સાઉદી અરેબિયાના રાજપરિવારના રાજકારણ પાછળની કથા

    0
    309

    ગયા શનિવારે એટલેકે અમેરિકન મીડિયાના શબ્દોમાં કહીએ તો ‘વિકેન્ડમાં’ સાઉદી અરેબિયાના પ્રિન્સ અલવાલીદ બિન તલાલની દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ ધરપકડ ત્યાંના જ ક્રાઉન પ્રિન્સ એટલેકે યુવરાજ મોહમ્મદ બિન સલમાન દ્વારા કરવામાં આવી. આ સમાચાર મળવાની સાથેજ બિઝનેસ વર્લ્ડમાં ભારતીય મીડિયાના શબ્દોમાં કહીએ તો ‘અફરાતફરી’ મચી ગઈ. આ અફરાતફરી મચવા પાછળનું કારણ પણ સોલીડ છે કારણકે અલવાલીદની કંપની Kingdom Holding પાસે Twitter, Citigroup અને Lyft માં તેમજ અસંખ્ય લક્ઝરી હોટેલ્સમાં ખૂબ મોટું રોકાણ છે.

    અલવાલીદની ધરપકડ થતાં જ Kingdom Holding ના શેર્સ સોમવારે ઉંધા માથે પછડાયા હતા. આટલા મોટા વ્યાપારીની ધરપકડ થાય એટલે શેર માર્કેટ અને વૈશ્વિક વ્યાપારીઓની દુનિયામાં તો આ પ્રકારનું રીએક્શન આવે તે સમજી શકાય છે, પરંતુ અલવાલીદની ધરપકડ કરવાની પ્રિન્સ બિન સલમાનને કેમ જરૂર પડી તે અંગે રાજકીય પંડિતોમાં ખૂબ ચર્ચા ચાલી રહી છે. આ વિવિધ ચર્ચા પર ધ્યાન આપવામાં આવે તો કેટલાક રસપ્રદ મુદ્દાઓ બહાર આવે છે જે સાઉદી અરેબિયાના રાજપરિવારના અંદરના રાજકારણ પર ખાસોએવો પ્રકાશ પાડે છે.

    પ્રિન્સ અલવાલીદની ધરપકડ પાછળ ઓફિશિયલ કારણ ભ્રષ્ટાચાર આપવામાં આવ્યું છે, પરંતુ સાઉદી અરેબિયાના રાજપરિવારને નજીકથી ફોલો કરનારા પંડિતો એં માને છે કે પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન જેને સાઉદીની પ્રજા લાડથી ‘MBS’ તરીકે પણ ઓળખે છે, તેઓએ પોતે જ્યારે રાજા બને ત્યારે બિનહરીફ રહે તેની અત્યારથી જ તૈયારી કરી લીધી હોવાનું જણાવે છે.

    અહીં આશ્ચર્ય એ બાબતનું છે કે અલવાલીદે પ્રિન્સ બિન સલમાનને જ્યારે આ જૂનમાં ક્રાઉન પ્રિન્સ તરીકે નીમવાની ઘોષણા કરવામાં આવી ત્યારથી સતત તે ક્રાઉન પ્રિન્સને સહકાર આપતા રહેશે તેમ જાહેરમાં કહી ચૂક્યા છે. આ ઉપરાંત અલવાલીદની રાજકીય મહત્વાકાંક્ષા કરતા તેમની ધંધાકીય સૂઝબૂઝ વધારે જાણીતી છે. આ સંજોગોમાં અલવાલીદ પ્રિન્સ બિન સલમાન માટે ભવિષ્યમાં કોઈ ખતરો બનીને ઉભા થાત કે કેમ તે પણ સવાલ છે.

    કેટલાક નિષ્ણાતો એમ જણાવે છે કે માત્ર અલવાલીદ જ નહીં પરંતુ પ્રિન્સ બિન સલમાને તેમના અર્થમંત્રી અને નેશનલ ગાર્ડના કમાન્ડરને પણ બદલી નાખ્યા છે. આ ઘટના એમ દર્શાવે છે જે બિન સલમાન તેમની સમક્ષ તેમની સરકાર અને પરિવારના લોકોને ઝૂકેલા જોવા માંગે છે અને એ પણ એટલી હદે કે તેમની ઝૂકવાની સીમાની પરીક્ષા થઇ શકે.

    પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનને જે રીતે ક્રાઉન પ્રિન્સ ઘોષિત કરવામાં આવ્યા તેણે પણ સાઉદી અરેબિયાને નજીકથી જાણનારાઓમાં આશ્ચર્ય ઉભું કર્યું હતું. કારણકે બિન સલમાનની જગ્યાએ લોકો પૂર્વ ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન નાયેફને ક્રાઉન પ્રિન્સ બનાવવામાં આવશે તેવી શક્યતાઓ વ્યક્ત કરી રહ્યા હતા. બિન નાયેફ એ અમેરિકાની પ્રથમ પસંદ હતા તે અહીં નોંધવું અત્યંત જરૂરી છે.

    ‘MBS’ માત્ર બે જ વર્ષમાં સાઉદી અરેબિયાના રક્ષામંત્રી માંથી સીધા યુવરાજ બન્યા છે. લગભગ અઢી વર્ષ પહેલા બિન સલમાન રશિયા વોડકા ટાયકૂન પાસેથી 550 મિલિયન ડોલર્સની યોચ (Yatch) ખરીદવાના સમાચારથી લાઇમલાઇટમાં આવ્યા હતા અને ત્યારથી જ તેમને ‘વિવાદિત પ્રિન્સ’ તરીકે ઓળખવામાં આવ્યા હતા.

    જો કે રક્ષામંત્રી હતા ત્યારે પણ બિન સલમાન પાસે ઘણી સત્તા હતી. તેમણે 2015માં યમન સામે યુદ્ધ લડવાની રણનીતિ તૈયાર કરી હતી અને તેને અંજામ આપ્યો હતો. આ યુધ્ધમાં લગભગ 10,000 લોકો માર્યા ગયા હતા. આ ઉપરાંત તેમણે સાઉદીના અર્થતંત્રમાં પણ ફેરફારો લાવવાની શરૂઆત કરી હતી. બિન સલમાને સરકાર હસ્તકની ઓઈલ જાયન્ટ Saudi Armaco ના શેર્સ માર્કેટમાં મૂક્યા હતા.

    સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અન્ય પ્રિન્સ કરતા અનોખા એટલે પણ છે કારણકે તેમને રાજપરિવાર કરતા સાઉદીની પ્રજામાં ઘણી લોકપ્રિયતા હાંસલ થઈ છે. આમતો સાઉદી અરેબિયામાં પ્રજામાં લોકપ્રિયતા હોવી તે રાજપરિવારના સભ્યો માટે કોઈ મોટી તાકાત નથી માનવામાં આવતી કારણકે તેમને એની જરૂર પણ નથી. પરંતુ બિન સલમાને પોતાના કેટલાક નિર્ણયો દ્વારા આ વણખેડેલી જમીનમાં પ્રવેશ કર્યો છે. ભ્રષ્ટાચાર દરેક દેશમાં બદનામ છે પછી તે ભારત હોય કે સાઉદી અરેબિયા અને આથી જ પ્રિન્સે અલવાલીદ પર પરિવારના સભ્ય હોવા છતાં ભ્રષ્ટાચારના મામલે કોઇપણ શરમ ન દાખવતા કડક પગલા લીધા હોવાનું દેખાડીને પ્રજામાં પોતાની લોકપ્રિયતા વધારી દીધી છે.

    પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનને આર્થિક ઉપરાંત સમાજ સુધારક પણ ગણવામાં આવે છે કારણકે સપ્ટેમ્બરમાં બિન સલમાને જ સાઉદી અરેબિયાની મહિલાઓ પરથી ડ્રાઈવિંગ કરવાનો પ્રતિબંધ દૂર કર્યો હતો જે સાઉદી અરેબિયામાં મોટી સંખ્યામાં રહેલા સુશિક્ષિત યુવાનોએ બંને હાથે વધાવી લીધો હતો .

    આમ પોતાને ભવિષ્યમાં ખતરારૂપ લાગતા પરિવારના સભ્યોને જેલમાં પૂરીને અને પ્રજાલક્ષી નિર્ણયો લઈને સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન એટલેકે MBS અત્યારે તો પોતાના રાજા તરીકેની જમીન તૈયાર કરી રહ્યા હોવાનું ચોક્કસ કહી શકાય.

    eછાપું

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here