ભક્ત અંધ જ હોય પણ દ્વેષીને ચાર આંખો છે

    1
    934

    ‘ભક્ત’ – આ શબ્દ સદીઓથી આપણા દેશમાં અતિશય સન્માનપૂર્વક બોલવામાં આવે છે. પરંતુ છેલ્લા ચારેક વર્ષથી થેન્ક્સ ટુ એકતરફી રાજકારણની સમજ ધરાવતા સોશિયલ મીડિયા નરેશો, સો કોલ્ડ બુદ્ધિજીવીઓ અને કોલમકારોને લીધે આ શબ્દ મજાકપ્રિય અને અળખામણો બની ગયો છે. ભક્તની જેમ જ આપણા દેશમાં એવા બીજા બે શબ્દો પણ છે જે એક સમયમાં આપણા આત્માને અતિશય આનંદ અપાવતા અને આજે તે પણ ઉપરોક્ત પ્રજાતિઓના પ્રતાપે મજાક બની ગયા છે. આ બે શબ્દો છે ‘હિન્દુ’ અને ‘દેશપ્રેમ’. ભવિષ્યમાં આ બંને મુદ્દાઓ પર પણ આ જ કોલમમાં ચર્ચા કરીશું પરંતુ આજે આપણે કફત ભક્ત શબ્દ પર જ ધ્યાન આપીશું.

    આ ભક્ત શબ્દને પ્રચલિત કરવામાં સોશિયલ મીડિયાનો સૌથી મોટો જ નહીં પરંતુ એકમાત્ર ફાળો છે. આ શબ્દ પહેલીવાર કાને પડ્યો લગભગ 2013ના ઉત્તરાર્ધમાં. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો ભક્ત શબ્દનો ઉપયોગ તે સમયના વડાપ્રધાનપદના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કટ્ટર ચાહકોની મજાક ઉડાવવા માટે વપરાય છે. એ હકીકત સ્વિકારવામાં કોઈ પણ ભક્તને શરમ ન આવવી જોઈએ કે ભક્ત શબ્દનો ઉપયોગ શરુ થવાના શરૂઆતના અમુક મહિનાઓ સુધી નરેન્દ્ર મોદીના કટ્ટર ચાહકોને પણ આ શબ્દ પ્રત્યે થોડો અણગમો જરૂર હતો.

    આ અણગમો એટલા માટે હતો કારણકે નરેન્દ્ર મોદી પરનો તેમનો પ્રેમ અથવાતો અતિશય માત્રાનો પ્રેમ માત્ર અને માત્ર તેમની ક્લીન ઈમેજ અને તે સમયે ગુજરાત માટે કશું પણ કરી છૂટવાની તેમની ભાવના અને તેના સ્પષ્ટ અમલીકરણને લીધે હતો. ટૂંકમાં કહીએ તો એ સમયે આ ભક્તો પોતાને નરેન્દ્ર મોદીના ‘જબરા ફેન’ તરીકે ઓળખાવવાનું વધુ પસંદ કરતા અને તેમના મતે આ ભક્ત શબ્દ તેમના પર થોપી દેવામાં આવ્યો હતો. પછી પેલું કાયમ થાય છે તે થયું, નરેન્દ્ર મોદીના ફેન્સને વારંવાર ચીડવવા માટે અને તેમને ઇરીટેટ કરવા માટે ભક્ત શબ્દનો ઉપયોગ સોશિયલ મીડિયામાં એટલી હદે વધી ગયો કે 2014માં ભાજપના ભવ્ય વિજય બાદ ભક્તોએ ખૂદ સ્વિકારી લીધું કે “ચાલો Ok અમે ભક્તો છીએ બસ? કોઈના ચમચા તો નથી?”

    બસ અહીંથી શરુ થઇ પેલા ભક્ત વિરોધી બ્રિગેડની તકલીફ. પહેલા તો ઇરીટેટ થતા ભક્તો મન પરનો કાબૂ ગુમાવીને ગમેતે બફાટ કરી દેતા પરંતુ જેવો એમણે પોતાનો ભક્ત તરીકે સ્વિકાર કર્યો કે વિરોધીઓ પાસેથી જાણેકે હુકમનો એક્કો છીનવાઈ ગયો હોય એવી તેમની હાલત થઇ. હવે ઇરીટેટ થવાનો વારો આ હેટ બ્રિગેડનો હતો અને તેમનું ભક્તોના અચાનક જ સ્માર્ટ થઇ જવાનું રીએક્શન એ આવ્યું કે તેમનો નરેન્દ્ર મોદી તરફનો દ્વેષ વધતો ચાલ્યો અને આજે આ દ્વેષ તેની ચરમસીમાએ આવી ગયો છે. તો આપણે આજથી ભક્ત વિરોધીઓને અભક્ત કે નાસ્તિક જેવા શુષ્ક શબ્દો વાપરવાને બદલે તેમને દ્વેષી તરીકે ઓળખીશું કારણકે મનમાં ભરેલા દ્વેષને લીધે જ તેમને દેશ માટે શું સારું અને શું ખરાબ તે તેઓ નક્કી કરી શકતા નથી. આપણે આજે એમ પણ જાણીશું કે ભક્તો કરતાં આ દ્વેષીઓ જરાય ઉણા ઉતરતા નથી.

    ભક્તો અક્કલ વગરના હોય છે

    જ્યારે સોશિયલ મીડિયાની ચર્ચામાં નરેન્દ્ર મોદીના ભક્તો આ દ્વેષીઓ કરતા ચાર-પાંચ ચાસણીઓ ચડવા લાગ્યા ત્યારે દ્વેષીઓએ પહેલું કામ કર્યું ભક્તોની નાની મોટી ભૂલો શોધીને તેમના બૌદ્ધિક સ્તર પર આક્રમણ કરવાનું. દર વખતે જ્યારે આ દ્વેષીઓએ ભક્તોને ઉતારી પાડવા હોય ત્યારે એમના બૌદ્ધિક આંક પર એકતરફી નિર્ણય આપી દેતા હોય છે કે ભક્તો તો સાવ અક્કલ વગરના હોય છે. જ્યારે દ્વેષીઓ નરેન્દ્ર મોદીએ છેલ્લા ત્રણ વર્ષમાં કશુંજ કામ નથી કરતા એવો આરોપ મુકતા હોય છે અને ભક્તો તે આરોપનો મુદ્દાસર અને દસ્તાવેજી ટેકા સાથે જવાબ આપતા હોય છે ત્યારે દ્વેષીઓ પહેલું કામ તેમની જોડણીની ભૂલ કાઢવાનું કરતા હોય છે. તેમને આધિકારિક આંકડાઓને તેઓ કેવી રીતે નકારે છે તેનું લોજીક આપવાને બદલે ભક્તની પોસ્ટ અથવાતો ટ્વીટમાં જોડણી કે પછી ગ્રામરની શું ભૂલ છે તે બતાડવું એ સમયે વધારે મહત્ત્વનું બની જતું હોય છે.

    સામેપક્ષે પોતાની પાસે મોદી સરકારે કોઈજ કામ ન કર્યું હોવાની દલીલ કરતી વખતે પોતે કોઈજ પૂરાવા આપવાનું યોગ્ય માનતા નથી અને તેઓ જે કહે તેને સત્ય માની લેવાની સામેવાળાની ફરજ છે એમ વિચારતા હોય છે. આજે જો ધ્યાનપૂર્વક જોઈએ તો નરેન્દ્ર મોદીના ફેન્સ અથવાતો ભક્તોમાં ઘણા બધા અર્થશાસ્ત્રીઓ,  ધાર્મિક ગુરુઓ, ટેક્નોક્રેટ્સ, ઉદ્યોગપતિઓ અને કલાકારો સામેલ છે અને જો નરેન્દ્ર મોદીના ભક્ત હોવાથી તમારી અક્કલ અચાનક જ ઘાસ ચરવા જતી રહેતી હોય તો આ તમામ વ્યક્તિઓ મહામૂર્ખ છે.

    ભક્ત અંધ જ હોય છે, પરંતુ દ્વેષીને ચાર આંખો હોય છે

    જો ધ્યાનથી વિવિધ સોશિયલ મીડિયાનો અભ્યાસ કરશો તો તમને એવા ઘણા મોદી ભક્તો જોવા મળશે જેમણે કદીયે નરેન્દ્ર મોદીના તમામ નિર્ણયોને ટેકો તો નથી જ આપ્યો પરંતુ તેની ટીકા પણ કરી છે અને વિશ્વાસ રાખો આ પ્રકારના ભક્તોની સંખ્યા ઘણી વિશાળ સંખ્યામાં અસ્તિત્વ ધરાવે છે. પરંતુ આ બધું ત્યારે દેખાય જ્યારે તમે ધ્યાનપૂર્વક સોશિયલ મીડિયાનો અભ્યાસ કરો, જ્યારે તમારે માત્ર નરેન્દ્ર મોદીના કરિશ્માથી અંજાયેલા લોકોની જ પોસ્ટ્સ કે પછી ટ્વીટ કે પછી અભિપ્રાયને ધ્યાનમાં લઈને ભક્તોની મજાક ઉડાવવી છે ત્યારે તમને ઉપરોક્ત લોજીકલ ભક્તોને તમારે ઇગ્નોર જ કરવા પડે. માત્ર અંજાયેલા લોકોના અભિપ્રાયને ક્વોટ કરીને મોદીના તમામ ભક્તોને દ્વેષીઓએ ‘અંધ ભક્ત’ નું લેબલ આપી દીધું છે. જો ભક્તો અંધ છે તો દ્વેષીઓને શું ચાર આંખો છે? તમને નરેન્દ્ર મોદીનું એક કાર્ય વખાણવા લાયક એટલે નથી લાગતું કારણકે તમને મોદીનો ચહેરો જ જોવો નથી ગમતો તો પછી આનાથી મોટો અંધાપો બીજો કયો હોઈ શકે?

    ‘તટસ્થતા’ દ્વેષીઓનો પારદર્શક પડદો

    રાજકીય વિચારધારા ધરાવનાર વ્યક્તિ માટે તટસ્થતા એક એવો પડદો છે જેની પાછળ છુપાઈને નગ્ન થયેલા રાજકીય વિચારકો બચાવો બચાવોની બૂમો પાડતા હોય છે. સોશિયલ મીડિયા હોય કે પત્રકારો આપણે ત્યાં મોદીના ટીકાકારોને ધરાર તટસ્થ ગણાવવાની ફેશન થઇ પડી છે. જો તમે આ લેખની જેમ સતત મોદી તરફી લેખો છાપાઓમાં કે પછી ન્યૂઝ વેબસાઈટ્સ પર લખતા હોવ તો તમારા પર પદ્મશ્રીની લાઈનમાં ઉભા રહેવાનો આરોપ આપોઆપ લાગી જતો હોય છે. બટ, કિન્તુ, પરંતુ તમે જો તમારી એકપક્ષીય સેવાના બદલારૂપે ઓલરેડી પદ્મશ્રી મેળવી ચૂક્યા છો અને માત્રને માત્ર મોદી અને તેમની સરકારની ટીકા કરતા લેખ કે પછી તંત્રીલેખો છેલ્લા પંદર વર્ષથી સતત લખો છો તો તમારું તટસ્થ હોવાનું લાઈસન્સ તમે ખુદ ઈશ્યુ કરી શકો છો. આવા દંભી પત્રકારત્વ કરતા મિત્રસમાન કિન્નર આચાર્ય જેવી છપ્પનની છાતી ધરાવવી સારી જે જાહેરમાં કહી શકે છે કે, “હા, હું ભલે પત્રકાર છું પણ હું તટસ્થ નથી અને મારી રાજકીય વિચારધારા જમણી તરફ વળે છે!”

    સોશિયલ મીડિયામાં પણ મોદી સરકારના કોઈ સારા કાર્ય પર (જો ગાંધારીની આરામદાયક ભૂમિકા છોડવાની તૈયારી હોય તો) હરામ બરોબર ઓછામાં ઓછું એક સ્ટેટ્સ કે પછી ટ્વીટ કરી હોય. અથવાતો ભક્તોના ફિલ્મ પર ના કે મજાક-મસ્તી ધરાવતા કોઈના સ્ટેટ્સમાં પણ તમે કમેન્ટમાં તમારો મોદીદ્વેષ જ ઠાલવતા હોવ અને માત્ર તમને ગમતી જ રાજકીય વિચારધારાને વળગી રહીને સોશિયલ મીડિયા પર વર્તન કરતા હોવ અને જ્યારે તમારું આ બાબતે ધ્યાન દોરવામાં આવે ત્યારે તમે જો મોદી દ્વેષી છો તો તમને આસાનીથી પોતાની જાતને ન્યુટ્રલ એઝ કોલ્ડ એઝ તટસ્થ જાહેર કરી શકો છો.

    ભક્તોની વાણી પર કાબૂ નથી હોતો તેમનું વર્તન અભદ્ર હોય છે

    આ આરોપ સાથે ઘણા મોટા પ્રમાણમાં સહમત થઇ શકાય એમ છે. ઉપર આપણે જાણ્યું કે સોશિયલ મીડિયામાં બહુમતી મોદી ભક્તો એવા છે જે માત્રને માત્ર મોદીના પર્સોના અથવાતો કરિશ્માથી અંજાયેલા છે. આ લોકો માટે મોટાભાગે તાર્કિક ચર્ચા કરવાનું લગભગ અશક્ય હોય છે અને જ્યારે દ્વેષીઓ આ પ્રકારના ભક્તોને ઓળખી જઈને માત્ર તેમને જ ટાર્ગેટ બનાવે છે અને તેમના ઇરીટેશનના લેવલની ચરમસીમા સુધી તેમને લઇ જાય છે ત્યારે આ પ્રકારના ભક્તો ભાષાની મર્યાદા ઓળંગી જાય છે. ફરી એકવાર અહીં પણ દ્વેષીઓ માત્ર આ પ્રકારના જ ભક્તોનું ઉદાહરણ આપીને સમગ્ર ભક્ત સમાજને અભદ્ર ચીતરી નાખે છે. પરંતુ, આ દ્વેષીઓ પોતાના અરીસામાં જાણીજોઈને ડોકું મારતા નથી નહીં તો તેમને મોદી અને તેમના મહિલા મંત્રીઓ વિષેની કેટલીક અતિશય અશ્લિલ કહી શકાય તેવી પોસ્ટ્સ જોવા મળશે, તેમને મોદીના પત્ની અને તેમના સંબંધો વિષે થર્ડ રેટ કમેન્ટ્સ જોવા મળશે, તેમને મોદીને હલકા ચીતરતા અભદ્ર કાર્ટૂન્સ પણ જોવા મળશે. આ પ્રકારના લોકો માટે મોદી ખરેખર આશિર્વાદરૂપ છે કારણકે તેઓ મોદી છે મમતા નથી!

    અમે ભક્તોની વાત નહીં માનીએ તો અમને તેઓ પાકિસ્તાન મોકલી દેશે

    આ એક જબરી હાસ્યાસ્પદ દલીલ છે. આ દલીલ પણ પેલા તટસ્થતાના પડદાની જેમ જ એક બીજો પારદર્શક પડદો છે. મોદી સરકારનો નાનો અમથો વિરોધ કરતી પોસ્ટ કે કમેન્ટ કે ટ્વીટ કર્યા બાદ દ્વેષીઓ આ પ્રકારનું એક ડિસ્ક્લેમર મુકવામાં પાશવી આનંદ માણતા હોય છે કે જો જો હવે ભક્તો અમને પાકિસ્તાન મોકલી દેવાની વાત કરશે. આ પ્રકારના ડિસ્ક્લેમર વાંચીને પ્રથમ પ્રતિક્રિયા તો મનમાં એ ઉદ્ભવે છે કે ભક્તોને જેટલા આમને પાકિસ્તાન મોકલી દેવાની ઉતાવળ નથી એટલી ઉતાવળ આમને પોતાને પાકિસ્તાનનો વિસા લેવાની લાઈનમાં ઉભા રહેવાની છે. પાકિસ્તાન મોકલી દેવાની વાત શરુ થઇ હતી 2014ની ચૂંટણીઓ બાદ કારણકે ચૂંટણીઓ પહેલા ભારતના ઘણા બુદ્ધિજીવીઓ એ એવી લુખ્ખી ધમકી આપી હતી કે જો મોદી આ દેશના વડાપ્રધાન બનશે તો તેઓ દેશ છોડીને જતા રહેશે, જો કે મોદી વડાપ્રધાન બન્યા પણ પેલા જૂથમાંથી એવો એક પણ બંદો ન મળ્યો જે દેશ છોડીને જતો રહ્યો હોય.

    મોટાભાગના ભક્તો માટે દેશની વાત જે કરતો હોય તેનો વિરોધ કરનાર પાકિસ્તાની હોય તેવી માનસિકતા છે. પરંતુ નરેન્દ્ર મોદીની ટીકા કરનાર તમામે પાકિસ્તાન જતું રહેવું જોઈએ તેવું વિચારનારા તો કદાચ રડ્યા ખડ્યા જ હશે એ ભક્તો પણ સ્વીકારશે. દેશની સેના જ્યારે દેશના નામે પાકિસ્તાનની ભૂમિ પર જઈને આતંકવાદી અડ્ડાઓનો ખાત્મો બોલાવે અને તમે Geo TV ની લાઈન પર દેશની આર્મી પાસે તેના સબૂત માંગો તો પછી તમને કોઈ પાકિસ્તાનનું એડ્રેસ ન બતાવે તો જ નવાઈ. જ્યારે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં ભારત 30 સ્થાનોની ફલાંગ મારે ત્યારે એ દેશના વાસી હોવાનું ગર્વ કરવાને બદલે તમે વર્લ્ડ બેન્કને પણ મોદીએ મેનેજ કરી લીધી એવી વાહિયાત દલીલ કરો ત્યારે પાકિસ્તાન નહીં તો તમને ક્યાં મોકલવા જોઈએ ભાઈ? કારણકે ભારતની કટ્ટર અદેખાઈ આ સમગ્ર વિશ્વમાં પાકિસ્તાન સિવાય બીજો કોઈજ દેશ નથી કરતો.

    દેશની સરકાર એ દેશની સરકાર હોય છે પછી તે કોઇપણ પક્ષની હોય પણ જો કોઈ અન્ય દેશ કે સંસ્થા આપણા દેશના ગુણગાન ગાય તો આપણી છાતી ગજગજ ફૂલવી જોઈએ એવી જ રીતે જ્યારે પનોતી જેવા પાડોશી દેશનો વડોપ્રધાન આપણા દેશના અભ્યાસુ વડાપ્રધાનને પરદેશી ભૂમિ પર ‘દેહાતી ઔરત’ કહીને એમનું અપમાન કરે ત્યારે આપણો ગુસ્સો ફાટી નીકળે છે. આવા ‘અતિવિશેષ’ સંજોગોમાં તટસ્થતાના પુષ્ઠ ભાગ પર લાત મારી દેવી જ વધારે યોગ્ય કાર્યવાહી હોય છે.

    ઉપસંહાર

    જેમ તાર્કિક દલીલ કરી શકતા મોદી ભક્તો ભલે લઘુમતીમાં પરંતુ બહોળી સંખ્યામાં હોય તેમ દ્વેષીઓમાં પણ તેમ છે. ટ્વીટર પરનો અંગત અનુભવ એ છે કે ઘણા મોદી દ્વેષીઓ મિત્રો બન્યા છે અને તેઓ પણ સામે પક્ષે મોદી તરફી તાર્કિક દલીલોને વખાણવામાં શરમ અનુભવતા નથી. જો આ પ્રકારનું વાતાવરણ સોશિયલ મીડિયામાં વધે તો ખરેખર તેમાં વારંવાર લોગ ઇન થવાનું મન થશે, નહીં કે રોજની એક-બે પોસ્ટ્સ કે ટ્વીટકરીને તેનાથી દૂર રહેવાનું.

    આચારસંહિતા

    ‘અમેરિકન ભક્ત’

     

    ૦૯.૧૧.૨૦૧૭, ગુરુવાર

    અમદાવાદ

     

    eછાપું

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here