Project Loon દ્વારા પ્યુર્ટો રિકોના એક લાખ અસરગ્રસ્તો સુધી ઈન્ટરનેટ પહોંચ્યું

    0
    319

    આપણે ત્યાં ફ્રી ઈન્ટરનેટ અથવાતો ફ્રી વાઈફાઈની ઘણી વાતો થાય છે. હવે તો આ વાત એટલી હદે પ્રસરી છે કે હવે આપણા રાજકીય પક્ષો પણ આ ફ્રી ટેક્નોલોજીનો ઉપયોગ પોતાના ચૂંટણીના મુદ્દા તરીકે કરવા લાગ્યા છે. હા, પછી અન્ય વચનોની માફક આ વચન પાળવું કે ન પાળવું તે એમની મુનસફી પર આધાર રાખે છે. જો પ્યુર્ટો રિકોમાં કરવામાં આવેલા એક પ્રયોગ પર આપણા રાજકીય પક્ષો ધ્યાન આપે તો તેમનો ઈન્ટરનેટ ફ્રી માં આપવાનો વાયદો તેઓ સસ્તામાં પૂરો કરી શકે તેમ છે, જો તેમની રાજકીય ઇચ્છાશક્તિ હોય તો.

    આપણને યાદ છે કે થોડા સમય અગાઉ લેટિન અમેરિકાના દેશ પ્યુર્ટો રિકો હરિકેન મારિયાથી તબાહીના આરે આવી ગયું હતું. હવે જ્યારે આવા મોટા સ્તરનો હરિકેન અથવાતો વંટોળ કોઈ દેશને ઘમરોળી નાખે ત્યારે તેની કમ્યુનિકેશન વ્યવસ્થા કેટલી હદ સુધી મરણ શરણ થઇ જાય તેની આપણે કલ્પના જ કરવી રહી. આવા સમયમાં અમેરિકાની FCC એ પ્યુર્ટો રિકોના નાગરિકો સરકારી તંત્ર સાથે અને સરકારી તંત્ર તેમના દેશ માટે દેશ-વિદેશથી રાહત સામગ્રી લઈને આવતી સંસ્થાઓ સાથે સરળતાથી સંપર્ક કરી શકે તે માટે Project Loonને પ્યુર્ટો રિકો મોકલવામાં આવ્યો. Project Loon એટલે હવામાં તરતા બલૂન દ્વારા ઈન્ટરનેટ પ્રોવાઈડ કરવું.

    કદાચ આ વાંચીને તમને લગભગ બે વર્ષ અગાઉ ફેસબુક અને એક વર્ષ પહેલા ગૂગલ પણ આ રીતે ભારતમાં ઈન્ટરનેટ સેવા આપવાનું વિચારી રહ્યા હોવાનું યાદ આવી ગયું હશે રાઈટ? બસ આ એજ તકનીક છે. Project Loon દ્વારા અમેરિકાની સૌથી બે મોટી મોબાઇલ સર્વિસ પ્રોવાઈડર કંપનીઓ AT&T અને T-Mobile નો સહકાર મેળવવામાં આવ્યો હતો અને પ્રોજેક્ટ શરુ થવાની સાથેજ જોતજોતામાં 1,00,000 પ્યુર્ટો રિકન્સ ઈન્ટરનેટ સાથે જોડાઈ ગયા.

    તમને ગમશે: ટ્રેનની વેઇટિંગ લીસ્ટની ટીકીટ ક્યારે કન્ફર્મ થશે તે જાણવું સરળ બનશે

    જો કે આ પ્રોજેક્ટ પૂરેપૂરો સફળ ન થયો એમ જરૂર કહી શકાય કારણકે હરિકેન મારિયાએ ખુબ મોટા પાયે તબાહી મચાવી હતી અને પ્યુર્ટો રિકોમાં અસંખ્ય મોબાઇલ ટાવર્સ ધરાશાઈ થઇ ગયા હતા. તેમ છતાં AT&T અને T-Mobile ના ભરપૂર સહકારને કારણે Project Loonની મદદથી એટલીસ્ટ ટેક્સ્ટ મેસેજીસ થઇ શક્યા અને મહત્ત્વની માહિતી મેળવવા માટે પ્યુર્ટો રિકોમાં જે-જે લોકો પાસે LTE મોબાઈલ ફોન્સ હતા તેમણે તેનો ખૂબ ઉપયોગ કર્યો. આમ આ પ્રોજેક્ટ મહદઅંશે હરિકેનથી ત્રસ્ત લોકો માટે આશિર્વાદરૂપ જરૂર પૂરવાર થયો હતો.

    પ્યુર્ટો રિકોમાં મોકલવામાં આવેલા બલુનો અમેરિકાના નેવાડા રાજ્યમાંથી ઉડાડવામાં આવ્યા હતા અને એક ખાસ અલગોરિધમથી એ માહિતી મેળવવામાં આવી હતી કે ક્યાં ક્યાં સંપર્ક સંપૂર્ણપણે અથવાતો મોટાભાગે ખોરવાઈ ગયો છે. એક વાર આ પ્રકારના સંપર્કવિહોણા સ્થળોની ઓળખ થઇ ગઈ ત્યારબાદ આવી જગ્યાઓ પર સૌથી પહેલા આ બલુનોને સ્થિર કરવામાં આવ્યા હતા. પ્રોજેક્ટ ચલાવનારા વૈજ્ઞાનિકોને પણ તેનાથી લાભ થયો હતો, કારણકે અગાઉ આટલી ઝડપથી ક્યારેય આ પ્રમાણે કોઈ વ્યવસ્થા ગોઠવવામાં આવી ન હતી અને હવે તેઓ આવનારા વર્ષોમાં આ ઉપલબ્ધીને વધુ અપગ્રેડ કરી શકશે. આ ઉપરાંત તેમને એ બાબતનો પણ ખ્યાલ આવ્યો કે હવામાં કયા સ્તરે અને કઈ જગ્યાએ કેટલી માત્રામાં કરન્ટ હોય છે જેથી ભવિષ્યમાં કયા લેવલે આ બલુનો સ્થિર કરવા તેની તમને ખબર પડશે.

    અમેરિકન અને પ્યુર્ટો રિકોની સરકારોની આ પ્રોજેક્ટ માટે આપવામાં આવેલી ત્વરિત મંજૂરી તેમજ ઉપરોક્ત બંને મોબાઇલ સર્વિસ પ્રોવાઈડર્સના ટેકાથી લાખો પ્યુર્ટો રિકન્સ પોતાના સગા સંબંધીઓ કે પછી જરૂરી મદદ માટે વિવિધ સંસ્થાઓ સાથે સંપર્ક કેળવી શક્યા તે આ પ્રોજેક્ટની સૌથી મોટી સિદ્ધિ જરૂર ગણી શકાય. આવનારા સમયમાં આ પ્રયોગ વિશ્વને ફ્રી અને સરળ ઈન્ટરનેટ કનેક્શન અંગે કોઈ મોટી સફળતા અપાવશે તો હવે કોઈને નવાઈ લાગવી જોઈએ નહીં.

    eછાપું

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here