જો ‘સોશિયલ મીડિયા ચૂંટણી’ આવે તો?

    1
    479

    આજકાલ પાનનાં ગલ્લાથી માંડીને સરકારી ઓફિસો, ચાર રસ્તે , ટી.વી કે સમાચાર પત્રો વિગેરેમાં એક જ વાત વાંચવા મળે છે કે ચૂંટણી માં શું થશે? કોણ હારશે? કોણ જીતશે? પહેલા ફલાણો ફલાણા પક્ષમાં હતો હવે આ પક્ષમાં છે, કોની ટીકીટ કપાઈ, કોને ટીકીટ મળી, કોણે ભ્રષ્ટાચાર કર્યો, કોણે પૈસા લઈને પણ પાર્ટી ના બદલી, કોને પૈસા ઓછા પડ્યા વિગેરે વિગેરે ચર્ચાઓ જોડે આપણે કોઈ લેવા દેવા ના હોવા છતાં જેમ ઘણા લોકોને ટી.વી-સિરિયલ જોવાનું એડિકશન હોય છે એવી જ રીતે મારા જેવા કેટલાક લોકોમાં પોલીટીકલ ચર્ચાઓ કરીને કલાકો બગાડવાનું હુન્નર હોય છે. રોજબરોજ ફક્ત એસ.ટીનાં ટાઈમિંગની ચર્ચા કરતા લોકો ચૂંટણી આવતા ‘જોયું ને જી.એસ.ટી ૨૮% માંથી ૧૮% કરી નાખ્યો’ ની ચર્ચા કરવા મંડી પડે છે.

    સોશિયલ મડિયા અને એમાં પણ વોટ્સએપ અને ફેસબુકમાં તો સૌથી વધારે ચૂંટણીલક્ષી વાતો થતી જોવા મળે છે. ઘણી વાર કોઈને ભૂલથી રોંગ નંબર પણ લાગી જાય અને સોરી કહીને મૂકી દેવાની જગ્યાએ આપણે એવું પૂછી નાખીએ કે શું લાગે છે કોણ જીતશે? તો રોંગ નંબરવાળો પણ આપણો દોસ્ત બની જાય છે અને અડધો કલાક ખપાવે છે. પહેલા શું ચાલે છે?, મજામાં?, કેવા ચાલે છે ધંધા પાણી? જેવી બેત્રણ વાતો કરીને ફોન મૂકી દેતા. હવે લોકોનું ફોન મુકતા-મુકતા શું ચાલે છે કેવું છે તમારી બાજુ ચૂંટણીનું વાતાવરણ? પૂછતાંની સાથેજ તે  સજાગ થઇને આપણી જોડે અડધો કલાક રાજનીતિક વિશેષજ્ઞની જેમ ચર્ચા કરી નાખે છે. તમે માનો કે ના માનો પણ ચૂંટણીની ચર્ચાનો કીડો મારા તમારા દરેકમાં સળવળતો જ રહે છે. હવે વિચારો કે આ તો વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓની આપણે ચર્ચા કરીએ છીએ. એક વખત એવો આવશે કે સોશિયલ મીડિયા રાજનીતિનું મેદાન બની જશે અને સોશિયલ મીડિયાની ચૂંટણીઓ આવશે ત્યારે શું થશે?

    સોશિયલ મીડિયાની ચૂંટણીમાં મુખ્ય ચૂંટણી કમિશ્નર માર્ક ઝુકરબર્ગ ફેસબુકમાં ચૂંટણી જાહેર કરે એટલે તરત જ આચારસંહિતા લાગુ પડી જશે. તમારે તમારી ફેસબુક વોલ પરથી તેમજ વોટ્સએપનાં પ્રોફાઈલમાંથી, ગૃપ ફોટામાંથી, ટ્વીટર પ્રોફાઈલ પિક્ચર તેમજ ઈન્સ્ટાગ્રામ પરથી પણ પોતાનો પ્રચાર કરતા પ્રોફાઈલ પિક્ચર અને કવરપેજ ડીલીટ કરવાના રહેશે, નહિતો આચારસંહિતાનો ભંગ ગણાશે, આચારસંહિતા દરમિયાન તમે રૂપિયા આપીને પેજ તથા પોસ્ટ સ્પોન્સર કરી શકશો નહિ.

    સોશિયલ મીડિયાની ચૂંટણી જાતિવાદનાં નામે નહીં પરંતુ લાઈક બેન્કની રાજનીતિનાં નામે લડાશે. છાપામાં બીજા દિવસે ચર્ચા થશે કે ફલાણા ઉમેદવારની ફેસબુક લાઈવ સભામાં તો ચકલું પણ નહતું ફરક્યું, ફલાણા ઉમેદવારે તો ફેસબુક લાઈવ જોવાના લોકોને સો થી બસ્સો રૂપિયા આપ્યા એટલે એક લાખ લાઈક પડ્યા.

    ભાષણો પણ અલગ પ્રકારનાં હશે, સતા પક્ષ એવું સમજાવતો હશે કે જુવો અમે પાંચ વર્ષ સુધી તમારી સેવા કરી છે જરાય લાઈક ના કરી શકાય એવી તમારી દરેક પોસ્ટ લાઈક કરી છે, અમારી પોતાની પોસ્ટ પર ધ્યાન આપ્યા વગર તમારા વિકાસ માટે તમારી ભંગાર પોસ્ટ પણ શેર કરી છે, તમે અમને જ્યારે જયારે પોતાના પ્રોફાઈલ પીકચરમાં પણ ટેગ કર્યા ત્યારે અમે તમારા માટે એ ફોટામાં આવીને લાઈક અને કોમેન્ટમાં ‘વેરી નાઈસ પિક્ચર ડીઅર’ લખ્યું છે. કોઇપણ નાત-જાતનાં ભેદભાવ વગર તમારી ફેસબુક પ્રોફાઈલનાં વિકાસનાં કાર્યો કર્યા છે, તમારી લાંબી લાંબી પોસ્ટ વોટ્સએપ પર વગર વાંચે બે હાથ જોડેલી સ્માઈલીનો રીપ્લાય પણ તરત જ કર્યો છે. તમારા ચવાઈ ગયેલા જોકનાં વોટ્સ એપ ફોરવર્ડમાં પણ અમે બે આંખોમાંથી આંસુ નીકળતી અને ખડખડાટ હસતી સ્માઈલીનો રીપ્લાય કર્યો છે. હંમેશા તમારા સોશિયલ મીડિયા વિકાસ માટે કામો કર્યા છે જેથી આ ચૂંટણીમાં અમને જ વોટ આપજો .

    જયારે વિપક્ષ સતા પક્ષ પર લાઈક બેન્કની રાજનીતિ કરવાનો, લોકોને ટેગ કરીને ખોટા લાઈક ઉઘરાવવાનો તેમજ ટ્વીટર પર રી-ટ્વીટ માટે ઇનબોક્સમાં લીંક મોકલવાના આરોપો લગાવશે. વિપક્ષ એવો પણ વિરોધ કરશે કે સતા પક્ષે ચૂંટણી જીતવા મતદાર યાદીમાં બોગસ એન્જલ પ્રિયાનાં એકાઉન્ટ બનાવ્યા છે જે તમામ એકાઉન્ટનાં નામ ફેસબુક યાદીમાંથી દુર કરવા ઝુકરબર્ગ સમક્ષ ઉગ્ર રજુઆતો કરાશે. વિપક્ષ દ્રારા સતા પક્ષ ઉપર ખોટા ફેસબુક પેજ બનાવી તેમાં ખોટા સ્પેમિંગ દ્રારા ખોટા લાઈક ઉભા કરવાનો આરોપ પણ લગાવાશે. વિપક્ષ એવું પણ કહેશે કે સતા પક્ષે વોટ્સએપ ગૃપનાં એડમિન તરીકે હંમેશા લોકો નું શોષણ કર્યું છે, નવા નવા નિયમો બનાવીને લોકોને બેરોજગાર કરવા વોટ્સએપ ગૃપની બહાર ફેક્યા છે, એમની વિરુધ્ધ બોલનારાની પ્રોફાઈલને રિપોર્ટ કરાવી છે, ખોટા ફેસબુક કેસો ઉભા કર્યા છે.

    છેવટે ચૂંટણીનાં દિવસે જેના વધારે ફોલોઅર્સ આવશે, જેના ટીવીટને વધારે રી-ટ્વીટ મળી હશે, જેના સૌથી વધારે વોટ્સએપ ગ્રુપો હશે તે પાર્ટીને સોશિયલ મીડિયા સભાનો વિજેતા જાહેર કરાશે જેણે પાંચ વર્ષ સુધી સોશિયલ મીડિયામાં કાયદા બનાવાના રહેશે અને સોશિયલ મીડિયાની જાહેરાતોમાંથી થોડો ઘણો લોકોને પોષાય એટલો ભ્રષ્ટાચાર કરીને પાંચ વર્ષ સુધી રાજ કરવાનું રહેશે. જયારે વિપક્ષે સતા પક્ષ વિરુદ્ધમાં પાંચ વર્ષ સુધી જાત જાતનાં આંદોલન તથા વિરોધ કરવાનો રહેશે.

    તો આવો, ભવિષ્યની સોશિયલ મીડિયા ચૂંટણી માટે તૈયાર થઇને પોતાનું રાજકીય કેરિયર બનાવવા લેખકની ખોટે-ખોટી વાહ વાહી કરીએ અને અમારા eછાપુંની દરેક પોસ્ટને અત્યારથી જ શેર કરીએ, કેમકે ‘’આજના લાઈક એ તમારા આવતી કાલના સોશિયલ મીડિયા વોટ છે’’ .

    લી – વ્યવસ્થિત લઘર વઘર અમદાવાદી

    eછાપું

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here