આવો પંચકર્મ ને સાચા અર્થમાં જાણો

  4
  1149

  “બસ સાહેબ, આ વખતે તો આખું પંચકર્મ કરાવી નાંખવું છે….પૈસા બૈસા ની કાઈ ચિંતા નથી, આપણને કહી દો બસ કેટલા દિવસ થશે????”

  “૧૩૦ દિવસ….”

  તરત જ પેલાનું મોઢું દીવેલ પીધા જેવું થઇ ગયું….

  આયુર્વેદ વિષે લોકોની જેટલી જીજ્ઞાસા વધી છે તેટલા પ્રમાણ માં તેના વિષે સમજ ઉભી થઇ નથી એ બાબત નું ભારોભાર દુ:ખ છે. પંચકર્મ એ કોઈ ગોદરેજ હેર ડાઈ નથી કે “બસ કાટા,ઘોલા ઔર લગા લિયા”

  સામાન્ય લોકોના મનમાં તો બસ એમ જ છે કે માથે તેલ ની ધાર રેડે કે આખાય શરીરે જુદી જુદી મુદ્રા ઓ માં તેલ ની માલીશ કરે એ જ પંચકર્મ! તો મિત્રો જાણી લ્યો કે પંચકર્મ નું આ રૂપ તો માત્ર ટાઈટેનિક ની હિમશિલા નું ટોપકું જ છે. આજકાલ વ્યાપારીયુગ માં પશ્ચિમ ના દેશો માં સ્પા ના સ્વરૂપ માં પંચકર્મ નો દુષ્પ્રચાર વકરતો જાય છે પણ ફાઈવ સ્ટાર હોટેલો અને હેલ્થ રિસોર્ટસે  જાતે જ “ફઈબા” બનીને આ પૂર્વકર્મ ને જ પંચકર્મ નું નામ આપી દીધું છે અને આજ કાલ એની ફેશન ઉપડી છે. લોકો જેમ “આંધળાઓ હાથી ને વળગે” એમ એને એક આનંદ નું નવું માધ્યમ ગણી “સ્ટેટસ સિમ્બોલ” તરીકે અપનાવવા લાગ્યા છે. હા હા ભાઈ કરી લ્યો ને એમાં ક્યાં આડ અસર થવાની છે!!!! હકીકત માં તો આ કેન્દ્રો માં પંચકર્મ નાં નામે જે કાઈ પીરસવામાં આવે છે તે તો શાસ્ત્રોક્ત પંચકર્મ પહેલા કરવા માં આવતું પૂર્વકર્મ છે. તેના પછી પ્રધાનકર્મ અને પશ્ચાતકર્મ બાકી જ રહી જાય છે.

  પંચકર્મ એ આયુર્વેદ ના આઠ અંગ- કાય ચિકીત્સા, બાલ ચિકીત્સા, ગ્રહ ચિકીત્સા, ઉધ્વાન્ગ ચિકિત્સા(શાલાક્ય), શલ્ય ચિકિત્સા, દન્ષ્ટ્રા ચિકિત્સા, રસાયણ ચિકિત્સા અને વાજીકરણ ચિકિત્સા પૈકી કાયચિકીત્સા નો મુખ્ય ભાગ છે. આયુર્વેદ રોગ ને દાબી દેવામાં માનતો નથી કિન્તુ તેનું શમન કરવામાં કે શોધન કરી બહાર કાઢવામાં માને છે. રોગ ને દાબી દેવાથી ફરી ફરી ને વરસો સુધી હુમલા થાય. એક રોગ માંથી અનેક રોગ થાય એવી કામચલાઉ સારવાર આયુર્વેદ માં ક્યાય જોવા મળતી નથી. ભૂખ્યું બાળક રડતું હોય તો તેનો ઉપાય તેને ધવરાવવું કે ખવડાવવું એ જ હોઈ શકે, નહીં કે મારીને-ધમકાવીને છાનું રાખી દેવું અથવા તેનો રડવાનો અવાજ કાન થી દુર કરવા ઘર માં પૂરી દેવું કે મોં એ ડૂચો મારવો. આયુર્વેદ ના મતે રોગોનું કારણ જીવાણુઓ નહિ પરંતુ શરીર ના બંધારણ રૂપ ત્રિદોષ ની જ વિષમતા છે.

  ચુલા માં ખુબ જ રાખ ભરાઈ જવાના કારણે તાપ બરાબર ના જળવાય ત્યારે સતત બળતણ નાંખવાથી કે ફૂંક માર્યા કરવાથી કાઈ વળતું નથી, પરંતુ બધો જ કચરો બહાર કાઢી નવેસર થી અંગારા મુકી ને તેને ક્રમશઃ ધીમે ધીમે સળગાવવો પડતો હોય છે.તેવું જ રોગનું છે.શરીર માં ભરાઈ ગયેલા વિકૃત દોષો ને ઓગાળીને પંચકર્મ થી બહાર કાઢવામાં આવે છે.પછી ધીમે ધીમે જઠરાગ્ની નું બળ વધારીને રોગોનું સ્વયં શમન કરવામાં આવે છે.

  પંચકર્મ મૂળ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ થાય છે “પાંચ પ્રકાર ની ચિકિત્સા.” આ પાંચ પ્રકાર ની જટીલ ચિકિત્સાઓ વ્યક્તિની પ્રકૃતિ, દોષનું બળ, દોષની અસમતુલા, ઉંમર, પાચનક્ષમતા, રોગનું બળ, ઋતુ, દેશ, કાળ, રોગપ્રતિકારક શક્તિ તથા બીજા ઘણા પરિબળો ઉપર આધારિત છે. જ્યારે શરીર માં વાત-પિત્ત-કફ ની અસમતુલા થાય છે ત્યારે તે જઠરાગ્નીને અસર કરે છે અને તેથી પાચન થયા વગર પડ્યો રહેલો કાચો ઉત્સર્ગ પદાર્થ પેદા થાય છે જેને આયુર્વેદીય પરિભાષા માં “આમ” કહે છે. મોડર્ન સાયન્સ મુજબ તેને “ફ્રી રેડિકલ્સ” સાથે સરખાવી શકાય જે અનેક રોગોના કારણ રૂપ તથા ઝેર સ્વરૂપ હોઈ શરીર ની બહાર બને તેટલો વહેલો કાઢી નાખવો જરૂરી બની જાય છે.

  આયુર્વેદ મુજબ આપણુ શરીર ત્રણ માધ્યમ થી ઉત્સર્ગ પદાર્થ અને ઝેર બહાર કાઢે છે, મોં,ગુદા અને ત્વચા ના છિદ્રો. વિકૃત થયેલા દોષો ને પૂર્વકર્મ ની મદદ થી ઓગાળીને પાચનતંત્રમાં લાવવામાં આવે છે પછી પંચકર્મની મદદથી શરીરમાંથી ગમે તે એક માર્ગે બહાર કાઢવામાં આવે છે. જેનાથી રોગ તો મટે જ છે પરંતુ શરીર અગાઉ ની માફક સ્ફૂર્તિ વાળું અને નવયુવાન બને છે. હવે પંચકર્મ અંતર્ગત આવતી જુદી જુદી પાંચ ચિકિત્સા અંગે જોઈશું……

  વમન: શરીર માં વધેલા કફ દોષ ને મોં દ્વારા બહાર કાઢી નાખવાની ચિકિત્સા ને વમન કહે છે. વધી ગયેલા કફ થી હોજરીમાં અગ્નિ મંદ પડી જાય છે જે અનેક રોગનું કારણ બને છે જેથી વમન થી શરીર નું શુધ્ધિકરણ થાય છે. પહેલા ૩ થી 7 દિવસ દવાયુક્ત ઘી પીવડાવવામાં આવે છે જ્યારે દર્દી ની ત્વચા મુલાયમ અને તૈલી થઇ જાય તથા શરીર અને મળ માંથી તૈલી વાસ આવવવાની શરુ થઇ જાય તે દિવસ થી ઘી બંધ કરી એ દિવસે સાંજે દર્દી ને ભારે, ગળ્યો તેમજ ચીકણો આહાર આપવામાં આવે છે જેથી વધુ માં વધુ કફ પેદા થાય. બીજા દિવસે સવારે માલીશ-શેક કરી, પેટ ભરીને શેરડી નો રસ કે દૂધ પાવામાં આવે છે. ત્યાર બાદ વમન માટેની દવા પાવાથી ઉલટી દ્વારા બધો જ કફ બહાર નીકળી જાય છે. સોરાયસીસ,ચામડી નાં રોગો, જૂની શરદી-શ્વાસ અને પેટ ના હઠીલા રોગો માં વમન જરૂરી છે. સ્વસ્થ વ્યક્તિમાં વસંત ઋતુમાં વમન કરાવી શકાય છે.વમન એ ગફલત થી સાદ્ય પ્રાણ હર ચિકિત્સા હોઈ અનુભવી પંચકર્મ વૈદ્યના સીધા નિરિક્ષણ હેઠળ થવી જરૂરી છે.

  વિરેચન: વધી ગયેલા પિત્તને ગુદા ના માર્ગે થી બહાર કાઢવા વિરેચન કરાવાય છે. સામાન્ય ભાષા માં તેને રેચ કે જુલાબ થી સમજી શકાય છે. પિત્તપ્રધાન વ્યક્તીઓ માં પિત્ત યકૃત,સ્વાદુપિંડ અને નાના આંતરડા માં જમા થાય છે. તેનાથી ચામડીના રોગો, તાવ, એસીડીટી વગેરે થાય છે. વિરેચનથી આ વિકૃત પિત્ત ઓગળીને ગુદા ના માર્ગે થી બહાર નીકળી જાય છે. ત્યારબાદ નવું શુદ્ધ પિત્ત બનવાનું શરુ થઇ જવાથી રોગનું નિવારણ થાય છે. વિરેચનમાં વમનની માફક જ ઘી પાવામાં આવે છે. ત્યારબાદ ૩ દિવસ માલીશ-શેક કરી પછીના દિવસે વિરેચન ઔષધ પાવા માં આવે છે. યોગ્ય પ્રમાણમાં પિત્ત નીકળી ગયા બાદ દર્દી ને આરામ આપવામાં આવે છે. વમન અને વિરેચન બન્ને પતી ગયા પછી ૩ થી ૭ દિવસ  સુધી દર્દીના પાચકાગ્ની ને સુધારવા આહાર-વિહાર ની પરેજી નું પાલન કરવું જરૂરી હોય છે, જેને સંસર્જનક્રમ કહે છે. પાચનતંત્રના, પિત્તના , લોહીના બગાડના તમામ રોગોમાં તથા ધાતુના રોગોમાં વિરેચન ધાર્યું પરિણામ આપે છે. સ્વસ્થ વ્યક્તિ માં શરદ ઋતુમાં વિરેચન કરાવી શકાય છે.

  બસ્તિ: મેડિકેટેડ તેલ કે તેલ-મધ યુક્ત ઉકાળાઓ ને દર્દી ના આંતરડા માં ગુદા દ્વારા ચડાવીને આખાય શરીરના રાજા વાયુને જીતવાની ચિકિત્સાને બસ્તિ કહે છે. બસ્તિ કર્યા પછી પ્રવાહી આંતરડામાં નિશ્ચિત સમય સુધી રહેવું જોઈએ તથા વાયુ અને મળ સાથે બહાર આવવું જોઈએ તો જ તે સારું પરિણામ આપે છે. બસ્તિથી આંતરડામાં સ્રાવનું પ્રમાણ વધી જવાથી ખોરાકનું પાચન સારું થાય છે અને તંદુરસ્તી પ્રાપ્ત થાય છે. લકવો, સાયટીકા, સોજા, કમરનો દુખાવો, હરસ-મસા, જાતીય રોગો, સ્ત્રી રોગો, વ્યંધત્વ, આંતરડાના ચાંદા વગેરેમાં બસ્તિ ઉપયોગી થાય છે. નિરૂહ, અનુવાસન, ઉત્તર બસ્તિ, માત્રાબસ્તિ વગેરે બસ્તિ ના જુદા જુદા પ્રકાર છે.

  નસ્ય: ગળાની હાંસડીથી ઉપરના ભાગના તમામ રોગોને દૂર કરવા નાકમાં ઔષધ યુક્ત તેલ-ઘીના ટીપા પાડવાની કે ચૂર્ણની ફૂંક મારવાની ક્રિયાને નસ્ય કહે છે. નાકમાં ચેતાતંતુના ઘણા છેડા ખુલતા હોઈ નાક ને મગજ નું મુખ્ય દ્વાર કહેવાય છે. નાકમાં નાખેલી દવાની સીધી અસર મગજ ઉપર થાય છે. વળી નાક એ શ્વસનતંત્રનું મુખ્ય અંગ હોવાથી શ્વસનતંત્ર ના બધા જ રોગોમાં નસ્ય ઉપયોગી છે. નસ્યથી નાકની અંદરની ચામડી પર જામેલ મ્યુકસ દુર થાય છે અને મગજની ચેનલો સાફ થઇ મગજના કોષો ઉત્તેજીત થાય છે. પરિણામે સમગ્ર ચેતાતંત્ર ઉપર કાબુ મેળવી શકાય છે. દર્દીના માથા, ચહેરા, ગરદન પર હુંફાળા તેલની માલીશ અને ઔષધીઓના વરાળીયા શેક પછી નસ્ય કરવામાં આવે છે જેથી સ્થાનિક પરિભ્રમણ વધી જવાથી ઔષધની મગજ ઉપર અસર જલ્દી થાય છે. નસ્યથી નાકમાં ગયેલી દવા મગજના જોવાના, સાંભળવાના, સ્વાદ અને ગંધ પારખવાના અને બોલવાના કેન્દ્રો ઉપર અસર કરે છે અને ત્યાંથી આગળ ચેતાતંતુઓ માં જઈ જામેલા કફને બહાર કાઢે છે.

  આ દવા નાક ની આંતર ત્વચા માં શોષાઈને છેક કરોડરજ્જુ સુધી પ્રસરી જાય છે, આથી ઇન્દ્રિયોની શક્તિ વધારવા તથા બેભાન વ્યક્તિને ભાનમાં લાવવા નસ્ય ચમત્કારિક પરિણામ આપે છે. માથાનો દુઃખાવો, આધાશીશી, સાયનસ, આંચકી, કાનની બહેરાશ, અનિન્દ્રા, વાળના રોગો, કંપવાત, તનાવમાં નસ્ય અકસીર છે.

  રક્તમોક્ષણ:  બગડી ગયેલા લોહીને શરીરમાંથી વિશિષ્ટ યંત્રો કે જળોથી દુર કરવાની ક્રિયાને રક્તમોક્ષણ કહે છે. ત્રિદોષના બગડવાથી ઉત્પન્ન “આમ” લોહીમાં ભળવાથી લોહી વિકૃત થાય છે જેનાથી લોહીનું દબાણ વધી જાય છે તથા જુદા-જુદા રક્ત સંબંધી રોગો થાય છે. સુશ્રુત મહર્ષિએ શોધેલી આ ક્રિયા કદાચ જુનવાણી લાગે પરંતુ એકવાર રક્તમોક્ષણ થઇ જાય પછી દર્દી ઝડપથી સાજો થવા લાગે છે. આ ક્રિયામાં વપરાતી જળો એ પાણીમાં રહેતો એક જીવ છે તે સામાન્ય રીતે ૨૦ થી ૪૦ મિલી દુષિત લોહી પીવે છે પછી તેને છૂટી કરી રક્ત કાઢી લઇ છોડી દેવામાં આવે છે. આ સિવાય સિરીંજ અને તુંબડીથી પણ રક્તમોક્ષણ કરવામાં આવે છે. ચામડીના રોગો, સફેદ ડાઘ, શીળસ, હાઈ બી.પી., ખીલ, એલર્જી વગેરેમાં આ પદ્ધતિ અસરકારક ફાયદો આપે છે.

  એક સાથે બધા જ પંચકર્મો કરાવવા ઘણા જ અઘરા છે. જો કોઈ વ્યક્તિનો રોગ ૫-૧૦ વર્ષ જુનો હોય અને તે રોગ માત્ર ૧૦-૧૫ દિવસ ની પંચકર્મ સારવારથી સંપૂર્ણ મટી જાય તેવી આશા રાખે તો તે શક્ય નથી. આ માટે પંચકર્મ સારવાર વારંવાર તથા થાક્યા વગર નિયમિત રીતે કરવી પડે છે એ સિવાય મટાડવાનો આગ્રહ ભૂલ ભરેલો છે.

  વૈજ્ઞાનિક પરીક્ષણોથી સિદ્ધ થયું છે કે ચરબીમાં ઓગળીને લાંબા સમય સુધી શરીરમાં રહેનારા 14  જેટલા મેજર ટોકસીક અને કાર્સીનોજેનીક કેમિકલ્સ, હેવી મેટલ્સ, પેસ્ટીસાઇડ તથા અન્ય હાનીકારક પ્રદુષણજન્ય કેમિકલ્સથી પંચકર્મ શરીરને રક્ષા કવચ પૂરું પાડે છે. ટોક્સિક તત્વ લીપીડ પેરોક્સાઈડનું લેવલ ઘટાડી કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડે છે. પ્લેટલેટની જમાવટનો રેશિયો ઘટાડી લીમ્ફેટીક કન્જેશનને અટકાવે છે અને ડાયસ્ટોલીક પ્રેશરને નોર્મલ કરે છે. રોગો કે વૃધ્ધાવસ્થા તરફ દોરી જતા ફ્રી રેડિકલ્સને ઘટાડી શરીરમાં ઓક્સીજનનું આવા-ગમનનું પ્રમાણ વધારે છે. શરીરમાંથી 70% હાનીકારક ઝેરી તત્વોને બહાર કાઢે છે તથા 80% પ્રમાણમાં અન્ય લોકો કરતા રોગ થવાનું કે ઇન્ફેકશન લાગવાનું પ્રમાણ ઘટાડી નાખે છે. પંચકર્મમાં વપરાતા ઘી અને તેલ માં લાઈનોલીક એસીડ રહેલુ હોય છે.  લાઈનોલીક એસીડ એ શરીર માં કોષો ની દીવાલ ના મુખ્ય બંધારણીય લીપીડ તરીકે વપરાયેલ હોઈ હાનીકારક તત્વોને ઘી અને તેલમાં ઓગાળીને સરળતા થી બહાર કાઢવામાં મદદ મળે છે. આ ઉપરાંત ચિરયૌવન અને ધાતુ પોષણ એ પંચકર્મની બાય પ્રોડક્ટ છે.

  આજે મોંઘી દવાઓ જ સારી તથા અજાણી દવાઓ જ અસર કરે તેવી માનસિકતામાંથી બહાર આવવાની જરૂર છે. ચૂર્ણો, ઉકાળા અને ગોળીઓ આ જમાનામાં ન ચાલે , ઈન્જેકશનો કે ઓપરેશનો જ છેલ્લા માં છેલ્લો અને સારા માં સારો માર્ગ છે એવી ખાંડ ફાકનારાઓના મોં પર પંચકર્મ એ જોરદાર લપડાક સમાન છે. આયુર્વેદએ  હજારો વર્ષોના અનુભવથી રચાયેલ સાયન્સ છે. હજારો વર્ષો પસાર થયા છતાં તેમાનું કશું પણ ખોટું ઠરી શક્યું નથી, ઉલટાણું  સત્યની કસોટીમાં દિન પ્રતિદિન તે વધુ ને વધુ ઉત્તીર્ણ થતું જાય છે.

  આયુર્વેદના મૂળ તિબેટ, ચીન, બ્રહ્મદેશ, સિલોન, જાવા, સુમાત્રા, અરબસ્તાન, ઈરાન, ઈજીપ્ત અને ગ્રીસ સુધી ફેલાયેલા છે. યાદ રાખો માનવ દેહ એ પ્રયોગશાળા નથી પરંતુ ચેતનને વસવાનું મંદિર છે.

  તો આવો પંચકર્મ ને અપનાવીએ……..

   

  વૈદ્ય ગૌરાંગ દરજી

  આયુર્વેદ અને પંચકર્મ સ્પેશીયાલીસ્ટ

  94270-77135

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here