50 વર્ષનો સોમણ અને 20 વર્ષની ગર્લફ્રેન્ડ – ટ્વીટર ભડક્યું

  0
  424

  એક જમાનામાં ભારતીય યુવતીઓનો હોટ ફેવરીટ મોડલ મિલિન્દ સોમણ ગઈકાલે સોશિયલ મીડિયાના રોષનો ભોગ બન્યો હતો. જો કે મોટાભાગે જેમ બનતું આવે છે તેમ આ મામલે પણ ટ્રોલ થવા માટે મિલિન્દ સોમણ દેખીતી રીતે કોઈ વાંકમાં ન હતો પરંતુ તેમ છતાં ટ્વીટર પર તેના વિષે ઘણી કમેન્ટ્સ પાસ કરવામાં આવી હતી જેમાં વપરાયેલા કેટલાક શબ્દો વિષે તો આપણે વિચાર પણ ન કરી શકીએ.

  આ બધું ત્યારે શરુ થયું જ્યારે ટ્વીટર પર એક્ટીવ એવા યુઝર્સને ખબર પડી કે છેલ્લા કેટલાક વખતથી મિલિન્દ સોમણ સાથે જે યુવતીના ફોટોગ્રાફ્સ મીડિયામાં અને વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર જોવા મળે છે તે તેની કોઈ સાથી મોડલ નથી પરંતુ તે એની ગર્લફ્રેન્ડ છે.

  મિલિન્દ દ્વારા શેર કરવામાં આવેલા ફોટોગ્રાફ્સમાં સ્પષ્ટ દેખાય જ છે કે એ છોકરી અને સોમણની ઉંમરમાં ખાસ્સો ફરક છે જ. સોશિયલ મીડિયા અમસ્તુંય તેની નકામી ખણખોદ માટે બદનામ છે અને આથી કોઈ એ યુવતીની માહિતી ક્યાંકથી મેળવી આવ્યું અને જાહેર કર્યું કે આ છોકરીનું નામ અંકિતા કોનવર છે અને તે આસામની છે.

  ટ્વીટરના યુઝર્સને શોક તો ત્યારે લાગ્યો જ્યારે તેમને ખબર પડી કે અંકિતા હજી તેની ઉંમરના વીસમાં વર્ષમાં જ છે. પત્યું! અચાનક જ મિલિન્દ સોમણ અંગેની ભાતભાતની મશ્કરી કરતી ટ્વીટ્સ ચાલુ થઇ ગઈ. કેટલાકે મિલિન્દને અંકિતાના દાદાની ઉંમરનો ગણાવીને તેના ‘સ્ટેમીના’ ના દાઢમાં વખાણ કર્યા તો કેટલાકે તેને પીડોફાઈલ (Pedophile) પણ ગણાવ્યો. ટ્વીટર પર આમ તો આ સામાન્ય ઘટના કહી શકાય પરંતુ જ્યારે લોકો અહીં ટ્રોલ કરવા પર ઉતરી આવે છે ત્યારે સાનભાન ગુમાવી બેસતા હોય છે.

  ચાલો તમે સોમણ અને અંકિતાની ઉંમરના મોટા ભેદ પર તેને તેના પિતા કે દાદાની ઉંમરનો ગણાવ્યો અને તેની મજાક કરી પરંતુ પીડોફાઈલ? આ જરાક વધારે પડતું ન થઇ ગયું? ખરેખર જોવા જઈએ તો મિલિન્દ સોમણના કિસ્સામાં તેની મજાક કરતા મોરલ પોલીસીંગ વધારે જોવા મળ્યું હતું.

  આપણે ત્યાં એક ગ્રંથી બની ગઈ છે કે લગ્ન કે પ્રેમ સંબંધોમાં પુરુષ સ્ત્રી કરતા મોટો હોવો જોઈએ. પરંતુ પુરુષના મોટા હોવું એટલુંજ પુરતું નથી. ઉંમરનો તફાવત ઓછામાં ઓછો કે પછી વધુમાં વધુ કેટલો હોવો જોઈએ તે પણ સમાજ જ નક્કી કરતો હોય છે.

  મિલિન્દ સોમણને સ્વપ્નેય વિચાર નહીં આવ્યો હોય કે તેના ટ્વીટર પર અંકિતા સાથેના ફોટા પબ્લીશ કરવાથી તેની પાછળ લોકો હાથ-પગ ધોઈને પાછળ પડી જશે. મોરલ પોલીસીંગ કોઇપણ જગ્યાએ યોગ્ય નથી હોતું પરંતુ જો તે પોતાની મર્યાદા ઓળંગી જાય ત્યારે તેને રોકવું ખૂબ જરૂરી છે. હળવી મજાક પોતાના સ્થાને છે પરંતુ કોઈના અંગત સંબંધને એટલા માટે ઉતારી પડવો કારણકે તમને તે પસંદ નથી તે કોઇપણ સંજોગોમાં ચલાવી ન શકાય.

  eછાપું

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here