ભારતના મહારાજાઓ પર ટિપ્પણી કરીને ભેરવાયા શશી થરૂર

  0
  267

  ભારતના પૂર્વ મંત્રી શશી થરુર આપણા દેશના મહારાજાઓ પર તેમણે કરેલી એક ટિપ્પણી દ્વારા ભેરવાઈ પડ્યા છે. શશી થરૂરની એ ટિપ્પણી એમના પક્ષના જ અન્ય વરિષ્ઠ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાને નથી ગમી. આ ઉપરાંત કેન્દ્રના માહિતી અને પ્રસારણ મંત્રી સ્મૃતિ ઈરાનીએ પણ થરૂરને આ મુદ્દે કોર્નર કરી લીધા છે.

  થોડા દિવસ અગાઉ એક સમારંભમાં પોતાના પુસ્તક ‘An Era of Darkness  – The British Empire in India’ પર પ્રવચન આપતા શશી થરૂરે ટિપ્પણી કરી હતી કે “કહેવાતા બહાદુર મહારાજાઓ જ્યારે બ્રિટીશરો તેમના સન્માનને કચડી રહ્યા હતા ત્યારે પોતાની જાતને બચાવવાની કોશિશ કરી રહ્યા હતા અને આજે તેઓ પોતાની શાન ખતરામાં છે એમ કહીને એક ફિલ્મકારની પાછળ પડી ગયા છે.” શશી થરૂર આમ કહીને સંજય લીલા ભણસાલીની આવનારી ફિલ્મ ‘પદ્માવતી’ પર ચાલી રહેલા વિવાદ પર ઈશારો કરી દીધો હતો સ્પષ્ટ થાય છે.

  જ્યારે પણ ભાજપના કોઈ નેતા આવી રીતે જાહેરમાં આખું ઈંડું બાફે છે ત્યારે તેમની ફીરકી લેનારા કોંગ્રેસી નેતાઓમાં શશી થરૂર કાયમ આગલી હરોળમાં હોય છે. આથી થરૂરના આ પ્રકારના બયાનનો લાભ  કોઈ ભાજપી નેતા ન લે તો જ નવાઈ અને આથી જ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી સ્મૃતિ ઈરાની આ મામલે મેદાનમાં આવ્યા અને એમણે ટ્વીટ કરી કે, “શું તમામ મહારાજાઓએ અંગ્રેજોની સમક્ષ ઘૂંટણિયે પડી ગયા હતા? આ અંગે જ્યોતિરાદિત્ય, દિગ્ગીરાજા અને અમરિન્દર સિંઘ શું કહે છે?”

   

  સ્મૃતિ ઈરાનીએ આ એક ટ્વીટ દ્વારા થરૂરને તેમના પક્ષના જ એવા નેતાઓ સમક્ષ ઉભા કરી દીધા જે કોઈને  કોઈ રાજપરિવાર સાથે સંકળાયેલા હોય. દિગ્ગીરાજા એટલેકે દિગ્વિજય સિંઘ અને અમરિન્દર સિંઘે તો ઈરાનીના સવાલનો જવાબ ન આપ્યો પરંતુ જ્યોતિરાદિત્ય સિંધિયાનું લોહી ઉકળી ઉઠ્યું. સમાચાર સંસ્થા ANI ના એક પત્રકારના આ મામલા અંગેના સવાલના જવાબમાં જ્યોતિરાદિત્યે કહ્યું કે, “તેમણે (થરૂરે) ઇતિહાસનો અભ્યાસ કરવાની જરૂર છે. મને હું જે છું તે અંગે ગર્વ છે.”

  આમ, સ્મૃતિ ઈરાનીએ જ્યોતિરાદિત્યને થરુરના બયાન અંગે ટિપ્પણી કરાવીને કોંગ્રેસમાં આ મુદ્દે સ્પષ્ટ ફાડ દેખાઈ રહી હોવાનું બતાવી દીધું હતું.

  જ્યોતિરાદિત્યના બયાન બાદ થરૂરને ડેમેજ કન્ટ્રોલ કરવાની જરૂર પડી હતી. થરૂરે તરતજ ટ્વીટ કરી અને કહ્યું કે, “ભાજપના કેટલાક ટેકેદારો દ્વારા મેં રાજપૂત સન્માન પર આક્રમણ કર્યું હોવાના દાવાથી મને નિરાશા થઇ છે. મેં માત્ર એ મહારાજાઓ પર જ ટિપ્પણી કરી હતી જેમણે અંગ્રેજો સમક્ષ ઘૂંટણ ટેકવી દીધા હતા. મેં મારી જીંદગીમાં ક્યારેય કોઈ કોમવાદી ટિપ્પણી કરી નથી.”

  ત્યારબાદ એક અન્ય ટ્વીટમાં થરૂરે જણાવ્યું હતું કે, “રાજપૂત સમાજના એક ખાસ વર્ગની ચિંતાને દેશની વિવિધતા અને સંવાદિતાના લાભાર્થે સન્માન આપવું જોઈએ. રજપૂત વીરતા એ આપણા ઇતિહાસનો ભાગ છે અને તેના પર કોઈજ પ્રશ્ન ઉભો થઇ શકે નહીં. ભાજપ અને તેના સેન્સરે તમામ ચિંતાઓને ધ્યાનમાં લેવી જોઈએ.”

  હવે અહીં સવાલ એ આવે છે કે શશી થરૂર માટે પોતાની સ્પષ્ટતા કરતી ટ્વીટમાં ‘કોમવાદ’ શબ્દ વાપરવાની જરૂર ક્યાં હતી? ન તો એમની મહારાજાઓ અંગેની ટિપ્પણીમાં કોઈ કોમવાદી રંગ હતો કે ન તો સ્મૃતિ ઈરાનીએ એમના એ નિવેદન અંગે કરેલા પ્રશ્નાર્થમાં કોઈ કોમવાદી શબ્દ કે સંકેત આપ્યો હતો. કદાચ આ કોંગ્રેસ કલ્ચર જ છે કે કોઇપણ બાબતને કે મુદ્દાને માત્ર કોમવાદી એન્ગલથી જ જોવો જોઈએ પછી તેની જરૂર હોય કે ન હોય.

  ખરેખર જોવા જઈએ તો સંજય લીલા ભણસાલીનો બચાવ કરવા જતા,જે એમનો અધિકાર છે, શશી થરૂર એ હકીકત ભૂલી ગયા હતા કે એમના પક્ષમાં પણ ભૂતપૂર્વ મહારાજાઓના વંશજો વર્ષોથી છે અને પક્ષના વરિષ્ઠ નેતા તરીકે પણ સ્થાન શોભાવે છે. થરૂરના બયાનની જ્યોતિરાદિત્ય સિંધિયા દ્વારા સ્મૃતિ ઈરાનીની ટ્વીટ બાદ આપવામાં આવેલા રિએક્શન બાદ થરૂરને કદાચ પોતે કશુંક કાચું કાપી લીધું હોવાની ખબર પડી હોય એમ પણ બની શકે છે.

  મહારાજાઓ અંગે ખોટી ટિપ્પણી કરી થરૂરે, એના પર એમના જ પક્ષના નેતાએ વિરોધ દર્શાવ્યો, બાદમાં થરૂરને પોતાના બયાન અંગે સ્પષ્ટતા કરવી પડી તો પછી આ અંદરોઅંદરની ખેંચતાણમાં ભાજપ અને એનું સેન્સર ક્યાંથી આવ્યું એ તો થરૂર જ કહી શકે. ઉપરાંત સ્મૃતિ ઈરાનીની ટ્વીટ માત્ર થરૂરના બયાનની સ્પષ્ટતા માંગવા પૂરતી જ હતી જેમાં થરૂરે પદ્માવતી પર ચાલી રહેલા વિવાદને ઘસડવાની બિલકુલ જરૂર ન હતી.

  eછાપું

  તમને ગમશે: ચાલો આપણું સોશિયલ મીડિયા સર્ફિંગ વધારે જ્ઞાનપ્રદ બનાવીએ

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here