સોશિયલ મીડિયાથી મેઈનસ્ટ્રીમ મીડિયા કેમ ભૂરાંટુ થાય છે?

  1
  358

  એક સમય એવો હતો કે છાપામાં જે છપાય એ જ સમાચાર એવું લોકો માનતા. આજે એવો સમય આવ્યો છે કે પોતાના છાપામાં છપાય અથવાતો પોતાનીક ન્યૂઝ ચેનલમાં જે સમાચારો આવે એ જ સાચા એવું માત્ર એ છાપાઓ અને ચેનલોના માલિકો અને પત્રકારો માને છે. આટલું જ નહીં આપણા દેશના મીડિયા નો એક ભાગ એવું પણ માને છે કે અમે જે કહીએ તે આખા દેશનો મત છે. નવાઈ પમાડે એવી વાત છે કે વારંવાર પોતાની આ માન્યતા જબરદસ્ત સ્તર પર ખોટી પડવા છતાં તેઓ આમ માનતા રહેતા હોય છે.

  આ પ્રકારની પ્રક્રિયાને અથવાતો માન્યતાને ગુજરાતીમાં ‘તમાચો મારીને ગાલ લાલ રાખવો’ કહે છે. હવે સવાલ એ છે કે ભારતના મીડિયાને આવો તમાચો મારી કોણ જાય છે કે તેને પોતાનો ગાલ કાયમ લાલ રાખવાની ફરજ પડે છે? વેલ, આ સવાલનો સીધો અને સાદો જવાબ છે સોશિયલ મીડિયા. છેલ્લા એક દાયકાથી દુનિયાભરમાં સોશિયલ મીડિયાનું જોર વધ્યું છે અને ઘણું વધ્યું છે. સોશિયલ મીડિયાનો ઉત્તમ ઉપયોગ લોકો સુધી તેમને જરૂરી, તેમને માટે ઉપયોગી થઇ શકે એવી સાચી માહિતી પહોંચાડવાનો છે. પરંતુ, સોશિયલ મીડિયાએ મુખ્યધારાના એટલેકે મેઈનસ્ટ્રીમ મીડિયાની બદમાશી પકડીને તેના કાન ખેંચવાની અથવાતો ઉપર કહ્યું એમ તેને જરૂર પડે એક થપ્પડ રસીદ કરવાની જવાબદારી પણ સુપેરે નિભાવી છે.

  આ સદીની શરૂઆતથી જ આપણા દેશમાં ઈલેક્ટ્રોનિક મીડિયા ધીરેધીરે મજબૂત થવા લાગ્યું છે. ઈલેક્ટ્રોનિક મીડિયાનો ફેલાવો જેમજેમ વિસ્તાર પામતો ગયો તેમતેમ પત્રકારોને ઓછામાં ઓછી બેરોજગારીનો સામનો કરવો પડ્યો છે કારણકે ઈલેક્ટ્રોનિક મીડિયા માત્ર રાષ્ટ્ર કક્ષાએ જ નહીં પરંતુ સ્થાનિક કક્ષાએ પણ ખૂબ મોટી માત્રામાં વિક્સી ચૂક્યું છે. કોઇપણ ક્ષેત્રનું જ્ઞાન ધરાવતા વ્યક્તિને રોજગારી મળે તેનાથી રૂડું શું હોઈ શકે? પરંતુ ઈલેક્ટ્રોનિક મીડિયામાં પ્રવેશેલા યુવાન પત્રકારોએ સમાચારનું યોગ્ય વિશ્લેષણ કરીને એને પ્રજા સુધી પહોંચાડવાને બદલે જે સમાચાર કે પછી મુદ્દો તેની ચેનલને મહત્તમ TRP આપે તેને વધારે મહત્ત્વ આપ્યું. ઘણીવાર તો તેમનું કોઈ વિષય પર ઉંડું જ્ઞાન છે કે કેમ એવો સવાલ પણ એમના એન્કરિંગ જોઇને થતો હોય છે.

  આમ થવાને લીધે સમાચારોની ગુણવત્તા તો ઘટી જ પરંતુ સાથે સાથે તેની વિશ્વસનીયતા પણ ઘટવા લાગી. ઉપરાંત કોઈ અકળ કારણોસર ભારતીય મેઈનસ્ટ્રીમ મીડિયાએ દેશના બહુમતી વિચાર ધરાવતા લોકો વિરુદ્ધ સ્ટેન્ડ લેવાનું શરુ કર્યું અને પોતાનો કક્કો ખરો કરવા ખોટા સમાચાર ફેલાવીને દેશની બહુમતી પ્રજાને બદનામ કરવાની બદમાશી સુધીનું તળિયું એમણે ખુદે જોયું અને આપણને પણ દેખાડ્યું.

  2002 ના ગુજરાત રમખાણો આપણા મેઈનસ્ટ્રીમ મીડિયાની બદમાશીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. ગોધરાકાંડ કરતા ગોધરાકાંડના પ્રતિઘાતરૂપે થયેલા તોફાનોને મહત્ત્વ આપીને ગોધરાકાંડને તેની પાછળ સંતાડીને આપણા દેશના મુખ્યધારાના મીડિયાએ બહુમતી સમાજની જબરદસ્ત કુસેવા કરી દીધી. તો સામેપક્ષે દેશના લઘુમતી સમાજને કાયમ બાપડો બિચારો દેખાડીને એના સ્વાભિમાનને પૂરાય નહીં એવી ખોટ પાડી દીધી. આ 2002નું પલિત કેટલાક પત્રકારો પર આજે પંદર વર્ષે પણ કબજો જમાવીને બેસી ગયું છે તો વિચાર કરો કે સોશિયલ મીડિયાના ફેલાવા અગાઉ તેમની દાદાગીરી કેવી હશે?

  ગુજરાતના રમખાણો અને તે સમયના મુખ્યમંત્રી રહેલા નરેન્દ્ર મોદી અંગે દેશભરમાં નફરત ફેલાવવામાં આપણા સ્થાનિક અને રાષ્ટ્રીય મીડિયાએ કોઇપણ હદ પાર ન કરી હોય એવું નથી બન્યું. પરંતુ 2010 થી સોશિયલ મીડિયાએ આ મુદ્દે તેમજ અન્ય તમામ મુદ્દાઓ પર જ્યાં જ્યાં પણ મેઈનસ્ટ્રીમ મીડિયાએ પોતાનું જુઠ્ઠાણું સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેનો જડબેસલાક જવાબ આપવાનું શરુ કર્યું અને બસ ત્યારથી જ મેઈનસ્ટ્રીમ મીડિયા સોશિયલ મીડિયાને રીતસર નફરત કરવા લાગ્યું. તેને પોતાની એ જમીન સરકતી લાગી જે તેમણે જુઠ્ઠાણાંના જ્વાળામુખી પર ઉભી કરી હતી.

  મેઈનસ્ટ્રીમ મીડિયાના ભરસક પ્રયાસો છતાં નરેન્દ્ર મોદી અને ભાજપ 2014માં સ્પષ્ટ અને મજબૂત બહુમતી સાથે સત્તા પર આવ્યો અને ખીસિયાણી બિલ્લી ખંભા નોચે એ ન્યાયે હવે આ મેઈનસ્ટ્રીમ મીડિયાએ મોદી સરકારને બદનામ કરવાનો પણ પ્રયાસ શરુ કરી દીધો. આનું એક સુંદર ઉદાહરણ નોટબંધીના સમયે જોવા મળ્યું હતું. અલબત આખો દેશ એ સમયે લાઈનમાં ઉભો હતો, પરંતુ મીડિયા દ્વારા માત્ર તકલીફ પડતી હોય તેવા જ લોકોના નોટબંધી અંગેના મંતવ્યો લેવામાં આવ્યા. વગર તકલીફવાળા વ્યક્તિઓની કાં તો સાવ અવગણના કરવામાં આવી અથવાતો કહેવાતી તટસ્થતા માટે એકાદી આવી વ્યક્તિ સામે માઈક ધરવામાં આવતું હતું. વળી, જેને તકલીફ પડી હોય એ જો છેવટે એમ કહે કે ભલે તેને તકલીફ પડી રહી છે પરંતુ દેશમાંથી કાળુનાણું દૂર કરવાના પ્રયાસના ભાગરૂપે તે સરકારની સાથે છે તો તરત જ તેની સામેથી માઈક ખસેડીને બીજી વ્યક્તિ સમક્ષ ધરી દેવામાં આવતું.

  આ સમયે સોશિયલ મીડિયાના કેટલાક સૈનિકોએ જાતે આવી લાઈનો પાસે જઈને નોટબંધી અંગે હકારાત્મક વિચારો ધરાવતા લોકોના અડધાથી એક મિનિટના વિડીયો અપલોડ કરવાના શરુ કર્યા. પોતાની સરકાર વિરોધી નીતિ નિષ્ફળ જતી દેખાતા જ મીડિયાએ બમણા જોરથી એકપક્ષીય વિચારધારા ધરાવતા અર્થશાસ્ત્રીઓને સ્ટુડિયોમાં બોલાવ્યા અને દેશની સામાન્ય પ્રજાના મતને અર્થશાસ્ત્રના જ્ઞાનનો અભાવ ગણાવીને તેમને ઉતારી પાડવાની હદ સુધી ઉતર્યા.

  JNU માં દેશ વિરોધી સુત્રોચ્ચારને પહેલા તો ખોટા હોવાના સમાચાર આ જ મીડિયાએ પ્રસારિત કર્યા, પરંતુ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જેમ જેમ આ સુત્રોચ્ચારો સાચા હોવાની વિડીયો ક્લિપ્સ ફરવા લાગી કે તરત જ આ વિડીયોને વાયરલ કરનારાઓની બદનામી કરવા સુધી કેટલાક નામી પત્રકારો પહોંચી ગયા એટલું જ નહીં પરંતુ સત્યને બહાર લાવનારા યુઝર્સનું અપમાન થાય એ પ્રકારની ચર્ચા પોતાના સ્ટુડીયોમાં પણ ગોઠવી.

  તો સવાલ એ છે કે સોશિયલ મીડિયાથી આપણું મેઈનસ્ટ્રીમ મીડિયા કેમ ભૂરાંટુ થાય છે? તેનો જવાબ સ્પષ્ટ છે અને એ છે પોતાનું મહત્ત્વ ઘટી જવાનો અથવાતો સમય જતાં પોતાની નોંધ લેવાવી બંધ થઇ જવાનો ડર. જો આ જવાબ સાચો હોય તો શું મીડિયાએ આત્મનિરીક્ષણ કરવાની જરૂર નથી? મીડિયાનો ભાગ હોવા છતાં હું માનું છું કે કોઇપણ મીડિયા હાઉસ કે પછી મીડિયાકર્મી તટસ્થ રહી શકતો નથી. પરંતુ તેમ છતાં સાચા સમાચાર આપવામાં શરમ શેની? હાલમાં જ વર્લ્ડ બેન્કના Ease of doing report માં ભારતે કરેલા નોંધપાત્ર સુધારા પર પણ મીડિયા દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યો હતો, શું આમ કરવાની જરૂર હતી? ફક્ત તમારી પસંદનો રિપોર્ટ ન આવ્યો એટલે એ અયોગ્ય અથવાતો અવિશ્વાસુ થઇ ગયો? વિચારો જો ભારત આ રિપોર્ટમાં માત્ર એક જ સ્થાન નીચે ગયું હોત તો આ જ મીડિયા વર્લ્ડ બેન્કના વખાણ કરવામાં અને ભારતીય અર્થતંત્રની હાલત પતલી હોવાના રોદણાં રોતા રોતા ઊંધું વળી ગયું હોત.

  આપણા ગુજરાતી મીડિયામાં પણ આ પ્રકારના પત્રકારોની કમી નથી જ. એક અંગ્રેજી અખબારના ઓછા જાણીતા પત્રકારે અમુક મહિના અગાઉ પોતાની ફેસબુક વોલ પર ગુજરાતમાં નરેન્દ્ર મોદીની બપોરે જ્યાં સભા શરુ થવાની હતી તેની ખાલી ખુરશીઓ તેમણે સભા શરુ થવાના ત્રણ કલાક પહેલા ક્લિક કરી અને સભા શરુ થઇ ત્યારે પોસ્ટ કરી અને કહ્યું કે ગુજરાતમાં મોદીની લોકપ્રિયતા ઘટી ગઈ છે, જ્યારે આ સભા ટીવી પર લાઈવ જોનારાઓને બીજું જ કોઈ દ્રશ્ય દેખાઈ રહ્યું હતું. તો એક અન્ય મોદીદ્વેષી પત્રકારે અમિત શાહની પેલી સુરતની સભા જેમાં પાટીદાર સંગઠન દ્વારા તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો ત્યાં સ્ટેજ આગળ રહેલી સુરક્ષા રેલીંગનો ફોટો એવા એન્ગલથી લઈને પોસ્ટ કર્યો કે જાણે આ રેલીંગ છ થી સાત ફૂટ ઉંચી હોય.

  બાદમાં આ પત્રકારે સવાલ કર્યો કે અમિત શાહ કેમ ગુજરાતીઓથી ગભરાય છે? ત્યારબાદ સોશિયલ મીડિયામાં રેલીંગથી અમૂક ફૂટ દૂરથી ખેંચવામાં આવેલા ફોટોગ્રાફ્સથી એ સાબિત થયું કે રેલીંગની ઉંચાઈ બે ફૂટથી કદાચ જ વધુ હોય. વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે અમિત શાહને જે ગ્રેડની સુરક્ષા ફાળવવામાં આવી છે તેમાં આ પ્રકારની રેલીંગ હોવી એ તેની લઘુત્તમ જરૂરીયાતમાં સામેલ છે.

  હવે આ પ્રકારના રિપોર્ટીંગને ફાઈનલ માનીને પત્રકારો એમ માની લેશે કે પ્રજા તેને સાચું માનશે અને બાદમાં જો સોશિયલ મીડિયા ફક્ત ફેક્ટ દર્શાવીને પત્રકારોની કહેવાતી સત્યતાના ધજાગરા ઉડાડે તો પછી મીડિયા સોશિયલ મીડિયા પર ભૂરાંટુ ન થાય તો જ નવાઈ!

  હજી પણ મોડું નથી થયું. ભલે તમે કોઈ એક રાજકીય વિચારધારાને વળગી રહો, ભલે તમે કદાચ કોઈ મજબૂરીને લીધે સત્યથી વેગળા સમાચાર પ્રજામાં ફેલાવો, પરંતુ ફેબ્રિકેટેડ એટલેકે ઉપજાવી કાઢેલા સમાચારથી તો દૂર રહો? અને પ્લીઝ પોતાને તટસ્થ કહેવાનું બંધ કરો. જો તમને મોદીની સભાના ત્રણ કલાક અગાઉના ફોટોગ્રાફ્સ પોસ્ટ કરો છો તો રાહુલ ગાંધીની ચાલુ સભાની ખાલી ખુરશીઓના પિક્ચર્સ કેમ પોસ્ટ કરવાનું મન નથી થતું? જો તમે તટસ્થ હોવ તો તમારે બંને દ્રશ્યો દેખાડવા જોઈએ.

  ભારતમાં જો મીડિયા બદનામ છે તો તેના માટે ખુદ મીડિયા જ જવાબદાર છે બીજું કોઈજ નહીં. મીડિયા જ્યારે ખુદની સામે આયનો ધરવાની હિંમત ભેગી કરશે ત્યારેજ તેની વિશ્વસનીયતા પરત આવશે એમાં કોઈજ શંકા નથી.

  ૧૬.૧૧.૨૦૧૭, ગુરુવાર

  અમદાવાદ

  eછાપું

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here