કપિલ ની ત્રીજી ઇનિંગની સફળતા માટે કેટલીક ચાવીઓ અત્યંત જરૂરી છે

  0
  718

  જાણવા મળ્યા મુજબ કોમેડિયન કપિલ શર્માનો અતિશય લોકપ્રિય શો ‘ધ કપિલ શર્મા શો’ સોની ટીવી પર પરત આવી રહ્યો છે. સોની ટીવીના જ એક ઉચ્ચ અધિકારીએ આ સમાચારને કન્ફર્મ કર્યા છે. આ અધિકારીએ એમ પણ કહ્યું હતું કે સોની ટીવી કપિલને ખૂબ પ્રેમ કરે છે અને કપિલની આવનારી ફિલ્મ ‘ફિરંગી’ માટે તેના શોનો ખાસ પ્રમોશનલ એપિસોડ પણ ચેનલ પર પ્રસારિત કરવામાં આવશે.

  ગત ઓગસ્ટ મહિનામાં કપિલ શર્મા અને સોની ટીવીના અધિકારીઓએ સાથે બેસીને શો ને થોડો સમય ઓફ એર કરવા પર સહમતી દર્શાવી હતી. આ માટે ઓફિશિયલ કારણ તો એવું આપવામાં આવ્યું હતું કે કપિલ ફિરંગીના શૂટિંગમાં અને બાદમાં તેના પ્રમોશનમાં વ્યસ્ત થઇ જશે એટલે શો માટે કદાચ તે પૂરતો સમય ફાળવી શકશે નહીં. આ તો થયું ઓફિશિયલ કારણ, પરંતુ ખરું કારણ આપણને બધાને ખબર જ છે.

  આ વર્ષની શરૂઆતના ભાગમાં કપિલ પોતાની સમગ્ર ટીમ સાથે સ્ટેજ શો કરવા માટે ઓસ્ટ્રેલિયા ગયો હતો અને ભારત પરત થતી વખતે તેણે શરાબના નશાની અસર હેઠળ પોતાના સાથીદારો ખાસકરીને સુનીલ ગ્રોવર સાથે ગાળાગાળી કરી હતી. સુનીલ ગ્રોવરે કપિલના આ વ્યવહારના પરિણામ સ્વરૂપે શો છોડી દીધો હતો અને ધીમે ધીમે કીકુ શારદા સિવાય કપિલના તમામ સાથીઓ શો છોડીને જતા રહ્યા હતા. હા કપિલના અંગત મિત્ર ચંદન પ્રભાકરે અપમાન ભૂલી જઈને અમુક મહિનાઓ બાદ શો માં પરત થવાનું મુનાસીબ માન્યું હતું.

  એક રીતે જોવા જઈએ તો કપિલ જેવી મોટી બ્રાન્ડ કદાચ જ આપણા ટેલીવિઝન ઉદ્યોગમાં અત્યારે જોવા મળશે. પરંતુ કોઇપણ બ્રાન્ડને ખુદને ટકાવી રાખવા માટે પણ તેને કોઈને કોઈ ટેકાની જરૂર તો પડતી જ હોય છે. કપિલના લાખ પગે લાગવા છતાં સુનીલ ગ્રોવર એકનો બે ન થયો અને ન તો કોઈ અન્ય સાથીઓ માન્યા. આનું પરિણામ એ આવ્યું કે શો માં કપિલના ખુદના પરફોર્મન્સ પર અસર દેખાવા લાગી. તેની કોમેડીના પંચ પહેલાની જેમ લાગવાના બંધ થઇ ગયા. કપિલ ખુદ ટેન્શનને લીધે શૂટિંગ દરમ્યાન બે વખત બેભાન થઇ ગયો હોવાના સમાચાર પણ આવ્યા હતા. અધૂરામાં પૂરું રાજકીય વ્યસ્તતાને લીધે નવજોત સિધ્ધુ પણ શો માંથી જતા રહ્યા.

  સમય જતા કપિલના શો માં પોતાની ફિલ્મનું પ્રમોશન થાય તે માટે જે પડાપડી થઇ રહી હતી તે તો બંધ થઇ જ ગઈ પરંતુ મહેમાનોના સ્તરમાં પણ ઘટાડો થવા લાગ્યો. વિથ ડ્યુ રીસ્પેક્ટ પણ જ્યારે અનુપ જલોટાને મહેમાન તરીકે બોલાવીને તમારે શો ચલાવવો પડે તેવા સંજોગોમાં એ શો બંધ કરી દેવો જ વધારે યોગ્ય રહે.

  તમને ગમશે: આશ્ચર્યમ! ન્યૂઝીલેન્ડનું તુઈ બર્ડ સારા સ્પર્ધકને સહન કરી શકતું નથી

  કદાચ કપિલ પણ મનમાં સમજતો હશે કે સુનીલ ગ્રોવર એ એના શોનું બીજું કેન્દ્રબિંદુ હતો અને ડોક્ટર મશહુર ગુલાટી જનતામાં ખરેખર મશહુર હતા.

  હવે જ્યારે સોની ટીવીએ કન્ફર્મ કર્યું છે કે ધ કપિલ શર્મા શોની વાપસી થઇ રહી છે ત્યારે કદાચ કપિલ સુનીલ ગ્રોવર અને તેના જૂના સાથીદારોને ‘નવી ઘોડી, નવો દાવ’ના ન્યાયે શો માં પરત આવે તેની ફરીથી વિનંતી કરે તો નવાઈ નહીં. જેમ ઉપર કહ્યું એમ કપિલ ખૂબ મોટી બ્રાન્ડ છે પરંતુ તે સુનીલ ગ્રોવર, અલી અસગર અને અન્યો વિના અધૂરો છે. જ્યારે સુનીલ ગ્રોવર અને અલી અસગર માટે કપિલથી મોટી બ્રાન્ડનો સહારો અત્યારે તો ક્યાંય દેખાતો નથી. સુનીલ ગ્રોવર અત્યારે ખોવાઈ ગયો છે જ્યારે અલી અસગર ક્રિશ્ના સાથે એટલો નથી જામતો જેટલો કપિલની દાદી તરીકે જામતો હતો.

  હવે જો સુનીલ ગ્રોવર અને અન્ય કલાકારો કપિલના શો માં પરત થાય તો સૌથી વધારે સાચવવાનું કપિલે છે. આ એ જ કલાકારો હતા જેમણે કપિલનો સાથ ત્યારે નિભાવ્યો હતો જ્યારે કલર્સ ચેનલે રાતોરાત કપિલનો અતિશય લોકપ્રિય શો બંધ કરવાનો એકતરફી નિર્ણય લઇ લીધો હતો. તે સમયે કપિલના આ સાથીદારો અન્યત્ર જઈ શક્યા હોત પરંતુ તેમણે કપિલ સાથે ખભેખભો મેળવ્યો અને સોની પરના શો માં પણ તેઓએ ભરપૂર મહેનત કરીને શો ને નવી ઉંચાઈ બક્ષી. આમ કપિલે હવે ભવિષ્યમાં આ કલાકારોનું તસુભાર પણ અપમાન ન થાય તેનું ધ્યાન રાખવું પડશે.

  પરંતુ તોંતેર મણનો સવાલ તો એ છે કે શું સુનીલ ગ્રોવર, અલી અસગર અને કીકુ શારદા કપિલના કમબેક શો માં ભાગ લેવા માટે માનશે ખરા?

  eછાપું

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here