મને ચિકનગુનિયા થયો……

  16
  450

  ચિકનગુનિયા…નૉનવેજ નામકરણવાળી આ બીમારી ગમે એવા ચમરબંદીને પણ પાડી ને પાધર કરી નાંખવાનું સામર્થ્ય ધરાવે છે. સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસું જતાં આ બીમારી લુંબેને જુંબે જોવાં મળે છે. ચિકનગુનિયાના ચિન્હની વાત કરીએ તો શરૂઆતના ત્રણચાર દિવસ સખત તાવ આવે છે. શરીરના દરેક સાંધા દુખવા માંડે. બેઠેલા લોકો ઊઠી શકતાં નથી, સૂતેલાંં લોકો બેઠાં થઈ શકતાં નથી. હાજતે ગયેલાં આવા દર્દીના બાથરૂમના દરવાજા તોડીને તેને બહાર કાઢવાના દાખલાં બિનસત્તાવાર નોંધાયેલાં છે.

  શરીરના અંકોડા તૂટી જાય એવું ભયાનક દર્દ ઊઠે છે. મોઢું કડવું થઈ જવાને લીધે કઈપણ ખાવાની ઇચ્છા થતી નથી. સરકાર આવી બીમારીઓના ચિહ્નો અને પરેજી માટેની પુષ્કળ જાહેરાતો કરે છે; પરંતુ એ બીમારી થાય જ નહિ એ માટે કોઈ અગમચેતીના પગલા ભરતી નથી. મને તો શંકા છે કે ચિકનગુનિયાનાં રક્ષણ માટે દવા બનાવતી કંપનીઓ અને સરકારો વચ્ચે સાઠગાંઠ હશે! આ દિશામાં નક્કર તપાસ કરવાની જરૂર અમોને લાગી રહી છે.

  મારી વીતકકથા અત્રે રજૂ કરતાં મને હર્ષની લાગણી થશે.

  દશેરાના દિવસે જ મારો ચિકનગુનિયા દોડ્યો! તે દિવસે હું ગામડે હતો. લોકલ કંદોઈની મીઠાઈ કચકચાવીને પેટે પધરાવી હતી. દોસ્તો સાથે મોજના તોરા છૂટી જાય એવી અલકમલકની વાતો કરી મોડી રાત્રે હું સૂતો. પાછલાં પહોરે રુમઝુમ કરતી ઠંડી આવી ભેગો તાવેય લટકા કરતો આવ્યો! ઠંડીના કારણે હું ખાટલામાં પડીને અંગને મરોડી વિચિત્ર પ્રકારના આરોહ અવરોહ લેતો હતો. શરીર ઠંડીથી લખલખતું હતું. હિમ્મત એકઠી કરી હું ઊભો થયો. અંધારામાં ડામચિયો ફંફોસી જાણે કોઈ મદારી કરન્ડિયામાંથી બે મોઢાળી બમ્બોય કાઢતો હોય તેવી સિફતતાથી બે ગોદડાં કાઢયાં. માથે ફરતાં પંખાનું લિવર ઓછું કર્યું. પંખા એ ધીમો થતાં મારા પર કકળાટ કરી કાળોકેર વર્તાવા માંડ્યો. જેમતેમ સોડ ખેંચીને હું સૂતો. તાવનું ટૅન્શન નહોતું; સાલ્લી ઠંડી પ્રેમાંધ જુલિયટ જેમ રોમિયોને વળગે એમ મને  ભેટી હતી. પોં ફાટ્યો ત્યારે જરાક નીંદર આવી.
  સવારે દસેક વાગ્યે ઊઠીને હું બજારે ગયો. મારું એરંડિયું પી ગયેલ મોઢું જોઈ બધાં ઓળખી ગયા કે મારી તબિયત ઠીક નથી. મેં રાતનો વિસ્તૃત અહેવાલ રજૂ કર્યો. તે સાંભળીને જયુ ચમક્યો. તેણે ટ્રેબલ કરતાં બાસ વધારે હોય એવા ઘોઘરા અવાજે મને પૂંછયું  ” ટાંગા દુખે સે? તાવ લાગેસ ? “

   

  મેં હંકારમાં ડોકું ધુણાવ્યું. ભરાવદાર ગોળ હિંગળોક આંખો જીણી કરી તે કંઈક વિચારતો રહ્યો. તેણે હોઠોની વચ્ચે રહેલી બીડીને ગરબે ઘૂમતી ચોસઠ જોગણીની માફક રમાડી, એક ઊંડો કસ ખેંચ્યો. થુલ્લુ ખંખેરી એ જુના આગગાડીના એન્જિનની માફક ધુમાડાની ગોટ છોડતાં બોલ્યો “મોટા તને ચિકનગુનિયા જ હયસે, હાલોપ બાટવા ડૉક્ટર સાયબ પાહે… દામા ગાડી કાયઢ અને આ જામસાહેબને ઓઢાડવા એકાદ સાલ ઘેરથી લેતો આવજે, નાથા તારે વાડીના ભાગીયા વારાને કાય કેવું વોય તો એએએએ ઊભી બજારે હલામણ જેઠવાની જેમ જાય, ઊભો રાખીને કય દે કે હું હમણાં નય આવું ભાત ઘેરથી લય જાજે…નિલિયા મોબાઈલ મતરતો બંધ થા, ને થા બેઠો…કારિયા તું સાયબનો મોબાઈલ માંગીને વારો લખવી દે ઇ તારા સગા સે ને? ” ( એ હમેશા મોબાઈલ કરવો ના બોલે પણ મોબાઈલ માંગો એમ કહે) ચંબલના કોઈ ખૂંખાર ડાકુના સરદારની માફક તે બધા પર એક પછી એક ઑર્ડર છોડતો રહ્યો.

  થોડીવારમાં દામો ગાડી લઈ આવ્યો. અમે તેમાં ગોઠવાયા. હું આગળ બેઠો. જયુ, નીલુ અને નાથો પાછળ ખડકાયા. દામાએ ગાડી બાટવા તરફ મારી મૂકી. અમારા ગામથી નજીકમાં બાંટવા નાનકડું શહેર છે .બધા જાણે ઠાકોરજીની જાત્રામાં જતા હોય તેવા આનંદથી ગાડીમાં કલબલાટ કરવા લાગ્યાં! ” અમે રોજ થોડા એસીમાં બેહીએ સીએ ” પાછળથી હુકમ સ્વરૂપે આવેલા અવાજથી ગાડીનું એસી પોતાના છોકરાનો કાન આમળતો હોય એમ દામાએ ઘુમેડ્યું! હું આંખો બંધ કરી આ બધાએ ધરાર ફૂલ રાખેલ એરકન્ડિશન સહેતો સાલ ઓઢીને વિચારોમાં ખોવાયો.

  ચિકનગુનિયા દુનિયાની માત્ર એક જ એવી બિમારી હશે કે જેમાં કોઈ ડૉક્ટર લોહીનું લૅબ પરીક્ષણ કરાવી નિદાન કરે એ પહેલા જ જયુ જેવા અભણ લોકો પણ રોગના ચિહ્નો જોઈ કહી શકે કે ચિકનગુનિયા જ હશે! આટલી બધી લોકજાગૃતિ આ દેશમાં છે!

  “હાય્લ ઉતર દવાખાનું આવી ગ્યું ” દામા એ મને ઢંઢોળ્યો ત્યારે હું ઘોરતો હતો. ચકળવકળ ડોરા ફેરવતો ઝબકીને જાગ્યો. ગાડીનો દરવાજો ખોલી સામે જ દવાખાનાનું ખખડધજ પાટિયું જોયું. દવાખાનાના જર્જરિત દરવાજા ઊપર ખાંગુ લટકતું બાવાઆદમના વખતનું પાટિયું હું ઉકેલવા પ્રયાસ કરતો રહ્યો. સાહેબ આયુર્વેદીક ડૉક્ટર છે એટલો જ કયાસ કાઢી શક્યો. આખી એબીસીડી જેવડી તેમની લાંબી ડિગ્રીમાં મને સાંધાની હુજ ના પડી; અલબત્ત મને સાંધા દુખતાં હતાં!

  ઓહહહો… અઘરણીના આણામાં હોય તેટલું માનવ મહેરામણ મુખ્યદ્વારથી મને દેખાયું. અમે દરવાજામાં વિજય પ્રવેશ કર્યો. સામે જ કંપાઉન્ડરને ટેબલ પર ચડી બેઠેલો જોયો. તે કંપાઉન્ડરને કમ પાઉડર લગાડવાની જરૂર હતી એટલો કાળો તેનો દેહ હતો. નીલુ એ જઈને તેને અમારા આગમનનું પ્રયોજન કહ્યું તથા નામ નોંધેલ છે તેની ખરાઈ કરી. ચીમળાઈ ગયેલ પૂંઠા વગરની નોટમાં ગાંધીજીને ય ટક્કર મારે એવાં સુવર્ણ અક્ષરે નોંધેલ નામોની યાદી જોઈ એણે અમારા પર ઉપકાર કરતો હોય એમ કહ્યું, “આમ તો ફોનમા અમે નામ લેતા નથ, પણ તમે કાળુભાય ના જાણીતા સવો એટલે લય લીધું… અંદર સે ઇ નીકરે એટલે તમે વયા જાજો” એમ કઈ મોઢામાં ભરેલ તંબાકુનો કોગળો એણે બહાર જઈ કાઢ્યો! થોડુંક વધું પૂછ્યું હોત તો એ નીલુ પર જ જલાભિષેક કરત એટલું એનું મોઢું ફુલાયેલું હતું.

  પરસાળની દીવાલ પર જડેલ કોટાસ્ટોનની બેઠક પર મેં બેઠક જમાવી. આજુબાજુમાં ઉંહકારા કરતાં ઘણાં બધાં દર્દીઓ હતાં. એને જોતા મારા માના ડૉકટરે નિદાન કર્યું કે મોટાભાગના ચિકનગુનિયાના જ દર્દી હશે. એક દેહાતી ઔરતે મને પૂછ્યું પણ ખરું કે, “તમને ય ચિકનગુનિયા થયા?”  આ મહામારી ને ય માનવાચક શબ્દથી નવાજી! તે જાણી આનંદ અને આશ્ચર્યની લાગણી થઈ. ‘કાઠિયાવાડમાં ભૂલો પડ ભગવાન તને સ્વર્ગ ભુલાવું શામળા’ આ સુવિખ્યાત પંક્તિને એક અભણ જૈફ વયની ઔરતે યથાર્થ ઠેરવી!

  પાંચ જ મિનિટમાં મારો નંબર લાગ્યો, કમ્પાઉન્ડરે ઇશારતથી અમને અંદર જવાં સૂચવ્યું. અમે એકી સાથે પાંચ જણા ડૉક્ટરની ચેમ્બરની માલીપા પેઠાં. હું દર્દીની ગાદી પર બિરાજ્યો બાકી બધા સામે ખેલ જોવાં ઊભા રહ્યા. સાહેબે પ્રાથમિક પૂછતાછ કરી, સ્ટેથોસ્કૉપથી ઘોર તપસ્વિની માફક ધ્યાનસ્થ મુદ્રા બનાવી આંખો બંધ કરી મારી નાડી તપાસી, મારો હાથ મૂકી સામે ઊભેલા કમ્પાઉન્ડરને કંઈક સંકેત કર્યો એટલે એણે મને દર્દીના ઓરડામાં આવવાનું કહ્યું.

  સામે જ આવેલ એ ઓરડામાં ચાર ખાટલા હતાં. દરવાજાની જમણે બે અને ડાબી બાજુ બે સમાંતર રહેલ ખાટલા `એંગેજ` હતાં. દરેક ખાટલાની પાસે દર્દીના સગાવ્હાલા જ્યા જગ્યા મળી ત્યાં બેઠાં હતાં. આ ખાટલાની ઊપર વરસાદમાં જેમ સૌરાષ્ટ્ર બાજુની સ્ત્રીઓ શયનખંડમાં જે રીતે કપડાં સૂકવવાં દોરી બાંધે એમ ચારેય ખાટલાને આવરી લેતી બે મજબૂત દોરીઓ બાંધી હતી. તેની સાથે નાનકડાં હૂકમાં બાટલા લટકાવેલ હતાં. ચારેય દર્દીને એક જ પ્રકારનું આછું કેસરી રંગનું પ્રવાહી નળી વાટે ચડાવવામાં આવી રહ્યું હતું. કેસરી રંગ જોતાં લાગ્યું કે ડૉક્ટર સાહેબ ધર્મનિરપેક્ષ નથી!

  કમ્પાઉન્ડરે એક ખાટલા સામે આંગળી ચીંધીને કહ્યું કે, “ આ ખાટલો હમણાં ખાલી થાહે, તમે જીરીક ઊભા રયો. “તાવ અને હાથપગના સાંધા દુખવાને લીધે થાકીને  હું એ જ દર્દીની પથારી પાસે  બેસી ગયો. થોડીવારમાં એ દર્દીનો બાટલો પૂરો થયો એટલે એને ઉઠાડી લીધો. મુખ્યમંત્રી આનંદીબહેનને હટાવી રૂપાણીસાહેબને તખ્તનશીન કરે એટલી જ સહજતાથી એ કમ્પાઉન્ડરે મને ખાટલા પર બેસાડ્યો, અલબત્ત થોડો એમાં તાત્ત્વિકભેદ હતો, પેલા દર્દીના ચહેરા પર ખાટલો છોડવાથી રૂપાણીસાહેબ જેટલી ખુશી થઈ એ હું જોઈ શક્યો! અને હું ખાટલો પામીને આનંદીબહેન જેટલો જ વિષાદમાં ડૂબી ગયો! ક્ષણાર્ધમાં બનેલી આ સહજક્રિયા પરથી દરેક માણસ અને ખાસ કરીને આપણાં રાજકારણીઓ એ એક ઊંચકોટિનો અધ્યાત્મિક બોધપાઠ લેવો જ ઘટે.

  મને ખાટલામાં સુવડાવી કમ્પાઉન્ડરે  પહેલું કામ લોહી લેવાનું કર્યું. એક ઇન્જેક્શન વાટે મારા હાથમાંની એક લીલી નસ શોધી એણે લોહી ખેંચ્યું. લોહી એક નાનકડી કાચની શીશીમાં ભરી એ એક પ્લાસ્ટિકનો બાટલો ઉપાડી લાવ્યો. ઉપર દોરી સાથે બાટલો લટકાવી એણે મારા જમણા કાંડા પર સોઈ ઘોંકાવી કંઈક વિચિત્ર જોડાણ બાટલાની નળી સાથે કર્યું. બાટલાની નીચે નળીમાં જ રહેલી ચકરડીને આંશિક લિવર દીધું એટલે બાટલામાનું પ્રવાહી મારા શરીરમાં નળી વાટે દાખલ થવાં માંડ્યું. હાથ ન હલાવવાની સૂચના આપી એ બહાર નીકળ્યો. એનાં કદકાઠી એટલાં પાતળાં હતાં કે મારા કરતાં એને ગ્લુકોઝનો બાટલો ચડાવવાની તાતી જરૂર મને લાગી.

  મને દર્દીના ઓરડામાં લાવ્યાં પછી  ડૉક્ટરની ચેમ્બરમાં ઘણી ક્રિયાઓ થઈ. ડૉક્ટરની સૂચના પ્રમાણે લોહીનું સૅમ્પલ લઈ લોહીનું પરીક્ષણ કરવા માટે દામો લેબમાં ઉપડ્યો. જયુ અને નાથો ડૉક્ટર એ કહ્યું એ મુજબ  મારા માટે લીંબુશરબત લેવા નીકળ્યાં, ત્યાં એમણે પહેલાં બબ્બે શરબતો ગટગટાવી મારા માટે એક દારૂની કોથળી જેવી જ કોથળીમાં લીંબુશરબત અને એક ડિસ્પોઝેબલ ગ્લાસ લઈને આવ્યાં. મે એ પીધું. લૅબનાં રિપૉર્ટમાં વાર લાગતાં દામાએ બેબાકળા થઈ લૅબ આસિસ્ટન્ટને કહ્યું કે, “સાહેબ લખી દયો ને ચિકનગુનિયા સે એટલે એક કામ પતે.” થોડીવાર પછી રિપોર્ટ તૈયાર થયો હતો, નાનકડી ચબરખીમાં રિપોર્ટ લઈ એ સીધો જ ડૉક્ટરની ચેમ્બરમાં ઘૂસ્યો. ડૉકટરે એ રિપોર્ટ વાંચી એની શંકા સાચી ઠરી હોય એવા ભાવ ચહેરા પર ઉપસાવી કમ્પાઉન્ડરને કંઈક સૂચનો આપ્યાં. કમ્પાઉન્ડર મારા ખાટલા પાસે બે-ત્રણ નાની શીશીઓ અને ઇન્જેક્શન લઈ આવ્યો. તેણે શીશીઓમાંથી પ્રવાહી ઇન્જેક્શન ભરી બાટલામાં ઠોક્યું. મારા બાટલામાનું પ્રવાહી બીજા દર્દીઓને ચડતાં બાટલાના રંગ જેવું જ થયું. નાતજાતના ભેદવગરનું-

  બાટલાનું પ્રવાહી ઝડપથી મારા શરીરમાં જાય એ માટે પેલી ચકરડી ફેરવી લિવર વધાર્યું. મારી સારવારની પૂર્ણાહુતિનો સંતોષકારક ભાવ તેનાં ચહેરા પર સ્પષ્ટ તરતો હતો. બપોરના બાર વાગ્યાં હતાં. જયુ એ કમ્પાઉન્ડરને બાટલા સામે ઇશારો કરી પૂછયું કે, “કેટલા વાયગે આ પૂરો થાહે? “

  એક સવા કલાક જેવું થશે એવું કમ્પાઉન્ડરે કહ્યું. એટલે જયુ એ એક પેટાપ્રશ્ન તેની તરફ ફેંક્યો કે “સાયબ, આમ તો આ કેસરી કલરનું પાણી ડીલમાં જ જાવાનું સે તો આ પી જાય તો નો હાલે! વેલું પતે ને? ”

  કમ્પાઉન્ડર હસીને ત્યાંથી જતો રહ્યો. રોજ બાર વાગ્યે ગામડાના આ મિત્રો થાળી માથે જ હોય. અત્યારે એમને કકડીને ભૂખ લાગી હતી તેવો ભાવ તેનાં વ્યાકુળ ચહેરા પર સ્પષ્ટ તરવરતો હતો; પણ બાટલો પૂરો થાય નહીં ત્યાં સુધી એમને રાહ જોવાં સિવાય કોઈ ઉપાય નહોતો. થોડીવાર બાદ એ કમ્પાઉન્ડરે પાછાં આવી મારા ઢગરા પર એક ઇન્જેક્શન માર્યું. હું ચિત્કારી ઊઠ્યો એવો એનો હાથ ભારે હતો. મારા દર્દભર્યા સૂરથી બધા મિત્રો એ ઠહાકા કર્યા. આમને આમ દોઢ કલાક પછી બાટલો પૂરો થયો. મારા શરીરમાંથી નળી હટાવી પાંચ મિનિટ નિરાંતે સુવડાવી, થોડી સૂચનાઓ આપી. બિલની ચુકવણી કરી, દવાની કોથળી લઈ અમે રવાના થયાં. હસીમજાકમાં પણ મારી કાળજી અને ત્વરિત સારવાર મળે એની વ્યવસ્થા કરવામાં આવી તેનો વિચાર કરી હું મનોમન ખુશ થયો.

  ભૂખ કકળીને લાગી હોય, ઘેર બધા એ ના પાડી દીધેલી હતી એટલે શહેરથી બહારની હોટલમાં અમે જમવા રોકાયા. બધા એ પેટ ભરીને ખાધું. જમવાનું બિલ ડૉક્ટર ની ફી કરતા વધુ આવ્યું!

  જમીને બહાર નીકળી અમે ગાડીમાં ગોઠવાયાં, રસ્તામાં મને જાણ કરવામાં આવી કે ત્રણ ઇન્જેક્શનનો કોર્સ છે. એક ગામનાં જ લોકલ ચિકનગુનિયાના દર્દીને ફોન પર સૂચના આપીને મારા માટે લીંબડાના ગળાની વ્યવસ્થા કરવામાં આવી. હું એક ઢેકે બેસીને  મારા ઢગરાને પંપાળતો રહ્યો. ત્રણ ઇન્જેક્શન હું કઈ રીતે સહન કરીશ એની ચિંતા મને હતી, તે લોકો તો આવી પળે પણ લહેરથી હસતાં હતા.

  બીજે દિવસે કમને અમે પાછાં દવાખાને ગયા, એક ઇન્જેક્શન અને થોડી દવા આપવામાં આવી. હું પાછો રાજકોટ જવાનો હતો એટલે ત્રીજું ઇન્જેક્શન ત્યાં લેવાનું મેં ડૉક્ટરને કહ્યું. તેને મારા ઢગરાની ચિંતા હતી એવું લાગ્યું અને ચોવીસ કલાકની મારી પરિસ્થિતિનો તાગ મેળવી મારું ત્રીજું ઇન્જેક્શન માફ કર્યું; પણ સાંધા જકડાવવાની આશંકાને લીધે જાતે ગાડી હંકારીને જવાની ના પાડી. કોઈના હાથે મરવું એના કરતાં જાતે જ મરવું એવાં મારાં સિદ્ધાંતને અનુસરી ડૉક્ટરની આજ્ઞાની અવહેલના કરી હું સેલ્ફડ્રાઇવે  જેમતેમ કરી ઘેર પહોંચ્યો. મારા ફેમિલી ડૉક્ટરને બધી દવા અને આપવીતી કહી. તેણે કહ્યું કે દવા બરાબર છે હવે પરેજી રાખજો ત્યારે મનને શાતા વળી. આમ મારો પારાવાર મુશ્કેલી ભર્યો ચિકનગુનિયા અભિયાન ચાલુ થયો!

   

  eછાપું

   

   

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here