SEBIના રૂપાણી વિષેના નિર્ણય પરની Business Standardની બદમાશી પકડાઈ

    0
    330

    લગભગ એક મહિના અગાઉ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને તેમના પુત્ર પર The Wire નામક વેબસાઈટ દ્વારા કરવામાં આવેલા ‘hit job’ બાદ ગઈકાલે વારો આવ્યો હતો ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી નો અને આ વખતે આર્થિક અંગ્રેજી અખબાર Business Standard દ્વારા આ હુમલાની જવાબદારી લેવામાં આવી હતી.

    જો કે ભારતીય જનતા પક્ષ અને તેના ટોચના નેતાઓ પર મેઈન સ્ટ્રીમ મીડિયા દ્વારા વારંવાર કરવામાં આવતા hit jobs ની હવે નવાઈ રહી નથી. અમિત શાહ અને વિજય રૂપાણી પર થયેલા hit job ની ગુણવત્તા અને ટાઈમિંગ તેની સાર્થકતા અંગે ઘણું કહી જાય છે. ગુજરાતમાં ચૂંટણીઓ આવી રહી છે અને જો ગુજરાત સાથે સંબંધ ધરાવતા ભાજપના ટોચના નેતાઓ પર જરાક અમસ્તા પણ છાંટા ઉડે તો કદાચ પરિણામો પર તેઓ મોટી અસર છોડી શકે છે તેવી માન્યતા મોટેભાગે દિલ્હીમાં વસતા મેઈન સ્ટ્રીમ મીડિયામાં પ્રવર્તે છે. The Wire હોય કે પછી Business Standard તેમણે શાહ અને રૂપાણી પર જે પ્રકારના આરોપો લગાવ્યા હતા તેને જોતા જ એમ લાગે કે આ hit job સિવાય બીજું કશું જ નથી.

    આ hit job છેલ્લા ઘણા વર્ષોથી સોશિયલ મીડિયામાં ખૂબ લોકપ્રિય થયો છે. Hit job નો મતલબ એમ કહી શકાય કે તમે જ્યાં રહો છો તે ગલીના કોઈ ગુંડા સાથે તમને કોઈ વાંધો પડ્યો છે અને એ તમને સાવ ખતમ તો નથી કરી શકતો એટલે કોઈવાર એ તમને થોડા ઠમઠોરી નાખે છે અથવાતો તમારી બદનામી કરીને ભાગી જાય છે. પોતાનું કાર્ય પત્યા પછી જે કશું પણ થાય તેની જવાબદારી એ ગુંડો લેવા પણ માંગતો હોતો નથી કે પછી એમાં તેને કોઈજ રસ નથી હોતો. તમે સાજા થઇ જાવ છો કે પછી તમે એણે લગાવેલા આળમાંથી ચોખ્ખા થઈને બહાર આવો છો એ જોવાની સંપૂર્ણ જવાબદારી તમારી છે.

    જય શાહના કિસ્સામાં The Wire એ જે પાયા પર ચર્ચા આદરી હતી એ પાયો જ નબળો હતો. The Wire દ્વારા જય શાહના બિઝનેસના ટર્ન ઓવરને નફો ગણાવી દીધો હતો અને પછી તેમના પર આરોપ મૂક્યો હતો. આમ ભલેને કોઈ વ્યાપાર નિષ્ણાત ન હોય પરંતુ કોઇપણ વેપારી માટે તેનો એક દિવસનો કે વર્ષનો વકરો એટલો નફો કોઈ દિવસ સરખો ન હોય તે સામાન્ય બુદ્ધિ ધરાવતા કોઈને પણ સમજાઈ જાય તેવી બાબત છે. એટલે અહીં The Wire નો hit job પકડાઈ ગયો હતો.

    ગઈકાલે Business Standard દ્વારા સવારના પહોરમાં પોતાના એક આર્ટીકલની લીંક ટ્વીટ કરવામાં આવી. આ આર્ટીકલની હેડલાઈન હતી “SEBI દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના HUF પર ટ્રેડીંગમાં હેરફેર કરવા બદલ પેનલ્ટી લગાવી.” આ ટ્વીટ થતાની સાથેજ ટ્વીટર પરના અમુક લોકોના ખોળિયામાં અચાનક જ જીવ આવ્યો અને રૂપાણીથી માંડીને અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આરોપોની અને ટ્રોલીંગની વણઝાર લગાવી દીધી. આ બધું સાંજ સુધી ચાલુ રહ્યું જ્યાં સુધી મુખ્યમંત્રી ખુદ મેદાનમાં ન આવ્યા.

    વિજય રૂપાણી દ્વારા Business Standard ની ટ્વીટ ક્વોટ કરવા સાથે કુલ 5 ટ્વીટ કરીને આ અખબારનો hit job ખુલ્લો પાડી દેવામાં આવ્યો. રૂપાણીએ SEBIની એપેલેટ ટ્રીબ્યુનલનો આદેશ દર્શાવતા બે ફોટોગ્રાફ્સ પણ ટ્વીટ કર્યા જેમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે રૂપાણીના HUF પર જે અધિકારીએ નિર્ણય આપ્યો હતો તે એકતરફી હતો અને રૂપાણી HUF અને અન્યોને સાંભળ્યા વીના જ જાહેર કરી દેવામાં આવ્યો છે.

     

    ટ્રીબ્યુનલે બાદમાં પોતાનો આદેશ જાહેર કરતા રૂપાણી HUF અને અન્ય પક્ષકારોને ત્રણ અઠવાડિયાનો સમય આપીને પોતાનો જવાબ ફાઈલ કરવાનું જણાવ્યું છે. આ ઉપરાંત પોતાના આદેશમાં ટ્રીબ્યુનલે અગાઉના ઓર્ડરને પણ હાલપૂરતો બાજુમાં રાખી દીધો છે. ટૂંકમાં કહીએ તો એપેલેટ ટ્રીબ્યુનલને જો રૂપાણી HUF અને અન્યોના જવાબ જે ત્રણ અઠવાડિયા સુધીમાં તેઓ આપવા બંધાયેલા છે તેનાથી સંતોષ નહીં થાય તો જ અગાઉનો નિર્ણય બરકરાર રહેશે નહીં તો તે કોઈ અન્ય પ્રકારનો નિર્ણય આપી શકે છે.

    ટૂંકમાં કહીએ તો આજની તારીખે ટેકનીકલી અને કાયદાની ભાષામાં મુખ્યમંત્રીની HUF પર કોઈજ પેનલ્ટી લાગેલી નથી.

    આ તો થઇ ઘટનાની સાદી સમજણ, પરંતુ આપણે તો Business Standard ની બદમાશીની વાત કરવાની છે. ભારતના આ પ્રમુખ આર્થિક અખબારોમાંથી એક અખબારે જે બદમાશી કરી  તેની સમજ આપણે નીચે આપેલા બે ફોટોગ્રાફ્સ દ્વારા મેળવીશું.

    આ ફોટોગ્રાફ Business Standard ની ગઈકાલે સવારની ટ્વીટનો છે જેમાં તેણે ખોટી હેડલાઈન દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીનું ચારિત્ર્ય ખંડન કરવાનો ચોખ્ખો પ્રયાસ કર્યો હતો, કારણકે ઉપર આપણે વિજય રૂપાણીએ કરેલી એક પછી એક એમ પાંચ ટ્વીટ દ્વારા સમજી ગયા છીએ કે તેમના વિરુદ્ધ અત્યારે ટેકનીકલી કોઈજ કેસ નથી કારણકે તેમને અને તેમના જેવા ઘણાબધાને હજી SEBI દ્વારા સાંભળવામાં પણ આવ્યા નથી. પરંતુ મજાની વાત તો હવે આવે છે.

    ઉપરનો ફોટોગ્રાફ છે Business Standard ની સાઈટનો જેમાં તેમણે રૂપાણીની ઉપરોક્ત ટ્વીટ બાદ મૂળ આર્ટીકલની હેડલાઈન અને વિગતો એડિટ કરી છે. જ્યારે કોઈ દસ્તાવેજ સાથે તમારા સમાચારને ખોટા સાબિત કરે ત્યારે અખબાર તરીકે તમારે યોગ્ય ફેરફાર કરવા જ જોઈએ તેમાં કોઈ પ્રશ્ન ઉદ્ભવી જ ન શકે, પરંતુ અહીં એક બદમાશી પણ છે જે તરત જ પકડાઈ ગઈ.

    Business Standard એ કર્યું એવું કે તેણે આગળ આપવામાં આવેલા ફોટામાં દર્શાવેલી ગઈકાલે સવારની ટ્વીટ (આ લખાય છે ત્યાંસુધી) ડીલીટ ન કરી. હવે જ્યારે તમે એ મૂળ ટ્વીટ પર આપેલી લીંક પર ક્લિક કરો છો ત્યારે તમને સુધારેલો આર્ટીકલ જ વાંચવા મળે છે. ચાલો ઠીક છે આ પણ સમજી ગયા, પરંતુ આજે સવારે રૂપાણીપર આરોપ લગાવ્યાના બરોબર ચોવીસ કલાક બાદ Business Standard દ્વારા સુધારેલી હેડલાઈનવાળી ટ્વીટ કરવામાં આવી અને તેમાં પણ એજ લીંક છે જે ગઈકાલે સવારની આરોપો લગાડતી ટ્વીટની હતી. જ્યારે આર્ટીકલ ગઈ રાત્રે પોણા અગિયારે સુધારી લેવામાં આવ્યો હતો અને તે આર્ટીકલ રાત્રે જ સાઈટ પર અવેલેબલ કરાય તો એ સુધારેલા આર્ટીકલને ટ્વીટ કરવામાં બીજા આઠ-નવ કલાક લેવાનો શો મતલબ?

    જો તમે સુધારેલા આર્ટીકલની ટ્વીટ કરો છો તો પછી જૂના આર્ટીકલની ટ્વીટ દૂર કરવામાં શો વાંધો છે? એટલા માટે કે એ ટ્વીટ ખળભળાટ મચાવી દેનારી હતી અને તેને કદાચ અજાણ્યા લોકો દ્વારા રીટ્વીટ આજે પણ મળતી રહે? ટૂંકમાં વિવાદાસ્પદ ટ્વીટ એમની એમ રાખી મૂકીને સાઈટને જે વધારાનો ટ્રાફિક મળ્યો તે! અહીં આપણે Business Standard દ્વારા આખી ઘટનાને વિવાદનું રૂપ ખોટી રીતે આપી દેવાની માફી અંગે તો વાત કરી જ નથી, પરંતુ જે ખોટી માહિતી જાહેરમાં ફેલાઈ ચૂકી છે તેને દૂર જ કરવાની વાત કરી છે.

    બીજું, વિજય રૂપાણીએ ગઈકાલે વહેલી સાંજે પોતાનો ખુલાસો દસ્તાવેજ સાથે ટ્વીટ કર્યો હતો તેમ છતાં Business Standard દ્વારા પોતાના આર્ટીકલમાં યોગ્ય ફેરફાર કરવામાં બીજા છ કલાક શા માટે લાગ્યા આ સવાલ પણ કોઈના મનમાં આવે તે સ્વાભાવિક છે.

    અહીં કેટલાક ભાજપ વિરોધી એવા ટ્વીટર નરેશોની પણ વાત કરવી છે. જેવી Business Standard ની ટ્વીટ પબ્લીશ થઇ કે તરત જ જે લોકોએ અમિત શાહ અને નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરવાના કે મોં માથા વગરના આક્ષેપો કરવાનું શરુ કરી દીધું હતું. શું આ બધાએ પોતાની જાતને એક સવાલ ન કરવો જોઈએ? સવાલ એ કે ગમે તે હોય પરંતુ અગાઉ કરતા નરેન્દ્ર મોદીના રાજમાં સ્વાયત્ત સંસ્થાઓ કોઇપણ વ્યક્તિને સજા કરવા માટે સ્વતંત્ર છે, ભલેને તે મોદીના ખુદના પક્ષનો મોટો નેતા કેમ ન હોય? તેના પર કાર્યવાહી તો થઇ જ શકે છે. પરંતુ આવી અપેક્ષા હાડોહાડ મોદી  દ્વેષીઓ પાસેથી રાખવી એ ‘સમયબગાડ’ સિવાય બીજું કશું જ નથી.

    eછાપું

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here