લગભગ એક કલાક અગાઉ ભારત અને શ્રીલંકા વચ્ચે કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ પર એક રોમાંચક ટેસ્ટ મેચનો અંત આવ્યો. આ ટેસ્ટનો પહેલો દિવસ આખો લગભગ વરસાદની ભેટ ચડી ગયો હતો. પરંતુ વરસાદે પહેલા દિવસનો ભોગ લીધો તે પહેલા બેટિંગ કરી રહેલી ભારતીય ટીમને ચાર વિકેટોનું ભરપૂર નુકસાન થવાથી બચી શકાયું ન હતું. બીજે દિવસે ચેતેશ્વર પૂજારા અને પૂંછડીયા બેટ્સમેનોની મદદથી ભારતે 172 જેવો કોઇપણ પીચ પર નબળો કહી શકાય તેવો સ્કોર ઉભો કર્યો હતો.
શ્રીલંકાનો જવાબ પણ શરૂઆતમાં એટલો સારો ન રહ્યો હતો. લહીરુ થીરીમાને અને એન્જેલો મેથ્યુઝની બેટિંગને લીધે શ્રીલંકાએ ભારત પર 122 રનની લીડ લીધી. જે વાતાવરણમાં અને ખાસ કરીને જે પ્રકારની પીચ પર આ ટેસ્ટ રમાઈ રહી હતી તે જોતા આટલી લીડનું પણ ખૂબ મોટું મહત્ત્વ કહી શકાય. પણ ભલું થજો આપણા બન્ને ઓપનીંગ બેટ્સમેનોનું કે એમણે ચોથે દિવસે ઝડપી બેટિંગ કરી અને લીડને તરત જ ઉતારી દીધી હતી.
પણ તેમ છતાં ભારત પરનો ભય આજે પાંચમાં દિવસની રમત શરુ થઇ ત્યાં સુધી ઓછો થયો ન હતો. ગઈકાલે ભારતની એક જ વિકેટ પડી હતી પરંતુ આજે સવારના સેશનમાં જ ભારતે એક પછી એક ત્રણ વિકેટો ગુમાવી દીધી હતી અને એ સમયે શ્રીલંકા પર તેણે 100 રનની પણ લીડ લીધી ન હતી. એક તરફ બેટ્સમેનોની આવનજાવન ચાલુ રહી હતી પણ બીજી તરફ કેપ્ટન કોહલી ક્રીઝ પર ચોંટીને ઉભો હતો. એકવાર ભારતે લગભગ 150-175ની લીડ મેળવી કે તરતજ કોહલીએ ગીયર બદલ્યું.
કોહલી આ સમયે 70 રન પર હતો અને તેને કદાચ લાગ્યું હશે કે કોલકાતામાં અંધારું વહેલું પડે છે આથી આટલા રન સુધી પણ જો શ્રીલંકા પહોંચશે તે પહેલા જ મેચ કદાચ ડ્રો થઇ જાય. આથી તેણે થોડું રિસ્ક લેવાનું શરુ કર્યું અને ફટાફટ બેટિંગ કરવા લાગી અને આ પ્રોસેસમાં તેણે પોતાની સેન્ચુરી પણ બનાવી અને દાવ ડિક્લેર કર્યો. વિરાટ કોહલીનો જુગાર લગભગ સફળ થયો કારણકે બીજી ઈનિંગમાં શ્રીલંકાના બેટ્સમેનો સીમ થઇ રહેલા બોલનો સામનો કરવામાં નિષ્ફળ જવા લાગ્યા અને શ્રીલંકાની એક સમયે 75 રનમાં 7 વિકેટો પડી ગઈ હતી. પરંતુ લાઈટ પૂરતી ન રહેવાથી અમ્પાયરોએ મેચને ડ્રો જાહેર કરી હતી.
એકરીતે જોવા જઈએ તો આ રિઝલ્ટથી બંને ટીમો ખુશ હશે કારણકે ટેસ્ટમાં બંને ટીમો કોઈને કોઈ સમયે મેચ હારવાની પોઝીશન પર હતી અને તે પણ છેક છેલ્લા દિવસ સુધી. આ પ્રકારની ટેસ્ટ મેચો ભારતમાં તો શું હવે વિદેશની ભૂમિ પર પણ બહુ ઓછી જોવા મળે છે. ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોથી માત્ર સ્પિનરોને મદદ કરતી વિકેટો બનાવવામાં આવે છે જેને કારણે ભારતના સ્પિનરો વિદેશી ટીમ પર છવાઈ જાય છે અને ટેસ્ટ મેચો એકતરફી બની જાય છે. BCCIની આ પીચ નીતિ પર કોઈને પણ વાંધો ન હોઈ શકે કારણકે વિદેશમાં આપણને મદદરૂપ થાય તેવી પીચો બનતી નથી.
કદાચ કોલકાતા ટેસ્ટમાં પણ અત્યારસુધી થતું આવ્યું હતું તેમ જ થાત જો શરૂઆતમાં વરસાદ ન પડ્યો હોત. પરંતુ વરસાદને લીધે શરૂઆતના બે દિવસો ગ્રીનટોપ પીચ સતત કવર હેઠળ રહી અને તેને કારણે તે વધુને વધુ સીમ અને સ્વિંગ બોલિંગને મદદ કરવા લાગી હતી. આપણે એ પણ જોયું કે બંનેમાંથી એક પણ ટીમે આ ટેસ્ટમાં 400 નો સ્કોર ઉભો કર્યો ન હતો પરંતુ તેમ છતાં મેચ રોમાંચક બની ગઈ હતી.
ભારતની ધરતી પર આ પ્રકારની છેક છેલ્લી ઘડી સુધી શું થશે એવી ટેસ્ટ મેચ ખૂબ મોટા અંતરાલ બાદ જોવા મળી. છેલ્લે આવી ટેસ્ટ ક્યારે જોવા મળી હતી એ પણ યાદ નથી. કદાચ થોડા વર્ષ અગાઉ વેસ્ટ ઇન્ડીઝ સામે રમાયેલી મુંબઈ ટેસ્ટ યાદ આવે છે જેમાં છેલ્લી ઈનિંગમાં સ્કોર સરખો રહ્યો હતો પરંતુ ભારત ઓલ આઉટ થયું ન હોવાથી મેચ છેલ્લા દડે ડ્રો થઇ હતી. કોલકાતામાં બોલરોને મદદ કરતી પીચ મળવાથી ક્રિકેટ એ બોલરોની પણ રમત છે એ આશ્વાસન આપણને મળ્યું છે.
બોલરોને પોતાની ટેલેન્ટ દેખાડવા માટે મળેલી તક માટે કદાચ આપણે ક્રિકેટ એસોશિયેશન ઓફ બેન્ગોલ (CAB) ના સર્વેસર્વા અને ભારતના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીનો આભાર માનવો જોઈએ જેમણે આ પ્રકારની પીચ તૈયાર કરાવડાવી. બોલર ફ્રેન્ડલી પીચ હોય તો પણ જો તમારામાં ટેલેન્ટ હોય તો તમે આવી પીચ પર પણ સુંદર રમત દેખાડી શકો છો તે પણ આ ટેસ્ટમાં કે એલ રાહુલ, શિખર ધવન અને વિરાટ કોહલીએ સાબિત કરી બતાવ્યું છે.
જય હો ટેસ્ટ મેચ!
eછાપું
તમને ગમશે: રામરહીમ અને હનીપ્રિતનું નામ ધરાવતા ગર્દભોની જોડી રૂ. 11,000 વેંચાઈ