દૂમ દબાકે ભાગા ડ્રેગન

0
469

ઉપરવાળાનું સેન્સ ઓફ હ્યુમર જબરદસ્ત છે. કોઈ શંકા હોય તો ઉપરવાળા સાથે ચર્ચા કરી લેવી. જુઓ તો ખરાં આપણને પાડોશી પણ કેવા વીણી વીણીને દીધાં છે. એક પાડોશીને અલગથી આખો દેશ આપી દીધો તો પણ હજુ એ ભારતમાં ઘૂસવાની કોશિશ કરે છે. ને બીજો એક પાડોશીને તો ગમે ત્યાં ભેંસો બાંધીને (અને કૃત્રિમ ટાપુઓ બનાવીને) પેશકદમી કરવાની જૂની આદત છે. 1962માં NEFA (હાલના અરુણાચલ પ્રદેશ) અને લદ્દાખમાં ઘૂસણખોરીથી લઇને 2017માં ડોલામ (અથવા ડોકલામ) પ્રકરણ એ વાતનો પુરાવો છે કે ડ્રેગન પોતાની સીમાડા વિસ્તારવાની ભૂખ કયારેય પણ શાંત કરવાનો નથી. આ વિસ્તારવાદી ડ્રેગન ની આક્રમકતા અને તેના પાડોશીઓના ભય પાછળનું મુખ્ય કારણ છે એની આર્થિક તાકાત અને કહેવાતી સૈન્ય તાકાત.

કહેવાતી સૈન્ય તાકાત વિષે સાંભળીને આશ્ચર્ય થયું? આશ્ચર્ય થવું સ્વાભાવિક છે કારણકે આપણે જોતાં અને વાંચતાં આવ્યા છીએ કે ચીન પાસે આટલી ટેન્કો છે, આટલા લડાયક વિમાન છે અને આટલા યુદ્ધજહાજો અને સબમારીનો છે. કોઈ પણ સૈન્યની તાકાતનું માપ કાઢવા માટે હથિયારો મોટી ભૂમિકા ભજવે છે.

પરંતુ સૈન્યની તાકાત માત્ર ટેન્કો, વિમાનો કે યુદ્ધજહાજોથી આંકી શકાતી નથી. જગતના દરેક સૈન્યની ખરી તાકાત તેના સૈનિકોની વતન માટે લડવાની અને મરવા-મારવાની માનસિક તૈયારી પર આધાર રાખે છે. અમેરિકાની સ્વતંત્રતાનાનું યુદ્ધ, આરબ-ઇઝરાયેલ યુદ્ધ, વિયેતનામ યુદ્ધ અને 1965નું ભારત-પાકિસ્તાન યુદ્ધ જેવાં તો અનેક ઉદાહરણો સાબિત કરે છે કે ટાંચા હથિયારો હોવા છતાં પણ મક્કમ નિર્ધાર, ફરજનિષ્ઠા અને બલિદાન આપવાની તૈયારી સાથે રણમેદાનમાં ઉતરેલી સેના પોતાનાથી વધારે સુસજ્જ અને અનેકગણી મોટી સેનાને પણ ધૂળ ચટાવી શકે છે. ઈન શોર્ટ જંગ જીતવા માટે જીગર જોઈએ.

તો ચાલો આપણે જોઈએ કે ડ્રેગન સેનાનું જીગર કેવુંક છે. ચીનની સેનાને People’s Liberation Army (PLA) કહેવામાં આવે છે એટલે આપણે પણ એ જ નામ વાપરીશું. વાત છે 2015ની, દક્ષિણ સુદાનમાં વર્ષોથી ચાલી રહેલા આંતરવિગ્રહ પાર કાબૂ રાખવાં અને પરિસ્થિતિ સામાન્ય કરવાં માટે સંયુક્ત રાષ્ટ્રનાં (UN) નેજા હેઠળ અનેક દેશોના સૈન્યોએ છાવણીઓ સ્થાપેલી છે. દક્ષિણ સુદાનની રાજધાની જુબામાં આવી જ એક છાવણી છે PLAની.

2015ના જુલાઈ મહિનામાં સશસ્ત્ર બળવાખોરો જુબા પર નિરંતર હુમલા કરી રહ્યાં હતાં. આ હુમલાઓના કારણે હજારો નિરાશ્રિતો જુબાની આજુબાજુ રહેલી નિરાશ્રિત કેમ્પોમાં શરણ લેતા હતા. આવો જ એક કેમ્પ PLAની છાવણી થી અમુક સો મીટરના અંતરે હતો. એ કેમ્પમાં નિરાશ્રિતોને મદદ કરવા રોકાયેલા સ્વયંસેવકો પણ હતા. બળવાખોરો અને દક્ષિણ સુદાનના સૈન્ય વચ્ચે બરાબર યુદ્ધ જામ્યું હતું. ઇતિહાસ સાક્ષી છે કે આંતરવિગ્રહ દરમ્યાન બળવાખોરો અને સરકારી સૈન્યના આચરણ વચ્ચે બહુ ફરક રહેતો નથી. યુદ્ધના છેલ્લા તબક્કે 100 જેટલા સુદાની સૈનિકો નિરાશ્રિત કેમ્પ પર ઉતરી આવ્યા, ફિલ્મ એરલિફ્ટમાં દેખાડ્યું છે તેની જેમ. તેમનો આવવાનો ઉદેશ્ય એકદમ સાફ હતો. હાથ આવે તે વસ્તુઓ લઇ જવી અને શરીરની ભૂખ સંતોષવી. તેમનો આવવાનો ઉદેશ્ય પામી ગયેલા અમુક સ્વયંસેવકોએ રેડિયો દ્વારા બાજુંમાં રહેલી PLA છાવણીને મદદ માટે વિનંતી કરી. અરે એક  સ્વયંસેવક તો ત્યાંથી ડોટ મૂકીને PLA છાવણી પર પહોંચ્યો અને પરિસ્થિતિ સમજાવીને મદદ માટે આજીજી કરી. નવાનકોર હથિયારો ધરાવતાં અને સ્માર્ટ યુનિફોર્મ પહેરેલા PLAનાં સૈનિકો તૈયારી કરવાં મંડ્યા.

આ તૈયારી જો કે નિરાશ્રિતોને મદદ કરવાની ન હતી. ગુજરાતીમાં કહે એમ ઉભી પૂંછડીએ ભાગવાની હતી. ચીની સૈનિકો ‘રણછોડ’ થયા અને તે પણ બહુ ખરાબ રીતે. ચીની સૈનિકો પોતાના હથિયારો અને દારૂગોળો છોડીને ભાગ્યા હતા. કોઈ પણ સૈનિક પોતાના શસ્ત્રની જીવની જેમ સંભાળ લે છે અને બન્ને મરણોપરાંત જ છુટા પડે છે. હથિયારો છોડીને ભાગવું તો નામોશીની પરાકાષ્ટા હતી.

પોતાની શાંતિસૈનિકો તરીકેની ફરજરૂપે નિરાશ્રિતોને અને સ્વયંસેવકોને બચાવા માટે ધસી જવાની બદલે ચીની સૈનિકો પોતાનો જીવ બચાવવા મેદાન છોડી ગયા. માન્યું કે નિરાશ્રિતો કે સ્વયંસેવકો ચીની નહોતા પરંતુ તે સમયે ચીની સૈનિકો UNના ધ્વજ હેઠળ કામગીરી કરી રહ્યા હતા. ને તેમને નિરાશ્રિતોના કેમ્પની સુરક્ષાની જવાબદારી PLAની હતી. આમ ચીની સૈનિકો માનવતા અને ફરજપાલનની કસોટી પર ઉણા ઉતર્યા. આખરે ડ્રેગનની જેમ PLAની તાકાત પણ દંતકથા સમાન પુરવાર થઇ હતી.

વાત હજુ પુરી નથી થતી. પોતાની છાવણીમાંથી ઉચાળા ભરી ગયેલા PLAની ખબર જયારે UNના મથકે પહોંચી ત્યારે બીજા સૈન્યની ટુકડી મોકલીને વિસ્તારમાં શાંતિ સ્થાપવાનું નક્કી થયું. આ ટુકડી હતી અનામત (હાર્દિકવાળું નહિ પરંતુ સંકટ સમયની સાંકળ સમાન) રાખવામાં આવેલી ભારતીય સૈન્યની Kumaon રેજિમેન્ટની સાતમી બટાલિયન. સાતમી બટાલિયનએ પોતાનું દાયિત્વ એકદમ પ્રોફેશનલી નિભાવ્યું. સાથોસાથ PLAની છાવણી પર કબ્જો કરવાની સાથોસાથ PLAએ છોડી દીધેલા શસ્ત્રો પણ પરત મેળવ્યા.  

આમ તો દરેક સૈનિકની બહાદુરી કાબિલે તારીફ હોય પણ ઉત્તરાખંડના પહાડી સૈનિકોની Kumaon રેજિમેન્ટ ભારતીય સૈન્યની સહુથી બહાદુર રેજિમેન્ટમાંની એક ગણવામાં આવે છે. શ્રીનગર એરપોર્ટના રક્ષણ માટે અપ્રતિમ શૌર્ય સાથે શહિદ થયેલા અને પ્રથમ પરમવીર ચક્ર જેમને એનાયત થયું એ મેજર સોમનાથ શર્મા Kumaon રેજિમેન્ટના હતા. એ જ રીતે 1962ના યુદ્ધ વખતે રેઝાંગ લા ના મોરચે મેજર શૈતાન સિંહને પણ મરણોપરાંત પરમવીર ચક્ર એનાયત થયો હતો.

રેઝાંગ લા ના મોરચે દુશ્મનની સંખ્યા 40 ગણી વધારે હતી. પણ હવાની સાથે સઢ ફેરવી લે એ ભારતીય સેના નહિ અને Kumaon રેજિમેન્ટ તો નહિ જ.  મેજર શૈતાન સિંહ અને તેમના આહીરો એ “દાદા કિશન કી જય” ના યુદ્ધઘોષ સાથે છેલ્લી ગોળી અને છેલ્લા શ્વાસ સુધી ચીની સેનાને લડત આપી હતી. કુલ 123 સૈનિકોમાંથી 114 સૈનિકો રેઝાંગ લા મોરચે શહીદ થયા પણ સામેના પક્ષે 1300 ચીની સૈનિકોના મૃતદેહ આહીરોની બહાદુરી અને હિમાલય જેવી મક્કમતાની સાક્ષી પુરાવતાં હતા. મેજર શૈતાન સિંહ અને તેમના સૈનિકોના શબ છેક એક વરસ પછી પાછા મેળવી શકાયા. રુંવાડા ઉભા કરી દે એવી વાત તો એ હતી કે મોટા ભાગના પાર્થિવ સૈનિકોની આંગળીયો તેમની રાઇફલ પર વીંટળાયેલી હતી. બેટલ ફિલ્ડ નર્સિંગ આસિસ્ટન્ટ ધરમ પાલનું પાર્થિવ શરીર ગવાહી દેતું હતું કે બીજા સૈનિકોની મદદ કરતાં તેણે છેલો શ્વાસ લીધો હતો.

Frozen bodies of 13 Kumaon soldiers who fought and died together.
આ બન્ને કુમાઉં સૈનિકો જીવ્યા અને લડ્યા પણ જોડે. મૃત્યુ પણ તેમની દોસ્તી ના તોડી શકી. Image courtesy – Bharat Rakshak

વિધાતાનો poetic justice (કાવ્યાત્મક ન્યાય) તો જુવો, જુબામાં જે ચીની સૈન્યએ નામોશીભરી પીછેહઠ કરી હતી એની ભૂલ સુધારવાની જવાબદારી એ રેજિમેન્ટના માથે આવી કે જેના વડવાઓ ચીની સૈન્ય સામે કપરી પરિસ્થિતિમાં જજૂમ્યા હતા અને મરણોપરાંત પણ પોતાના હથિયારનો ત્યાગ નહોતો કર્યો. ભારતના સૈન્યએ UNના નેજા હેઠળ આવાં શાંતિ સ્થાપિત કરવાના આવા અનેક મિશન પાર પાળેલા છે. પરમવીર ચક્ર વિજેતા કેપ્ટન ગુરબચન સિંહ સલારીયા જેવા અનેક ભારતીય Peacekeeper અજાણ્યા દેશો માં માનવતા અને શાંતિના રક્ષણ કાજે શહીદ થયા છે.

તમને ગમશે: તો શું ચીન સાત હિસ્સામાં વહેંચાઇ જશે?

ભારતીય સેના 70 વર્ષથી સતત પોતાનું લોહી રેડતી આવી છે જયારે PLA છેલ્લું યુદ્ધ 1979માં લડી હતી. સહુથી મોટો તફાવતતો એ છે કે Indian Army ભારત દેશની ફૌજ છે અને સંવિધાનને આધીન છે, જયારે PLA તો ચીનની સામ્યવાદી પાર્ટીને વફાદાર છે અને તેનું કર્તવ્ય સામ્યવાદી પાર્ટીની આંતરિક કે બહારના સંકટથી રક્ષા કરવાની છે. આ બધું જોતા શું તમને લાગે છે કે ચમકદાર શસ્ત્રો અને રૂપકડાં યુનિફોર્મ પહેરેલ ચીની ડ્રેગન ના સૈનિકો, દુશ્મનની ગોળીઓ થી લઇને ભારતીય યુવાનોએ ફેંકેલા પથ્થરો પણ પચાવી જતા અને માભોમ કાજે લડતાં ભારતીય સૈનિકો સામે ટકી શકે?

આ ઘટનાને અપવાદ નહીં ગણાતાં. ભારતીય સૈન્યએ ચીની સૈન્યને લપડાક મારી હોય એવા તો અનેક કિસ્સા છે, એની વાત ફરી ક્યારેક. 1962નું સાટુ તો ભારતીય સૈન્ય ક્યારનું વાળી દેત પણ રાજકારણીઓનું ગંદુ રાજકારણ આડે આવે છે. તો ચાલો કહીયે “પરાક્રમો વિજયતે”.  

આપ આપની શુભેક્ષા અને સૂચનો [email protected] પર જરૂરથી મોકલી શકો છો અથવાતો નીચે આપવામાં આવેલી કમેન્ટ્સ સેક્શનમાં પણ.

Indian Army - UN Peacekeepers
UN શાંતિસૈનિકોને પ્રેમથી “બ્લુ બેરે” કહેવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here