ગુજરાત વિધાનસભા ચૂંટણીના તાજા સમીકરણો કેવા છે?

    0
    388

    ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે તો આવીને ઉભી રહી છે, બધા પક્ષો જીત-હારના સમીકરણમાં લાગી ગયા છે. પણ દર વખતની જેમ આ વખતે પણ સીધી લડાઈ તો ભાજપ-કોંગ્રેસ વચ્ચે જ છે, તો ચાલો બંને પક્ષોનું સરવૈયું કાઢીએ

    રાહુલ ગાંધીએ આ વખતની ગુજરાત વિધાનસભા ચૂંટણી પ્રચારની શરુઆત તો જોરદાર કરી. આ વખતે એ એટલા બધા મંદિરોમાં ગયા છે કે વાત ના પૂછો.  દ્વારકા, ચોટીલા, કાગવડ, ઉમિયા ધામ, અંબાજી, અક્ષરધામ અને બીજા ઘણા બધા અને એની નોંધ તો દરેક મીડિયાવાળાએ લીધી પણ ખરી. આ વખતે કોંગ્રેસના યુવરાજ દેખાયાય પણ આક્રમક મૂડમાં! રોડ શો અને જાહેર સભાઓ કરી અનેક ગામો ગજાવ્યાં, સાથે-સાથે જ્ઞાતિવાદનું સમીકરણ કરી વિવિધ જ્ઞાતિના નેતાઓને પોતાના પક્ષમાં સમાવી લીધા.

    જે સીધા પક્ષ સાથેના જોડાયા એ બહારથી ટેકો આપી મદદ કરવા લાગ્યા અને સરવાળે કોંગ્રેસની જોરદાર હવા ઉભી કરી લીધી પણ આ બધું ચૂંટણી દોઢ મહિના પહેલા થયું. જેમ જેમ ચૂંટણી નજીક આવતી ગઈ તેમ તેમ મુશ્કેલીઓ વધતી ગઈ, જે કોંગ્રેસ ત્રણ મહિના પહેલા ટિકિટ વહેંચી ઉમેદવારનું લિસ્ટ બહાર પાડવાની હતી તે વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાના ફોર્મ ભરવાની છેલ્લી તારીખે લિસ્ટ બહાર પાડી શકી અને તેમાં પણ ખૂબજ વિરોધ થયો. દર વખતની જેમ આ વખતે પણ ઉમેદવારના નામ જાહેર થતા જ વિરોધ વંટોળ ઉભો થયો. આ વખતે તો મુશ્કેલી પણ કોંગ્રેસ જ વધારી હતી, પોતાના પક્ષના ટિકિટ ઝંખતા લોકોને જ કોંગ્રેસ માંડ-માંડ  સમજાવી શકે છે ત્યારે જ્ઞાતિના નેતાઓને અને NCP અને JDUને પણ ટિકિટ વહેચણી કરવાની. આપણાંમાં કહેવત છે “ઝાઝી સુયાણી વેતર વંઠે” અને કોંગ્રેસ માં પણ એવું જ કઈંક થયું બધા પોત-પોતાની ટિકિટ દાવેદારી કરવા લાગ્યા અને પરિણામે કોંગ્રેસ કોઈને ખુશ ના કરી શકી. એક જ અઠવાડિયામાં બધી હવા નીકળવા લાગી અને એક સંધે ત્યાં તેર તૂટે એવી સ્થિતિ ઉભી થઇ.

    સામે પક્ષે ભાજપ મક્કમ ગતિએ આગળ વધતું રહ્યું, એક ગૌરવ યાત્રાને બાદ કરતા હજી સુધી કોઈ મોટો ચૂંટણી પ્રચાર કર્યો નથી. અત્યાર સુધી ભાજપે પોતાનું સંગઠન મજબૂત બનાવ્યું. અમિત શાહે દરેક જિલ્લામા ફરી હોદ્દેદારો અને કાર્યકરોને બંધબારણે ચૂંટણી જીતવાનો મંત્ર આપી, નવો પ્રાણ ફૂંક્યો. ટિકિટ વહેંચણીમાં રિસ્ક લીધા વગર મોટા ભાગના ધારાસભ્યોને રિપીટ કર્યા જેથી વિરોધ થવાની સંભાવના ઓછી થાય, તો પણ અમુક જિલ્લાઓમાં વિરોધ થયો પણ કોઈ ખાસ મોટા પાયે નહીં.  વિવિધ આંદોલનો પદ્ધતિસરની સ્ટ્રૅટેજીથી નબળા પાડ્યા અને નારાજ હતા એને સમજવાનો પ્રયત્ન કર્યો. ભાજપ માટે કપરા ચઢાણ લાગતા હતા એ હવે થોડા હળવા લાગી રહ્યા છે.

    આ બધા સૌથી મહત્વની વાત ભાજપે આવનારી વિધાનસભા ચૂંટણી માટે ખરો પ્રચાર તો ચાલુ જ નથી કર્યો.  હજી ભાજપના ટ્રમ્પ કાર્ડ જેવા નરેન્દ્ર મોદી એક પણ વાર પ્રચાર કરવા આવ્યા નથી. મોદી અને બીજા દિગ્ગજ નેતાઓ સભાઓ ગજાવશે ત્યારે ખરેખરની ચૂંટણી જામશે. જયારે સામી બાજુ કોંગ્રેસ નવસર્જન યાત્રા કરી થાકી ગયું છે ઉપરાંત ટિકિટ વહેંચણીઓ જે નારાજગી થઇ છે એ અલગ. હવે છેલ્લા પંદર-વીસ દિવસ ચૂંટણી અને બાકી છે તો જે મોમેન્ટમ કોંગ્રેસ પાસે શરૂઆતમાં હતું તે ભાજપ પાસે આવી ગયું છે. કોંગ્રેસ એક જ ઓવરમાં ત્રણ-ચાર વિકેટ ખોઈ નાખી હોઈ એવું લાગી રહ્યું છે.

    વિધાનસભા ચૂંટણીના બે-ત્રણ મહિના પહેલા લગભગ બધા પંડિતોએ કહ્યું હતું કે ભાજપ જીતશે ખરા પણ નબળો પડશે અને સીટ ઓછી થશે, હવે 18 ડિસેમ્બરે શું થાય એ જોવાનું રહ્યું!

     

    eછાપું

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here