Third time lucky – યાના નોવોત્નાને શ્રદ્ધાંજલિ

  1
  336

  ગઈકાલે ટેનીસ જગતનો એક ચમકતો સિતારો ખરી પડ્યો. આ સિતારો એટલે પૂર્વ ઝેકોસ્લોવાકિયાની ખેલાડી યાના નોવોત્ના. 1990ના દાયકામાં જે લોકોએ ટેનીસ ફોલો કર્યું હશે તેના માટે યાના નોવોત્નાનું નામ અને ચહેરો જરાય અજાણ્યો નહીં હોય. યાના નોવોત્ના છેલ્લા ઘણા સમયથી કેન્સર સામે લડાઈ લડી રહી હતી અને ગઈકાલે માત્ર 49 વર્ષની ઉંમરે તે આ લડાઈ હારી ગઈ હતી. ટેનીસ ચાહકો માટે યાનાનું નામ એટલે અજાણ્યું નથી કારણકે 1993ની વિમ્બલ્ડન ફાઈનલમાં તે સમયે નવીસવી એવી જર્મનીની સ્ટેફી ગ્રાફ સામે વિજયના ઉંબરે પહોંચીને તે હારી ગઈ હતી. હારી ગયા બાદ ડચેસ ઓફ કેન્ટ પાસેથી રનર્સ અપની ટ્રોફી સ્વિકારતી વખતે યાના રડી પડી હતી.

  રડતી યાનાની ઈમેજીઝ બીજે દિવસે પૂરા વિશ્વના અખબારોમાં છપાઈ હતી અને તે આજે પણ ટેનીસ ફેન્સના મનમાં અમીટ છે. એ ફાઈનલમાં ગ્રાફ અને યાના બંને એક-એક સેટ જીતી ગયા હતા અને ત્રીજા સેટમાં યાના 4-1ની મોટી લીડ લઇ ચૂકી હતી અને પાંચમી ગેમ જીતવાથી માત્ર એક પોઈન્ટ દૂર હતી. અહીં તેણે ડબલ ફોલ્ટ કર્યો અને પછી સ્ટેફી ગ્રાફે મળેલી આ તકનો ભરપૂર ઉપયોગ કર્યો અને આ છેલ્લો સેટ 6-4 થી જીતી લીધો. સ્વાભાવિકપણે યાના આ મેચમાં એક સમયે જે પોઝીશનમાં હતી ત્યારબાદ આ પ્રકારના પરિણામને સ્વિકારવા માટે તૈયાર ન હતી અને આથી જ ટ્રોફી સ્વીકારતી વખતે તે ભાવુક થઈને રડી પડી હતી.

  આ ફાઈનલના બરોબર ચાર વર્ષ બાદ યાના નોવોત્નાને ફરીથી મોકો મળ્યો વિમ્બલ્ડન જીતવાનો અને આ વખતે પણ તેની સામે એક નવી ટીનેજ સેન્સેશન માર્ટીના હિંગીસ એ ફાઈનલ રમવાની હતી. પરંતુ ઇતિહાસે ફરીથી પુનરાવર્તન કર્યું. ફરીથી ત્રીજા સેટમાં 3-0 થી આગળ હોવા છતાં યાના નોવોત્ના મેચ હારી ગઈ. પરંતુ આ વખતે તે રડી નહીં. છેવટે પછીના વર્ષે નોવોત્નાએ ત્રીજો અને કદાચ સૌથી મજબૂત પ્રયાસ કર્યો અને આ વખતે ફાઈનલમાં તેની સામે આવેલી ફ્રેન્ચ ખેલાડી નતાલી તૌઝીઆત સામે તેણે 2-0 થી આરામથી ફાઈનલ જીતી લીધી.

  વિમ્બલ્ડન ફાઈનલ જીત્યા બાદ યાના નોવોત્નાની સામે ફરીથી ડચેઝ ઓફ કેન્ટ આવ્યા અને તેણે નોવોત્નાને પાંચ વર્ષ અગાઉના પોતાના શબ્દો યાદ દેવડાવ્યા જ્યારે નોવોત્ના હારી ગઈ હતી અને તેમની સમક્ષ રડી રહી હતી. ડચેઝે યાનાને કહ્યું, “તને યાદ છે ને? મેં તને તે દિવસે જ કહ્યું હતું કે તું એક દિવસ આ ટ્રોફી જરૂર જીતીશ!”

  યાના નોવોત્ના જ્યારે સ્ટેફી ગ્રાફ સામે જીતેલી બાજી હારી ગઈ ત્યારે બ્રિટીશ મિડીયાએ પોતાની ‘ભવ્ય’ પરંપરા અનુસાર તેની મશ્કરી ઉડાવી હતી. એક બ્રિટીશ અખબારમાં તેને ‘greatest choker’ કહેવામાં આવી, તો બીજા અખબારમાં તેને ‘No No Novotna’ કહેવામાં આવી. તો એક બ્રિટીશ અખબારે તો તેના રાષ્ટ્ર ચેકોસ્લોવેકિયાને ‘Chokoslovakia’ પણ કહી દીધું.

  તમને ગમશે: પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા સિવાય ટ્રાવેલિંગનો આનંદ કેવીરીતે માણવો? – આ રહી કેટલીક ટિપ્સ

  વર્ષો બાદ એક ઇન્ટરવ્યુમાં નોવોત્નાએ કહ્યું હતું કે એ મેચમાં તેને પોતાની જીતવાની રાહ જોવાની ઈચ્છા વધુ રાખી હતી નહીં કે સ્ટેફી ગ્રાફની હારની રાહ જોવાની. તે સમગ્ર મેચમાં પોઝીટીવ રહી હતી. તેમ છતાં કોઈને તેને choker કહેવી હોય તો તે શું કરી શકે?

  યાનાની વાત બિલકુલ ખોટી ન હતી. જ્યારે કોઈ ખેલાડીએ 24 WTA સિંગલ્સ, 76 ડબલ્સ, એક ગ્રેટ ગ્રાન્ડસ્લેમ ટાઈટલ અને 16 ડબલ્સ ગ્રાન્ડસ્લેમ ટાઈટલ ઉપરાંત ચેકોસ્લોવેકિયા માટે ત્રણ ઓલિમ્પિક મેડલ્સ અને ફેડ કપ જીત્યા હોય તેને તમે એમ choker કેમ કહી શકો?

  ઈશ્વર યાના નોવોત્નાના આત્માને શાંતિ અર્પે!

  eછાપું 

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here