જો ખરેખર બટાકા માંથી સોનુ બને તો?

  0
  782

  રાજનીતિ ભૂલી જાઓ કે ફલાણાએ આવું કીધું હતું કે નહતું કીધું, ફક્ત એટલુંજ વિચારો કે જો બટાકા માંથી ખરેખર સોનુ બને તો? “અરે… એ વિડીયો તો અડધો જ બતાયો છે એમાં તો કઈક અલગ વાત હતી!!” અરે… હું એવું નથી કહેતો કે આ લેખને વિડીયો જોડે કોઈ લેવા દેવા છે, હું કહું છું એક વાર વિચારો તો ખરા કે જો ખરેખર બટાકામાંથી સોનુ બનવા લાગે તો શું થાય ??

  સૌથી પહેલી અસર તો એ થાય કે, દરેક પ્રકારના બટાકાવાળા પ્રોડક્ટના ભાવ વધી જાય. દા.ત એક પ્લેટ ડુંગળી પૌવા મળે પણ જો તમારે બટેટા-પૌવા જોઈતા હોયતો તમારે પર પ્લેટ નહીં પણ તોલા માં ભાવ ચૂકવવા પડે. આલુમટર સેન્ડવિચથી માંડીને બધો નાસ્તો “બોલો કેટલા તોલા જોઈએ છે?” એ રીતે વેચાવા લાગે. વેફરના પેકેટમાં તો બસ હવા જ હવા આવે એકાદ વેફર માંડ નીકળે એવી પરિસ્થીતીનું સર્જન થાય.

  ઘણા લોકો પાસે જમીન હોય તો પણ છોકરી ન મળતી હોય એવું થતું હોય છે, આવા લોકોનું પણ પણ નસીબ બદલાઈ જશે. બાહુબલીના પ્રભાસને આવ્યા એના કરતા પણ તમારે વધારે માંગા આવશે જો તમારે ૧૦૦૦ વીઘા બટાકાની ખેતી હશે તો છોકરીઓ તમારી જોડે લગ્ન કરવા પડાપડી કરશે. અને ઘણા છોકરાવાળા છોકરી જોવા જશે ત્યારે ગર્વથી કહેશે અમારા છોકરાને તો બટાકાની લારી છે. આ ઉપરાંત  રીક્ષા પાછળ લખેલા સ્લોગન પણ બદલાઈ જાય “લવ કર એના કરતા બે વીઘા ઘઉં કર” ની જગ્યાએ  “લવ કર એના કરતા બે વીઘામાં બટેટા  કર” કે પછી “દીકરો વાઈફ સુધી બટાકા લાઈફ સુધી” અથવાતો  “GO Green, Go Potato”

  ઘણા લોકો સોનાની જગ્યાએ એના રો મટીરીયલ બટાકાને મોર્ગેજ કરીને પણ લોન લઇ આવશે. અક્ષય કુમાર એડ આપશે “જબ ઘરમે પડા હો આલૂ તો ક્યૂં કરના રોના ચાલૂ?”  જો લોન ના ભરું તો બટાકાનું શાક બનાવી ખાઈને બીજા દિવસે એનું સોનું બનાવીને લઇ લેજો એવા શરતો વાળા કરારો થશે. મુકેશ કાકા પણ કદાચ પેટ્રોલના અને મોબાઈલના ધંધા સાથે બટાકાનો ધંધો પણ ચાલુ કરી શકે છે.. ‘જીઓ બટાકા’! “બટાકા અમારા અને બટાકા ખાવા પછી જે નીકળે એ પણ અમારું” એવી સ્કીમો પણ ચાલુ થઇ જશે. સાથે સાથે ગુનાખોરી પણ વધશે અને રોજ સમાચાર આવશે કે, “ગઠીયો બે કિલો બટાકા તફડાવી ગયો”, “દુબઈ થી બટાકાનું શાક ખાઈને આવેલા બે વ્યક્તિઓને અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે દાણચોરી કરતા ઝડપ્યા”, એક બોરી ની ચાર બોરી કરી અપાઈશ એવું કહીને ગઠિયો વૃદ્ધાની બટાકાની એક બોરી  લઈને ફરાર.”

  લોકો બટાકાને ખાધા પછી ગમે ત્યાં નહીં જાય અને એટલે આપોઆપ સ્વચ્છ ભારત થઇ જશે કેમકે બટાકા ખાધા પછી જ તો અસલી સોનું નીકળે છે! ઘણા પ્રસંગોમાં દેખાડો કરવા બટાકાનું રસાવાળું શાક અથવા લસણીયા બટાકા રખાય અને જો કોઈ થોડા ઓછા અમીર હોય અને નાના બટાકા જ અફોર્ડ કરી શકે એવું હોય તો દમઆલુનું શાક પ્રસંગમાં રખાય અને પ્રસંગ વખતે કોઈ પૂછે કે કુટુંબનાં બધા સભ્યો ક્યા ગયા છે? તો ઘણા લોકો જવાબ આપશે, “અરે ગઈ કાલે નાતનાં જમણવારમાં બટાકાનું શાક અને વાલ ખાધા હતા એટલે અત્યારે સોનુ ઝારવા ખેતરે ગયા છે. કોઈ ધારોકે બટાકાની સુકી ભાજી ખાઈને  વાછૂટ કરે તો એને એવું પણ કહી શકાશે કે, “વાહ શું સુવર્ણપાદ હતું!” હવે કદાચ સોના-ચાંદી ચ્યવનપ્રાશમાં સોનાની જગ્યાએ બટાકા અને ચાંદીનો ઉપયોગ થાય એ શક્ય બની શકે છે.

  MCX એક્ષચેન્જ પર સોનાની જગ્યાએ બટાકાનું ટ્રેડીગ થશે. લોકો લોકરમાં બટાકા મૂકી આવશે અને સમાજમાં ચર્ચા થશે કે ફલાણાની છોકરીનાં લગ્નમાં તો એને પાંચ તોલા બટાકા ચઢાયા અને લગ્ન પ્રસંગે પણ બટાકાનું રસાવાળું, બટાકાની સુકી ભાજી, બટાકા વડા, લસણીયા બટાકા, દમ આલુ, આલુ કોફતા, આલુ ચાટ, બટાકા વેફર એવી સત્તર જેટલી બટાકાની વસ્તુઓ રાખી હતી બહુ ખર્ચો કર્યો હતો એમ પણ કહેવાશે.

  કોઈ બેઠા બેઠા ટીવી જોયા કરતુ હોય તો એને Couch Potato પણ કહી શકાશે નહીં એવું કહેવાની જગ્યાએ તેને ‘Golden Couch’ જેવી નવી ઉપમા આપવામાં આવશે. જૂની વાર્તાઓ પણ ચેન્જ કરવી પડશે. જેમકે રાજા ખાય રીંગણા ની જગ્યાએ રાજા ખાય બટાકા કરવું પડશે કેમકે રાજા થઇ ને સોનાથી નીચેના લેવલનું શાક ખાઈ જ ના શકાય! ખીચડી રાષ્ટ્રીય ખોરાક હોવાથી જો એમાં તમે બટાકા નાખ્યા તો રાષ્ટ્રીય ખોરાકમાં સોના ની સુગંધ ભળી ગઈ એવું ઘણા ફૂડ બ્લોગર લખશે અને આવું બધું બન્યા પછી ક્યાંક પાકિસ્તાનમાં બેઠેલો ઈન્ઝમામ ઉલ હક ખુશ થશે કે એની ક્રિકેટ કારકિર્દીનાં સ્વર્ણ કાળ દરમિયાન એને પણ કોઈ એ ‘આલુ’ કહ્યો હતો અને આથી તે ગઈગુજરી ભૂલી જઈ અને ખાસ ટોરન્ટો જઈને જે વ્યક્તિના તેને આલૂ કહેવા પર એણે હાથ સાફ કર્યો હતો તેની માફી માંગશે .

  લી – વ્યવસ્થિત લઘર વઘર અમદાવાદી.

   

  #eછાપું

   

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here