રાફેલ ડીલ આરોપમાં પણ કોંગ્રેસનો સેલ્ફ ગોલ?

  1
  378

  ગુજરાતની ચૂંટણી હવે લગભગ ઉંબરે આવીને ઉભી છે અને જેવું દર વખતે બનતું આવ્યું છે એમ આ વખતે પણ સ્થાનિક મુદ્દાઓ ઓછા અને રાષ્ટ્રીય મુદ્દાઓ વધારે સંખ્યામાં એક વિધાનસભાની ચૂંટણીઓમાં ચર્ચાઈ રહ્યા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સૂરજેવાલા દ્વારા ગઈકાલે એક પ્રેસ કોન્ફરન્સમાં ભારત અને ફ્રાન્સ વચ્ચે થયેલી ફાઈટર જેટ રાફેલ અંગે કેટલાક ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા.

  કોંગ્રેસે ઉઠાવેલા સવાલો મુજબ 2012માં UPA સરકાર દ્વારા ફ્રાન્સ સાથે કરવામાં આવેલી 36 રાફેલ ફાઈટર જેટ્સની ડીલની કિંમત કરતા નરેન્દ્ર મોદીની NDA સરકારે ત્રણગણી કિંમત એટલેકે રૂપિયા 58,000 કરોડ ચૂકવીને દેશની તિજોરીને ભારે નુકસાન પહોંચાડ્યું છે. બાદમાં સૂરજેવાલાએ મોદી સરકાર પર આરોપ મૂક્યો હતો કે તેણે આમ એક ખાસ કંપની એટલેકે રિલાયન્સ ડિફેન્સ લિમિટેડને ફાયદો પહોંચાડવા માટે કર્યું છે. કોંગ્રેસે એ જાણવા પણ માંગ્યું હતું કે સરકાર શા માટે કોઈ એક કંપનીને ફાયદો પહોંચાડવા માટે આવો નિર્ણય લઇ રહી છે.

  હવે આવીએ આ આખી ડીલની મૂળભૂત બાબતો પર. એ સાચું છે કે 2012ની UPA સરકારે 36 અતિઆધુનિક અને ‘state-of-the-art’ રાફેલ ફાઈટર જેટ્સ અંગે કરાર કર્યા હતા અને તેનું મુલ્ય હાલની સુધારેલી ડીલ કરતા ઘણું ઓછું હતું. પરંતુ જેમ બનતું આવ્યું છે તેમ છેક 2014ના મધ્ય સુધી UPA સરકાર આ ડીલ ક્લોઝ કરી શકી નહીં અને ત્યારબાદ દેશનું સુકાન નરેન્દ્ર મોદી સરકારે સંભાળી લીધું અને આ ડીલ અંગે ફરીથી ચર્ચા શરુ કરી.

  આ બધું ચાલી રહ્યું હતું ત્યાં જ નરેન્દ્ર મોદી સરકારે પોતાની નીતિઓમાં ધરખમ ફેરફાર કરતા ‘મેઇક ઇન ઇન્ડિયા’ ના સૂત્રને ફક્ત વહેતું જ ન કર્યું પરંતુ બહારની કંપનીઓ આપણા દેશમાં આવીને ઉદ્યોગ ધંધા સ્થાપે અને સ્થાનિકોને રોજગારી મળે તેના ભરચક્ક પ્રયાસો પણ શરુ કરી દીધા. આ જ પ્રયાસો હેઠળ રાફેલ ફાઈટર જેટ્સ બનાવતી કંપની ‘દેસ્સો’ (Dessault) એવિએશનને રાફેલ બનાવવાનો ઓર્ડર તો આપ્યોજ પરંતુ આ તમામ ફાઈટર જેટ્સ ભારતમાં જ બને તેવી શરત પણ મૂકી.

  સામાન્ય બુદ્ધિક્ષમતા ધરાવતો કોઇપણ વ્યક્તિ એ સમજી શકે કે જ્યારે કોઇપણ ચીજવસ્તુનું ઉત્પાદન, પછી તે ફાઈલ હોય કે ફાઈટર જેટ જો જે-તે દેશમાં થાય તેને બદલે કોઈ અન્ય દેશમાં સાવ નવો ઉદ્યોગ સ્થાપીને કરવામાં આવે તો તેના પર ઘણાબધા કારણોસર ખર્ચ વધુ જ આવે. આમ, રાફેલની કિંમત એટલે વધી છે કારણકે તે હવે ફ્રાન્સમાં નહીં પરંતુ ભારતમાં બનવાના છે. જો કોઈ ડાહ્યો વ્યક્તિ હવે એમ સવાલ કરે કે જો આમ જ હતું તો શા માટે આટલા બધા નાણા ચૂકવવાની જરૂર હતી? જેટ્સ ભલેને ફ્રાન્સમાં બને? તો પછી એ જ ડાહ્યા વ્યક્તિઓ હવેથી ભારતમાં મોદી સરકાર રોજગારી ઉભી કરવાના પગલાં નથી લઇ રહી એવા આરોપો લગાવવાથી દૂર રહેશે?

  બીજું જૂની ડીલ માત્ર જેટ પ્લેન્સ માટે કરવામાં આવી હતી જ્યારે આ નવી ડીલમાં પ્લેનના અન્ય સાધનો (Tools), શસ્ત્રો અને સ્પેરપાર્ટસ ઉપરાંત સાત વર્ષ માટેના સપોર્ટની શરત પણ સામેલ છે. ફક્ત કલ્પના જ કરો કે માત્ર જેટ્સ ખરીદ્યા પછી તેમાં વપરાશમાં લેવાતા શસ્ત્રો ખરીદવા માટે કોઈ બીજી ડીલ, કોઈ બીજા દેશ સાથે કરવી પડત અને એ પણ જેટ્સ ફ્રાન્સમાં બનીને ભારત આવ્યા બાદ, તો તે સમયે શસ્ત્રોની જે બજાર કિંમત હોત તેને ઉમેરતા શું આ ડીલની કિંમત તેની મૂળ કિંમતથી વધી ન જાત એની ગેરંટી કોણ લેત? કોંગ્રેસ કે પછી સૂરજેવાલા?

  ફ્રાન્સના અધિકારીઓમાંથી એક અધિકારીએ કોંગ્રેસના આરોપ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે, “આ ડીલથી ઉચ્ચકક્ષાના લડાકૂ વિમાનોને સ્પર્ધાત્મક ભાવે સંપૂર્ણ પારદર્શી પ્રક્રિયા દ્વારા પૂરા પાડવામાં આવનાર છે અને આ (કોંગ્રેસના) આરોપો એ સ્થાનિક રાજકારણની બાબત છે જેમાં ફ્રાન્સ પડવા માંગતું નથી.” આમ કોંગ્રેસના કહેવાતા સનસનાટીભર્યા આરોપને ફ્રાન્સ દ્વારા સહેજ પણ કાઠું આપવામાં આવ્યું નથી.

  જ્યારે અનીલ ધીરુભાઈ અંબાણી ગ્રુપ હેઠળની રિલાયન્સ ડિફેન્સ લિમિટેડે પણ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે આ જોઈન્ટ વેન્ચર કેન્દ્ર સરકારની 24 જૂન 2016 ના દિવસે જાહેર કરવામાં આવેલી નીતિ અંતર્ગત કરવામાં આવ્યું હતું. આ નીતિ અનુસાર સંરક્ષણ ક્ષેત્રમાં 49% FDI ની છૂટ આપવામાં આવી હતી અને કોઇપણ વિદેશી કંપની આ ક્ષેત્રમાં સીધી રીતે દાખલ થઇ શકે છે અને દેશી કંપનીને પણ CCS (Cabinet Committee on Security) ની મંજૂરી લેવાની જરૂર નથી.

  આમ રિલાયન્સ ડિફેન્સની આ સ્પષ્ટતા કોંગ્રેસના એ આરોપનો છેદ પણ ઉડાડી દે છે જેમાં એમ કહેવાયું હતું કે મોદી સરકારે અંગત રસ લઈને રિલાયન્સને ફાયદો કરાવી આપવામાં આવ્યો છે. રિલાયન્સે કોંગ્રેસને તાકીદ પણ કરી છે કે તે પોતાના આરોપો પરત લઇ લે નહીં તો તે તેની સામે કાયદાકીય કાર્યવાહી શરુ કરશે.

  રિલાયન્સની આ ચીમકી બાદ હવે કોંગ્રેસ તેના પર અને સરકાર પર ‘ફ્રિડમ ઓફ એક્સપ્રેશન’ ને દબાવવાનો પ્રયાસ ન ગણે તો સારું, કારણકે ગુજરાતની ચૂંટણીઓ તો આવતી-જતી રહેશે પણ સામાન્ય જનતામાં કોંગ્રેસની બગડેલી છબી આ પ્રકારના પાયાવિહોણા આરોપથી વધુ બગડશે એ નક્કી જ છે.

  eછાપું

  તમને ગમશે: ટચૂકડો પેસિફિક દેશ ગુઆમ જેના પર ઉત્તર કોરિયાઈ સરમુખત્યાર આક્રમણ કરવાની તૈયારી કરી રહ્યો છે

   

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here