દાઢીવાલી ફૌજ એટલે કે MARCOS

  0
  326

  કાળીડિબાંગ રાત્રીમાં નબળાં હૃદયનાં માણસ જો જોય જાય તો બાપડો સ્વધામ પહોંચી જાય એવી 18 આકૃતિઓ પોતપોતાની Gemini Boat કહેવાતી હોડીઓમાં ગોઠવાઈ ગઈ હતી. ભૂતાવળ જેવા લાગતા 18 લોકોની ઓળખ કરવી મુશ્કેલ હતી. તેમની આકૃતિ માનવ કરતાં પરગ્રહવાસી જેવી વધારે લાગતી હતી. શરીર પર ઘોર રાત્રી જેવા કાળાં કપડાં અને એ કપડાં ઉપર સમુદ્રનું પાણી ચમકારા મારતું હતું. જેવા બધાં ગોઠવાઈ ગયા કે બન્ને હોડીઓ પોતાની મંજિલ તરફ હંકારવા માંડી.

  હોડીઓએ દરિયાઈ સુરંગોની વચ્ચેથી હંકારવાનું હતું. બન્ને હોડીઓની પાછળ તરાપા બાંધેલા હતા અને એ તરાપમાં ઢગલાબંધ વિસ્ફોટક હતું. હોડીમાં સવાર બહાદુરોનો ઉદેશ્ય એ વિસ્ફોટકને તેના સાચા સરનામે પહોંચાડવાનો હતો. કોઈ પર જેટ્ટીનું સરનામું હતું તો અન્ય પર કોઈ હોડીનું સરનામું હતું. દરિયાઈ સુરંગોની સાથે સાથે દુશ્મનની નજરે ના ચડી જવાય તેનું પણ ધ્યાન રાખવાનું હતું.

  આ જીવસટોસટીનું  મિશન કોઈ નવલકથાનું નથી. જેનો નાશ થવાનો હતો એ જેટ્ટીનું નામ હતું ગુરુનગર જેટ્ટી. જે દુશ્મનની બિછાવેલી સુરંગો અને બંદુકોનો સામનો આ 18 બહાદુરો કરવાં જઈ રહ્યા હતા એ દુશ્મનની નિશાની વાઘની હતી. હિંસકતામાં વાઘ જેવા ને લુચ્ચાઈમાં લોમડીને આંટી મારે એવા એ દુશ્મનનું નામ હતું LTTE. આ ખૂંખાર અને ખંધા દુશ્મન ને લપડાક મારવા જઈ રહેલાં નિર્ભીક યુવાનો એટલે નવી જ જન્મેલી Indian Special Marine Force (ISMF). હવે તો તેનું નામ બદલીને Marine Commando Force (MCF) થયું છે અને ઘણાં એને MARCOSના નામે પણ ઓળખે છે.        

  ઉપર વર્ણવ્યું તે મિશન MARCOS માટે અગ્નિપરીક્ષા સમાન તો હતું જ પરંતુ ભારતીય શાંતિસેના (IPKF) માટે પણ બહુ જ મહત્વનું હતું. ગુરુનગર જેટ્ટી અને ત્યાં લંગારેલી સ્પીડબોટો દ્વારા LTTEને સતત નવો પુરવઠો મળી રહ્યો હતો. જો પુરવઠો મળતો રહે તો LTTEને  IPKF સામે લડવાનું જોર પણ મળતું રહે. પણ જો આ પુરવઠો કપાઈ જાય તો LTTEને વહેલી ટકે ઘૂંટણિયે પડ્યાં વગર આરો નહિ. જેટલું જલ્દી LTTE હિંસાનો રસ્તો છોડે એટલા ઓછાં નાગરિકો અને સૈનિકોનાં જીવન બચી જાય.

  1987માં સ્થાપવામાં આવેલ MARCOSનો મુખ્ય ઉદેશ્ય હતો Amphibious (ઉભયચર) મિશન માટેના નિષ્ણાતોની ટુકડી તૈયાર કરવાનો. મધદરિયે ચાંચીયાઓએ અપહરણ કરેલા જહાજને છોડવાનું હોય, પાણીમાં આતંકવાદીઓનો પીછો કરવાનો હોય કે પછી દરિયાની નજીકના લશ્કરી લક્ષ્યાંકોનો નાશ કરવાનો હોય. આ બધાં કાર્યો કરવાં માટે MARCOS હંમેશા તૈયાર હોય છે. MARCOSની રચના અને ટ્રેનિંગ ઓસામાને સાફ કરી નાખનાર US Navy SEALની ઢબે કરવામાં આવી હતી અને આજની તારીખે પણ તેઓ અનેક કવાયતોમાં સાથે જોવા મળે છે.

  સફર ચાલુ કર્યાંના ત્રણ કલાક પછી MARCOS ટુકડી ગુરુનગર જેટ્ટી પરના લક્ષ્યાંક પાસે પહોંચી. હવે આ ટુકડી બે ભાગ માં વહેચાણી। પ્રથમ ટુકડીએ જેટ્ટી પાર વિસ્ફોટકો ગોઠવ્યા જયારે બીજી ટુકડીએ ત્યાં લાંગરેલી હોડીઓ પર વિસ્ફોટકો ગોઠવ્યા. ગુરુનગર જેટ્ટીની સુરક્ષા માટે LTTEએ આજુ બાજુની ઇમારતો પર સ્નાઈપર તેનાત કરેલા હતા. હોડીઓ પર વિસ્ફોટક લગાડતી વખતે MARCOS ટુકડી એક સ્નાઈપરની નજરે ચડી, જેવી એ ટુકડી નજરમાં આવી કે તરત જ તેના પર ગોળીબાર ચાલુ થયો.

  MARCOS ટુકડીએ પણ દુશ્મન પર વળતો પ્રહાર કર્યો અને પ્લાન મુજબ વિસ્ફોટકો દાગી દીધા. મિશન પૂરું થયું અને સમય હતો સહી સલામત પાછા ફરવાનો. Gemini Craft ખુલ્લા સમુદ્ર તરફ ડોટ મૂકી અને અંતે નૌસેના યુદ્ધજહાજ સુધી પહોંચી. 18 નરબંકા, વાઘ જેવા શત્રુનાં જડબાના દાંત ગણીને અને કસકસાવીને તમાચો મારી ને હેમખેમ પાછા ફર્યા હતા.

  આ પરાક્રમ કર્યાના બે દિવસ પછી ફરીથી ગુરુનગર જેટ્ટી પર લાંગરેલી રહીસહી હોડીઓને સાગરતળિયે મોકલવા માટે MARCOS ટુકડી પહોંચી ગઈ હતી. આ ઉપરાંત જાફના અને ત્રિનકોમાલી બંદરને પણ LTTEના કબ્જાથી છોડવામાં પણ MARCOSએ મહત્વની ભૂમિકા ભજવી હતી.

  MARCOSએ જાણીતાં અને અજાણ્યાં એવા અનેક મિશન પાર પાડ્યા છે. જયારે માલદીવ્સ પાર ભાડુતી સૈનિકોએ આક્રમણ કર્યું અને ત્યાંના મંત્રીઓને બાન પકડીને જહાજ દ્વારા ભાગી રહ્યાં હતાં ત્યારે MARCOSએ જહાજને કબ્જે લઇને બાન પકડેલા વ્યક્તિઓને છોડાવ્યાં હતાં. 26/11 વખતે જયારે આતંકવાદીઓ તાજ હોટેલ માં ઘુસ્યા હતાં ત્યારે સહુથી પેહલી કાર્યવાહી MARCOSએ કરી હતી. અલગ અલગ યુદ્ધજહાજો પાર રહેલી MARCOS ટુકડીઓ અવારનવાર ચાંચીયાઓએ હાઈજેક કરેલા જહાજોને છોડાવાથી લઇ ને પૂર દરમ્યાન બચાવ કામગીરી જેવી અનેકવિધ ભૂમિકાઓ નિભાવે છે.

  જમ્મુ કાશ્મીરમાં આવેલા વુલર તળાવ 250 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે. ઘણી વાર આતંકવાદીઓ વુલર તળાવનો ઉપયોગ હથિયારોની હેરફેર કરવા માટે કરે છે. MARCOSની એક ટુકડી વુલર તળાવની બાજુમાં તહેનાત છે. અહીંયા તેમનું કામ સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત આતંકવાદીઓની સફાઈ કરવાનું છે. આ કામ MARCOS એટલી સારી રીતે કરે છે કે આતંકવાદીઓ તેમને અલગ નામ આપ્યું છે – દાઢીવાલી ફૌજ – તો અમુક આતંકવાદીઓ તેમને “વુલરના મગરમચ્છ” પણ કહે છે.

  મગરમચ્છ જેવા ખૂંખાર MARCOSની ચોક્કસ સંખ્યા તો અતિશય ગોપનીય છે, પણ એક અંદાજ મુજબ તેમાં 900થી વધારે સભ્યો નથી. MARCOSને બેઝીક ટ્રેનિંગ ઉપરાંત વિવિધ શસ્ત્રોની, પાણીની નીચે વિસ્ફોટ કરવાની, બાન પકડેલા વ્યક્તિઓને છોડાવાની વગેરેની ટ્રેનિંગ આપવામાં આવે છે. આ ઉપરાંત દરેક કમાન્ડો એક પાવરધો છત્રીસૈનિક પણ હોય છે. આ રીતે MARCOS ‘જળ થળ અને વાયુ” દ્વારા ગમે ત્યાં પહોંચી શકે છે.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here