ખીચડી: ખરેખર ‘નેશનલ ફૂડ’ કહી શકાય?

    0
    388

    આજ-કાલ ખીચડી ખૂબ ચર્ચામાં છે કેમકે તેને આપણા ‘ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી’ મંત્રી હરસીમરતકૌર બાદલ એ તેને તંદુરસ્ત, સ્વાદિષ્ટ, ઈકોનોમિકલ અને બનાવવામાં સરળ એવા ‘સુપર ફૂડ’ તરીકે પ્રચલિત કરવાનું નક્કી કર્યું છે. આ માટે ‘વર્લ્ડ ફૂડ ઇન્ડિયા’ કોન્ફરન્સમાં, દિલ્હી ખાતે લગભગ 914 કિલો ખીચડી બનાવીને તેને ‘ગિનીઝ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ’માં સામેલ પણ કરવામાં આવી.

    આ સાથે સાથે એક અફવા એવી પણ ચાલી હતી કે, ખીચડીને ‘નેશનલ ફૂડ’ તરીકે જાહેર કરવામાં આવશે, અને એ અંગે સોશિઅલ મીડિયામાં ખૂબ ચર્ચા પણ થઇ હતી.

    હવે, નેશનલ ફૂડની વાત કરીએ તો, નેશનલ ફૂડ એટલે એવી વાનગી, જે જે-તે દેશ સાથે ખૂબ મજબૂત રીતે જોડાયેલી હોય. કોઈપણ વાનગીને જે-તે દેશનાં ‘નેશનલ ફૂડ’ તરીકે ગણવા માટે વિવિધ કારણો પૈકી કોઈ એક હોઈ શકે છે, જેમ કે:

    • તે વાનગી એક ‘સ્ટેપલ ફૂડ’ છે, જેને બનાવવા માટે ની સામગ્રી લોકલી એકદમ સરળતાથી ઉપલબ્ધ છે.
    • તે વાનગીમાં કોઈ એક સામગ્રી ‘એકઝોટિક’ છે, જે જે-તે દેશમાં જ ઉગે છે કે બનાવવામાં આવે છે.
    • તે કોઈ તહેવારને લગતી ટ્રેડીશનલ વાનગી છે, જે દેશના સાંસ્કૃતિક વારસાનું પ્રતિનિધિત્વ કરે છે.

    કોઈપણ દેશ માટે પોતાનું ‘નેશનલ ફૂડ’ હોવું એક સ્વાભિમાનની વાત છે. સ્વાભાવિક રીતે, આપણા માટે પણ તે વસ્તુ એ જ રીતે લાગુ પડે છે. પરંતુ ભારતીય સંસ્કૃતિ એટલી વિશાળ છે કે આ બાબતે કોઈ એક ચોક્કસ વાનગી શોધી કાઢવી એ એક મુશ્કેલીની વાત છે.

    હવે, ‘સ્ટેપલ ફૂડ’ ની રીતે જોઈએ તો આપણા દેશના સમુદ્રકિનારાના રાજ્યો માટે ચોખા સ્ટેપલ ફૂડ છે, તો કોઈક રાજ્યો માટે ઘઉં છે, તો પંજાબ જેવા રાજ્યો માટે મકાઈ એ સ્ટેપલ ફૂડ છે.

    તેવી જ રીતે, તહેવારને લગતી ટ્રેડીશનલ વાનગીની રીતે જોઈએ તો આપણા દેશમાં જે પ્રમાણમાં તહેવાર ઉજવવામાં આવે છે અને એમાં જે પ્રમાણે વાનગીઓ બનાવવામાં આવે છે, એ જોતા કોઈ એક વાનગીને ‘નેશનલ ફૂડ’ તરીકે ગણાવવું એ અન્ય વાનગીઓ માટે યોગ્ય નથી.

    અને ‘એકઝોટિક’ સામગ્રી ની વાત કરીએ તો આપણે ત્યાં કેસરથી લઇ ને અન્ય કેટલાય મરી-મસાલા એવા છે જે પશ્ચિમી દેશો માટે ‘એકઝોટિક’ સામગ્રી છે, એ રીતે જોઈએ તો આપણે કઈ અને કેટલી વાનગીને ‘નેશનલ ફૂડ’નો દરજ્જો આપવો!

    હવે પાછા ખીચડી પર આવીએ! ખીચડીનો ઈતિહાસ જોઈએ તો,  ઈ.સ. પૂર્વે ૩૦૦ની આસ-પાસ ભારત પર ચડાઈ કરવા આવેલ સેલ્યુકસે નોંધ્યું છે કે ભારતમાં દાળ અને ચોખાને સાથે પકવીને બનાવવામાં આવતી એક વાનગી ખૂબ જ લોકપ્રિય છે. આ ઉપરાંત પ્રખ્યાત વૈશ્વિક પ્રવાસી ઈબ્ન-એ-બતુતા એ પણ તેમના ગ્રંથમાં ભારત અંગેની વાતોમાં ‘કીશરી’ નામની ચોખા ને માગને સાથે પકવીને બનાવવામાં આવતી વાનગીનો ઉલ્લેખ કર્યો છે. આમ, ખીચડી ભલે અલગ-અલગ નામે પણ એક વાનગી તરીકે લગભગ ૨૩૦૦ વર્ષથી આપણા દેશમાં ઉપલબ્ધ છે. હા, અલગ અલગ રાજ્યોમાં એને અલગ નામથી કદાચ ઓળખવામાં આવતી હોય, જેમકે બંગાળમાં ‘કીશુરી’, કર્ણાટકમાં ‘બીસીબેલે બાથ’ કે ઓરિસ્સામાં ‘ખેચડી’ તરીકે ઓળખવામાં આવે છે.

    ખીચડી એક સંપૂર્ણ આહાર હોવાને લીધે ISCKON મંદિર હોય, અક્ષરધામ હોય કે પુરીનું જગન્નાથજીનું મંદિર હોય, પ્રસાદમાં તેની હાજરી હમેશા રહી છે. આ જ કારણોસર ભારતમાં બાળકનું જ્યારે અન્નપ્રાશન કરવામાં આવે છે ત્યારે ખીર પછીનો પહેલો ખોરાક ખીચડી હોય છે. કારણકે ખીચડી એ પચવામાં હલકો ખોરાક છે ઉપરાંત એમાં છ મહિનાના બાળક માટે જરૂરી એવા તમામ પોષકતત્વો રહેલા હોય છે.

    ભારતની આ ખીચડીને બે ભારતીયોએ અમેરિકામાં રહીને પણ એક નવો જ આયામ આપ્યો છે. મીશીલીન સ્ટાર શેફ વિકાસ ખન્નાએ પોતાની ન્યુયોર્ક ખાતેની રેસ્ટોરન્ટ ‘જુનૂન’ ખાતે ‘ખીચડી રોલ વિથ બીટરૂટ સોસ’ને મેનૂમાં ઉમેરીને ટ્રેડીશનલ દાલ-ખીચડીને નવું સ્વરૂપ આપ્યું છે, તો બીજી બાજુ ‘માસ્ટરશેફ યુ.એસ.એ.’ની છટ્ઠી સિઝનમાં હેતલ વસાવડા એ કોન્ટેસ્ટના જજીસને ખીચડી પીરસીને તેમને ટીક્કા અને સમોસથી આગળ ખોરા બહુ મસાલેદાર ન હોય તેવી ડીશીઝ પણ ભારતીય ક્વીઝીનનો હિસ્સો છે એમ સાબિત કરી આપ્યું હતું. આટલું ઓછું હોય એમ, હવે અમદાવાદમાં એક રેસ્ટોરન્ટ ચાલુ થઇ છે જે ફક્ત અને ફક્ત જાત જાતની ખીચડી પીરસે છે! જેમાં સાદી દાલ-ખીચડી અને મસાલા ખીચડીથી લઇને મેક્સિકન અને થાઈ ટ્વિસ્ટ ધરાવતી ખીચડી પણ મળે છે.

    ઘણાને મતે ખીચડી મસાલાહીન હોવી જોઈએ તો કોઈક એમ માને છે કે સ્વાદમાં બદલાવ ખાતર મસાલેદાર, ચટાકેદાર ખીચડી હોય તો જામો પડી જાય! કોઈક ને એમ લાગે છે કે ખીચડીને ‘નેશનલ ફૂડ’ જાહેર કરીને રોજ રાતે ડીનરમાં ખીચડી જ ખાવાનો આદેશ આવવો જોઈએ, તો કોઈકને મન ખીચડી માંદગીમાં કે શોકમાં લેવાતો ખોરાક છે, એટલે દિવાળીના દિવસોમાં ખીચડી બનાવવા પર બેન લાગવો જોઈએ! પણ મારા માટે, ભલે નેશનલ ફૂડ ના સહી, એક સુપર ફૂડ કે ‘વન પોટ હોલ મીલ’ તરીકે પણ ખીચડીને વૈશ્વિક નકશા પર લાવવાની જરૂર છે તો ખરી!

    પાલક ખીચડી કેવી રીતે બનાવશો?

    સામગ્રી:

    બાસમતી ચોખા : ½ કપ

    તુવેરની દાળ: ½ કપ

    હળદર: 1 ટીસ્પૂન

    પાણી : 2.5 કપ

    ઘી: 2 ટેબલસ્પૂન + 1 ટેબલસ્પૂન

    જીરું: 1 ટેબલસ્પૂન + 1 ટીસ્પૂન

    હિંગ: 1 ટીસ્પૂન

    ઝીણી સમારેલી ડુંગળી: 1/3 કપ

    લસણની પેસ્ટ: 2 ટેબલસ્પૂન

    આદુની પેસ્ટ: 1 ટેબલસ્પૂન

    સમારેલા મરચા: 1 ટીસ્પૂન

    સમારેલા ટામેટા: ¼ કપ

    ધાણા પાઉડર: 1 ટેબલસ્પૂન

    લાલ મરચું પાવડર: 1 ટેબલસ્પૂન + ½ ટીસ્પૂન

    ગરમ મસાલો: સ્વાદ મુજબ

    પાલકની પ્યુરી: 1 કપ

    કસૂરી મેથી: 1 ટેબલસ્પૂન + ½ ટીસ્પૂન

    મીઠું: સ્વાદ મુજબ

    વઘારનું લાલ મરચું: 1 નંગ

    રીત:

    1. ચોખા અને તુવેરની દાળને પાણીથી બરાબર ધોઈ લગભગ 15-20 મિનીટ રહેવા દો.
    2. હવે પ્રેશર કૂકરમાં ચોખા અને દાળ લઇ, તેમાં મીઠું, હળદર ઉમેરી, 2.5 કપ પાણી ઉમેરી 2 થી 3 વ્હીસલ સુધી પકવી લો.
    3. કૂકર ઠંડુ પડે ત્યાંસુધી, એક પેનમાં ઘી લઇ, તેમાં જીરું અને હિંગ ઉમેરી તતડવા દો. જીરું તતડે એટલે તેમાં ડુંગળી ઉમેરો.
    4. ડુંગળી બરાબર સંતળાય એટલે એમાં લસણની અને આદુની પેસ્ટ, સમારેલા મરચા અને ટામેટા ઉમેરો.
    5. ટામેટા સહેજ નરમ પડે એટલે તેમાં ધાણા પાઉડર, લાલ મરચાનો પાઉડર અને ગરમ મસાલો ઉમેરી, બરાબર મિક્સ કરી લો. જરૂર મુજબ થોડું મીઠું પણ ઉમેરો.
    6. હવે તેમાં પાલકની પ્યુરી ઉમેરી, બરાબર મિક્સ કરી લો.
    7. તેમાં પ્રેશર કૂકરમાં ચડવેલ દાળ-ચોખા ઉમેરી, બરાબર મિક્સ કરો. કસૂરી મેથી પણ ઉમેરો.
    8. હવે એક બીજા પેનમાં 1 ટેબલસ્પૂન ઘી લઇ, તેમાં જીરું, વઘારનું લાલ મરચું, લાલ મરચું પાઉડર, કસૂરી મેથી ઉમેરી બરાબર મિક્સ કરી લો.
    9. આ વઘારને તૈયાર ખીચડી ઉપર નાંખી, છાશ અને પાપડ સાથે સર્વ કરો.

     

    eછાપું

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here