રાહુલ ગાંધીની મંદિર યાત્રાઓથી ગુજરાતીઓ ભોળવાશે નહીં

    0
    279

    2002 પછી ગુજરાતની વિધાનસભાની અને લોકસભાની આ પ્રથમ ચૂંટણીઓ છે જેમાં હજી સુધી ગોધરાકાંડ અને અનુગોધરા તોફાનો વિષે બંને મોટી પાર્ટીઓમાંથી એક પણ પાર્ટીએ હરફ સુધ્ધાં ઉચ્ચાર્યો નથી. સત્તાધારી ભાજપ માટે કદાચ નવાઈ ન લાગે પરંતુ સતત તેર-ચૌદ વર્ષથી જે મુદ્દે લઘુમતી સમુદાયના વોટ હાંસલ કરવાની કોંગ્રેસ કોશિશ કરી રહી હતી તેને બદલે તેણે આ વખતે ‘મંદિર નીતિ’ અપનાવી છે. કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધી ચૂંટણી પ્રચાર માટે જેટલીવાર ગુજરાત આવ્યા છે ત્યારે તેઓ રાજ્યના જાણીતા મંદિરોની મુલાકાતે ગયા જ છે.

    વામપંથી રાજકીય પંડીતો રાહુલ ગાંધીની મંદિર યાત્રાઓને ‘સોફ્ટ હિન્દુત્વ’ જેવું પોચું નામ આપી રહ્યા છે. હિન્દુત્વ એ હિન્દુત્વ છે એમાં વળી સોફ્ટ કે હાર્ડ શું? પરંતુ રાજ્યમાં વસતા લઘુમતીઓ અને તેમના કોંગ્રેસી સ્ટાઈલથી કરવામાં આવતા ‘કલ્યાણ’ અંગે આ વખતે રાહુલ ગાંધી નહિવત અથવાતો સાવ નથી બોલી રહ્યા અને એનાથી ઉલટું તેઓ મંદિર યાત્રાએ નીકળી પડ્યા હોવાનું જોઇને આશ્ચર્ય તો થાય જ એમાં શંકાને કોઈજ સ્થાન નથી. તો આનો મતલબ એમ કાઢી શકાય કે એટલીસ્ટ આ વખતે ગુજરાતમાં કોંગ્રેસને લઘુમતી સમાજના મતની પડી નથી?

    કદાચ એ પ્રકારનો મતલબ બિલકુલ નીકળી શકે કારણકે અત્યારસુધી લઘુમતી સમાજને વારંવાર 2002ના તોફાનોની યાદ આપવામાં આવતી હતી અને એક સમયના રાજ્યના મુખ્યમંત્રીને ‘મૌત કા સૌદાગર’ સુધ્ધાં કહીને તેમના વોટ પડાવવાની કોશિશ થઇ હતી. આ વખતે ન તો તોફાનોની ચર્ચા છે કે ન તો લઘુમતી માટે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો શું કરશે તેની કોઈ વાત છે. આ વખતે સમગ્ર ગુજરાતમાં રાહુલ ગાંધી માટે જો કોઈ હોટ ડેસ્ટીનેશન છે તો છે માત્ર ગુજરાતના મંદિરો.

    રાહુલ ગાંધીએ તેમની ગુજરાત વિધાનસભા ચૂંટણી યાત્રાના શ્રીગણેશ જ દ્વારકાધીશના મંદિરેથી કર્યા હતા. આ મુલાકાત બાદ તેઓ ગાંધીનગરના અક્ષરધામ, વલસાડના કૃષ્ણ મંદિર, સાલીયા ગામનું કબીર મંદિર અને અહીં તેમને ભજનમાં પણ ભાગ લીધો હતો, કાગવડનું પ્રસિદ્ધ ખોડલધામ મંદિર, ચોટીલાનું ચામુંડા માતાનું મંદિર વગેરે મંદિરોની મુલાકાત લઇ ચૂક્યા છે. મૂળ મુદ્દો અહીં એ છે કે આ વખતે રાહુલ ગાંધી આટલા બધા મંદિરોની મુલાકાત લઈને શું પ્રૂવ કરવા માંગે છે?

    તમને ગમશે: આ વર્ષે પ્રવાસીઓ સાથે ‘ગીર નરેશ’ કેમ સંતાકૂકડી રમી રહ્યા છે?

    વાત એકદમ સ્પષ્ટ છે કે ગુજરાતમાં જો જીતવું હોય તો હિન્દુઓના દિલ જીતવા પડે તે કોંગ્રેસને પચ્ચીસ વર્ષે ખબર પડી ગઈ છે. પરંતુ, આ માટે શું માત્ર મંદિર યાત્રા પૂરતી રહેશે? શું ગુજરાતના હિન્દુઓ જે છેલ્લા પચ્ચીસ વર્ષથી અને 2002 થી તો ખૂબ મજબૂતીથી હિન્દુત્વના મુદ્દે ભાજપ સાથે જોડાયેલા છે એ રાહુલ ગાંધીની માત્ર મંદિર મુલાકાતોથી અંજાઈ જશે?

    કદાચ નહીં કારણકે દેશભરમાં જેટલા ગુજરાતીઓ હિન્દુત્વ અથવાતો હિન્દુ ધર્મ સાથે જોડાયેલા છે એટલા બીજે  કદાચ ક્યાંય નથી જોડાયા. રાહુલ ગાંધીએ અચાનક જ લઘુમતી સમાજને ઇગ્નોર કરીને માત્ર ચૂંટણી સમયે જ મંદિર યાત્રાઓ શરુ કરી દીધી છે એ જોઇને ગુજરાતનો કોઇપણ હિન્દુ એમ જરૂર વિચારશે કે એકવાર કોંગ્રેસ તેમના ખભે પગ મૂકીને ગુજરાતની સત્તા મેળવશે પછી લાભ સર્યા બાદ તેને લઘુમતી સમાજની જેમ હિન્દુઓને પણ ગરમ બટેટાની માફક જમીન પર ફેંકી દેતા વાર નહીં લાગે.

    આ ઉપરાંત માત્ર રાહુલ ગાંધીની મંદિર યાત્રાઓ સિવાય સ્થાનિક કોંગ્રેસના નેતાઓ જે રીતે રાહુલ ગાંધીની પાછળ રહીને પ્રચારમાં ભાગ લઇ રહ્યા છે અને પોતે હિન્દુ સમાજ વિષે કશું નથી બોલી રહ્યા તેને પણ ગુજરાતના હિન્દુઓ બરોબર જોઈ રહ્યા છે એ પણ અહીં નોંધવું રહ્યું. જો કોંગ્રેસની આ જ રણનીતિ છે હિન્દુઓના દિલ જીતવાની તો કદાચ તેમાં તેને સફળતા નહીં મળે.

    eછાપું

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here