BCCI પોતાના કોમેન્ટેટર્સ પર અજીબ પ્રતિબંધ મુકવાની તૈયારીમાં

    0
    148

    ભારતીય ક્રિકેટને સ્વચ્છ કરવાના સુંદર હેતુથી સુપ્રીમ કોર્ટ દ્વારા લોઢા કમીશનની ભલામણ હેઠળ એક કમિટીની રચના કરવામાં આવી હતી. ભારતમાં જે ક્રિકેટ ચાહકો ક્રિકેટની ABCD જાણે છે તેણે આ સમાચાર સાંભળીને પોતાનું માથું જરૂર કૂટ્યું હશે. અલબત્ત ભારતના ક્રિકેટને સ્વચ્છ કરવાની તાતી જરૂરિયાત છે જ પરંતુ તેને બાબુશાહીમાં ધકેલીને નહીં જ અને ચાહકોનો આ ડર હવે સાચો પડી રહ્યો છે. બે દિવસ અગાઉ આવેલા સમાચાર જે એમ કહે છે કે BCCIની એ કમિટીએ હવે પોતાના કોમેન્ટેટર્સ પર અજીબ પ્રકારનો પ્રતિબંધ મુકવા જઈ રહી છે, આ ભલામણને ઉપર કહેલી બાબુશાહીનું શ્રેષ્ઠ ઉદાહરણ કહી શકાય.

    BCCIની કમિટીએ ભલામણ એવી કરી છે કે જે-જે કોમેન્ટેટર્સ BCCIના પે-રોલ પર હોય તે તમામને કોલમ લખવાની ના પાડવામાં આવે અથવાતો એમને કોમેન્ટ્રી અથવાતો કોલમ તે વચ્ચે પસંદગી કરવાની છૂટ આપવામાં આવે. વાત અહીંથી જ અટકતી નથી. કમિટીની એક અન્ય ભલામણ એમ પણ છે કે આ કોમેન્ટેટર્સ સ્પોન્સર્ડ ઈવેન્ટ્સ અને રેન્કિંગ પ્રોગ્રામ્સમાં પણ ભાગ લેતા અટકાવવામાં આવે. પહેલી નજરે આ નિર્ણય અત્યંત જવાબદારીથી લેવામાં આવ્યો હોય એવું લાગે, પરંતુ એવું નથી.

    આ નિર્ણય કેમ અજીબોગરીબ છે એ જાણવા માટે આપણે આ નિર્ણયના મૂળમાં જઈએ.

    જ્યારે બે વર્ષ અગાઉ લોઢા કમિટીએ IPLનો ભ્રષ્ટાચાર શોધી કાઢીને બે IPL ટીમો પર બે વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો હતો ત્યારે તેણે અસંખ્ય ભલામણો કરી હતી. આમાંની એક ભલામણ હતી Conflict of Interest ની અને આ વિષય અંગે કોઈ તકરાર હોય તો તેના નિરાકરણ માટે એક ઓમ્બુડ્ઝમેનની નિયુક્તિ પણ કરવામાં આવે એવું ઠરાવવામાં આવ્યું હતું. Conflict of Interest ને જો સરળ ભાષામાં સમજવું હોય તો એ એમ છે કે તમે ભારતીય ક્રિકેટને અસર કરે તેવા બે પદો પર એકસાથે કાર્ય ન કરી શકો. ફોર એકઝામ્પલ અનીલ કુંબલે જ્યારે RCB નો કોચ હતો ત્યારે તે એક પ્લેયર્સ PR કંપની પણ ચલાવતો હતો એટલે અહીં તેનો Conflict of Interest ઉભો થયો કારણકે કુંબલે પોતે જે ખેલાડીની ભલામણ પૈસા લઈને કરે છે તેને તે વળતા બદલારૂપે કોચ તરીકે RCBની ટીમમાં પણ લઇ શકે તેવી શક્યતા ઉભી થઇ શકે તેમ હતું.

    સુનિલ ગાવસ્કરને પણ થોડા મહિનાઓ અગાઉ ઉપરની જ પરિસ્થિતિમાં BCCIના કોમેન્ટેટર હોવાને નાતે પોતાની પ્લેયર્સ પ્રમોશન એજન્સીને તાળા લગાવવા પડ્યા હતા, કારણકે તે જે પ્લેયર્સને પ્રમોટ કરતા હોય અને જો એ પ્લેયર ભારત તરફથી રમતો હોય તો કોમેન્ટ્રી દરમ્યાન ગાવસ્કર તેના ખોટા વખાણ કરીને પ્રેક્ષકોના મત પર અસર પાડી શકે તેવી શક્યતાઓ રહેલી હતી. આ થઇ Conflict of Interest ની સામાન્ય અને યોગ્ય સમજ.

    પરંતુ, ગાવસ્કર કે પછી BCCI ના અન્ય કોઇપણ પે-રોલ પર રહેલા કોમેન્ટેટર્સ કોઈ અખબાર કે વેબસાઈટમાં કોલમ લખે તો તેનાથી Conflict of Interest કઈ રીતે ઉભો થાય તે એટલીસ્ટ મારી સમજણમાં તો નથી આવતું. ઉદાહરણ લઈએ કે ગાવસ્કર કોઈ એક મેચમાં કોઈ એક ખેલાડીની સારી બેટિંગ, બોલિંગ કે પછી ફિલ્ડીંગના મોંફાટ વખાણ કરે કે છોતરાં ઉખાડી નાખતી ટીકા કરે અને પછી તેને જ શબ્દરૂપે બીજા દિવસે કોલમમાં પણ વર્ણવે તો એમાં BCCIને શો વાંધો હોઈ શકે? જે લોકોએ ગાવસ્કરની કોમેન્ટ્રી સાંભળી છે એ જ લોકો તેમની કોલમ અંગ્રેજીમાં અથવાતો અન્ય કોઈ ભાષામાં ભાષાંતરિત થયેલી સ્થિતિમાં જ વાંચવાના છેને?

    આવી જ રીતે રેન્કિંગને લગતા કાર્યક્રમમાં ભાગ ન લેવાની વાત પણ આશ્ચર્ય પમાડે એવી જ છે. કોમેન્ટેટર્સ આ કાર્યક્રમોને હોસ્ટ ન કરી શકે કે તેમાં જજ ન બની શકે એ સમજી શકાય છે પરંતુ તેમને આ કાર્યક્રમોમાં ભાગ જ લેવા ન દેવાય એ મગજમાં કેમનું ઉતરે ભાઈ? BCCIના તમામ કોમેન્ટેટર્સ હર્ષ ભોગલેને બાદ કરતા ભૂતપૂર્વ ક્રિકેટરો છે જેમાંથી કેટલાક મહાન છે તો કેટલાક ‘નોટ સો મહાન’ છે, તો આવા ફન્કશનમાં તેમની હાજરી વિજેતા ક્રિકેટરોને કદાચ વધુ પાનો જ ચડાવશે.

    તમને ગમશે: …અને સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ અને પ્રશાંત ભૂષણ વચ્ચે થઇ તકરાર

    હવે કમિટીના નિર્ણયની બીજી બાજુ બતાવું જે તમને જરૂર હસાવશે. તો ધ્યાનથી સાંભળો…. કમિટીનો ઉપરોક્ત નિર્ણય હિન્દી કોમેન્ટેટર્સને લાગુ નહીં પડે!! શોક લગાઆઆઆ? જી હા, આ નિર્ણય હિન્દી કોમેન્ટેટર્સ જેવા કે વીવીએસ લક્ષ્મણ કે પછી વીરેન્દર સહેવાગ પર એટલે લાગુ નહીં પડે કારણકે તેઓ સ્ટાર સ્પોર્ટ્સના કોન્ટ્રેક્ટ હેઠળ આવે છે નહીં કે BCCIના. એટલે તમારું બીજી ભાષાનું જ્ઞાન કે તેના પરની કોમેન્ટ્રી કરવાની હથોટી તમને નુકસાન પહોંચાડી શકે છે એ અહીં સાબિત થાય છે.

    એક બીજો સવાલ અહીં એ પણ આવે છે કે હર્ષ ભોગલે, સુનિલ ગાવસ્કર વગેરે હિન્દી અને અંગ્રેજી બંનેમાં કોમેન્ટ્રી કરે છે તો એમને કોઈ છૂટછાટ ખરી કે નહીં? કદાચ નહીં મળે.

    BCCI સાથે આપણને ભલે ઢગલો મતભેદો હોય પણ કમિટીના ટેઈકઓવર કર્યા પહેલાનું તેનું પ્રોફેશનાલિઝમ શાનદાર હતું એ હકીકતનો સ્વિકાર કરવામાં કોઈજ ભિન્ન મત ન હોઈ શકે. કમિટીએ જ્યારથી BCCIનું શાસન હાથમાં લીધું છે સરકારી સ્ટાઈલથી નિર્ણયો વધારે સંખ્યામાં લેવાયા હોય એવું સતત લાગે રાખે છે. આજે જે મુદ્દાની ચર્ચા આપણે કરી છે તેમાં પણ એજ બાબુશાહીની માનસિકતા જોવા મળે છે.

    કોમેન્ટેટર્સ પ્રોફેશનલ્સ છે, ભલે તેઓ BCCI તરફથી અમુક નક્કી પગાર મેળવતા હોય. અને જો તેઓ કોલમ લખશે તો ભારતના એટલેકે BCCIના ખેલાડીઓ કે તેની ટીમના જ સારાનરસા પાસાઓ વિષે લખશે ને? હજીતો મામલો સુપ્રીમ કોર્ટની રાહ જોઈ રહ્યો છે. અત્યારે તો આશા કરીએ કે સુપ્રીમ કોર્ટ કોમેન્ટેટર્સની ઈચ્છા પણ સાંભળે અને પછી જ કોઈ નિર્ણય લે, બાકી તો હરી ઈચ્છા!

    eછાપું

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here