અમદાવાદ ની એ સલૂણી સવારે…..

    2
    336

    “ચાલો પાલડી….પાલડીવાળા હોય એ આગળ આવી જાય” અમદાવાદ નું પ્રથમ સ્ટોપ આવતાની સાથે જ એણે લલકાર્યું.

    ટ્રાવેલ્સના ક્લીનરની આવી ચાર-પાંચ બૂમો પછી ટૂંટિયું વળેલ હું ઝબકીને જાગ્યો. ઠંડીના એ દિવસો હતા. મેં ઓઢેલી શાલ સંકોડીને વ્યવસ્થિત કરી. આંખો ચોળીને ચીપડા કાઢ્યાં. ટ્રાવેલ્સની બારીનો પડદો હટાવી બહાર જોયું, મોસૂઝણું થઈ ચૂક્યું હતું. બારીના કાચ ઠંડા હેમ જેવા હતાં. પુષ્કળ ઠંડી વર્તાતી હતી. કોલેજકાળના રજાના દિવસો વતનમાં ગાળી જૂનાગઢથી અમદાવાદ પરત ફરતાં મારી યાત્રાનો એ અંત હતો. કલીનરે પાછું દોહરાવ્યું ત્યારે હું ઊઠ્યો. મારાં ત્રણ બિસ્તરા જેમતેમ ઊઠાવી હું ઊંધરેટી આંખોએ પૅસેજ વટાવી ટ્રાવેલ્સના દરવાજા પાસેના કઠેડાને પકડીને ઊભો હતો; ત્યાં જ ડ્રાઈવર પણ મારી જેમ ઊંઘમાં લાગતો હોય એણે નિંદરમાં વધારે બ્રેક મારી, હું પડતાં પડતાં બચ્યો. ડ્રાઈવર ડોળા તગતગાવવામાં મારી ‘મોયર’ થયો. મેં કઠેડાને પકડી મારું સમતોલન જાળવ્યું; અડધાં બહાર લટકેલા ક્લીનર આમ મારા પ્રણિપાતથી વંચિત રહ્યો. ડ્રાઈવરે બસને પાલડી ચાર રસ્તે ઘોડી ચડાવી.

    દરવાજે જ પોંખવા માટે રિક્ષાવાળાની ફોજ ખડી હતી! અવનવા વિસ્તારોના નામ બોલતાં એ મને તેમની રિક્ષામાં સવારી કરવા આહ્વાન કરી રહ્યાં હતાં. સંસદમાં પોતાનું ભાષણ લલકારતા સંસદસભ્ય જેમ વિરોધ પક્ષના આરોપો-હલ્લાની અવગણના કરી પોતાનું વક્તવ્ય ચાલું રાખે એમ મેં પણ આ રિક્ષાવાળાઓનાં ઝુંડની અવહેલના કરી હોસ્ટેલ તરફની ઓતરાદી દિશામાં મોટી લાંઘો ભરવાની ચાલું રાખી. બે-ચાર રિક્ષાવાળા પાછળ આવ્યાં; મેં એને ગણકાર્યા જ નહી. ભૂતકાળનાં અનુભવે મને ખ્યાલ હતો કે આવા પાછળ પડી જતાં રિક્ષાવાળા જ ભાડું ચૂકવવાનાં સમયે ‘કવરાવે’. અમદાવાદ ના રિક્ષાવાળા આમપણ બબાલ કરવા માટે કુખ્યાત! મારું ચાલે તો એક નવાં એવૉર્ડની કૅટેગરી ઊભી કરી; સૌથી ઉપદ્રવી રિક્ષાવાળાને દર વર્ષે એક એવૉર્ડ એનાયત કરું, અને એમાં નિઃસંશય અમદાવાદ ના રિક્ષાવાળા જ મેદાન મારી જાય.

    થોડું ચાલ્યાં પછી જમણી બાજુ એક ચાની લારી દેખાઈ. ઘેરો સન્નાટો ચીરતો હાથમાં થેલા લઈ હું ચાની લારીએ પહોંચ્યો. ત્યાં થોડો કલબલાટ જણાયો. ચાની લારીએ સેડાળો પ્રાયમસ ઠંડીથી ખીજવાઈને ઘૂરક્યા કરતો હતો. એની માથે એક મોટું ટોપિયું ચડાવ્યું હતું. ચામાં નાખેલ આદુ-ઇલાયચીની સોડમ ઊંચે ચડી હવામાં ઘૂમરે ચડી હતી, તેની માદક સુગંધ અલખનો આનંદ આપતી મારી નીંદર બગાડી મને ચા પીવા લલચાવતી હતી. મેં એક કટિંગ ચાનો ઑર્ડર આપ્યો .

    ચાનો કપ લઈ બાજુના ઓટલા પર બેઠો. પોતાની પાળી પૂરી કરી ચાલ્યાં જતા ચંદ્રના રીલીવર તરીકે આકાશમાં સૂરજ ઘોડાની રાશ પછાડતો હાઉકલી કરતો હતો. શિયાળુ આકાશની કૂણી તડકીમાં સૂસવતાં વાયરાનાં ધમપછાડા ચાલુ હતા. ખુલ્લા ગાલ પર અડપલાં કરતો પવન આખા શરીરને ટાઢથી ભરી દેતો હતો. બાલસૂર્યને ય શરદી થઈ જાય એવી ઠંડી પડી રહી હતી. નિતાંત શાંતિમાં સફાઈ કામદારના સાવરણાની પાતળી સળીઓ નઘરોળ ડામરને ગદગદિયાં કરી રહી હતી.

    હું ચાની ચૂસકી લેતો હતો, એટલામાં ત્યાં જ સામે રિક્ષા ઊભી રહી. રિક્ષાના બેઠીદડીના ખડમાંકડી ડ્રાઈવરે મારી સામે જોયું એટલે મેં એની સામે પ્રશ્નસૂચક દ્રષ્ટી કરી. તેનાં ચહેરાની લંબાઈ, પહોળાઈ અખિલ વિશ્વના દેહસૃષ્ટિના એકેય પરિમાણમાં નહોતી આવતી! આવી એની મુખાકૃતિ હતી. વંકાયેલી ભ્રમરો, ગોખલા જેવી આંખો, ચીમળાઈ ગયેલ ગાજર જેવી ચહેરા પરની ચામડી. માથું ઓળ્યા વગરના ઝટિયા જાણે પંખી એ બનાવેલ અડધો માળો! તેણે ગંદું ગોદડું ઓઢ્યું હતું અને તેમાંથી દેખાતા પતલૂનને એ મેચ કરતું હતું. એણે આર્જવપૂર્વક પૂછ્યું કે “ક્યાં જવું છે ?” એનો આવો વિનમ્ર સવાલ મારા માટે નવો નહોતો; મેં ય ‘હોળે હરાવ્યાં હતાં’ અમદાવાદ ના રિક્ષાવાળા પહેલાં આવા કુલીન થવાનો ડોળ કરતાં હોય તે હું ભલીભાતી જાણતો હતો. જો ભાડા અંગેની તકરાર થઈ તો હું તેને પછાડી શકું એવું એનું શરીર સૌષ્ઠવ જોઈ  મેં એને ભાવ આપ્યો.

    “એલ.ડી. હોસ્ટેલ” મેં મીતાક્ષારી બેપરવાહ જવાબ આપી ચાની ચૂસકી મારી.

    તેણે અધમણિયું બગાસું ખાધું. અષાઢી કાળી વાદળીને જોતાં જ કોઈ મોરલો નાચે એમ તેના ચહેરા પર સ્મિત નાચ્યું. તે બેઠાંબેઠાં જ બોલ્યો , “ચાલો બેસી જાવ.”

    “ઉધડા બોયલ, મીટર ભાડે મારે નથ જાવું, સવારના છ વાગી ગ્યા હય્સે તોય તું દોઢું ભાડું માંગીશ. સવારમાં મારે બથોડા નથ લેવાં” આગળના મારા અનુભવ પરથી બોધ લઈ, કાઠિયાવાડી લઢણથી અને કંઈક અંશે મંજાયેલ અમદાવાદીની અદાથી તેના કરતાં બમણું બગાસું ખાઈ મેં ચોપડાવ્યું.

    “વીસ રૂપિયા આપજો,બોણી છે શેઠ.” સુઘરીના માળા જેવા ખભા સુધી વિસ્તરેલ ઓડિયા પર હાથ ફેરવતાં તેણે ઘોઘરા અવાજે બ્રહ્મ વાક્ય કહ્યું.

    “પંદર આપીશ,ને ઈ ય હોસ્ટેલમાં ઠેઠ અંદર મૂકી જાવાનું.” મેં દાવ આવ્યો એટલે સોગઠી મારી. અમદાવાદ સ્થિત એલ.ડી.ની હોસ્ટેલ માથાકૂટ માટે કુખ્યાત હતી. ઘણાય ચમરબંદીને હોસ્ટેલના વિદ્યાર્થીઓએ પગે પાણી ઉતારી દીધા હતાં. આ રિક્ષાવાળા અમદાવાદ આખા ને ભલે ધ્રુજાવતા હોય;પણ એક વખત અમારાં કેમ્પસની અંદર આવી જાય પછી એની ‘વેગળી વ્યાય જાય’ એ મને અને એને બેઉને ખબર હતી એટલે જ મેં આવી ચોખવટ કરી.

    તે રિક્ષાની નીચે ઉતાર્યો. કબરમાંથી કફન સહિત કોઈ મડદું ઊભું થયું હોય તેવો તેનો દેહ હતો. તેણે હકારમાં ડોકું ધુણાવ્યું. હું ચાનો કપ અને પૈસા આપી “આ વખતે નહીં છેતરાવ… હવે તું લાઈનમાં આવ્યો.” એવું સ્વગત બબડી થેલા ચડાવી રિક્ષામાં ગોઠવાયો.

    શીળી હવા અને ઠંડીના લીધે હું હજુ ધ્રૂજતો હતો. રિક્ષાનો આગળનો કાચ તેણે ઓઢેલાં ગોદડાં વડે જ લૂછ્યો. રિક્ષામાં આવી તેણે એક અગરબત્તી પેટાવી; તેના શરીરમાંથી, કપડા અને ગોદડા વાટે ચળાઈને આવતી ખટુંબડી વાસને અગરબત્તીની સોડમે સમતુલિત કરી! સીટમાં ગોઠવાઈ તેણે રિક્ષા ચાલુ કરી. થોડીવારમાં રિક્ષા અડવાણે પગે ( ઘસાયેલ ટાયરે ) અમદાવાદ ના રોડ પર રેવાલ ચાલે દોડવા લાગી. તેણે એક બટન ખેંચીને ટેપ ચાલુ કર્યું. ટેપમાં હેમંત ચૌહાણના સ્વરે ભોજાભગતના ચાબખા રિક્ષામાં રેલાયા. આવી ઠંડીમાં હેમંતભાઈનો સ્વર કોચવાતો લાગ્યો; કદાચ ટેપમાં ખામી હશે! વાગતાં ભજનોના કેફથી ગુલતાન બની, જાણે કોઈ ભગવતીજીવ  ઠાકોરજીનાં મંગળાના દર્શન બંધ થઈ જવાના હોય તેમ ઝડપથી રિક્ષા દોડાવતો હતો. બીજી સવારી આવી સવારમાં વહેલી મળે એવું વિચારતો એનું ચિત્ત ધનભોગમાં ચોટ્યું હતું. રિક્ષામાં ટાઢો પવન ભજનના નાદ સાથે હેલે ચડ્યો હતો. આંતરડાં પેટમાં જ ચોટી જાય એવી ઠંડી મને લાગી રહી હતી. ટાઢથી મારા દાંત ડાકલા વગાડી રહ્યાં હતાં.

    રિક્ષા પુરપાટ વેગે દોડતી હતી. ઠંડી કહે મારું કામ, શાલ ઓઢી પૂરી અદબ ભીડી, બંને ટાંટિયા જાણે એકમેકમાં પ્રવેશી એકાકાર થવા મથતાં હતાં. ગાલ પર ઠંડો પવન વીંઝાતો હતો. કાનની બૂટ ઠંડીગાર બની હતી. નાકમાંથી પાણી વહી જતું હતું, આંખોના પોપચાં નીંદરને કારણે ઢળી જતાં હતાં. પપ્પાએ કહ્યું હતું કે વાંદરા ટોપી પહેરી લેજે પણ સીન વિખાઈ જવાની લાયમાં તેની સલાહ મેં ન માની. રિક્ષા ધીમે ચલાવવાનું કહીશ તો પેલો માનશે નહિ, અલબત્ત ધીમેથી સમય પણ વધુ લાગશે. ઠંડી સમયના સપ્રમાણમાં ચલિત હોય છે એવું મારું ઇજનેરી દિમાગે સ્વઘોષિત કર્યું. બીજું વધુમાં કહું તો જો વળાંક અથવા તો યેનકેન પ્રકારે રિક્ષા મારાં સહિત ગોથું ખાય જાય તો મારા શરીરમાંના ૨૦૬ હાડકાં મારાં કહ્યામાં ન રહે! કેટલાં તૂટે એની વિગત બેચાર દિવસ પછી જ મળે. મૂંઢમાર લાગે તે તો લટકામાં. અને આ મૂંઢમાર અને તૂટેલા હાડકા પણ ઠંડીના સપ્રમાણમાં લવકારા કરે તેનાથી હું ભલી ભાંતિ વિદિત હતો. એટલે જ હું ઠંડીને સહેતો, લપાતો ડાબી બાજુ ઓથ લઈ સરક્યો. મારું માથું ત્યાં જ રિક્ષામા લગાડેલ ફોટામાં ઊપસી આવતી એક નટીને અડ્યું; તેને થોડી હૂંફ મળી એ જોઈ જમણીબાજુની નટી વિસ્ફારિત નયને મારી સામે જોવા લાગી!

    રમરમાટ ચાલતી રિક્ષા થકી મારુ વિઝન બ્લર થયું. ડ્રાઈવર તો  રિક્ષાના ફ્રન્ટ મિરરમાં ધુસવા મથતો હોય તેમ આગળ નમીને રિક્ષાનો કાન આમળી રહ્યો હતો. રિક્ષામાં ચાલતું  હેમંત ચૌહાણજીનું મારુ મનપસંદ ભજન ‘કરમનો સંગાથી રાણા મારુ કોઈ નથી ‘ હું મમળાવતો તાને ચડ્યો. એ જ ભજનની આગળની કળી મારી અને રિક્ષાવાળાની હાલત જોઈ મઠારીને મનમાં બોલ્યો ‘એક ને ઇજનેર બનવાનાં કોડ, ને બીજો ભાડા કરી ખાય’ . તેણે એલ.ડી હોસ્ટેલનાં દરવાજા પાસે બ્રેકમારી. મારી તંદ્રા તૂટી. “આવી ગયુ એલ.ડી. બોસ.” તેણે કહ્યું.

    “આપણે હોસ્ટેલમાં લય લેવાનો વદાડ હતો, જાવા દયો નાક પાધરી…ઠેકાણું આયવે હું આફેડો કયસ.”  ટટ્ટાર થઈ આળસ મરડી મેં કીધું. દૂબળો સિપાહી વાસમાં પૂરો એમ હવે અપૂન કા ઇલાકા શુરુ હુવાં.

    રિક્ષા હોસ્ટેલ કેમ્પસમાં દાખલ થઈ. સૂર્યનો આછેરો તડકો રેલાતો હતો. માનો ખોળો પાથરીને ઊભેલાં હોસ્ટેલનાં વિશાળ વૃક્ષો આખી રાતનાં ભેજથી સ્નાન કરી લીલાછમ લાગતાં હતાં. રાતભર થીજેલું ધુમ્મસ હોસ્ટેલનાં રોમિયોથી શરમાઈને નવોઢાની માફક લપાઈ ગયું હતું. હું આ નિસર્ગને અહોભાવથી નિહાળી રહ્યો. વાંસ એક સૂરજ ચડશે પછી હૈયેહૈયું દળાઈ ઊઠે એવું વાતાવરણ સર્જતાં આ કેમ્પસના એદી, આળસુના પીર વિદ્યાર્થીઓ અત્યારે સોડ તાણી મીઠી નીંદરમાં પોઢેલ હતાં. બુકરડો બોલાવતી ટાઢમાં એકલ દોકલ વ્યાયામપ્રેમી ઝોંકા ખાતાં જોગીંગ કરી રહ્યાં હતાં.

    મેં મારા બ્લૉક પાસે આવી રિક્ષા ઊભી રખાવી. શરીરને સ્વસ્થ કરી રિક્ષા નીચે ઊતરી મારા સંપેતરાં ઊતાર્યા. આળસ મરડી કૂકડો બાંગ પુકારે એમ એક ગગનભેદી અવાજ કર્યો. હું રજા દરમ્યાન આનંદથી ઘેર ગાળેલા દિવસોના એ સમયની સેરમાંથી ઢબૂરાઈને વર્તમાનમાં દાખલ થયો. ખાનાબદોશ જેવી આ જિંદગાની ફરી ચાલું થશે તેવું મનમાં બોલતાં હળવો નિશ્વાસ નાંખ્યો.

    મેં પાકીટ કાઢી દસ-દસની બે નોટો કાઢી, એક ડ્રાઈવરનાં હાથમાં થમાવી બીજી મારી પાસે જ રાખતાં કહ્યું “પાંચ રૂપિયા છૂટા સે ને?”

    “ના નથી વીસ આપી દો ને બોણી જ છે.” વંકાયેલ હોઠે તેનું પોત પ્રકાશ્યું.

    “આપણે પેલા જ સોખવટ કરી તી કે પંદર, તો હવે વીસ હું કામ માગસ ભાય?” મેં ઊંચા સ્વરે ડોળા ફાડીને કહ્યું.

    “અત્યારે છૂટા ક્યાંથી લાવવા, બોણી છે આપી દો ને?” કાયમી ચાવી ચડાવી રાખેલ સંચો ગોઠવ્યો હોય તે રીતે તેનો સનેપાત ચાલું જ રહ્યો.

    જો આ જ રકઝક એલ.ડી હોસ્ટેલની બહાર બની હોત તો આઠ-દસ રિક્ષાવાળા ભેગાં થઈને વીસ રૂપિયા પડાવી જ લેત. તેવી તેની યુનિટી છે; પણ અહી એ સાંકળી ભોણમાં સલવાયો હતો એટલે એને સીધા થયા સિવાય કોઈ છૂટકો નહોતો.

    આ બબાલ ચાલતી હતી ત્યાં જ પારકાને ય જતિ કરે એવો મણીપૂરીયો હૃષ્ટપુષ્ટ મિત્ર નેગી રિક્ષા પાસે આવ્યો. ગળામાંથી જાલિમ ઊબકાં કરતાં અવાજો સાથે હોઠ પર ટુથપેસ્ટની લાલી કરી બાલ્કનીઓમાંથી બે નંગ ડોકાયા. બે જણ બ્રશ કરતાં જ એકીસાથે પૂછી બેઠાં  “શું થયું”  ચાર પાંચ નમૂનાઓ નીંદરમાં વિક્ષેપનો ખાર ઊતારવા નધણિયાત ગાળો ભાંડતાં બારીએથી દેખાયા. રિક્ષા પાસે ય પાંચ-છ જણ આવી પહોચ્યાં. રિક્ષાવાળાની ય યુનિટીને ‘આંટે’ એવી યુનિટી જોઈ ડ્રાઈવર દંગ થયો. આતો સાવજની બોડમાં હાથ નાંખ્યાં જેવું થયું. તેની મુખરેખાઓ સખ્તાઈની મરોડ છોડવા લાગી. એ હોસ્ટેલના વિદ્યાર્થીથી પરિચિત હતો, જાણતો હતો કે “હોસ્ટેલની પ્રજાનો મારવા માટેનો એક જ થંબરુલ છે….કે કોઈ થંબરુલ નહી”. જો બબાલ થશે તો આ બધા ‘લૂગડું હલે ત્યાં સુધી મારશે’. એણે ક્રોધને સમાવીને અનધિકારિક આજીવિકા પર પડદો પાડવાનું જ મુનાસિબ માન્યું. બારખાંડીનો તોબરો ચડાવી, ટકો ખંજોળી અંદરથી છૂટ્ટા પાંચ રૂપિયા મારા હાથ પર ઝીંક્યાં.

    હું હસ્યો અને તેના ખભા પર હાથ મૂકીને કહ્યું “લે એક ભોજા ભગતનું ચાબખું સાંભળતો જા.” આમ કહી મેં ગબડાવ્યું…

     

    ત્રાંબિયા સારુ ત્રાગું કરે ને વળી, કામ ક્રોધના ઊંડા,

    ધન ધુતવા દેશ દેશમાં ફરે, જેમ મલકમાં મુંડા રે…

     

    ગુસ્સાથી ધુંધવાતાં એમણે કહ્યું કે “તમે કહ્યું એટલે મારુ ય એક ચાબખું સાંભળતા જાવ. આમ કહી એક ચાબખું એણે ય સબોડ્યું….

     

    સઘળા શિષ્યને ભેળા કરી ખાય, ખીર ખાંડને પોળી,

    ભોજો ભગત કહે ભવસાગરમાં, બાવે માર્યા બોળી રે

    ભરમાવી દુનિયા ભોળી રે, બાવો ચાલ્યો ભભુત ચોળી રે..

    તેણે વિન-વિન સિચ્યુએશન કરી! આટલું કહી રિક્ષા ચાલુ કરી તે નાઠો. અમે ધર્મક્ષેત્રમાંથી કુરુક્ષેત્રમાં આવતાં માંડ બચ્યાં. હું એને જતાં જોઈ રહ્યો. અમદાવાદ ની એ ઠંડી સવારમાં તેનું ચાબખુ મીઠું ભભરાવેલ હંટર સમું બરાબર મને લાગ્યું હતું; પણ યુવાનીની આ અવસ્થામાં ત્રાજવાંનુ પલ્લું કઈ બાજુ નમ્યું એ જોવાતું હશે? પોતાનામાં જ મસ્ત રહેવું એજ યુવાની! હું ત્યાંથી સામાન લઈ રૂમ તરફ ફર્યો. આ બબાલથી મારામાં ગરમીનો સંચાર થઈ ચૂક્યો હતો.

    હું પાર્કિંગ પસાર કરી દાદર ચડવા લાગ્યો. ચારમાળની ઇમારતમાં મારો રૂમ બીજે મજલે હતો. હું સમાન લઈ ત્યાં પહોંચ્યો. દરવાજાનો આગળિયો ખખડાવ્યો, થોડીવાર પછી દરવાજો ખૂલ્યો, એક અજાણ્યો ચહેરો મારી સામે આંખો ચોળતો પોંખવા ઊભો હતો. એણે ઊંધરેટી આંખે મને પૂછ્યું કે,” કોનું કામ છે?” મેં દરવાજા ઊપરનો રૂમ નંબર ચકાસ્યો, મારી કઈ ભૂલ નથી ને. હું નીંદરમાં ખોટા રૂમમાં તો ઘૂસ્યો નથી ને;પણ રૂમ નંબર સાચો હતો. મારો જ આ રૂમ હતો. અમારો રૂમ કાઠિયાવાડથી અમદાવાદ આવતાં લોકો માટે અલખના ઓટલા સમાન હતો. કોણ ક્યારે આવે ને જાય ખબર જ ના પડે. હું તરત પામી ગયો કે આ જુવાન મારા રૂમ-પાર્ટનરનો કોઈ પરિચિત હશે.

    મારા રૂમમાં હું જ અજ્ઞાત જેવો! અહમ્ બ્રહ્મમાં હું માનતો નથી. દુર્યોધને મારું મારું કરીને જ આખા કુળનું ધનોતપનોત કાઢી નાખ્યું હતું. અને મારે અત્યારે મારી ઊંઘ બગાડવી નહોતી માટે એને મેં સવિસ્તર ન સમજાવતાં એટલું જ કહ્યું કે, “હુઈ જા ભૂરા, હવારે ઊઠીને ઓળખાણ કાઢસુ”

    અમારો રૂમ લગભગ અઢાર ફૂટ લાંબો અને દસ ફૂટ પહોળો હતો. એક બાલ્કની હતી. દરેક દીવાલોમાં સૌની પસંદીદાર માનુનીઓના ફોટા જડેલા હતાં. અમે ત્રણ ઓફિસિયલ મિત્રો આ રૂમમાં રહેતાં. તેમાં ઢેકા કાઢેલા ત્રણ મોટા કબાટ, બે પલંગ અને ત્રણ ટેબલ હતાં આટલી જગ્યા બાદ કરીએ તો પાછળ કહી બચી શકે નહિ. છતાં પણ આવા રૂમમાં સાત જણા આરામથી સૂતા હતાં. હું બધાને પાર કરી ખૂણા પાસેના ટેબલ પાસે પહોંચ્યો. સામાન એક ટેબલ પર મૂક્યો. પલંગ પર સૂતેલા એક જુવાન પાસેથી ગોદડું ખેંચ્યું, બીજાના માથા નીચેથી ઓશીકું. ટેબલ પર લાંબો થઈ આંખ બંધ કરી નિરાંતે સૂતો!

    જગતના સઘળા દુઃખો ભૂલી હું આ કડક પથારી પર આરામથી સૂઈ ગયો…ના વર્તમાનની ચિંતા….ના ભવિષ્ય નો ડર. મજાની લાઇફ….

     

    eછાપું

     

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here