તમે ભગવાનને શોધો છો કે ભગવાન તમને?

    1
    299

    તમને ક્યારેય એમ લાગ્યું છે કે તમે કોઈ ચીજ/વ્યક્તિ/વસ્તુના માલિક છો? કહેવાનો મતલબ કે તમને ક્યારેય માલિકીપણાનો અનુભવ થયો છે? તમે કહેશો હાસ્તો વળી, થયો જ હોય ને! અને આવું થવું એ સ્વાભાવિક છે. માલિકીપણું અને સ્વામિત્વ જેવા ભાવો ભગવાન અથવાતો કુદરતે જ માનવો માટે સર્જ્યા છે. ચાલો એટલું તો પાક્કું છે કે તમે આ વાંચો છો ત્યારે તમે એમ માનો છો કે તમે કોઈ વસ્તુના માલિક છો અથવા તો તમે કોઈનું સ્વામિત્વ કરી રહ્યા છો.

    હવે જરા આપણા માલિકીપણાનો સુક્ષ્મ અભ્યાસ કરીએ તો તમે નોંધો કે જ્યારે આપણે કોઈ વસ્તુ કે વ્યક્તિના સ્વામી અથવા માલિક હોવાનો ભાવ કેળવીએ છીએ ત્યારે એ વસ્તુ કે વ્યક્તિ નિસંદેહપણે આપણાથી અલગ જ હોવાની. એ વસ્તુ કે વ્યક્તિનું પોતાનું એક આગવું અસ્તિત્વ હોવાનું એ વાત નક્કી છે. ‘આ વ્યક્તિ મારું છે’, ‘આ વસ્તુ મારી છે’, વગેરેમાં આ જે ‘મારું’ શબ્દ છે એ તમને જે તે વ્યક્તિ કે વસ્તુથી અલગ પાડે છે.

    આટલે સુધી સમજવામાં વાંધો ન પડ્યો હોય તો વાત હજી થોડી આગળ વધારીએ. અહી એક સવાલ તમને પૂછવાનો કે તમે તમારા શરીરને પણ “મારું શરીર” જ કહો છો ને? જવાબ હા જ આવવાનો છે એમાં કોઈ શંકાને સ્થાન નથી. હવે આગળ કહ્યું એ મુજબ ‘મારું’ કહેવાથી એ વસ્તુ કે વ્યક્તિનું પોતાનું આગવું અસ્તિત્વ સાબિત થઇ જતું હોય તો પછી એનો મતલબ એવો થાય કે તમારું શરીર તમારાથી અલગ છે. બરાબર ને? અંતે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે જો આ રીતે તમારું શરીર તમારાથી અલગ હોય તો ‘તમે પોતે કોણ છો?’. આશ્ચર્ય તો જરૂરથી થયું જ હશે તમને અને આ વાત પર આશ્ચર્ય થવું સ્વાભાવિક પણ છે. કારણ કે આપણે રોજીંદા જીવનમાં આટલા માઈક્રો લેવલ પર વિચારી શકતા નથી અને જો વિચારી શકતા પણ હોઈએ તોય એ વિચારવા માટે આપણી પાસે વ્યસ્તતાના લીધે સમય જ નથી રહેતો.

    ‘હું કોણ છું?’ એ સવાલ પર ચર્ચા આગળ વધારીએ તો આ સવાલનો જવાબ ઘણી બધી રીતે આપી શકાય. પણ દરેક જવાબ તમને ભગવાન સુધી દોરી જવાનો છે એવો મારો અંગત મત છે. તમારું શરીર જયારે તમારું નહિ રહે ત્યારે તમારામાં જે બાકી બચશે એ શું હશે? એ હશે આત્મા, તમારો માહ્યલો, તમારો ભગવાન. આપણો આત્મા એ આપણી ભીતર વસેલા પરમાત્માનું સ્વરૂપ છે એ વાતથી તમે કે હું અજાણ નથી. તો શું શરીર નહિ હોય ત્યારે જ આપણે આપણામાં વસતા ભગવાનને જોઈ શકવા સમર્થ બનીશું? અને જો સમર્થ બની પણ જઈએ તો આવું સામર્થ્ય શું કામનું કે જે હોય ત્યારે સદેહે આપણે માણી ન શકીએ? ભગવાનને શોધવા માટે સંસારમાં ભજન અને કીર્તનનો માર્ગ અપનાવવો એ પસંદગી વ્યક્તિગત છે. પણ પોતાની જ ભીતર વસેલા ભગવાનને પામવા અને જાણવા માટેનો સાર્વત્રિક માર્ગ છે ‘આત્મચિંતન’! આત્મચિંતનનો માર્ગ વ્યક્તિગત ન હોતા સાર્વત્રિક છે.

    જ્યારે જ્યારે તમે કોઈકનું ખોટું વિચારો અથવા તો એમ કરવાની ચેષ્ટા કરો ત્યારે તત્ક્ષણ તમારામાં જ વસેલા ભગવાન તમને શોધવાનું શરુ કરે છે, અહી ‘તમને’થી મારો મતલબ છે ‘સારા તમને’. બીજી રીતે કહું તો ભગવાન તમારી સારપને શોધે છે અને એના માટેનો ભાવ તમારામાં જગાડતા હોય છે. આ બધું સેકન્ડના સુક્ષ્મ ભાગમાં થાય છે. જો ભગવાન તમારી સારપ આટલા સમયમાં શોધી કાઢે અને તમારી પણ તે સમયની વૈચારિક ફ્રિકવન્સી મેચ થઇ જાય તો તમે ખોટું કરવાનો વિચાર પડતો મુકો એ જ તમારા દ્વારા શોધાયેલા ભગવાન. અથવા તો ભગવાન દ્વારા શોધાયેલા તમે! જો તમારો વૈચારિક અનુનાદ ભીતરના ભગવાન તરફથી મળતા વાઈબ્રેશન્સને ડોમીનેટ કરી જાય તો તમારા બંનેની શોધ નિષ્પરિણામ નીવડે છે. પછી તમે દુષ્કૃત્ય કરીને વળી પાછા ભગવાનને શોધવા માટે ભજન કીર્તનનો માર્ગ અપનાવી લો છો. તે સમયે તમને પારાવાર પસ્તાવો થાય તેમ છતાં જે તે સમયે ભગવાન દ્વારા અપાયેલા સંકેતને ઓળંગી ગયા હોઈ ફરીથી એ ક્ષણ મળવી લગભગ અશક્ય છે. હા, બીજા ઘણા સંજોગો ઉભા થાય પણ ખરા, એમાં બેમત નથી. પણ એ સમયે તે સંકેતને ધુત્કારીને આપણે આપણી ભગવાનની શોધ મંઝીલ આવ્યા છતાય આગળ વધારવાનો નિર્ણય કરી લીધો હતો.

    ભગવાનને આપણે જેટલા સંદિગ્ધ બનાવી દીધા છે એટલા સંદિગ્ધ તેઓ હકીકતમાં છે જ નહિ. ભગવાન સરળ છે. તમે તમારી સારપને અનુસરીને કોઈને ઠેસ પહોચે એવું ન કરો તો એ જ ભગવાન મળ્યાનું સુખ કહી શકાય. હકીકતમાં ધાર્મિક ગુરુઓ, સ્વામીઓએ આપણને જે સંદિગ્ધ ભગવાનને ભજવાનું કહ્યું છે એમને તો ગુરુઓ ક્યારેય મળ્યા જ નથી. કારણ કે જો તેઓ એમને મળ્યા હોત તો એમની ભગવાન પ્રત્યેની અભિવ્યક્તિ કંઈક અલગ જ હોત. આપણે શ્વાસ લઈએ છીએ એવી ખબર તો આપણને બધાયને છે પણ ક્યારે લઈએ છીએ એ કદાચ આ લીટી વાંચતી વખતે જ તમે ધ્યાન આપ્યું હશે. કારણ કે શ્વાસ લેવામાં કોઈ શ્રમ નથી પડતો. એવી જ રીતે ભગવાનની પ્રાપ્તિનું પણ કંઈક એવું જ લોજીક છે. એમને મેળવવા માટે કોઈ શ્રમની જરૂર જ નથી. એ તો આપોઆપ શ્વાસની માફક જ તમારા શરીરમાં આવનજાવન કરે છે. એનો અનુભવ કરવા માટે શરત માત્ર એટલી જ છે કે તમારે તમારી સારપ, તમારું સારાપણું સતત ધબકતું રાખવાનું છે.

    આચમન

    ભગવાનને શોધવા માટે તમે જે કંઈ પણ કરો છો એમાં જો તમારું સારાપણું મુખ્ય તત્વ સ્વરૂપે હશે તો ભગવાન તમને એમની મેળે જ શોધી લેશે, પણ જો તેમ નહિ હોય તો એટલું સમજી લેવું આવશ્યક છે કે આત્મા વગરના શરીરની નિયતિ માત્ર ચિતામાં વિલીન થઇ જવાની જ હોય છે.

    eછાપું 

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here