ સેવા માટે નેપાળની સરકાર અને બીજા પર્વતારોહીઓએ તેમની ટીમને બિરદાવી.
ખંડ | પર્વત | તારીખ |
આફ્રિકા | માઉન્ટ કિલિમાન્જારો | 23 ઓક્ટોબર 2010 |
એશિયા | માઉન્ટ એવરેસ્ટ (8,848 mt) | 25 મે 2012 19 મે 2013 19 મે 2016 |
દક્ષિણ અમેરિકા | માઉન્ટ એકોનકાગુઆ (6,960 mt) | 01 જાન્યુઆરી 2013 |
યુરોપ | માઉન્ટ એલ્બ્રુસ (5,642 mt) | 26 જૂન 2014 |
ઓસ્ટ્રેલિયા | કાર્ટસેનેઝ પિરામિડ | 09 ઓક્ટોબર 2015 |
ઉત્તર અમેરિકા | માઉન્ટ ડેનાલી | 20 જૂન 2017 |
એક દિવસ એવું થયું કે હિમાલય નો એવેરેસ્ટ સપનાંમાં આવ્યો ને કીધું કે રણવીર ભાઈ, ક્યારે પાછા પધારો છો. તો રણવીર ભાઈ કહે, ભૂરાં તું હલતો નહીં હું આવું જ છું. આમ કહીને બાપુ તો નીકળી પડ્યા થેલો લઇ ને. 19 મેં 2016ના રોજ પહોંચી ગયા હિમાલય ની સૌથી ઉંચી એવી એવરેસ્ટ ની ટોચ પર અને પાણી નો ગ્લાસ ભરી ને ‘ચિયર્સ’ કર્યાં (ખેતલાઆપાની ફ્રેન્ચાઇઝી હજી ત્યાં નથી અને પર્વતારોહણ દરમ્યાન દારૂ જીવલેણ હોય છે). એવરેસ્ટ ને કહ્યું કે દોસ્ત તું જયારે જયારે મને યાદ કરીશ ત્યારે ત્યારે હું પહોંચી જઈશ.
જો રણવીર અને એવરેસ્ટ ની દોસ્તી તમને સહેલી લગતી હોય તો એટલું ધ્યાનમાં રાખજો કે અત્યાર સુધીમાં એવરેસ્ટને સર કરવાની હિમાલય જેવડી કોશિશ કરતાં 292 પર્વતારોહી કૈલાશવાશી થયા છે.
હવે લેફ્ટેનન્ટ કર્નલ રણવીરસિંહ જામવાલ ટૂંક સમયમાં એન્ટાર્ટિકા ખંડનાં સહુથી ઊંચા શિખર માઉન્ટ વિન્સનને સર કરવાં ડિસેમ્બર મહિનામાં એકલા પ્રયાણ કરવાના છે. તો આવો આપણે સહું આ હિમવીરને શુભેક્ષા પાઠવીયે અને જોરથી કહીયે “જાટ બલવાન, જય ભગવાન”.
શુભેક્ષા, સૂચનો અને પુરસ્કાર [email protected] પર મોકલવા.

